અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૨જો
← અકબરશાહ અને બીરબલ ભાગ-૧લો | અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ અકબરશાહ અને બીરબલ ભાગ-૨જો નવલરામ પંડ્યા |
અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો → |
અકબરશાહ જેવા શાણા પાદશાહના દરબારમાં પણ દરવાનનું આટલું બધું ચલણ જોઈને બીરબલને ઘણું આશ્ચર્ય તથા માઠું લાગ્યું. એણે કહ્યું કે શું રાજ્યશ્રીની તૃષ્ણા રાખનારાઓના નશીબના દરવાજા પણ પાદશાહોએ આવા નીચ દરવાનનેજ સ્વાધીન કરી દીધા છે? આ હિસાબે તો પાદશાહ કરતાં પણ પોળિયાનો અખ્તિયાર પરોપકાર કરવાના કામમાં વધ્યો. શું અકબર પાદશાહ પણ સમજતો નહિ હોય કે દરવાનના હાથમાં આતાલો બધો અખ્તિયાર આપવાથી પોતાના સઘળા સદ્ગુણ રાજ્યને નિરૂપયોગી થઇ પડે છે અને દેશમાં જુલમ અને અંધેર ચાલતાં હોય તેને અટકાવવાને એના હાથમાં કાંઇ પણ સાધન રહેતાં નથી?
નાઉમેદીના પ્રથમ ઉભરામાં આ પ્રમાણે બીરબલે અકબરની બુદ્ધિનો ફિટકાર કર્યો ખરો, પણ જ્યારે જરા શાંત પડી વિચાર કર્યો ત્યારે એણે જોયું કે એમાં કાંઈ એનો વાંક નથી. રાજદરબારમાં એમ થયા વિના રહેજ નહિ. મોટા માણસો પાસે પોતાનો સ્વાર્થ સાધવાને એટલા બધા લોકો આવવાને ઇચ્છેછે કે તેમાં કોની અર્જ સાંભળવા જોગ છે એ પ્રથમ મુકરર કરવાની ઘણી જ જરૂર છે. ઘણો ભાગ ન્યાયને માટે નહિ પણ દયા ઉપજાવી પોતાનું કામ કાઢી લેવાનેજ આવેછે. એથી પણ ઘણા તો મોટાનું ઓળખાણ 'કો કાળે ફળદાયક' છે એમ જાણીનેજ તેની આસપાસ મધમાખીની પેઠે ગણગણ કરવાને સદા ઈંતેરજાર હોયછે. કેટલાકતો ખુદ અન્યાય અને જુલમ કરવાની શક્તિ મેળવવાને અર્થે રાજ દરબારની તૃષ્ણા રાખેછે. કેટલાક તો રાજમૂર્તિના કીરણોમાંજ બેસવું એ પરમ પદાર્થ માનેછે, અને જેમ વાંદરાઓ ચણોઠીના તાપથી મગ્ન રહે છે તેમ તેઓને થાય છે. કેટલાક માત્ર તમાશગીર અને ચુગલીખોરજ હોય છે. માણસમાં અનેક પ્રકારના જે સ્વાભાવ રહેલા છે. તે પ્રતેયક તેને રાજદરબારમાં જવાને ઉશ્કેરેછે, અને એમ ઉશ્કેરાઈને ઉલટી આવેલી ખલકને પાદશાહો એકેકીજ પળ બક્ષે તો બાવા આદમની જીંદગી પણ તે કામને સારૂ બસ થાય નહિ. કાંઈ પણ હદ કરવાની તો જરૂરછેજ. શા કામને માટે આવેછે તે પ્રથમ જાણવું જોઇએ. યોગ્ય કામ વિના આવનારને અટકાવી પાછા વાળવાજ જોઈએ. એ અટકાવનારો સધળા દેશમાં અને સઘળા કાળમાં દરવાનજ છે. યોગ્ય કામે આવનારને પણ અટકાવે તો એ દરવાન ગુન્હેગાર થાયછે, અને સારા પાદશાહો એ બાબતની વખતે વખતે ઘટતી દેખરેખ રાખ્યા જ કરેછે, તે છતાં પણ એ અખ્તિયાર એવડો મોટોછે કે દરવાનો ઘણું કરીને તેનો ખોટો ઉપયોગ કરી પોતાનું ઘર ભર્યાવિના રહેતા નથી. રાજદરબારમાંથી વહી જતી રાજ્યલક્ષ્મીને અટકાવવાને એને બારણે બેસાડ્યો છે પણ તેની એક શેર તે પોઇતાના ઘરમાંજ વાળેછે, અને ત્યાં રેલછેલ થઇ રહેછે. પણ એ શેર એવડી નાની છે અને રાજદરબારમાં એની મહેરથી જે જવા પામેછે તેનાં ભાગ્ય એટલાં બધાં ઉઘડી જાયછે કે તેઓએ જે દરવાનને દસ્તુરી આપી હોયછે તેની ફરીઆદ પાદશાહને કાને ક્વચિતજ જવા પામે છે. એથી અર્જદાર, દરવાન, અને પાદશાહ એ ત્રણેની સુગમતા સચવાય છે, અને જ્યાં સુધી ઇનસાફનાં બારણાં ઉઘાડાં રહે છે ત્યાં સુધી કોઈને પણ કાંઇ પોકાર ઉઠાવવાનું અસરકારક કારણ મળતું નથી. જ્યારે અદાલતને દરવાજે પણ રૂસ્વતખોર દરવાનનો હાથ અડકે છે ત્યારે ઘણીજ ખરાબી થાય છે. અને તેથી હિંદુસ્તાનમાં જે મોટા રાજાઓ તથા પાદશાહો થઇ ગયા છે તે આ બાબત તો ઘણીજ કાળજી રાખતા હતા. લોકપર પડતા જુલમ જાણવા અને રંકમાં રંકની ફરિઆદ પણ પોતાને કાને આવે તેને માટે તરેહ તરેહની યુક્તિઓ તથા ગોઠવણ કરતા હતા. કોઇ વેશ બદલી નગરચર્ચા જોવા નીકળતા, કોઇ ખાનગી અનુચર રાખતા, કોઇ મહેલની નીચે રાહદારીઓને સારૂ ઘંટજ ટંકાવી રાખતા, અને કોઇ અદાલતનાં બારણાં રાતને દહાડો વગર દરવાને ઉઘાડાંજ રાખતા હતા.
અકબર બાદશાહનો એવો ધારો હતો કે રોજ સવારમાં ઉઠીને કલાક બે કલાક મહેલને ઝરૂખે બેસવું, અને ત્યાં જે કોઇ પોકાર કરતું આવે તેની ફરિયાદ સાંભળવી. એ ઝરૂખાની નીચે ધોરી રાજમાર્ગ હતો. ગાડી ઘોડાને એ રસ્તે જવા દેતા નહિ; પણ સઘળા રાહદારીઓને જવાની સંપૂર્ણ છૂટ હતી એટલું જ નહિ પણ વચગાળે સોનાની છડી લઈને નેકીદાર ઉભા રહેતા તે સૌકોને પોકારીને કહેતા "अकबरशाह धर्मासन पर बिरजमान हुवेहै ! जिस्को कुच्छ फरियाद होवे उस्को वहां बुलाते है शाह व शाहुकार, बजीर वा दिवान, नवाब या सुबा, अमीर वा ऊमराव, किसीकाही जुल्म होवे तो निडर होके आओ और कहो. अदलके कांटेमें सभी समान है." એ રસ્તાને બંને છેડે ચોકી ઓ હતી ત્યાં વાજીંત્રોમાં એવાજ અર્થના બોલ ગવાતા, અને તે સાંભળી શહેરમાં ચોકીએ ચોકીએ એવો નાદ ઉઠી રહ્યાથી પ્રાણી