અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો

← અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો →


અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો

એક સમે બાદશાહની પાસે બપોરની વેળા ખાસમંડળ બેઠું હતું. તાપ બહુ હતો, કેમકે અશાડ માહનો અધવાર્યો તોએ વર્ષાદ આવ્યો નહોતો. એ તાપને લીધે બધાનું મન કોઇ વાતમાં બરાબર લાગે નહિ, તેથી બાદશાહે કહ્યું કે, આજ તો કોઇ આ બપોરના તાપ વિષેજ કાંઇ કવિતા કરો.

એવામાં કોઇ દૂરના મુલકનો ગામડીઓ ત્યાં આવી પહોંચ્યો. તે પોતાના મુલકના રાજા સામે ફરિયદ કરવા દિલ્હી સુધી આવ્યો હતો. તેણે જાહેર કર્યું કે "સાહેબ, અમારૂં ગામ મૂળથી એને તાબે નથી અને બાપીકાં તો એના બીજાં પણ અમારા મુલકમાં થોડાંજ છે. અમે એના ઇનસાફની કીર્તિ ઘણી સાંભળી કોઇક ચોઘડીએ કબૂલ થયા કે તમને અમારા રાજા પ્રમાણે ગણીશું. બીજા ગામવાળા પણ એમજ સમજી ધીમે ધીમે એને શરણ થયા. બાકી, અસલ અમારાં સ્વતંત્ર મહેવાસી ગામડાં હતાં, પણ અમે વિચાર્યું કે નકામા એક બીજા સાથે લડી મરીએ છૈએ તે એક ધણી કરીએ તો ન થાય. પ્રથમ તો અમારા ધારવા પ્રમાણેજ અમને સુખ મળ્યું, અને અમે ઠાકરડાંએ પોતાનો અધિકાર છોડી દીધો તેને માટે પસ્તાવાનું કાંઇ પણ બન્યું નહિ, પણ હવે તો તે અમને તથા બધી રૈયતને તોબા પોકરાવે છે, ને એ રીતે કહે છે કે તમે મારી સમશેરના ગુલામ છો". એતો પોતાની હકીકત બહુ લંબાવવા જતો હતો, પણ અકબરશાહે કહ્યું કે સમજ્યો. કાલ સવારે એક સરદાર લશ્કર લઇને તારી જોડે આવશે, એમ કહી તેને વિદાય કરી બોલ્યો કે આ રાજા રાજનીતિમાં કુશળ પણ કાચો જણાય છે. રાજ મેળવવામાં અને જાળવવામાં બંનેમાં પ્રીતિ અને ઇનસાફની જરૂર છે. જૂલમથી ક્યારે પણ સારૂં ફળ મળતું નથી.

વારૂ, હવે કવિતાતરંગ ચલાવો.

ત્યારે રાજા તોડરમલ્લ બોલ્યા કે આ ગામડીઆ પટેલની હકીકત પણ એ કવિતામાં આવે તો ઠીક. કોઇ જુવાન અમીરે કહ્યું કે મોહોબતવિના તે શાહેરી શી ? આ સાંભળી બાદશાહે કહ્યું કે, આ તો ત્રણ અર્થની કવિતા કરવી પડે એવું કામ થઇ પડ્યું છે.

તે ઉપરથી જરાક વિચાર કરી બીરબલે નીચે પ્રમાણે એકજ દોહરો કહ્યો. અને પછી ઘણી નમ્રતાની સાથે કહ્યું કે ભુલચૂક હશે તો પંડિતરાજ સુધારશે.

कैसा कोमल प्रथमथा ? अब क्यों ऐसा क्रूर ?
में पूजके मस्तक धरा, यही गुना हैं सुर !

