અપરાધી/ગરીબનવાજ
← છુટકારાની લાગણી | અપરાધી ગરીબનવાજ ઝવેરચંદ મેઘાણી |
રાવબહાદુરની પુત્રવધુ → |
૨૧. ગરીબનવાજ
આખરે બાપદીકરીને ગાડી પર વિદાય દઈને શિવરાજ પોતાની અદાલત તરફ વળ્યો. એણે નવી જગ્યાનો ચાર્જ લીધો અને ફરી વાર એને ઘેર શ્રીફળ અને સાકરના પડાની સોગાદો વરસવા લાગી. એ શ્રીફળ અને સાકર પોતે કેમ્પના નાના ગામડાને ઠાકરદ્વારે મોકલી દીધાં ને પૂજારીને કહેવરાવ્યું : “નાનાં બાળકોને વહેંચી દેજો.”
જૂના મુકદ્દમાઓની એક આખી થપ્પી એકઠી થઈ હતી. જૂના ડેપ્યુટી સાહેબે કંઈક પ્રમાદથી, કંઈક બુઢાપાને કારણે, અને મોટે ભાગે તો લડનારા પક્ષોને થકવી નાખી ઘરમેળે સમાધાન પર આવી જવાની સ્થિતિ ઊભી કરવા માટે ઢગલો રાખી મૂક્યો હતો. ઉપરાંત, દીવાની દાવા સાંભળનાર મેજિસ્ટ્રેટનો પણ કામચલાઉ ચાર્જ તેને લેવો પડ્યો. એ કામ ઘણા કાળનું ચડેલું હોઈ જલદી પતાવવાનો ઉપરથી હુકમ હતો. શિરસ્તેદારે વેપારીઓના દીવાની દાવાઓ અને તાલુકદારોની તકરારો વગેરે પોતાને માટે માલદાર હતા તેવા તેવા કેસોનાં કાગળિયાં મથાળે રાખીને સાહેબને ઊઠાં ભણાવવા માંડ્યાં.
“બીજા કોના કોના છે ?”
“બહુ ઉતાવળના નથી.”
“તમામનાં નામ વાંચો.”
શિરસ્તેદારે વાંચવા માંડ્યું.
ત્રણ ચાર મોટાં નામો ગયા પછી નાનાં નાનાં ને નજીવાં નામો શરૂ થયાં.
“બામણી બાઈ તરવેણી વિરુદ્ધ રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદી.”
“શી બાબત ?”
“પોતાની ખોરાકીપોશાકી બાબત.”
“લાવો એ કાગળિયાં. બીજું વાંચો.”
“કુંભાર ધરમા વિરુદ્ધ બિલાસગઢ રેલવે.”
“શી બાબત ?”
“કોમ્પેન્સેશન બાબત.”
“શાનું કોમ્પન્સેશન ?”
“એના બળદ રેલવે ફાટક પર કપાઈ ગયા હતા તેનું.”
"લાવો મારી પાસે એ ફાઈલ. આ બંને કેસ ક્યારથી બાકી છે ?”
“પાંચ વરસથી.”
“અને પહેલા બે ?”
“નવા છે.”
“ત્યારે તમે કેમ એને આગળ ધરતા હતા ?” શિવરાજની આંખો કરડી બની.
“અગત્યના કહેવાય ખરાને, સાહેબ !”
“અગત્ય-બિનઅગત્ય કેવી રીતે માપો છો ?”
“સાહેબ,” શિરસ્તેદારે જરા મરકીને કહ્યું, “આપ હજુ આજે પધારો છો. ને મારે માથે આંહીં રહ્યે રહ્યે ધોળાં આવ્યાં. હું આપને આડે માર્ગે ન દોરવું. સંજોગો હું સમજું છું, માટે મેં આપને સીધા દોર્યા.”
“મને દોરવાનું છોડો ને સફેદ વાળ મને ન બતાવો. પાંચ પાંચ વર્ષોથી તમે ખોરાકીપોશાકીના ને કોમ્પેન્સેશનના મામલા દબાવીને બેસી શી રીતે શક્યા ? ફેરવી નાખો પહેલા બે કેસની મુદત. આ કેસની સુનાવણી થશે. નજીકમાં નજીકની તારીખ નાખો. પહેલો કેસ બામણી તરવેણી વિ. રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદીનો લેવાશે. કોણ છે આ પ્રતિવાદી ?”
