અનાસક્તિયોગ/૯. રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ
← ૮. અક્ષરબ્રહ્મયોગ | અનાસક્તિયોગ ૯. રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ ગાંધીજી |
૧૦. વિભૂતિ-યોગ → |
૯
રાજવિદ્યારાજગુહ્યયોગ
આમાં ભક્તિનો મહિમા ગાયો છે. ૨૭
श्रीभगवान बोल्याः:
અદેખાઈ કરનારો દોષદર્શી તું નથી તેથી તેને હું ગુહ્યમાં ગુહ્ય અનુભવવાળું જ્ઞાન આપીશ, જે જાણીને તું અકલ્યાણમાંથી બચશે. ૧.
વિદ્યાઓમાં આ રાજા છે; ગૂઢ વસ્તુઓમાં પણ શ્રેષ્ઠ છે. આ વિદ્યા પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે તેવી અને ધર્માનુકૂલ છે. તેમ જ આચારમાં મૂકવામાં સહેલી અને અવિનાશી છે. ૨.
હે પરતંપ ! આ ધર્મને વિશે જેને શ્રદ્ધા નથી એવા લોકો મને ન પામતાં મૃત્યુમય સંસારમાર્ગમાં ફરી ફરીને અથડાય છે. ૩.
મેં જ મારા અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત વ્યાપ્યું છે. મારામાં-મારે આધારે-સર્વ પ્રાણી છે; હું તેમને આધારે નથી. ૪.
છતાં પ્રાણીઓ મારામાં નથી એમ પણ કહેવાય. એ મારું યોગબળ તું જો. હું જીવોનું ભરણ કરનારો છું; છતાં હું તેમનામાં નથી. પણ હું તેમની ઉત્પત્તિનું કારણ છું. ૫.
નોંધ : મારામાં સર્વ જીવ છે અને નથી. તેમનામાં હું છું અને નથી. આ છે ઈશ્વરનું યોગબળ, તેની માયા, તેનો ચમત્કાર. ઈશ્વરનું વર્ણન ભગવાનને પણ મનુષ્યની ભાષામાં જ કરવું રહ્યું, એટલે અનેક પ્રકારના ભાષાપ્રયોગ કરીને તેને સંતોષે છે. બધું ઈશ્વરમય છે, તેથી બધું તેનામાં છે. તે અલિપ્ત છે, પ્રાકૃત કર્તા નથી, તેથી તેનામાં જીવો નથી એમ કહી શકાય. પણ જેઓ તેના ભક્ત છે તેનામાં તે છે જ. જે નાસ્તિક છે તેનામાં તેની દૃષ્ટિએ તો તે નથી. અને આ તેનો ચમત્કાર જ નહીં તો તેને શું કહીએ ?
જેમ બધે ઠેકાણે વિચરતો મહાન વાયુ નિત્ય આકાશને વિશે રહેલો છે જ, તેમ બધાં પ્રાણી મારે વિશે છે એમ જાણ. ૬.
હે કૌંન્તેય ! બધાં પ્રાણી કલ્પને અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે, કલ્પનો આરંભ ફરી થતાં હું તેમને પાછાં સરજું છું. ૭.
પ્રકૃતિના તાબામાં હોવાથી પરવશ એવાં પ્રાણીઓના આ તમામ સમુદાયને, મારી જ એ માયા-પ્રકૃતિને હાથમાં લઈને હું ફરી ફરી ઉત્પન્ન કરું છું. ૮.
હે ધનંજય ! એ કર્મો મને બંધન કરતાં નથી, કેમ કે હું તેમને વિશે ઉદાસીન જેવો અને આસક્તિરહિત વર્તું છું. ૯.
મારી દેખરેખ નીચે પ્રકૃતિ સ્થાવર અને જંગમ જગતને પેદા કરે છે અને એ કારણસર હે કૌંન્તેય ! જગત (ઘટમાળની જેમ) ફર્યા કરે છે. ૧૦.
૨૮
પ્રાણીઆદિ ભૂતમાત્રના મહેશ્વરરૂપ મારા શ્રેષ્ઠભાવને ન જાણીને મૂર્ખ લોકો મનુષ્યરૂપ ધારણ કરેલાની મારી અવજ્ઞા કરે છે. ૧૧.
