અખેગીતા/કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો

←  કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા અખેગીતા
કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો
અખો
કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન →


કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો

રાગ ધન્યાશ્રી

મર્મ ન સમઝે જે માયાતણોજી, તે નર જાણે હું ઘણું બોલણોજી;
તેહને જાણે જનની આપણોજી, તે ભવ[] ભટકે સહુથી અતિ ઘણોજી

પૂર્વછાયા

ભવમાંહે ભટકે ઘણું, પોતાનો કરીને ઠગે;
જ્યમ વિશ્વાસીને[] વધે[] વેરી[], દીન[] થઇ મારે દગે. ૧

જેમ પાળે ખેરીને[] ખાટકી[], તેને ભક્ષ્ય ભોજ્ય આપે ઘણું;

પછે વધ કરે વારૂં[] કરીને, એ લક્ષણ અજાતણું[]. ૨

તે મેંઢો [૧૦] જાણે માહરો, પાલક પોષક છે ધણી;
તેને આપ જાય અરપવા[૧૧], મોટમ મનમાં અતિ ઘણી. ૩

વાત્સલ્ય[૧૨] જાણી વામ-દક્ષિણ[૧૩], વણ [૧૪] દોર્યો કેડે[૧૫] પૂરે;
તેને મહાજન [૧૬] મૂકાવા કરે, તોય તે જવન કેડે[૧૭] સંચરે. ૪

હાથ ફેરવે તેથકે મનમાંહી, હેતુ[૧૮] જાણે તેહને;
પણ સૂનીને[૧૯] મન વાત અળગી, તે ભારેં ભાળે[૨૦] દેહને. ૫

અળગા આશય [૨૧] બેઉતણા, લોભે લાગ્યો અજ[૨૨] હળે[૨૩];
તે યવન જાણે ભક્ષ કરૂં, જો ઘણેરૂં વપુએ[૨૪] વળે.[૨૫]

પછે ચરણ ઊંચે અધો[૨૬] મુખે, નેટ[૨૭] તે રાકહે સરે[૨૮];
માયા કેરી રીત એહવી, અંતે જીવને એમ કરે. ૭

વિષે [૨૯] દેખાડે વિશ્વના, ચિત્રવિઇત્ર તે ચિત્ત ધરે[૩૦];
પછે પંડિતને પૂછે પ્રભુ[૩૧], મહાભોગ[૩૨] કેમ પામીશ સરે. ૮

ત્યારે પંડિતરૂપે બોલે માયા, કર્મની કીરત[૩૩] ઘણી;
વિત્ત[૩૪] હરિને વાટ દેખાડે, નાનાવિધ કહે ભણીગણી. ૯

કહે અખો રિચે ઉપજે, જો એહેવું પોષે જંતને[૩૫];
કર્મ ગહન હીંડો વામવા[૩૬] તો સેવો હરિ-ગુરુ-સંતને ૧૦


  1. સંસારમાં
  2. વિશ્વાસ ઉપજાવીને
  3. હણે
  4. શત્રુ
  5. રાંક
  6. બકરાને
  7. કસાઇ
  8. સહાય
  9. માયાનું
  10. ઘેટો
  11. અર્પણ કરવા
  12. પ્રીતિ
  13. ડાબો-જમણો
  14. વિના
  15. પછવાડે
  16. દયાળુ વૈશ્ય
  17. કસાઈને પછવાડે
  18. હિતેચ્છુ
  19. કસાઇને
  20. જુએ
  21. અભિપ્રાય
  22. બકરો
  23. પ્રીતિ કરે
  24. શરીરે
  25. પુષ્ટ થાય
  26. નીચે
  27. અંતે
  28. સંતોષ પામે
  29. વિષય
  30. ધારણ કરે
  31. હે પ્રભો!
  32. ઉંચા ભોગ
  33. કીર્તિ
  34. દ્રવ્ય
  35. જીવને
  36. નિવૃત કરવા