“આપણા એજન્સીના જ માજી ડેપ્યુટીસાહેબ છે. અત્યારે દૌલાની સ્ટેટના દીવાન છે.”
“નાખો આવતા મંગળવારની મુદત.”
“પણ… સાહેબ !”
“શું છે ?”
“રાવબહાદુરને એ તારીખ અનુકૂળ હશે ?”
“નહીં હોય તો નહીં આવે.”
શિરસ્તેદારે કહ્યું : “જેવી મરજી.”
“તે પછી બીજો જ દિવસ નાખો ખેડુ ધરમાના કેસનો. ઊભા રહો —” શિવરાજે વિચાર કર્યો, “ધરમો ખેડૂત છે, ખરું ? ને અત્યારે એને ખેડવાનું કામ ચાલતું હશે. કયા ગામનો છે એ ?”
“રાવણિયા થાણા હેઠ તાબે દીતડાનો.”
“વારુ, અમાસ ને કયો દિવસ આવે છે ?”
“રવિવાર આવે છે, સાહેબ.” શિરસ્તેદારે કેલેન્ડરમાં જોઈને કહ્યું.
“ફિકર નહીં, ખાસ કિસ્સા તરીકે એ રવિવારે ચલાવવામાં આવશે. રેલવેને ખબર આપો ને અત્યાર સુધીનું તમામ દફતર મોકલી આપો.”
રાત્રિએ મોડે સુધી એણે આ બે મુકદમાની વિગતો તપાસી. પાંચ પાંચ વર્ષો સુધી મુદતો પડ્યા કરતી હતી. રેલવે અધિકારી અને રાવબહાદુર ત્રિવેદીની અનિવાર્ય કારણસરની ગેરહાજરીમાં આ મુદતોનાં કારણરૂપ હતી. શિવરાજે અદાલતે જતાં જોયું હતું : ગામડિયાં સાહેદોનાં ટોળાંને ઊભવાની કોઈ છાંયડી નહોતી, બેસવા બાંકડો નહોતો, પાણી પીવા નળ નહોતા. ઊભા ઊભા ખેડૂતો ને ઉભડિયાઓ દાળિયા ફાકતા હતા. ધાવણવિહોણી માતાઓની છાતીએ ભૂખ્યાં બાળકો ખુલ્લા તાપમાં ચીસો પાડતાં હતાં. કેટલી વાર આમ બની ચૂક્યું હતું ? ઈન્સાફ કેટલો દુર્લભ હતો ? આ લોકોને આંહીં ટોળાબંધ તેડાવવાનો શો અર્થ હતો ?
રાતમાં જ એણે વિચાર કરી કાઢ્યો. વળતા દિવસે શિરસ્તેદારને જઈ કહ્યું : “ખેડૂત ધરમાનો કેસ આંહીં નહીં પણ એના ગામ નજીકના સ્ટેશન પર ચલાવવામાં આવશે — પક્ષકારોને ખબર આપી દો.”
“રવિવારને દિવસે કોર્ટ ! અને તે પણ રેલવેના સ્ટેશનમાં !” બિલાસપુર રેલવેના હાકેમોએ બપોરના બેથી ત્રણની ચા પીતે પીને આશ્ચર્ય અનુભવ્યું.
“એક દિવસ પણ આ ઘસડબોળામાંથી આરામ નહીં ?” તેઓમાંના એક ખિજાયા. પણ સામા બીજાએ સંભારી આપ્યું :
“બાર વાગ્યાથી તો કામે ચડીએ છીએ. બે વાગ્યાથી ચાની તૈયારીઓ કરાવવી પડે છે. ત્રણ વાગ્યે માંડ પ્યાલા ભેગા થઈએ છીએ. ચાર વાગ્યે તો બંગલે ચાલ્યા જવું પડે છે. ચડી ગયેલા કાગળોના થોકડા સાથે લેવરાવી જવું પડે છે. સહીઓ પણ પૂરી કરી શકાતી નથી. કાગળોની કમબખ્ત થપ્પીઓ સામે, બસ, ખડકાયા કરે છે. તેમાં પાછા આ તિસમારખાં જુવાન મેજિસ્ટ્રેટોની આપણા રવિવાર પર પણ તરાપ પડે છે !”
“આ રવિવાર તો હું મિસિસને આપી પણ ચૂક્યો છું.”