જગન્નાથે કહ્યું, સાબાશ છે, બીરબલ, શાબાસ. જે સ્થળે ક્લિષ્ટતા એ દોષ ગણાય નહિ ત્યાં પણ તેં પ્રાસાદિકજ કવિતા કરી. બાદશાહે કહ્યું, રાજા ને સ્ત્રી વિષેના અર્થ તો બરોબર સમજાયા, પણ બપોર વિષે કાંઇ ગુંચવણ રહે છે તે સમજાવો તો ઠીક. તે કરતાં ત્રણે અર્થજ કરો કે કોઇને કાંઇ ભ્રાંતિ રહી જાય નહિ.

તે ઉપરથી પંડિતરાજ બોલ્યા કે પ્રથમ કોમળ અને પછીથી ક્રૂર થયેલા રાજા વિષે તો અર્થ સ્પષ્ટ છે, કેમકે તેની હકીકત પેલા ગામડીઆએ સઘળી બધાના દેખતાં જાહેર કરી છે. હવે હું એ બીજા બે અર્થના પ્રસંગ કહું છું તે સાંભળો. એ ગામડીઆના જેવોજ કોઇ બ્રાહ્મણ સવારે ખેતરમાં જતો હશે. વાટે નદી આગળ સૂર્યોદય થયો તેથી ત્યાંજ સંધ્યાવંદન કરી લીધું. પછી ખેતરે જઇ કામે મંડ્યો. એમ કરતાં બપોર થવા આવ્યા. ઉન્હાળાના આજના જેવાજ દહાડા, જમીન ખરી ખાંગડ થઈ ગએલી, ખેતરમાં લીલું તરણું પણ મળે નહિ, જ્યાં જોય ત્યાં આંખે ઝાંઝવાં વળે, અને માથા ઊપર ખરા બપોરનો સૂરજ તપી રહેલો. તેથી તે છેક કંટાળી ગયો અને સૂર્યને કહેવા લાગ્યો કે "તમે સવારમાં કેવા કોમળ હતા અને હમણા આટલા બધા કરડા કેમ થઇ ગયા છો ? મ્હેં તમારો કાંઇપણ અપરાધ કર્યો નથી. મારા નિત્યમાં હું કાંઈ ચૂક્યો નથી, પણ ભૂલ્યો ! એજ મારો અપરાધ કે મ્હેં તમારૂં પૂજન કરી માગી લીધું કે તમે મારે માથે સદા બિરાજમાન રહેજો, તેથી જ તમે મારે માથે ચઢી બેઠા છો અને તેથી આ દુઃખ હું પામું છું" એ પ્રમાણે પેલો ભોળો પણ તપી ગએલો ગામડીઓ બોલે એમાં કાંઇ આશ્ચર્ય નથી.

સ્ત્રીપક્ષે એનો અર્થ ખંડિતા નાયિકા ઉપર લાગુ પડે છે. ત્યાં "મ્હેં પૂજન કરીને માથા ઉપર ધારણ કર્યો" એનો લાક્ષણિક અર્થ એવો સમજવો કે અપૂર્વ પ્રેમ રાખ્યો અને માથાના મુગટ ગણ્યા. બાકી બધું તો સરળ છે. તે પોતાના પ્રીતમનો પૂર્વાનુરાગ સંભારી તેને પાછો ઠેકાણે આણવાની તજવીજ કરે છે તેથી તે વાણીવિદગ્ધાધીરા છે એમ પણ ઓળખાઇ આવે છે.

કોઇએ પૂછ્યું કે એમાં તો સૂર શબ્દ એ સામાન્યજ સંબોધન મૂક્યું છે તેથી એ અર્થ બધાને કેમ લાગુ પડે. જગન્નાથે કહ્યું કે ઉપર અર્થનો શ્લેષાલંકાર હતો તેમ અહિયાં શબ્દનો છે. સૂર શબ્દના ત્રણ અર્થ ભાષામાં થાય છેઃ-દેવ, સૂર્ય અને શૂરો. સૂર્યપક્ષે સૂર્ય અર્થજ લેવો. નાયિકા પક્ષે દેવ એ અર્થ લેવો. રાજાને બાહાદુર વક્રોક્તિમાં કહ્યો.-મતલબ તો એ કે તું ક્ષત્રીધર્મ પ્રમાણે વર્તતો નથી.