માત્રને ખબર પડતી હતી કે અકબરશાહ ઇનસાફની ગાદીએ બિરાજમાન થયાં છે. જે લોકોને કાંઈ પણ ફરિઆદ કરવાનું હોય તે સવારમાં તૈયાર થઇને એ રાજ મહેલના ઝરૂખા નીચે આવીને અગાઉથી બેસી રહેતા અને જ્યારે પાદશાહ ત્યાં પધારતા ત્યારે નમસ્કાર કરી "ફરિઆદ", "ફરિઆદ", એમ પોકારતા કે તુર્ત પાદશાહ તેમને પોતાની રૂબરૂ બોલાવતો. કોઇની પણ તાગાદ નહિ કે એ માર્ગે આવનારને અટકાવી શકે, કેમકે ઝરૂખામાંથી પાદશાહની નજર અધ અધ ગાંવ સુધી બે તરફ પહોંચે એવો તે માર્ગ સીધો હતો, અને પાદશાહની એ બાબતની એવી સખ્તી હતી કે રાહદારીને અટકાવવાનો વિચાર સ્વપ્નામાં પણ કોઈને થતો નહિ. આ વેળા સૌ કોને મોટામાં મોટા અધિકારી ઉપર પણા ફરિઆદ કરવાને છૂટ હતી. પોતાથી પણ જાણે અજાણે કાંઈ અન્યાય થઈ ગયો હોય તો તે બાબતની પણ ફરિઆદ વધારે ખૂશીની સાથે સાંભળતો. ઈનસાફ કરવામાં પોતાના સગા છોકરાની પણ ખાતર રાખતો નહિ. સઘળી હકીકત પોતેજ સાંભળતો, પોતેજ તપાસ કરતો, અને પોતજ એક ઘડીમાં ઈનસાફ આપતો. એ વેળા કોઈ પણ મહેતા મુત્સદ્દીને પાસે રાખતો નહિ. કોઈ પણે કામદાર ઉપર ફરિયાદ આવી કે તેને તુર્તજ ત્યાં પકડી મંગાવતો અને ગુન્હેગાર જણાયો કે તેને ત્યાં ને ત્યાંજ ઘટતી સજાએ પહોંચાડતો. એક કહીએ તો પણ ચાલે કે અકબર બાદશાહની એ ઊંચામાં ઊંચી એપેલેટ કોર્ટ હતી પણ ફેર એટલો કે ત્યાં અપીલ કરવામાં કોડીનો ખરચ થતો નહિ. જુલમ કરનાર નીચલા અધિકારીની માર્ફતે ફરિઆદ લાવવી પડતી નહિ, અને ઈનસાફ તાત્કાળિક અને અસરકારક મળતો. ટુંકાંમાં એ હાલના જેવું સુધારેલું નહિ પણ સાદું અને સ્વાભાવિક ઈનસાફનું સ્થળ હતું, અને તેનું નામ સાંભળીજ સઘળા કામદારો પાંશરા દોર થઈ ગયા હતા.
ખાનબાબા પાસેથી રાજની લગામ પોતાના હાથમાં લીધી તેને બીજે દિવસથીજ અકબરે રૂબરૂ ઇનસાફની આવી રીત કહાડી હતી, અને ત્યાં એવા નિષ્પક્ષપાતપણે ન્યાય કરતો કે સઘળા અધિકારીઓ પોતાની દુષ્ટતા ભૂલી ગયા હતા. અને દેશમાં તેમના ઈનસાફ પણ વખણાવવા લાગ્યા હતા. કેટલેક વર્ષ અકબરબાદશાહનું ઝરૂખે બેસવું માત્ર નામનું જ થઈ રહ્યું. એના કામદારોની માર્ફત ગેરઈનસાફ મળે ત્યારે જ કોઈ દરબારમાં ફરિઆદ કરવા આવે કેની? તો પણ પાદશાહ કદી પણ એ પદ્ધતિમાં ફેર પડવા દેતો નહિ. અને કહેતો કે દરરોજ વાંજીત્રોમાં ઈનસાફની બાંગ પોકારાય છે તે નિમાજની બાંગ કરતાં પણ અલ્લાને વધારે પ્યારી છે.