નોંધ : કેમ કે જેઓ ઈશ્વરની સત્તાને માનતા નથી તેઓ દેહમાં રહેલા અંતર્યામીને ઓળખતા નથી અને તેની હસ્તીનો ઈનકાર કરી જડવાદી રહે છે.
મોહ ઉપજાવનારી એવી રાક્ષસી કે આસુરી પ્રકૃતિનો આશ્રય લઈને રહેલા, અવળી બુદ્ધિવાળા એ લોકોની આશાઓ, એમનાં કર્મો તેમ જ એમનું જ્ઞાન વ્યર્થ નીવડે છે. ૧૨.
એથી ઊલટું, હે પાર્થ ! ભૂતમાત્રના આદિકારણ એવા અવિનાશી મને જાણીને મહાત્માઓ દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ એકનિષ્ઠાથી મને ભજે છે. ૧૩.
દૃઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરનારા તેઓ નિરંતર મારું કીર્તન કરે છે, મને ભક્તિપૂર્વક નમન કરે છે, અને નિત્ય ધ્યાન ધરતા મારી ઉપાસના કરે છે. ૧૪.
વળી બીજા અદ્વેતરૂપ્ર કે દ્વેતરૂપે કે બહુરૂપે બધે રહેલા મને જ્ઞાનયજ્ઞ વડે ઉપાસે છે. ૧૫.
[એવા] યજ્ઞનો સંકલ્પ હું છું, યજ્ઞ હું છું, યજ્ઞ દ્વારા પિતરોનો આધાર હું છું, યજ્ઞની વનસ્પતિ હું છું,મંત્ર હું છું, ઘીની આહુતિ હું છું, અગ્નિ હું છું અને હવનદ્રવ્ય પણ હું છું. ૧૬.
આ જગતનો પિતા હું, માતા હું, ધારણ કરનાર હું, પિતામહ હું, જાણવાયોગ્ય પવિત્ર હું, ૐકાર હું, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. ૧૭.
(બધાનું) છેવટનું સ્થાન હું, પોષક હું, પ્રભુ હું, સાક્ષી હું, નિવાસ હું, આશ્રય હું, હિતેચ્છુ હું, ઉત્પત્તિ હું, સ્થિતિ હું, ભંડાર હું અને અવ્યય બીજ પણ હું છું. ૧૮.
તડકો હું આપું છું, વરસાદને હું જ રોકી રાખું છું કે પડવા દઉં છું. અમરતા હું છું, મૃત્યુ હું છું અને હે અર્જુન ! સત અને અસત પણ હું જ છું. ૧૯.
૨૯
ત્રણ વેદનાં કર્મો કરીને, સોમરસ પીને પાપરહિત થયેલા જનો યજ્ઞ વડે મને પૂજીને સ્વર્ગલોક માગે છે. અને પુણ્યથી મળતા ઈન્દ્રલોકને પામીને તેઓ સ્વર્ગમાં દિવ્ય ભોગ ભોગવે છે. ૨૦.
નોંધ : વૈદિક ક્રિયાઓ બધી ફલપ્રાપ્તિને સારુ થતી હતી અને તેમાંની કેટલીકને અંગે સોમપાન થતું તેનો અહીં ઉલ્લેખ છે. એ ક્રિયાઓ શી હતી, સોમરસ શું હતો તે આજ વસ્તુતાએ કોઈ ન કહી શકે.
એ વિશાળ સ્વર્ગલોકને ભોગવ્યા બાદ પુણ્ય ક્ષીણ થતાં તેઓ મૃત્યુલોકમાં પાછા પ્રવેશ કરે છે. આમ ત્રણ વેદનાં કર્મ કરનારા, ફળના લોભીઓને જ્ન્મમરણના ફેરા ફરવા પડે છે. ૨૧.
જે લોકો અનન્યભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલાના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. ૬.