મુલ્લાં ઝનૂનુદ્દીન બેઠા બેઠા ક્યારનું કાંઇ છીંડું શોધ્યા કરતા હતા પણ કાંઇ જડ્યું નહિ ત્યારે ઉપલેકજ દોષ કાઢ્યો કે એમાં તો હરમની મોહોબતનું બ્યાન કરવું ખરા મુસલમાનને સજાવર છે. આ સાંભળી બધાને નવાઇ લાગી અને તેનું વિશેષ કારણ તો એ કે મુલ્લાં સાહેબને પોતાની મોરદાર બાનુ સાથ બનતુંજ નહોતું. રોજ લડાલડી અને મારામારી ચાલતી.

બીરબલે કહ્યું, મુલ્લાં સાહેબ, એમાં મોરદાર બાનુનીજ મોહોબતનું બ્યાન છે. કોઇ આપ જેવા કાબેલ મોલવી શાદી કરવા નીકળેલા ત્યારે બીબીને બહુ મીઠા મીઠા બોલીને રીઝવેલી. તમે કહેશો કે મશ્કરી કરે છે, પણ મુસલમાન વિના આ હ્ગકીકત કોઇને લાગુજ પડે નહિ કેમકે અમારામાંતો નાનપણથીજ માબાપજ ઢીંગલાઢીગલીને પરણાવી દે છે. પછી તે બીબીને તો મુલ્લાં સાઅહેબ દુઃખ દેવા લાગ્યા ત્યારે તે બિચારીએ તેને નામે પ્રમાણે છેડો વાળ્યો. "માથા ઉપર ધારણ કરવું" એ બોલ વિવાહિત સ્ત્રીનેજ શોભે, પરકીયા તો હૃદયમાં ધારણ કરે. વળી તેનામાં એટલી દીન ભક્તિ હોય નહિ.

આ સાંભળી બધા રાજી થયા. અકબરે કહ્યું, થેં તો માંહેથી ચોથી આડકથા પણ કાઢી. બધા ઝનૂનુદ્દીનની સામું જોઈ રૂમાલમાં હસવા લાગ્યા. પછી બાદશાહે જગન્નાથ પંડિતને પૂછ્યું કે તમારો સ્વકીયા પરકીયા વિષે શો વિચાર છે.

જગન્નાથે કહ્યું કે સ્વકીયાપ્રીતિ એ સંસ્કૃત એટલે સંસ્કારયુક્ત છે, અને પરકીયાપ્રીતિ તો પ્રાકૃત એટલે માત્ર પ્રકૃતિનેજ અનુસરતી છે. બાદ્શાહે પૂછ્યું એ તો ખરૂં, પણ એ બંનેના સુખમાં શો ફેર છે. "સંસ્કૃત પ્રાકૃત ક્રિયાઓના પરિણામમાં ફેર છે તેટલોજ." એમ કહી જગન્નાથ નીચેનો દોહરો ભણ્યા:

संस्कृतस्वक्यास्नेहसुख, अचल शौचकर शांत;
प्राकृतपरकीयप्रीतिपुनी, अचर सोचकर सात.

આ દુહાના શબ્દ તો કાંઇ કઠિણ નહોતા, પણ તેના અર્થમાં ઘણો વ્યંગ હોવાને લીધે બધાથી તેનો ભાવાર્થ સમજાયો નહિ. માટે બીરબલે તે સ્ફૂટ કરીને સમજાવ્યો. પંડિતરાજ કહે છે કે સ્વકીયાના સ્નેહનું સુખ સંસ્કૃત હોવાથી તે કેવું છે, તો કે અચળ શૌચકર કહેતાં પવિત્ર કરનારૂં, અને શાંત એટલે ઉદ્વેગ કે ચિંતા વિનાનું; પરકીયાની પ્રીતિ પણ એવીજ છે, પરંતુ પ્રકૃત હોવાથી તેના ગુણ પણ પ્રાકત થઈ જાય છે, એટલે અચળને ઠેકાણે અચર કહેતાં આચરવા યોગ્ય નહિ, સોચકર એટલે દુઃખ ઉત્પન્ન કરનાર અને શાંત કહેતાં અંતવાન એટલે જેનો જલદીથી છેડો આવી જાય એવી છે.

