અખેગીતા/કડવું ૩૯મું-સદ્ગુરુનું માહાત્મ્ય

← કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા અખેગીતા
કડવું ૩૯મું-સદ્ગુરુનું માહાત્મ્ય
અખો
કડવું ૪૦મું-આ ગીતાનું ફળ →


કડવું ૩૯ – સદ્ગુરૂનું માહાત્મ્ય.

રાગ ધન્યાશ્રી

સંત સયાણા મહાપદ જાણેજી, તે આપ ન દેખે અન્ય શું વખાણેજી
આપ અણ‌ચવ્યું તે પ્રમાણેજી, ગુણ-નિર્ગુણને ઉરમાં નાણેજી. ૧

પૂર્વછાયા.

ગુણ નિર્ગુણ કાંઈએ નથી, સમતત્ત્વ સમજ્યા સહી;
પ્રાયે નહીં તેહને પરાભવ શ્યાનો, રજ્જુ[] નહીં તો શ્યો અહિ[]. ૧

એતો અણછતાને અણછતું, ભાસ્યુંતું ભરમે કરી;
તે યથારથ જેમ તેમ થયો, પ્રાયે જેમ છે તેમ હરિ. ૨

રિપચકેરૂં પેખવું, તે મરીચિજલવત[] સદા;
તે ઉલેચે ઓછું ન થાય, સમજે શ્રમ ગયો તદા[]. ૩

સમજે સાધન થાએ સઘળાં, પાર આવે પંથનો;
જેમ રંચકવહ્‌નિ વન દહે, તેમ મહાવિચાર મહંતનો. ૪

એ અંધધંધ[] ત્યારે ટળે, જ્યારે ગુરુગમ હોએ ખરી;
બ્રહ્મવેતા મળે જ્યારે, ત્યારે જ મન બેસે ઠરી. ૫

સદ્‌ગુરુ વિના બહુ મળે કાચા, આપ ઉધોત[] થયા વિના;
સંગ-સંગ પ્રતાપ મોટો, અવયવ ફરી જાય જંતના. ૬

જેમ શરદકાલે અંબર[] ઓપે, નીર નિર્મળ હોય ઘણું;
સદ્‌ગુરુ સંત પ્રતાપ પાયે, એહવું કરે મન જંતતણું. ૭

ભવદુઃખ વામે મહા સુખ પામે, આંતરથી આમય[] ટળે;
જીવશિવ તે એમ હોય, જેમ સરિતા[] સાગરમાં ભળે. ૮

નારનારાયણ એક વર્તે, વંદનીય[૧૦] તે નર સદા;
દુસ્તર[૧૧] તારક[૧૨] નાવ હરિજન, નિઃકારણ માંહે મુદા[૧૩]. ૯

કહે અખો સુખે હોય, યોગક્ષેમ[૧૪] મહંતને;
દેહધારી સરખા દીસે, પણ રહે પદ અનંતને. ૧૦


  1. દોરડી.
  2. સાપ.
  3. ઝાંઝવા જેવું.
  4. ત્યારે.
  5. ઘાટું અજ્ઞાન.
  6. જ્ઞાની.
  7. આકાશ.
  8. દોષ.
  9. નદી.
  10. નમસ્કાર કરવા યોગ્ય
  11. દુઃખથી તરી શકાય તેવો સંસાર.
  12. તારનાર.
  13. પ્રસન્ન.
  14. અપ્રાપ્તની પ્રાપ્તિ ને પ્રાપ્તનું રક્ષણ.