“હવે ?” બીજાએ કહ્યું, “હોનારત થશે કે ?”
“સવાલ જ નહીં ને !”
નવા મેજિસ્ટ્રેટ શિવરાજ સાહેબ રવિવારે પ્રભાતે કેમ્પના સ્ટેશન પર આવ્યા ત્યારે સ્ટેશન-માસ્તર સલામ કરીને ઊભા રહ્યા : “સ્પેશિયલ કેરેજ આવી ગઈ છે.”
“કેમ ? મેં તો નહોતી મગાવી.”
“અમારા સાહેબે મોકલી છે. આવું હોય ત્યારે કાયમ મોકલાય છે.”
“કાયમની વાત જુદી હશે. હું તો કાયમી નથી ખરોને ? કહેજો તમારા સાહેબને.”
શિવરાજે પંદર-વીસ માણસો સાંભળી શકે તે રીતે કહ્યું, ને પોતે પોતાના મળતા ભથ્થામાંથી જ ટિકિટ કઢાવી ગાડીમાં બેઠો.
ઊતરવાને સ્ટેશને એકાએક ગાડીના પાટા તળે ફટફટ અવાજો થયા અને બહાર એણે ફૂલહારોના ટોપલા સાથે ઊભેલ ટોળું દીઠું.
શિવરાજ નીચે ઊતર્યો. રેલવેના સાહેબે નજીક આવીને જાણે કે મહોબતના સૂરો કાઢ્યા : “કેમ સાહેબ, કેમ છો ? આજ તો રેલવે પર બહુ કોઈ કૃપા !”
એટલું કહેતાં એણે નજીકની ટોપલીમાંથી હાર ઉપાડવા ડાબો હાથ પાછળ લંબાવ્યો ને જમણો હાથ હસ્તધૂનન કરવા શિવરાજ તરફ લંબાવ્યો.
શિવરાજે એ હાથને પોતાના હાથમાં લેવાની કશી પરવા ન કરી. એણે ધીમેથી કહ્યું : “તમારા હાર દૂર રખાવશો ? હું તમારી મહેમાની ખાવા નથી આવ્યો.”
એ શબ્દોમાં રેલવે અધિકારીની અધીર બની રહેલી મહોબતને થપ્પડ હતી.
રેલ્વે સાહેબનું મોં પડી ગયું. પણ પોતાનો રોષ એ ખાળી શક્યા. એણે કહ્યું : “આપ ઈન્સાફ કરવા આવો છો, પણ મનમાં prejudices (પૂર્વગ્રહ) ભરીને પધારતા લાગો છો.”
“Shut up” (ચૂપ કરો). શિવરાજે અન્ય કોઈ ન સાંભળી જાય તેવી સંભાળ રાખીને હોઠ ધ્રુજાવ્યા. તે પછી એ ઊતર્યો ત્યારે ત્યાં ફૂલહારની કશી ગૂંગળામણ નહોતી.
વેઇટિંગ રૂમમાં સીધેસીધા પેસી એણે અદાલત ભરી. નાનો-શો ખંડ ખુરશી અને બાંકડાઓથી છલોછલ થઈ ગયો. અને રેલવેના બે-ચાર અધિકારીઓ, નજીકના મહાલોના રેવન્યૂ અધિકારીઓ, સીતારામનગરના ખાખી ફટકાધારી મહંતસાહેબ, અને નજીકનું દારૂનું પીઠું ચલાવનાર પારસી શેઠ અરદેશર વગેરે ખુરશીઓ રોકીને ત્યાં શા માટે બેસી ગયા હતા તે શિવરાજથી સમજી ન શકાયું.
“આ… સાહેબ,” રેલવે અધિકારી મહંતશ્રીની પિછાન આપવા ગયા તે જ ઘડીએ શિવરાજે કંઈ સાંભળ્યું જ નથી કરીને શિરસ્તેદારને પૂછ્યું : “ક્યાં છે ફરિયાદી ?”
“ધરમા પ્રાગા.” શિરસ્તેદારે પટાવાળાને નામ આપ્યું.
“ધરમા પ્રાગા ! ધરમા પ્રાગા હાજર છે ?”
પટાવાળાએ રોજિંદા યંત્રની જેમ અરજદારને બોલાવવાની નહીં પણ જાણે કે બિવરાવવાની ત્રણ ત્રાડો પાડી.
“આંહીં છું.” ધરમો ખેડુ ધીમેથી બોલ્યો.