આ સાંભળી બધી સભા છક થઈ ગઇ. સર્વે એના ચાતુર્યનાં એકે અવાજે વખાણ કરવા લાગ્યા. મુલ્લાં ઝનૂનુદ્દીન પણ બોલ્યા કે એ કાફ્ર મુલ્લાંની કાબેલીઅતમાં કાંઇ ખામી નથી. જો એક કલમો પઢે તો હું એને પગે લાગવા તૈયાર છું. અકબરશાહ તો ઘણોજ પ્રસન્ન થઈ ગયો હતો. એણ્રે કહ્યું એ બંનેને પ્રીતિ ને દેખાવમાં સરખીજ વર્ણવી. પણ પરિણામમાં જમીનને આસમાન જેટલોજ ફરક પાડી બતાવ્યો એ મોટી ખૂબી છે. હું ધારતો હતો કે રખેને ફક્કડ કવીશ્વર પરકીય પ્રીતિનો પક્ષ કરે. જગન્નાથે હસીને કહ્યું કે, સંસ્કૃત ને પ્રાકૃત ક્રિયાઓમાંજ જે સ્વાભાવિક ભેદ રહેલો છે તે કોનાથી રદ થઈ શકે. બીરબલે કહ્યું, મહારાજ, એ પંડિતરાજે તો પરકીયાની પ્રીતિને સુખ શબ્દજ લગાડ્યો નથી, અને પ્રીતિ કહી ત્યાં પણ અચર, સોચકર, અને સાંત એવાં વિશેષણો યુક્તજ કહી છે. ખરે એ કવિરત્ન જેવા રસમાં તેવાજ ધર્મશાસ્ત્રમાં પણ નિપુણ છે.

એ વેળા સભામાં એક જ્યોતિષી બેઠો હતો. તે કવિતા પણ કરી જાણતો હતો તેથી તેણે કહ્યું કે રજા હોય તો એ વિષય ઉપરજ મ્હેં કાંઈક બનાવ્યું છે તે કહી સંભળાવું. બાદશાહે કહ્યું, ઠીક, બોલો બીરબલ કહે, જોશીબાવા, કવિતા કરવા જતાં તમારા ગ્રહને ભૂલશો નહિ હો. જોશીએ જવાબ આપ્યો કે હું ગ્રહને ભૂલું, પણ તે ક્યાં કોઇનેએ ભૂલે એવા છે. એમ ઝડાકો કરી તે નીચે પ્રમાણે બોલ્યો:-

स्वकीयासुखशशिपूर्नसम, शूक्रसीपरकीयप्रीत,
झलक पलकसी तनुतनक, कुसाध्यकाल अनित्य.

