અખેગીતા/કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૧

← કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા -૨ અખેગીતા
કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૧
અખો
કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨ →



કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૧

રાગ ધન્યાશ્રી

વસ્તુને વાણીબોલીનવશકેજી, મનતણી સુરતજિહાં જાતાં થકે જી;
સદ્‍ગુરુ-કેરો જો લક્ષ આવે તકેજી [], તે નર []સ્વેં હરિ થાય જેણે પલકેજી[]


પૂર્વછાયા

હરિ થાય તે હેત સમઝે, દેહાતીત છે આત્મા;
પરાત્પર[] પરબ્રહ્મ કેવળ, તેને ન આવે વાતમાં ૧

અમલ આતમ એક પૂરણ, અખંડિત અવિનાશ;
અજર [] અમર અનામ [] અવ્યય [] પૂરણ જ્યોતિ-પ્રકાશ. ૨

તેને આદ્ય અંત્ય ને મધ્ય નહિ, નહિ જેહને દેશ-કાળ;
છાયા-માયા-વપુ []-વર્જિત, માપરહિત વિશાળ. ૩

અધો[] ઊર્ધ્વ [૧૦] મધ્ય નહિ, નહિ દિવસ ને રાત;
બાલ યૌવન વૃધ્ધ નહિ, ભાઈ તેવડે સર્વે ભાત. ૪

ત્યાં વારિ [૧૧] વાયુ વસુધા[૧૨] નહિ, નહિ અનલ [૧૩] ને આકાશ;
સર્વમાંહીને સર્વવર્જિત, નહિ ઉત્પત્તિને નહિ નાશ. ૫

માનવદાનવ [૧૪] દેવ પન્નગ [૧૫], નાગ નહિ નર નાર ;
સર્વ કેરૂં જીવન સદા, પણ સ્પર્શે નહિ લગાર. ૬

તપ્ત [૧૬] શીતલ સુભગ [૧૭] સુંદર, કહ્યો ન જાય તેહ;
મૂલ માપ ન થાય, નહિ પ્રેહ [૧૮] નિસ્પ્રેહ. ૭

ક્ષીર ખટર્સ મધુર મોળું, તીક્ષ્ણ [૧૯] મિષ્ટ ન કહેવાય;
દીર્ઘ લઘુ કે વામ દક્ષિણ, સર્વ વર્જિતનેં માંય; ૮

નીલ [૨૦] પીત [૨૧] કે શામ [૨૨] ઉજ્જ્વળ, રહિત અવસ્થા ચાર [૨૩]

દૂર નિકટ [૨૪] કે મધ્ય છેડે, થાય નહિ નિરધાર. ૯

કહે અખો સહુકો સુણો, તેનો લક્ષ મહંતને;
એ અવાચ્ય [૨૫] વસ્તુ તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને ૧૦


  1. લીન
  2. પોતે
  3. પળમાં
  4. માયાથી શ્રેષ્ઠ.
  5. વૃદ્ધાવસ્થાથી
  6. નામથી રહિત
  7. વિકારથી રહિત
  8. જળ.
  9. નીચે
  10. ઉપર
  11. જળ
  12. પૃથ્વી
  13. અગ્નિ
  14. દૈત્ય
  15. સાપ
  16. તપેલો
  17. સારા ભાગ્યવાળો
  18. ઇચ્છાયુક્ત
  19. તીખું
  20. આસમાની
  21. પીળો
  22. કાળો
  23. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ને તુરીયા
  24. પાસે
  25. વાણીથી ન કહેવાય એવી.