“ત્યારે ફાટતો કેમ નથી અત્યાર સુધી ?” પટાવાળાએ પાસે જઈને કહ્યું.
“પણ તમે એક જ સવાસે રાડ્યું દ્યો, તેમાં હું વચ્ચે કેમ કરીને બોલું ?”
“ઠીક ભા, હાલો મોટા જામ !”
ધરમો અંદર આવ્યો. એણે પોતાની ચૂંચી આંખો પર હાથની છાજલી કરી. એને ખબર ન પડી કે આમાં કોણ ન્યાયાધિકારી છે. એની આંખો જાણે ત્યાં બેઠેલા સર્વની મશ્કરી કરતી હતી. ગરીબી પોતે જ એક ઠઠ્ઠાપાત્ર તમાશો હોવા ઉપરાંત બીજાઓની પણ ઠેકડી જ કરનારી દેખાય છે. ધરમાએ ડાબી-જમણી ગમ ખોટે સ્થાને સલામો કરી તે જોઈને મહંત હસી પડ્યા. શિવરાજે રોષને રૂંધી રાખ્યો.
“પટાવાળા !” એણે કહ્યું, “ફરિયાદીને આંહીં મારી બાજુમાં લઈ આવ.”
ધરમાનો રસ્તો કરવા માટે સાહેબોને ખુરશીઓ ખેસવવી પડી. ધરમો નજીક જઈ ઊભો, પણ ફરીથી એની છાજલિયાળી આંખોએ સાહેબની શોધમાં ખોટી દિશા તરફ નજર ખેંચી.
“આંહીં જુઓ, હું આંહી છું ને” કહી. શિવરાજે ધરમાનું ધ્યાન ખેંચ્યું.
“પટાવાળા, ફરિયાદીને માટે બેઠક લાવો.” પ્રતિવાદીઓ અને દારૂના પીઠાના માલિક વગેરે પ્રેક્ષકો પણ ખુરશીએ ચડીને બેઠા હતા, ત્યારે ફરિયાદીનો એકનો જ શો અપરાધ — એવો ભાવ શિવરાજના હૈયે ઉદ્ભવ્યો.
શિવરાજના એ હુકમે દોડાદોડી કરાવી મૂકી. એક સ્ટૂલ લાવીને મૂક્યું. ધરમાને બેસાડ્યો. તે પછી જ મુકદ્દમો શરૂ થયો.
ધરમાને — એક કણબાને કોરટમાં બેઠક ! પ્રેક્ષકોને વિચિત્ર લાગ્યું એટલું જ નહીં, પોતાનું સૌનું એમાં અપમાન પણ દેખાયું.
પછી મુકદ્દમાનો સપાટો શરૂ થયો. શિવરાજે આખું પ્રકરણ સમજી લીધું. બિલાસપુર રેલવેનું ઈન્સ્પેકશન લેવા આવેલા સિમલા રેલવે બોર્ડના ઇન્સ્પેક્ટરની સ્પેશિયલ નીકળી હતી. ઈન્સ્પેક્ટર બિલાસપુરથી મોડા ઊપડ્યા હતા. એમને દિલ્હી પહોંચવાની ઉતાવળ હતી. એણે ‘મેક્સિમમ સ્પીડ’ (વધુમાં વધુ વેગ)થી ગાડી દોડાવવા હુકમ કર્યો હતો. એ અંધારી રાત હતી. ખેડુ ધરમાનું ગાડું લેવલ-ક્રોસિંગ પર ઝપાટામાં આવી ગયું.
“લેવલ-ક્રોસિંગ પર ફાટક છે ?”
“ના.”
“માણસ રહે છે ?”
“ના.”
“કેમ નહીં ?”
“આજ સુધી કદી જરૂર નથી જણાઈ.”
“એટલે કે ઢોર નથી કપાયાં ?”
“ફરિયાદ નથી થઈ.”
“એમ કાંઈ હોય, સાહેબ ?” ધરમો વચ્ચે બોલ્યો, “ગણી દેખાડું: પદમાનું ગાડું ચેપા થઈ ગયું પરારને દુકાળે ભરડી ગામના બામણની ભેંસ કપાઈ ગઈ હતી મોર્યના વરસે. તીથી અગાઉ પબા કુંભારનાં ચાર ગધેડાં કપાઈ ગ્યાં; ને મારી છોકરીનો તો સા’બ, સાતમો બનાવ છે આ ત્રણ વરસની અંદર —”
“તારી છોકરીનો,” શિવરાજ ચમક્યો, “કે તારા બળદનો ?”
