← સહજ અંગ અખાના છપ્પા
કવિ અંગ
અખો
વૈરાગ્ય અંગ →


કવિ અંગ

વિતા ઘણા કવિ કવી ગયા,અધાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;
વળી આગળ કવશે બહુ કવિ,મનની વૃત્યમાં જો જો અનુભવી;
અખા મનાતીત તેમનું તેમ,મનની વૃત્યમાં મનની ગમ્ય. ૨૧

જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યનાં કેમ વરણીશ;
શબ્દતણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય;
એવું વચન અલિંગીતણું, અખા નહીં કોય પર આપણું. ૨૨

સ્થિતિ નહીં આપાપરતણી, પંડ્ય બ્રહ્માંડનો થાએ ધણી;
અચવ્યું સરખું દીસે આપ, ભૂત ભવિષ્યનો નોહે થાપ;
અખા જોતાં ચિદઆકાશ, આવિર્ભાવ વિના શો નાશ. ૨૩