નોંધ : આમ યોગીને ઓળખવાની ત્રણ સુંદર નિશાનીઓ છે-સમત્વ, કર્મમાં કૌશલ, અનન્યભક્તિ. આ ત્રણે એકબીજામાં ઓતપ્રોત હોવાં જોઈએ. ભક્તિ વિના સમત્વ ન મળે, સમત્વ વિના ભક્તિ ન મળે, અને કર્મ-કૌશલ વિના ભક્તિ અને સમત્વ આભાસમાત્ર હોવાનો ભય રહે છે.
યોગક્ષેમ શબ્દમાં યોગ એટલે ન મળેલી વસ્તુ મેળવવી તે અને ક્ષેમ એટલે મળેલી સાચવી રાખવી તે.
વળી હે કૌન્તેય ! જેઓ શ્રદ્ધાપૂર્વક બીજા દેવોને ભજે છે તેઓ પણ, ભલે વિધિ વિના છતાં, મને જ ભજે છે. ૨૩.
નોંધ : વિધિ વિના એટલે અજ્ઞાનમાં અને એક નિરંજન નિરાકારને ન જાણીને.
હું જ બધા યજ્ઞનો ભોગવનારો સ્વામી છું. પણ આમ મને તેઓ સાચે સ્વરૂપે નથી ઓળખતા તેથી તેઓ પડે છે. ૨૪.
દેવતાઓનું પૂજન કરનાર દેવલોકને પામે છે, પિતરોનું પૂજન કરનારા પિતૃલોકને પામે છે, ભૂતપ્રેતાદિને પૂજનારા ભૂતગણોના લોકોને પામે છે, અને મને ભજનારા મને પામે છે. ૨૫.
૩૦
પત્ર, ફૂલ, ફળ કે જળ જે કાંઈ મને ભક્તિપૂર્વક અર્પણ કરે છે તે શુદ્ધ હૃદય મનુષ્યે ભક્તિપૂર્વક અર્પણ કરેલાનું હું સેવન કરું છું. ૨૬. નોંધ : એટલે કે ઈશ્વરપ્રીત્યર્થે જે કંઈ સેવાભાવથી પ્રાણીઓને અપાય છે તેનો સ્વીકાર તે તે પ્રાણીને વિશે રહેલ અંતર્યામીરૂપે ભગવાન જ કરે છે.
તેથી હે કૌંતેય ! જે કરે, જે ખાય, જે હવનમાં હોમે, જે દાનમાં દે, અથવા જે તપ કરે તે બધું મને અર્પીને કરજે. ૨૭.
આથી તું શુભાશુભ ફળ દેનારા કર્મબંધનથી છૂટી જઈશ, અને ફલત્યાગરૂપી સમત્વને પામી, જન્મમરણથી મુક્ત થઈ મને પામીશ. ૨૮.
બધાં પ્રાણીઓને વિશે હું સમભાવે રહું છું. મને કોઈ અપ્રિય કે પ્રિય નથી. છતાં જેઓ મને ભક્તિપૂર્વક ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું. ૨૯.
મોટો દુરાચારી પણ જો અનન્યભાવે મને ભજે તો તે સાધુ થયો જ માનવો. કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. ૩૦.
નોંધ : કેમ કે અનન્યભક્તિ દુરાચારને શમાવી દે છે.
એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. ૩૧.
હે પાર્થ ! જે મારો આશ્રય લે છે તેઓ પાપયોનિ હોય કે સ્ત્રીઓ, વૈશ્યો કે શૂદ્રો હોય પરમગતિએ પહોંચે છે. ૩૨.
તો પછી પુણ્યવાન અને ભક્ત એવા બ્રાહ્મણો તેમ જ રાજર્ષિઓ વિશે તો કહેવું જ શું ? માટે આ અનિત્ય અને સુખરહિત લોકમાં જન્મીને તું મને ભજ. ૩૩.
મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારે નિમિત્ત યજ્ઞ કર, મને નમસ્કાર કર, એટલે પોતાને મારી સાથે જોડી દઈ, મારામાં પરાયણ થઈ મને જ શ્રેષ્ઠ સ્થાન માનનારો તું મને પામીશ. ૩૪.
ૐ તત્સત
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ' નામનો નવમો અધ્યાય અત્રે પૂરો થાય છે.