બાદશાહે કહ્યું, ચોથું ચરણ ગ્રહપક્ષે બરાબર સમજાતું નથી માટે તે સમજાવો. એમાં જ્યોતિષ્શાસ્ત્રની ન્કાંઇ ગૂઢ વાત છે. જોશીએ કહ્યું, મહારાજ, આ કવિરાજે મને ફરમાશ કરી હતી કે તમારા ગ્રહને ભૂલશો નહિ તેથી તેમ કરવું પડ્યું છે. વળી એમ પણ ખરૂં કે ગ્રહ નડે ત્યારેજ અમને કોઇ પૂછવા આવે. માટે હું બધોજ અર્થ સમજાવું છું, અને લંબાણ થાય તો ક્ષમા કરજો. એમ કહી તે બોપ્લ્યો કે સ્વકીયાનું સુખ પૂનેમના ચંદ્રમા જેવું નિર્મળ, આનંદકારી, ને અખંડ છે. પરકીયાની પ્રીત શુક્રના જેવી છે. તે પ્રીતનો ઝળકારો આંખની પલકના જેવો છે એટલે પલમાં ઝળકે ને પળમાં બંધ પડી જાય. ગ્રહોનું દર્શન પણ શાસ્ત્રમાં એ પ્રમાણેજ કહ્યું છે. તનુ કહેતાં વિસ્તાર થોડો છે-કેમકે પરતંત્રતાને લીધે યથેચ્છ હાવભાવથી વિસ્તારી શકાતી નથી. શુક્રના તારાનો વિસ્તાર ચંદ્રના કરતાં બહુજ નાનો દેખાય છે એ તો પ્રત્યક્ષ છે. વળી તે સાધ્યકાળ છે એટલે અમુક વખતેજ સાધી શકાય અને વળી તે કાળ પણ સારો નથી. શુક્રના તારાનું એવું છે કે થોડા માસ તે સાંજે અને થોડા માસ પાછલી રાતે દેખાય છે. બીજાની પેઠે જ્યારે જોવા જ‌ઇએ ત્યારે રાત્રે આકાશમાં દેખાય નહિ. માટે એને કુસાધ્ય કાલ કહ્યો. વળી એ અનિત્ય છે, કેમકે કેટલાક દિવસ તો એનો અસ્તજ રહે છે.

જોશીએ આવી કવિતા કરી તે જોઇ ઘણાને નવાઇ લાગી. ત્યારે એણે ખુલાસો કર્યો કે મારા બાપે મને વ્યાકરણ કાવ્ય વગેરે શીખવ્યા પછીજ જ્યોતિષમાં નાખ્યો હતો, કેમકે તેઓ સમજતા હતા કે સંસ્કૃત ભાષાના સામાન્ય જ્ઞાન વિના શાસ્ત્રના પાઠ જોઇએ તેવા ભણી શકાયજ નહિ. બાદશાહે પૂછ્યું કે વ્યાકરણ કાવ્યનું આવું જ્ઞાન છતાં તમે જોશીજ કેમ થયા. એણે જવાબ દીધો કે સાહેબ, હાલ શાસ્ત્રી પુરાણીને ભણીને આખરે ભીખ માગવી પડે છે; અને ધંધો તો એવો છે કે સઘળા મારે ઘેર ધક્કા ખાતા આવે છે. બીરબલે કહ્યું જોશીબાવાનું કહેવું પ્રમાણ છે-એમને વાસ્તે તો આકાશવાસી આંધળા લૂલાની ટોળી એવી જબરી છે કે તેઓ શૂમને પણ ચીરીને એમનું પેટ ભરે છે.

બાદશાહે હસીને કહ્યું એ બધી વાત ખરી, પણ વિદ્યા કરતાં ધનને શ્રેષ્ઠ ગણવું એ બુદ્ધિમાનનું લક્ષણ ન કહેવાય, બીરબલ બોલ્યો, સાહેબ, જ્યોતિષ શાસ્ત્રનો મુદ્દોજ એ છે-કેમ જોશીબાવા ખોટું કહું છું ? એમ કહી નીચેનો દુહો બોલ્યો :-

लिख पहीलो तन धन दुजो, विद्या पंचम स्थान;
यो उपदेषी देत जो, जगति गतिके जान.

આ મર્મના બોલ જોશીને લાગ્યા ખરા, પણ કાંઇ પ્રત્યુત્તર વળાય એમ હતું નહિ, કેમકે જ્યોતિષ્યમાં પહેલું સ્થાન તનનું, બીજું ધનનું, અને વિદ્યાનું તો છેક પાંચમુંજ ગણ્યું છે. બીજા સભાસદો તો ખૂશ ખૂશ થઇ ગયા, કેમકે આ એક દોહરામાં વ્યવહાર ને જ્યોતિષ એ બંનેના અર્થ આવ્યા હતા. કોઈએ પૂછ્યું કે વ્યવહારપક્ષે તો "जगति गतिके जान" એ વાક્યનો અર્થ "જગતની રીતિ જાણનારા" એમ ઠીક બંધ બેસે છે, પણ જોષીને કેમ લાગુ પડે છે તે મારાથી સમજાતું નથી. જગન્નાથ પંડિતે કહ્યું એજ આ કવિતાનો શ્લેષાત્મક ચમત્કાર છે. આખા જગતની એટલે બ્રહ્માંડની ગતિ જાણનાર એ વિશેષણ જોષીનેજ બરાબર લાગુ પડે છે.

અકબર બાદશાહ સઘળી વિદ્યાનો જીજ્ઞાસુ હતો તેથી તેણે પૂછ્યું કે મહારાજ, પાંચમું ઘર વિદ્યાનું ત્યારે પછીનાં ઘર કેવાં હશે તે કહો. તેણે જવાબ આપ્યો કે છઠ્ઠું શત્રુ રોગ વગેરેનું, સાતમું સ્ત્રીનું, આઠમું મૃત્યુનું". આગળ બોલવા જતા હતા પણ એટલામાં બીરબલ બોલી ઉઠ્યો કે-

अरि नारी अरू मृत्युके, घर है हारोहार;
जोतसी इसमें क्या कहा ? जानत सब संसार.


એટલે શત્રુ, સ્ત્રી, મૃત્યુ, એ ત્રણનાં ઘર પાસે પાસે છે એમાં થેં જોશી, શું કહ્યું ? એ તો આખી દુનિયાં જાણે છે.

આ હાજર જવાબીથી બાદશાહ પ્રસન્ન તો થયા, પણ જોશીનું મ્હોં ઉતરી ગએલું જોઇને કહ્યું, બીરબલે સ્ત્રીજાતિની નિંદા કરી, પણ જોશી મહારાજ, તમે કાંઇ પાછું તેની પ્રશંસાનું જ્યોતિષને લગતું બોલો. એણે કહ્યું કે મહારાજ જ્યાં સભાને હાસ્યવૃત્તિ વ્યાપી રહી છે ત્યાં મ્હારૂં શૃંગારનું ગાંભીર્ય રૂચવું મુશ્કેલ છે, તોપણ આજ્ઞા છે તો સ્ત્રીઓની જાતિવિષે કાંઇ મિશ્રરસનું બોલું છું. તેમાં જેની પ્રશંસા કે નિંદા જે ઘટિત હશે તે આવશે.

१ मतंगी लोहितांगसी. २ शंखिनि शनि निःशंक,
३ चित्रिनि चित्तहर शुक्रसम, पद्मिनि पूर्न मयंक.

એક વેળા સભામાં પાદશાહે પૂછ્યું કે મરનારની તિથિએ જમવા જમાડવાનો ધારો હિંદુઓમાં શા ઉપરથી નીકળ્યો હશે ? કોઈએ કહ્યું કે મરણતિથિ યાદ રાખવાની રીત મુસલમાન વગેરે બધી કોમમાં સામાન્યજ છે. એ રીતે સૌ સૌએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યાં, પણ પાદશાહના મનનું સમાધાન થયું નહિ. એ કહે કે એથી તો માણસનો જન્મદિવસ યાદ રાખવો બહેતર છે. બીરબલે ઠાઉકા રહીને ઉત્તર આપ્યો કે, સાહેબ, જ્ઞાનીઓની શીખામણજ છે કે-

जन तुं अपने जन्मदिन, करले उच्छव आप;
मरनदिन तौ सबही मिल, लड्डु खायगे बाप.

પાદશાહે કહ્યું કોઇ માણસના મરણને દિવસે ઉત્સવ કરવો એ બહુ નઠારૂં. બીરબલે હસીને કહ્યું, મહારાજ, સંસાર બહુ જ્ઞાની છે અને તેથી જગતનું પાપ ગયું એ જાણી તેના મરણથી હરખાય છે. વિચાર કરો કે-

आया कछु लाया नहि, गया गया जग रोग;
एसे जनके मरन दिन, बिन कहा सुमरन जोग.

