અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો

← અકબરશાહ અને બીરબલ ભાગ-૨જો અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૪થો →



અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો

"તું લાખ રૂપિઆનો હીરો ક્યાંથી લાવ્યો, મારે ત્યાં ક્યારે વેચવા આવ્યો હતો, અને તે કોણે છિનવી લીધો", તે બોલ. અકબરશાહનાં આવાં વચન સાંભળી બીરબલે વિચાર્યું કે હવે મારી સઘળી ચતુરાઈ વાપરવાનો સમય આવ્યો છે, કેમકે ચતુર વાંચનારે ક્યારનું જોયું તો હશે કે આ જોગી વેશે બીરબલ બાદશાહની હજુરમાં ભીડ્યો હતો. ખરી મુસલમાનોની શાનથી ઘૂંટણીએ પડી સફાઈ ભરેલી અદબ અને નમ્રતાની સાથે એ નીચે પ્રમાણે બોલવા લાગ્યો:-

ખલકના માબાપ, તારા જબરદસ્ત પાદશાહી મિજાજને જરાવાર સબુરીનું મ્યાન કરી તારા ગુલામના ગુલામની હકીકત સાંભળ. આદમની ઓલાદનો એવો કોણછે કે તારી આગળ જરા જૂઠું બોલવાની હિંમત ચલાવી શકે? મેં જે કહ્યું તેમાં એક હર્ફ ખોટો નથી. પણ તે સમજવામાં ભેદ છે. પૃથ્વીપતે, તારાથી અજાણ્યું નથી કે જગતમાં હીરા ઘણી જાતના થાય છે.

झौरीका हीरा हीरा, कविका हीरा कवंन;
तरुनी हीरा तन अरु, पद्मिनी मन पावंन.

એટલે ઝવેરી નો ધંધો કરાવનારને ઘણી કમાઇ કરાવનાર હીરોછે, તેમ કવિનો હીરો તે તેની કવિતાછે, તરૂણીનો હીરો તેનું તન, અને પદ્મિનીસ્ત્રીનો હિરો તેનું પવિત્ર મન એજ છે. એ જુદી વસ્તુ વડે તે પ્રત્યેકની મોટાઇ ટકી રહેલીછે અને તે જવાથી તે છેક નિર્માલ્ય અને તુચ્છ થઈ જાય છે. કદાપિ કોઈ કહેશે કે એમ છે તોપણ હિરા સિવાય બીજી કોઈ ઉપલી વસ્તુની લાખો રૂપિઆ કિંમત કાંઈ ઉપજતી નથી, તો તેણે જાણવું કે એ તેની મોટી ભૂલછે. વસ્તુનો જે ગ્રાહક છે તેની આગળ તે વસ્તુજ પોસાયછે, અને બીજીની કોડી પણ ઉપજતી નથી. બધાજ રત્નના ગ્રાહક હોયછે એમ કાંઈ નથી.

गोरी ग्राहक रत्नकी, गुनग्राहक राजान;
कविता ग्राहक को रसिक, भूपति भोजसमान.

જરીઆનને જવાહિર ગમે તે લે પણ તેની ખરેખરી ગ્રાહક સ્ત્રીજ છે. પુરુષ લે છે તોપણ તે સ્ત્રીઓને માટેજ. જો જગતમાં સ્ત્રીઓ ન હોય તો કાલે જરીઆન જવાહીરનો કોઈ પણ ભાવ પૂછે નહિ. તેમજ વિદ્યાકળા વગેરે જે કાંઈ ગુણછે તેના ગ્રાહક રાજાલોક્છે, કેમકે તેના રાજના રક્ષણને અર્થે એ વિદ્યાકળાની જરૂરછે. હાલ અમારી હિંદુ વિદ્યાકળાઓ નાશ થઈ જવા આવીછે કેમકે અમારા હિંદુ રાજ્યો થોડાંજ રહ્યાંછે. આપ રાજનીતિના જાણવાવાળા છો તો તેનો ખંતથી સંગ્રહ કરોછોજ, અને તેનાં રૂડાં ફળ આપ જુઓછો, તથા હવે પછી જોશો, ગુણીઓનો સંગ્રહ કરવો એમાં રાજનો સ્વાર્થછે. જે રાજા પોતાના જાતભાઈ જાણી તેના ગુણ સામું ન જોતાં તેનાજ હાથમાં સત્તા સ્વાધીન કરેછે તે વાંદરના હાથમાં સુકાન સોંપેછે. એ વાહાણ ડૂબવાનેજ સર્જ્યુંછે. અર્થાત સ્વાભાવિક રીતેજ "ગુણગ્રાહક રાજાન" છે. પણ કવિતા રૂપી જે અમૂલ્ય હીરો અને ગુણનો ગુણ તેના તો ગ્રાહક ભોજરાજાના જેવા રસિક ભૂપતિઓજ કોઈ સમે નીકળી આવે છે. આપની ખ્યાતિ તેવીછે અને તેથીજ હું અહિંયાં ધાઇને આવ્યો હતો. પણ મહારાજ, હું ધરાયો, અને આપ પણ મારા લવારાથી ધરાઈ ગયા હશો, કેમકે મારી હકીકત તો કહેવી હજી બાકીજ રહી ગઇછે; અને તે કહેતાં મારાથી મિજલસી રીતનું મીઠું બોલવું પણ થઈ શકે એમ ભાસતું નથી. માટે મારો ગુન્હો માફ કરો અને મને મારે માર્ગે જવાની રજા આપો તો મોટી મહેરબાની થાય.

ઉપલી વાણીથી બાદશાહને રસ લાગ્યો હતો અને તેથી તે એને હવે રજા આપે એમ હતું નહિ. આ બધું તૂત ઉભું કીધુંછે અને મારી હજુરમાં આવવાની કોઈ કવિ તજવીજ કરે છે એમ તો અકબરને ક્યારની સમજ પડી ગઈ હતી. પણ જોઈએ કેવી તજવીજથી એના બોલ એ સાચા પાડે છે એમ વિચારી ક્રોધનો ડોળ કરી એણે કહ્યું કે "જાય ક્યાં? ક્હ્યુંછે તે બધુ પુરવાર કરી આપ". તે ઉપરથી "જેવી જહાપનાહની ઈચ્છા" એમ કહી બીરબલે પોતાનું બોલવું જારી રાખ્યું, કેમકે એ તુર્ત ચેતી ગયો કે રાજા એના અંત:કરણમાં રીઝ્યો છે.

સાહેબ, હું જાતે ગરીબ બ્રાહ્મણછું. મેં મારી નિર્ધનતા ટાળવાને સારૂ એક મને અગીયાર વરસ સુધી સરસ્વતીની રાત દહાડો સેવના કરી, અને બારમું વરસ બેઠું ત્યારે મને સ્વપ્નામાં તેના દર્શન થવાં લાગ્યાં. પણ તેથી હું ધરાયો નહિ અને બારે વર્ષ તપશ્ચર્યામાંજ ગાળ્યાં. ત્યારે તેણે પ્રસન્ન થઈ મને સાક્ષાત્ દર્શન દીધાં અને પોતાના સ્વહસ્તે લખેલું એક ભોજપત્ર આપી કહ્યું કે "આ લે અને સુખી થા. એમાંના દરેક દોહાની લાખ રૂપિયા કિંમત છે. પણ તું રાજદરબારમાં જવાનો હોય ત્યારેજ એ વાંચજે, અને એક દરબારમાં ગમે તે કરે તોપણ એક કરતાં વધારે દોહરો પ્રગટ કરતો નહિ." આ આજ્ઞા હું માથે ચડાવી હરખાતો હરખાતો રાજયાત્રાએ નીકળ્યો, કેમકે જેનાં જ્યાં બજાર હોય ત્યાં તે ચીજ ખપે, ગામડામાં બેસી રહે હીરા મોટી ખપતાં નથી.

हिरा गिराकी गंठड़ी, गमारमे मत खोल;
झौरी बिन कौरी न मिले, कौस्तुभकामी मोल.

હીરા રૂપી ગિરા નામ શબ્દની ગાંઠડી ગામડીઆ લોકમાં તું કદી પણ ખોલતો નહિ, કૌસ્તુભ સરખો અમૂલ્ય મણિ હોય તો પણ ઝવેરી વિના તેની કિંમત એક કોડી પણ મળતી નથી. વળી કોઇએ એમ પણ કહ્યું છે કે:

हथ्थी हीरा काव्य है ? दे जाके दरबार;
मा कर मूल अमूलका, मूल न मिले बझार.

પૂછે છે કે તારા પાસે હાથી છે? તારી પાસે હીરા છે ? કાવ્ય છે ? જો એ ત્રણમાંની કોઈ પણ વસ્તુ હોય તો દરબારમાં જઇને આપી આવ. પેલો પૂછે છે કે કિંમત ઠેરવ્યા વિના આવી અમૂલ્ય વસ્તુઓ એમને એમ કેમ આપી અવાય? પેલો અનુભવી કવિ કહેછે કે ગાંડા, જો અમૂલ્ય છે તો તેનું મૂલ કરવાનો શા માટે વિચાર કરેછે? એમ કર્યાથી તેનું માન ઘટે છે. માટે એતો દરબારમાં જઇને અણબોલ્યો આપીજ આવ. એ અમૂલ્ય વસ્તુઓ ત્યાંજ શોભે અને તેજ તેની કિંમત જાણે. એને તું બજારમાં દુકાન માંડીને હીંગની પેઠે વેચવા બેશીશ તો કાંઇ પણ કિંમત ઉપજનાર નથી એ વાત પણ યાદ રાખજે.