આ રિવાજ મુજબ એકા દહાડો અકબર બાદશાહ નાહી ધોઈ નિર્મળ પણ સાદાં વસ્ત્ર પહેરી તથા હજારો પાદશાહી ઉભી કરે એવા હીરાનો એક જ હાર કોટમાં ઘાલી ઝરૂખે સવારમાં બેઠો હતો. સૂર્યોદય તુર્તજ થયો હતો, અને એ તર્ફ સાનંદાશ્ચર્યથી જોઈ રહ્યો હતો. ઝરૂખામાં બંને બાજુ બાદશાહની આસપાસ સો સો સિપાઈઓ ઉભા છે. તેમની ઉઘાડી તરવારો ઉપર સૂર્યનાં કિરણ પડવાથી એવો તો તેજનો અંબાર છવાઈ રહ્યો છે કે તેમાં બાદશાહનું પ્રતાપી મુખ સૂર્યના જેવુંજ પ્રકાશી રહ્યું છે. નીચે મહેલના નવરંગો ઝળકારા મારી રહ્યા છે. અને સામેના બાગમાંથી ઘણી જ સુંદર સુગંધ બહેકી રહીછે, દૂરથી વાજીંત્રોના મધુર સ્વર આવી કાનને અમૃતપાન કરાવે છે. ફરસ બંધી કરેલા રાજમાર્ગા ઉપર પાછલી રાતના ગુલાબના છંટકાવ કરી મૂક્યા છે, તેની જે લહેર આવે છે તેથી રાહદારીઓ સ્વર્ગનું સૂખા અનુભવેછે. મહેલ આગળથી હજારો માણસ જા આવ કરે છે પણ પગરવ સરખો પાન સંભળાતો નથી–જાણે પોતાનો નિર્મળ પ્રતાપ સૂર્યની સાથે સરખાવવામાં ગુંથાએલા ઈનસાફી પાદશાહને હરકત ન કરવી એવો સઘળી પ્રજાએ સંપજ કર્યો હોય. એવી રીતે લીલા જામી રહી છે. તેવામાં ત્યાં એક જોગી આવી પહોંચ્યો. તેને સર્વાંગે ભસ્મ લગાવી છે, એક લંગોટી જ વાળી છે, ખાંધે એક ફૂટેલું તુંબડું અને સો થીગડાની એક ગોદડી લટકાવી છે, હાથમાં એક ત્રિશૂળ પકડ્યું છે, કપાળે સિંદૂરનું તિલક કર્યું છે, અને આંખો ફાટેલી ભયંકર દેખાય છે. જેવો તે ઝરૂખાની સામે ફર્યાદીને ઓટલે ચડીને ઉભો કે ત્યાં બે સિપાઈ ઉભા હતા એમને કહ્યું કે જો ફરિયાદ હોય તો “ફરિયાદ હૈ, ફરિયાદ હૈ” એમ પોકાર કરો કે પાદશાહ તમને તર્ત ઉપર બોલાવશે. તે સાંભળી ફકીરીરાગે તે નીચે પ્રમાણે લલકારી બોલ્યો:-
એના મોંમાંથી “ફિરયાદ” શબ્દ પૂરો નીકળી નહોતો રહ્યો એટલામાં તો અકબરે શાન કરી તે ઉપરથી ચાર હજુરીઆઓ એને ઉપર બોલાવવાને દોડ્યા. પણ એટલામાં એ ફકીરે તો પાદશાહની સામી નજર મળી કે સલામ કરી ચાલવા માંડયું અને ચાલતાં ચાલતાં નીચે પ્રમાણે પોકારાતો ગયો:-
