← આત્મા અંગ અખાના છપ્પા
પ્રાપ્તિ અંગ
અખો
પ્રતીતિ અંગ →


પ્રાપ્તિ અંગ

બાધું બોલે આવ્યું રાજ, બેઠાં બેસાત્યાં સીધ્યું કાજ;
વણ કીધે મરિ લેખે રહ્યો, પ્રીતે કરી પારંગત થયો;
હવે મારે સઘળે સુખરાસ, અખા સ્વપ્ને તર દીઠો વાસ. ૨૩૭

કામ સકલ મુજ પૂરણ તહ્યું, બ્રહ્મ સાગરમાંહિ મળી ગયું;
બોલું ચાલું હરિની સાથ, અતિ પોતે જે રૈને આથ;
હું હરિમાં અને મુજમાં હરિ, એમ અખા નખશિખ રહ્યો ભરી. ૨૩૮


વું જાઉં જો અળગો હોય, જેમ વેધુ માર ન ભૂલ કોય;
વ્યાપકની વ્યક્તિ કેમ થાય, કો'આકાશ કેમ વહેર્યું જાય;
સલંગ જાણ્યું તુઆં તું અળગ, પાંખ આવી પડતું રહ્યું ખગ. ૨૩૯

મારે એમ પડ્યું પાધરું, હુંપણું મટ્યું એજ આદર્યું;
કર્મ અહંકારતણું ગયું મૂળ, જેમ આકડાનાં ઉડે તૂલ;
ન લહ્યા સરખું મેં ત્યાં લહ્યું, એમ અખા જથારથ થયું. ૨૪૦

વાંકું સમું જાણું ત્યાં હરી, હું તો મરે બેઠો ઠરી;
ભલા ગૃહસ્થને વાડે ગાય, એમ આપ સોંપ્યું હરિમાંય;
છીડું ખોળતાં લાધી પોળ્, હવે અખા કર ઝાકમઝોળ. ૨૪૧

બાવનેથી બુધ આઘી વટી, ભણ્યા ગણ્યાથી રહિ ઉલટી;
ઉઘડ્ ભાંગ્યું ટાળ્યું આપ, સેજે ટળિયો દ્વૈતનો થાપ;
હવે રહ્યો તે હું કે હરી, વિગત કરે અખો શ્યે કરી. ૨૪૨

મારે મોટો હુન્નર જડ્યો, જે ઈશ્વરરૂપી જહાજે ચડ્યો;
પંચ સહિત ઉઅતરિયો પાર, પગ નહીં બોળું જળ સંસાર;
હું હસ્તો રમતો હરિમાં ભળ્યો, અખો જાણે તે વળને વળ્યો. ૨૪૩

સુખમરગ મેલીને શઠ, કાયક્લેશ કરે કાં હઠ;
ગીતમાં ગોવિંદ મુખ કહે, જે મારું શરાણ ગ્રહિને રહે;
મુજ વાયક જે માને અખા, તેને સ્કંધ લહિ ઉતારું સખા. ૨૪૪

રમ ગુહ્ય હરિનું એ હૃદે, મહા પુરુષ મુનિ એમ વદે;
જે અહંબ્રહ્મ જાનીને રહે, શરણ જાવું શિવ એને કહે;
અળગું નથી અખા શું કળો, આકાશને કેમ લાગે શળો. ૨૪૫