જે માણસ જગતમાં આવ્યો ત્યારે કાંઇ પોતાની સાથે લાવ્યો નથી અને ગયો ત્યારે બધાને એમ લાગ્યું કે જગતનું પાપ ગયું, તેવા માણસની મરણતિથી સિવાય બીજું યાદ રાખવા જોગ શું છે ? અર્થાત્ઃ-એવા માણસનું મરણ એજ જગતને લાભકારી છે, અને તેથી તે દિવસનેજ તેઓ મમતાથી યાદ રાખે છે.

જગન્નાથ પંડિત બોલ્યા કે જગત મહાપુરૂષનો તો જન્મદિવસજ યાદ રાખે છે, પણ એવા મહાપુરૂષો થવા મુશ્કિલ તેથી સંસારનો વ્યવહાર મરણ તિથિજ યાદ રાખવાનો દીસે છે.

उच्छव सबके मरन दिन, निज घरमेंही होय;
जगमें उच्छव जन्मदिन, एसा बिरला कोय.

એ ઉપરથી મહાપુરૂષો વિષે વાત ચાલી. બાદશાહ કહે વ્યાજબી છે કે જેના જન્મથી જગતને લાભ થાય તેનોજ જન્મદિવસ યાદ આણે. જીવ્યું તો એવા માણસનું પ્રમાણ છે.

બીરબલ-અને બીજા માણસનું મરવુંજ પ્રમાણ છે.

અકબરશાહે કહ્યું, પંડિતરાજ, એવા મહાપુરૂષો વિરલાજ નીકળી આવે છે તેનું શું કારણ ? જગન્નાથે જવાબ આપ્યો, આખા જગતનું પ્રિય માણસથી શી રીતે થઇ શકે ? કોઇપણ એવા નીકળી આવેછે એજ નવાઇ જાણવી. ઘણોખરો સંસાર તો પોતાનો સ્વર્થ સાધવા પાછળજ મંડેલો છે, અને તેમાં રાતદહાડો મરી મથે છે તોપણ મનમાનતી રીતે તે સાધી શકતો નથી. હજારમાં ભાગ્યે એક એવો નિકળે છે કે પોતાના પંડનો સ્વાર્થ સાધતો થકો પોતાના કુળની ઉન્નતિ બાબત પણ કાંઇ ફિકર રાખે છે, અને એવી ફિકર રાખે છે, અને એવી ફિકર રાખનારા હજારમાંથી એકજ ભાગ્યે તેમ કરવાને શક્તિમાન થાય છે. જો કુળદીપક થવુંજ એ પ્રમાણે આટલું દુર્લભ છે, તો દેશદીપક થવું એ કેટલું દુર્લભ હોવું જોઇએ ? ભરતખંડમાંથી દેશદીપકપણાની તો આ કળિયુગમાં બુદ્ધિ જતી રહી છે અને તેથીઆવી શૂદ્રતાને પામ્યા છઇએ, પણ એ તો દેશદીપકપણાની વાત થઇ. આખા જગતનું કલ્યાણ કરે એવાં મહા કર્તવ્યકર્મવાળા પુરૂષો તો એથી પણ પર જાણવા.

कुलदिपक होना कठिन, देशदीपक दुर्लभ;
जगदीपअ जगदीशको, अंश मनुष्य अलभ्य.

જગન્નાથ પંડિત આ પ્રમાણે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા તે ઝનૂનુદ્દીનથી ખમી શકાયું નહિ. તેથી તે જગન્નાથની નિંદા કરી ગાળો દેવા લાગ્યો. પાદશાહે કહ્યું પંડિતરાજ, તમારે એ જૈફ મુલ્લાંના બોલવા તરફ જોવું નહિ. તે ઉપરથી પેલા જોશીએ નીચલો દુહો કહી બધાનાં મન રંજન કર્યો.

लगत जगतमे नहि कदा, गुनिको गाली साच;
शशि शशांक मृगांक सब, शब्द सुधाकर वाच्य.

અર્થઃ- કોઇ ગમે એટલી નિંદા કરે પણ જે ગુણવાને છે તેને ખરેખર લાગતી નથી. જેમકે ચંદ્રમાને કોઇ દ્વેષભાવથી સસલાવાળો કે સસલાંની છાપવાળો એમ કહે અને એ કહેવું ખરૂં છે તોપણ જગતમાં તેને તે ગાળ છે એમ સમજવાનુંજ નહિ, અને લોકો તો એ ગાળના શબ્દો તે પણ સુધાકર વાચ્યજ ગણવાના, કેમકે તેમાં સૌંદર્ય શીતલતાદિક સારા ગુણો રહેલા છે. મતલબ કે જેમ શશી, શંશાંક વગેરે શબ્દો ખરૂં જોતાં ચંદ્રની નિંદાનાજ છે તોપણ રૂઢિમાં સ્તુતિનાજ સમજાય છે, તેમ મોટા ગુણવાનની કોઇ નિંદા કરે છે તોપણ તે તેને લાગતી નથી.

આ સાંભળી આખી સભા પ્રસન્ન થઇ. જગન્નાથ પંડિતને ઝનૂનુદ્દીન ઉપર કાંઇ રીસ ચડવા આવી હતી તે આ કાવ્યચમત્કૃતિથી ઉતરી ગઇ અને કહ્યું કે જોશીબાવાએ સારી કવિતા કરી. કાવ્યશાસ્ત્રનો પણ એવોજ ન્યાય છેઃ

दोषदर्शी गुनअंधको, गिन गुनी अधम अभाग;
शर्द सुधाकर शुद्धमे, सस शोधत रस त्याग.

બીરબલે કહ્યું પંડિતરાજે ખરેખરો સપોટ મૂર્ખ ટીકા કરનારની ઉપર આ ઠેકાણે લગાવ્યો છે. કેટલાક ટીકાકાર સ્વભાવથીજ એવા રસશૂન્ય હોય છે કે આંધળો જો મેઘ ધનુષ્યની શોભા દેખે તો તેનાથી કવ્યની ખૂબી દેખાય. એવા અંધત્વના કારણથી તેને ખરા કવિઓની નિંદાજ સૂઝે છે. આ વ્યાકરણ વિરુદ્ધ થયું, આ રૂઢિ વિરુદ્ધ ગયું, આ નીતીનો દોષ થયો, એમજ તેઓ છીંડાં શોધે છે. આવા લવારાને કાવ્યશાસ્ત્રના ખરેખરા જાણ હોય છે તેતો ગણકારતાજ નથી, પણ બુદ્ધિમાન કવિઓને ક્ષોભ થાય છે. પરંતુ તેમ ન થાય તેને માટે આ દુહામાં સારો બોધ કર્યો છે. અર્થ- જે દોષજ દેખે છે અને ગુણ જોવામાં કેવળ આંધળોજ છે તેને, ઓ ગુણીજન, તું અધમ ને અભાગીઓજ ગણ. મતલબ કે એવા ટીકાકાર ઉપર ચીડવું કે ખીજાવું નહિ પણ ઉલટું તેનું રસમાં પામરપણું જોઇને તેના પર દયા કરવી જોઈએ. એવા મૂર્ખ ટીકાકાર કોના જેવા છે તો કે કોઇ મૂર્ખે એમ સાંભળ્યું હશે કે ચંદ્રમામાં સસલાનો આકાર દેખાય છે. તે ઉપરથી શરદઋતુમાં પૂર્ણ ચંદ્ર પ્રકાશી રહ્યો છે તે વેળા ચાંદનીની મઝા લેવાને બદલે તેમાં સસલું ક્યાં છે તેજ શોધવા લાગ્યો, તેવીજ રીતે મૂર્ખ ટીકાકાર પણ વર્તે છે-રસ છોડીને સસલારૂપી અલ્પદોષ શોધવાને દોડે છે, કેમકે એની આંખે રસ તો દેખાતોજ નથી.