અકબર બાદશાહને આ ચાલ ઘણી નવાઇ જેવી લાગી. તેથી એને તેડી લાવવાને બીજા ચાર જણને દોડાવ્યા. તેઓ એને આદરસત્કાર અને કાંઈ બળાત્કારથી એક ક્ષણમાં ઉપર લઇ આવ્યા. એ જોગી રડતો કકળતો અને આક્રંદ કરતો હજૂરમાં આવ્યો, અને પોકારીને વિનવવા લાગ્યો કે પાદશાહ, માફ કર, અને મને મારે માર્ગે જવા દે. હું ભૂલ્યો. હવે હું ફરીથી ફરિયાદ કરવા આવીશ નહિ. પાદશાહે કહ્યું કે એમ શા માટે ? મારામાં શું દીઠું કે તું ફરિયાદ કરવા આવેલો તે પાછો જતો રહે છે? એણે જવાબ વાળ્યો કે મહારાજ, શા વાસ્તે ચતુરાઇ કરો છો ? હું તમારી સઘળી ચતુરાઇ સમજી ગયો છું. તમે “फिरयाद है, फिरयाद है.” એમ જ બોલાવો છો તેનો શું હું અર્થ નથી સમજતો? એનો અર્થ ખુલ્લો જ છે કે મૂર્ખા, તું ફરિયાદ કરવા તો મોટાની ઉપર નીકળ્યો છે પણ તારૂં પછીથી શું થશે તે તને યાદ છે? પાદશાહ આ સાંભળી હસ્યો અને વિચાર કરવા લાગ્યો કે આ માણસ કોઇ છેક ગમારજ છે કે બહુ ચતુર છે, પણ જોઊં બીજી સતરનો માઈનો શો કરે છે. બાદશાહે કહ્યું, એ તો ઠીક, પણ ત્યારે, “यह दाद है, यह दाद है.” એમ શા માટે તું પોકારતો ગયો. જો તારી સમાજ પ્રમાણે હું ફરિયાદ સાંભળતો નથી તો તો તારે “नहीं दाद है, नहीं दाद है.” એમ કહેવું જોઈતું હતું. મહારાજ, મેં વિચાર કર્યો કે પાદશાહ ફરિયાદી પાસે “फिरयाद है, फिरयाद है.” એમ શામાટે બોલાવતો હશે. ફરિયાદ તો દુનીયામાં હજારો છેજ તો, પણ જો તે સાંભળી ન્યાય કરવાની એની ઇચ્છા હોય તો એણે ફરિયાદી પાસે કાંઇ પણ બોલાવવાને બદલે પોતે જ “यह दाद है, यह दाद है.” એમ બોલાવવું જોઈએ. આ સાંભળી પાદશાહ પ્રસન્ન થયો અને જાણ્યું કે આ કોઇ વિલક્ષણ પુરુષ જણાયછે. એ ફકીર કે વેરાગીનું બોલવું ન હોય. તેથી પુછ્યું કે તમે જાતે કોણ છો અને તમારા ઉપર શો જુલમ ગુજર્યો કે આ પ્રમાણે ફકીરી લેવી પડી. જવાબમાં એણે નીચલો દૂહો કહ્યો :-
પાદશાહે ગુસ્સે થઈ કહ્યું કે કોની તાકાદ છે કે મારા રાજમાં આ પ્રમાણે જુલમ કરી શકે! તે ઝવેરીનું નામ દે. હમણાં હું તેને સજાએ પહોંચાડું છું. એણે પગે લાગી કરગરીને કહયું કે મહારાજ, એ વાત જવાદો. નામ દીધાથી હું માર્યો જઇશ. તમે ગમે એટલું કહો છો પણ નામ સાંભળશો કે મને તુર્ત શૂળીએ ચઢાવશો. આખરે આગ્રહ કર્યો, કાંઈ પણ ન ગુસ્સે થવાની પ્રતિજ્ઞા લીધી અને તે છતાં જો તું નામ નહિ દે તો તને ગુન્હો છુપાવનાર જાણી તુર્તજ મારી નાખીશ. જેવા જુસ્સાથી પાદશાહે પૂછ્યું તેવા જુસ્સાથી એણે પણ કહ્યું: