અનાસક્તિયોગ/૮. અક્ષરબ્રહ્મયોગ
← ૭. જ્ઞાન-વિજ્ઞાન-યોગ | અનાસક્તિયોગ ૮. અક્ષરબ્રહ્મયોગ ગાંધીજી |
૯. રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ → |
૮
અક્ષરબ્રહ્મયોગ
આ અધ્યાયમાં ઈશ્વરતત્ત્વની વિશેષ સમજ છે.
अर्जुन बोल्या :
હે પુરુષોત્તમ ! એ બ્રહ્મનું શું સ્વરૂપ છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ? અધિભૂત શાને કહે છે ? અધિદેવ શું કહેવાય છે ? ૧.
હે મધુસૂદન ! આ દેહને વિશે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે ? અને સંયમી તમને મરણસમયે કેમ જાણી શકે ? ૨.
श्री भगवान बोल्या :
જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ; પ્રાણીમાત્રને વિશે સ્વસત્તાથી જે રહે છે તે અધ્યાત્મ. અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટિવ્યાપાર તે કર્મ કહેવાય છે. ૩.
અધિભૂત તે મારું નાશવંત સ્વરૂપ છે. અધિદેવત તે તેને વિશે રહેલું મારું જીવસ્વરૂપ છે અને હે મનુષ્યમાં શ્રેષ્ઠ ! અધિયજ્ઞ આ દેહને વિશે રહેલું, પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું, જીવસ્વરૂપ છે. ૪.
નોંધ : એટલે કે અવ્યક્ત બ્રહ્મથી માંડીને નાશવંત પદાર્થમાત્ર પરમાત્મા જ છે, અને બધું તેની જ કૃતિ છે.
તો પછી મનુષ્યપ્રાણી પોતે કર્તાપણાનું અભિમાન રાખવાને બદલે પરમાત્માનો દાસ બની બધું તેને સમર્પણ કાં ન કરે ?
અંતકાળે મારું જ સ્મરણ કરતો કરતો જ કોઈ દેહને છોડે છે તે મારા સ્વરૂપને પામે છે તેમાં કશો સંશય નથી. ૫.
અથવા તો હે કૌન્તેય ! મનુષ્ય જે જે સ્વરૂપનું સ્મરણ કરતો તે દેહ છોડે છે અને તે ભાવથી સદા ભાવિત એટલે કે પુષ્ટ થવાથી તે તે સ્વરૂપને જ પામે છે. ૬.
એટલા સારુ હંમેશાં મારું સ્મરણ કર અને (કર્મક્ષેત્રમાં) ઝૂઝતો રહે; એમ મારામાં મન અને બુદ્ધિ રાખવાથી અવશ્ય મને પામીશ. ૭.
હે પાર્થ ! ચિત્તને અભ્યાસ વડે સ્થિર કરી બીજે ક્યાંય ન દોડવા દઈને જે એકધ્યાન થાય છે તે દિવ્ય એવા પરમ પુરુષને પામે છે. ૮.
જે મનુષ્ય મરણકાળે અચળ મનથી, ભક્તિભીનો થઈ અને યોગબળે પ્રાણને ભ્રૂકુટીની વચ્ચે સારી રીતે સ્થાપિત કરી સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સૂક્ષ્મતમ, બધાંના પાલનહાર, અઇંત્ય, સૂર્ય જેવા તેજસ્વી, અજ્ઞાનરૂપી અંધકારથી પર એવા સ્વરૂપનું ઠીક સ્મરણ કરે છે તે દિવ્ય પરમપુરુષને પામે છે. ૯–૧૦.
વેદ જાણનારા જેને અક્ષર નામથી વર્ણવે છે, જેમાં વીતરાગી મુનિઓ પ્રવેશે છે, અને જેની પ્રાપ્તિની ઇચ્છાથી લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદનું ટૂંકું વર્ણન હું તને આપીશ. ૧૧.
ઈન્દ્રિયોનાં બધાં દ્વારોને રોકીને, મનને હૃદયમાં સ્થિર કરીને, મસ્તકમાં પ્રાણને ધારણ કરીને, સમાધિસ્થ થઈને ૐ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું ચિંતન કરતો જે મનુષ્ય દેહ છોડે તે પરમગતિને પામે છે. ૧૨–૧૩.
હે પાર્થ ! બીજે ક્યાંય ચિત્ત રાખ્યા વિના જે નિત્ય અને નિરંતર મારું જ સ્મરણ કરે છે તે નિત્ય-યુક્ત યોગી મને સહેજે પામે છે. ૧૪.
મને પામીને પરમગતિએ પહોંચેલા મહાત્માઓ દુઃખનું ઘર એવા અશાશ્વત પુનર્જન્મને નથી પામતા. ૧૫.
હે કૌન્તેય ! બ્રહ્મલોકથી માંડીને બધા લોકો ફરી ફરી આવનારા છે. પરંતુ મને પામ્યા પછી મનુષ્યને ફરી જન્મવાપણું નથી હોતું. ૧૬.
હજાર યુગ લગીનો બ્રહ્માનો એક દિવસ અને હજાર યુગ સુધીની એક રાત્રિ જેઓ જાણે છે તેઓ રાતદિવસ જાણનારા છે. ૧૭.
નોંધ : મતલબમાં, આપણા ચોવીસ કલાકનાં રાતદિવસ એ કાળચક્રની અંદર એક ક્ષણ કરતાં પણ સૂક્ષ્મ છે. તેમની કશી કિંમત નથી. તેથી તેટલા કાળમાં મળતા ભોગો આકાશપુષ્પ જેવા છે એમ સમજી આપણે તેમને વિશે ઉદાસીન રહીએ; અને તેટલો જ જે કાળ આપણી પાસે છે તેને ભગવદ્ભક્તિમાં, સેવામાં ગાળી સાર્થક કરીએ, તથા આજ ને આજ આત્માનું દર્શન ન થાય તો ધીરજ રાખીએ.
(બ્રહ્માનો) દિવસ ઊગતાં બધાં ભૂતો અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને રાત્રિ પડતાં તેમનો પ્રલય થાય છે એટલે અવ્યક્તમાં લય પામે છે. ૧૮.
નોંધ : આમ જાણીને પણ મનુષ્ય સમજે કે તેના હાથમાં ઘણી મોટી સત્તા છે. ઉત્પત્તિ અને નાશની જોડી સાથે સાથે ચાલ્યા જ કરે છે.
હે પાર્થ ! આ પ્રાણીઓનો સમુદાય આમ પેદા થઈ થઈને રાત્રિ પડતાં પરાણે લય પામે છે, અને દિવસ ઊગતાં વિવશપણે ઉત્પન્ન થાય છે. ૧૯.
આ અવ્યક્તથી પર એવો બીજો સનાતન અવ્યક્ત ભાવ છે. બધાં પ્રાણીઓ (ભૂતો)નો નાશ થતાં છતાં આ સનાતન અવ્યક્ત-ભાવ નાશ નથી પામતો. ૨૦. જે અવ્યક્ત, અક્ષર (અવિનાશી) કહેવાય છે તેને જ પરમગતિ પણ કહે છે. જેને પામ્યા પછી તેમનો પુનર્જન્મ નથી થતો એવું તે મારું પરમધામ છે. ૨૧.
હે પાર્થ ! ભૂતમાત્ર જેને વિશે રહેલાં છે અને આ બધું જેના વડે વ્યાપ્ત છે, તે ઉત્તમ પુરુષનાં દર્શન અનન્ય ભક્તિ વડે થાય છે. ૨૨.
જે કાળે મરણ પામી યોગીઓ મોક્ષ પામે છે અને જે કાળે મરણ પામીને તેમને પુનર્જન્મ થાય છે તે (બન્ને) કાળ હે ભરતર્ષભ ! હું તને કહીશ. ૨૩.
ઉત્તરાયણના છ માસમાં, શુક્લપક્ષમાં, દિવસના જ્યારે અગ્નિની જ્વાળા ચાલી રહી હોય ત્યારે જેમનું મરણ થાય છે તે બ્રહ્મને જાણનારા બ્રહ્મને પામે છે. ૨૪.
દક્ષિણાયનના છ માસમાં, કૃષ્ણપક્ષમાં, રાત્રિમાં, જ્યારે ધુમાડો ફેલાયો હોય ત્યારે મરનારા ચન્દ્રલોકને પામી પુનર્જન્મને પામે છે. ૨૫.
નોંધ : ઉપરના બે શ્લોકોના શબ્દાર્થ ગીતાના શિક્ષણની સાથે બંધ બેસે તેમ નથી. તે શિક્ષણ પ્રમાણે તો જે ભક્તિભીનો છે, જે સેવામાર્ગ સેવે છે ને જેને જ્ઞાન થયું છે તે ગમે ત્યારે મરે તોપણ તેને મોક્ષ જ છે. તે શિક્ષણથી આ શ્લોકોનો શબ્દાર્થ વિરોધી છે.
તેમનો ભાવાર્થ એ નીકળે ખરો કે જે યજ્ઞ કરે છે એટલે પરોપકારમાં જ જે જીવન વ્યતીત કરે છે, જેને જ્ઞાન થયું છે, જે બ્રહ્મવિદ એટલે જ્ઞાની છે, તે મરણસમયે પણ જો તેની એવી સ્થિતિ હોય તો, મોક્ષ પામે છે. એથી ઊલટું જે યજ્ઞ નથી કરતો, જેને જ્ઞાન નથી, જે ભક્તિ નથી જાણતો તે ચંદ્રલોકમાં એટલે ક્ષણિક લોકને પામીને પાછો ભવચક્રમાં ફરે છે. ચંદ્રને પોતાનો જ્યોતિ નથી[૧].
જગતમાં પ્રકાશનો અને અંધારાનો, એટલે કે જ્ઞાનનો અને અજ્ઞાનનો એવા બે પરાપૂર્વથી ચાલતા આવેલા હંમેશના માર્ગ મનાયા છે. તેમાંના એક એટલે જ્ઞાનને માર્ગે મનુષ્ય મોક્ષે પહોંચે છે; અને બીજા એટલે અજ્ઞાનમાર્ગે તે ફરી ફરી પુનર્જન્મ પામે છે. 2૬.
હે પાર્થ ! આ બે માર્ગ જાણનારો કોઈપણ યોગી મોહમાં પડતો નથી. તેથી હે અર્જુન ! બધે કાળે તું યોગયુક્ત રહેજે. ૨૭.
નોંધ : બે માર્ગને જાણનારો અને સમભાવ રાખનારો યોગી અંધારાનો-અજ્ઞાનનો માર્ગ નહીં લે, એ મોહમાં ન પડવાનો અર્થ છે.
આ વસ્તુ જાણ્યા પછી વેદમાં, યજ્ઞમાં, તપમાં અને દાનમાં જે પુણ્યફળ કહ્યું છે તે બધાને ઓળંગીને યોગી ઉત્તમ મૂળ સ્થાન પામે છે. ૨૮.
નોંધ : એટલે જેણે જ્ઞાન, ભક્તિ અને સેવાકર્મથી સમભાવ મેળવ્યો છે તેને બધાં પુણ્યનું ફળ મળી રહે છે, એટલું જ નહીં પણ તેને પરમમોક્ષપદ મળે છે.
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'અક્ષરબ્રહ્મયોગ' નામનો આઠમો અધ્યાય અત્રે પૂરો થાય છે.
- ↑ ઉત્તરાયણ અને શુક્લપક્ષ એ નિષ્કામ સેવામાર્ગ. અને દક્ષિણાયન અને કૃષ્ણપક્ષ તે સ્વાર્થમાર્ગે બંધન. સેવામાર્ગ તે જ્ઞાનમાર્ગ. સ્વાર્થમાર્ગ તે અજ્ઞાનમાર્ગ. જ્ઞાનમાર્ગે ચાલનારને મોક્ષ. અજ્ઞાનમાર્ગે ચાલનારને બંધન. આ બે માર્ગને જાણ્યા પછી મોહમાં રહી અજ્ઞાનમાર્ગને કોણ પસંદ કરશે ? આટલું જાણ્યા પછી મનુષ્યમાત્રે બધાં પુણ્યફળ છોડી, અનાસક્ત રહી, કર્તવ્યમાં જ પરાયણ રહી ઉત્તમસ્થાન મેળવવાનો જ પ્રયત્ન કરવો ઘટે છે.