એ પ્રમાણે વિચાર કરી રાજસ્થાન તર્ફ જવા હું મારે ગામથી નીકળ્યો. પણ મેં વિચાર્યું કે હાલને સમે અકબરશાહ ચક્રવર્તી કહેવાય છે તેથી પ્રથમ ત્યાં જવુંજ લાઝિમ છે. એમ વિચારી હું દિલ્હી તર્ફ વળ્યો અને વાટમાં આપની તારીફ સાંભળી કે હું મારા મનમાં ત્યાંથીજ પોતાને લક્ષાધિપતિ થઇ ગએલો ગણવા લાગ્યો. પણ અહિંયાં આવ્યા પછી તો સમજવા લાગ્યો. દૂરથી ડુંગર રળીયામણા જેવું થયું. આપનો દરવાન દરબારમાં પેસવા દે નહિ અને આપને ભંડારમાંથી લાખ રૂપિયા કાઢવા પડે નહિ. યુક્તિ તો બહુ સારી. હુંજ મુર્ખ કે રાજસ્થાન મૂકી આણી તર્ફ આવ્યો. આપ ગમે એવા ચતુર અને વિદ્યાના પોશિંદા હો તથાપિ અન્ય ધર્મી અને અન્ય ભાષાના બોલનાર તમારાથી તે બે લીટીના લાખ રૂપિયા એક કાફર હિંદુને અપાય? એતો દાનવીર ક્ષત્રીઓનાં કામ ! તે છતાં આટલેથીજ હું સમજીને પાછો ગયો હોત તો કાંઇ હરકત નહોતી. પણ મેં મૂર્ખાએ સરસ્વતીની આજ્ઞા ઉલ્લંઘન કરી વગર ગ્રાહકે તેમાંનો એક દૂહો દરવાનને આપ્યો, ને કહ્યું કે જા પાદશાહને આપી આવ. પણ અગાઉથી ચેતવી મૂકેલો આપનો દ્વારપાળ તે કેમ ચૂકે? તેણે ફાડીને તેના કડકા કરી નાખ્યા અને હું રડતો રહ્યો. તે દૂહો મેં બરાબર ગોખી રાખ્યો હોત તો પણ ઠીક.

અકબર બાદશાહ ક્રોધ કરીને બોલ્યા કે એવા ઠગારા તો મેં બહુ દીઠાછે. એવા ફેલથી હું ઠગવાનો નથી. તારું એક કાગળનું ચીંથરું ફાડી નાખ્યું તેને માટે તું મારી પાસેથી લાખ રૂપિયા કઢાવવાની તજવીજ લાવ્યો છે કે શું ? એમાં જે દૂહો હતો તે જાણ્યા પછી યોગ્ય હોત તો લાખના બે લાખ આપત. બીરબલે ધીટપણે ઉતર વળ્યો કે "જનાહપનાહ, એ સબબને લીધેજ હું મારા નશીબને રોઊછું કની? જો તે દૂહો બધો યાદ હોયતો અહિંયાં નહિતો બીજે કોઈ ઠેકાણે પણ એના દમ ઉપજતજ. પણ આ તો મેં મારો લાખ રૂપિઆનો હીરો ગુમાવ્યો! છક્કડ મારીને છીનવી લીધો! ઝવેરી ખરેખરો દગાબાજ મળ્યો! હવે જોગ નહિં લઉં તો બીજું શું કરું? માટે મહારાજ રામ રામ, તસ્દી માફ કરજો."એમ કહી જવાની તૈયારી કરેછે અને એટલામાં જાણે કાંઇ સાંભરી આવ્યું હોય તેમ બોલી ઉઠ્યો કે તે છતાં મને તેનાં ત્રણ ચરણ તો યાદછે. ત્યારે તો, અકબર બાદશાહે કહ્યું, કે એનું ચોથું ચરણ મારા કવિમંડળમાંથી કોઈ પણ પૂર્ણ કરી આપશે અને પછી અમે જા, તારું મનરંજન કરીશું. બોલ તે ત્રણ ચરણ તો કહે. હસીને બીરબલે કહ્યું કે સરસ્વતીના શ્લોકનું પાદપૂરણ કરવાને કોણ સમર્થ છે? તે છતાં જોઇએ માનો પૂત એવો કોઇ તમારા દરબારમાં વસે છે, કેમકે ચોથું ચરણ હું ભૂલી ગયોછું તે છતાં કોઈ કહેશે ત્યારે તો મને યાદ આવશે ખરું. માટે લ્યો, ભલે, તમારા કવિઓની ચતુરાઇ તો જોઉં. એના ત્રણ ચરણ આ પ્રમાણે છે.

अहोरात्र जागृत खड़े, मम रक्षक महाशक्त;
यौ कह सुखे सुवे सदा, -