અનાસક્તિયોગ/૧૬. દૈવાસુર-સંપદ્-વિભાગ-યોગ

← ૧૫. પુરૂષોત્તમ-યોગ અનાસક્તિયોગ
૧૬.દૈવાસુર-સંપદ્-વિભાગ-યોગ
ગાંધીજી
૧૭. શ્રદ્ધા-ત્રય-વિભાગ-યોગ →


૧૬

દૈવસુરસંપદ્વિભાગ યોગ

આ અધ્યાયમાં દૈવી અને આસુરી સંપદ્‌નું વર્ણન છે. દૈવી સંપદ એટલે ધર્મ -વૃત્તિ ; આસુરી સંપદ એટલે અધર્મ વૃત્તિ.

૪૭

श्री भगवान बोल्या :

હે ભારત ! અભય, અંતઃકરણની શુધ્ધિ , જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ સરળતા , અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ , શાંતિ, અપૈશુન, ભૂતદયા, અલોલુપતા, મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરભિમાન – આટલા ગુણો, જે દૈવી સંપત લઈને જન્મ્યો છે તેનામાં હોય છે.૧-૨-૩.

નોંધ : દમ એટલે ઈન્દ્રિયનિગ્રહ, અપૈશુન એટલે કોઈની ચાડી નખાવી તે; અલોલુપતા એટલે લાલસી ન થવું, લંપટ ન થવું, તેજ એટલે દરેક પ્રકારની હીન વૃતિનો વિરોધ કરવાની ધગશ ; અદ્રોહ એટલે કોઈનું બૂરું ન ઈચ્છવું અહ્તવા કરવું.

હે પાર્થ ! દંભ , દર્પ , અભિમાન , ક્રોધ, કઠોરતા, અને અજ્ઞાન આટલાં આસુરી સંપત લઈને જન્મેલામાં હોય છે.૪.

નોંધ : જે પોતાનામાં નથી તે દેખાડવું તે દંભ , ડોળ,્પાખંડ , દર્પ એટલે બડાઈ.

દૈવી સંપત મોક્ષ આપનારી અને આસુરી સંપત બંધનમાં નાખનારી છે. હે પાંડવ ! તું વિષાદ ન કર. તું દૈવી સંપત લઈને જન્મ્યો છે.

૪૮

આ લોકમાં બે જાતની સૃષ્ટિ છે: દૈવી અને આસુરી. હે પાર્થ ! દૈવીનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આસુરીનું હવે મારી પાસેથી સાંભળ.

આસુર લોકો પ્રવૃતિ શું , અને નિવૃતિ શું ? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જાણતા નથી. તેમજ તેમને નથી હોતું શૌચનું કે આચારનું ભાન અને નથી હોતું એમનામાં સત્ય.

તેઓ કહે છે ઃ જગત અસત્ય, (ધર્મના ) આધાર વિનાનું ને ઈશ્વર વિનાનું છે; કેવળ નરમાદાના સંબંધથી પેદા થયેલું છે. તેમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય ?

આવા અભિપ્રાયને પકડી રાખી ભયાનક કામૂ કરવાવાળા , મંદમતિ, દુષ્ટો, જગતના શત્રુ બનીને તેના નાશને સારુ ઊભરાય છે.

તૃપ્ત ન થાય એવી કામનાઓ સેવીને એ દંભી, માની , મદાંધ, અશુભ નિશ્ચયોવાળા મોહને લીધે, દુષ્ટ ઈચ્છાઓ ગ્રહણ કરીને પ્રવર્તે છે ! ૧૦

પ્રલય સુધી જેનો અંત જ નથી એવી અમાપ ચિંતાનો આશ્રય લઈને , કમોના ઉપભોગ પાછળ પડેલા, “ ભોગ એજ સર્વસ્વ છે,” એવો નિશ્ચય કરવાવાળા, સેંકડો આશાની જાલ માં ફસાયેલા , કામી, ક્રોધી, વિષયભોગને અર્થે અન્યાયપૂર્વક દ્રવ્ય સંચય ઈચ્છે છે. ૧૧. -૧૨

આજે મેં આ મેળવ્યું, આ મનોરથ હવે પૂરો કરીશ : આટલું ધન મારીપાસે છે, વળી કાલે આટલું બીજું મારું થશે; આ શત્રુને તો માર્યો , બીજાઓને પણ મારીશ; હું સર્વસંપન્ન છું, ભોગી છું સિધ્ધ છું, બળવાન છું, સુખી છું , હું શ્રીમંત છું ,કુલીન છું, મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, આનંદ માણીશ એમ અજ્ઞાનથી મૂઢ થયેલા રાચે છે, અને અનેક ભ્રમણાઓમાં પડીમોહજાળમાં ફસાઈ વિષયભોગમાં મસ્ત થયેલા અશુભ એવા નરકમાં પડે છે.૧૩–૧૪–૧૫–૧૬.

પોતેજ પોતાને મોટા માનનારા ,અક્કડ ,ધન અને માનના મદમાં મસ્ત એવા એ વિધિનો ખ્યાલ રાખ્યા વગર માત્ર નામના જ યજ્ઞ દંભથી કરે છે. ૧૭.

તેઓ અહંકાર, બળ ,ઘમંડ , કામ અને ક્રોધનો આશ્રય લેનારા , નિંદા કરનારા અને પોતાનામાં ને બીજાઓમાં રહેલો જે હું તેનો દ્વેષ કરનારા હોય છે .૧૮.

એ નીચ, દ્વેષી, ક્રૂર,અમંગળ નરાધમોને હું આ સંસારમાંની આસુરી યોનિમાં જ વારંવાર નાખું છું. ૧૯

હે કૌંતેય ! જન્મોજન્મ આસુરી યોનિને પામીને અને મને ન પામવાથી એ મૂઢ લોકો એથીયે વધારે અહ્દમ ગતિને પહોંચે છે. ૨૦

૪૯

આત્માનો નાશ કરનારું નરકનું આત્રેવડું દ્વાર છે: કામ ક્રોધ, અને લોભ .તેથી એ ત્રણેનો માણસે ત્યાગ કરવો. ૨૧

હે કૌંતેય ! આત્રેવડા નરકદ્વારથી દૂર રહેનાર મનુષ્યા આત્માનું કલ્યાણ આચરે છે ને તેથી પરમગતિને પામે છે. ૨૨

જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને સ્વચ્છન્દે ભોગોમાં રાચે છે તે નથિ મેળવતો સિધ્ધિ કે સુખ , પરમગતિ પણ એને મળતી નથી. ૨૩

નોંધ : શાસ્ત્રવિધિનો અર્થ ધર્મને નામે મનાતા ગ્રંથોમાં કહેલી અનેક ક્રિયાઓ નહીં , પણ અનુભવજ્ઞાનવાળા સત્પુરુષોએ ખેડેલો સંયમ માર્ગ.

તેથી કાર્ય અને અકાર્યનો નિર્ણ્ય કરવામાં તારે શાસ્ત્રને પ્રમાણ માનવું. શાસ્ત્રવિધિ શું છે તે જાણીને અહીં તારે કર્મ કરવું ઘટે છે.૨૪

નોંધ : શાસ્ત્રનો ઉપર જે અર્થ કહ્યો તેજ અહીં પણ છે. સૌ પોતપોતાનો કાયદો બનાવી સ્વેચ્છાચારી ન બને , પણ ધર્મ ના અનુભવીઓના વાક્યને પ્રમાણ ગણવું જોઈએ એ આ શ્લોકનો આશય છે.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'દૈવાસુર – સંપદ -વિભાગ -યોગ' નામનો સોળમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *