અખેગીતા/કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ

← કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ અખેગીતા
કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ
અખો
કડવું ૨૯ મું - ષટ્‍શાસ્ત્ર, ષટ્‍ઉપશાસ્ત્ર અને ષટ્‍દર્શનનું વર્ણન →


કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ

રાગ ધન્યાશ્રી

વળી વિદેહીતણાં કહું ચિન્હજી, જ્યાં નવ પોંહોચેવાણી મનજી;
જેને વિષે ન મળે રયણી [], દિનજી, જે વેત્તા તે તન્ મય તનજી. ૧

પૂર્વછાયા

તન્‌મય તન તે માટ એણે, તે કહું દૃષ્ટાંતે કરી;
જેમ ભાસકર [] ભાસ્યો તોય-ભાંડે,[] પણ ત્યાંનો ત્યાં જોતે[] ફરી ૧

તે વારિમાંહેથી[] વાયુ-યોહે, ડોલતો દીસે ઘણું;
પણ તરણિ[] તેમનો તેમ પ્રાયે[], અચલ મંડળ આપણું. ૨

તે તપ્ત[] જળમાંહે તપ્ત ન હોએ, શીતળ ન હોએ શીતથી;
રક્ત[] જળમાં ન હોએ રાતો, પીળો ન હોએ પીતથી. ૩

તે અશુચિ[૧૦] જળમાં ભાસ્યો માટે, અશુધ્ધતા પામે નહી;
વારિવિષધરમાંહે[૧૧] દીઠો, અંતરમાં આમે[૧૨] નહીં. ૪

સુરસરીકેરા[૧૩] નીરમાંહે, પવિત્ર ન હોએ દિનમણિ[૧૪];
સુધારસમાં[૧૫] ભાસ્યો માટે, અમર ન થાય અહર્ધણી.[૧૬]

પાત્રમાંહે હેઠો દીઠે, પાતાલમાંહે નથી પડ્યો;
અણલિંગી પદ એમ જાણે, વ્યતિરેક કારણ પરવ્ડ્યો. ૬

અર્ક ત્યાં ઉપાધ્ય[૧૭] ન મળે, ઉત્તમ અધમ અવનીતણી[૧૮];
મહાપદનું[૧૯] મહાતમ[૨૦] એહવું, જ્યાં પક્ષન મળે અન્ય આપણી

વિશેષણ જેટાલાં કહ્યાં, તે રહ્યાં ભૂનાં[૨૧] ભૂવિષે;

વ્યતિરેક નાવે વાણ્યમાંહે[૨૨], અન્વયપદમાં એ લખે. ૮

અતિ આઘો લક્ષવિપુના,[૨૩] સમજ્યા સરખું સાર છે;
વિદેહકેરી વાત મોટી, શબ્દકેરે તે પાર છે. ૯

કહે અખો સહુકો સુણો, એ સમજ છે મહંતને;
એ અર્થને જે સમજે, તે રહે પાર વેદાન્તને. ૧૦


  1. રાત્રિ.
  2. સૂર્ય.
  3. પાણીના વાસણમાં.
  4. જોતાં.
  5. જળમાંથી.
  6. સૂર્ય.
  7. બહુધા.
  8. તપેલા.
  9. રાતા.
  10. અપવિત્ર.
  11. સર્પના ઝેરમાં
  12. દોષ.
  13. ગંગાજીના.
  14. સૂર્ય.
  15. અમૃતના રસમાં.
  16. સૂર્ય.
  17. ઉપાધિ.
  18. પૃથ્વીની.
  19. બ્રહ્મનું.
  20. મોટાઈ.
  21. પૃથિવિનાં.
  22. વાણીમાં
  23. શરીર વિના