“એટલે એમ થયું સા’બ, કે છોકરી ગાડું હાંકતી’તી. હું રતાંધળો છું તે છોકરીને હાંકવા બેસાડી. એમાં ઓચિંતાનું ઝોકાર અંજવાળું પડ્યું. ઢાંઢા અંજાઈને રઘવાયા થ્યા ને જોતર તોડાવીને ખાબકી પડ્યા ગાડીના મારગમાં.”
“છોકરીને કંઈ ન થયું ?”.
“ના, સા’બ.”
“ક્યાં છે છોકરી ?”
“મરી ગઈ.”
"ક્યારે ?”
“વળતે દી સવારે જ.”
“તું તો કહે છે કે કાંઈ નહોતું થયું !”
“ના, સાહેબ, બીજું કાંઈ નો’તું થ્યું પણ બે ખાઈ ગઈ’તી. ઢાંઢા કપાતા ભાળ્યાને, એટલે એને તાવ ચડ્યો, ચમક ઊપડી ને મરી ગઈ.”
“એ તેં કેમ નથી લખ્યું અરજીમાં ?”
“એનું શું લખાય, સાબ ? તાવથી મૂઈ એની તો નુકસાની કોણ આપે ?” કહીને ધરમો હસ્યો.
“તને આ બધું કોણે સમજાવ્યું ?”
“કોરટમાં કાંઈ પે’લી વાર થોડો આવું છું, સા’બ ? આ સોત થઈને તો પંદર ફેરા થ્યા… વકીલુંની આટલી દલીલું સાંભળી. છોકરીનું તો ઠીક, સા’બ, અમથી જીવતી હતી તોય મૂઆ જેવી જ હતી — એના ધણીએ કાઢી મેલી’તી. લખણું કરી દેતા નો’તા, ને હું મોકલતો તો મારી મારીને અધમૂઈ કરતા. ઈ તો છૂટી સા’બ. માણસનાં કાંઈ નાણાં લેવાય છે ! ખરેખરો ઘાસ તો મને ઢાંઢાનો લાગ્યો, સા’બ. ત્રણસો રોકડા દઈને જોડ લીધેલી. ઈ સારુ તો એક ખેતર માંડેલું. ઉપરાંત, ઈ જે મૂઈ ભાળ્યું. ઈ છોકરીને પણ માંડી’તી. સંધીને કીધું’તું કે એના સાસરિયાં ફારગતી કરી દેશે તો હું બીજે ઘરઘાવીને જે રકમ બચશે તે ભરીશ.”
ધરમો વિચારતો જ નહોતો કે પોતાનું બોલ્યું કોઈ સાંભળે છે કે નહીં. એ તો એને કોઈ ન અટકાવે ત્યાં સુધી બોલે જ જતો હતો. એને ભાન જ નહોતું કે પોતે અદાલતમાં બોલતો હતો. એને તો લાગ્યું કે, મારી આખી વીતકકથા સાંભળનારા કોઈ દયાળુ શ્રોતાઓ આંહીં એકઠા થયા છે. અને આટલે વર્ષે બીજું કાંઈ નહીં તો ઘણા લાંબા કાળથી મનમાં સીસાના રસ રેડાયા જેવી જે વાતો ભરાઈ બેઠી છે, તેને તો બહાર ઠાલવી નાખું ! નવા સાહેબ એને કોઈ પ્રભુના ઘરનું માણસ લાગ્યા. સાંભળે છે એ કાંઈ ઓછું છે ! મનની કળ કેટલી બધી ઊતરી ગઈ !
“મારી છોકરી ગઈ તેની વાત મેં આંહીં જ પે’લવે’લી કરી, સા’બ; એટલો તમ માથે વશવાસ બેઠો, હૈયું એટલું તમ પાસે વીસમ્યું, તારે જ મેંથી બોલાણું હશેને, સાબ !”
પછી પ્રતિવાદી રેલવેના વકીલ ઊભા થયા. ઊભા થઈને સૌ પહેલાં જ એણે એક પગ ખુરશી પર ઠેરવ્યો અને ધોતિયું ગોઠણ સુધી ઊંચું લીધું.
“Have some manners, Mr. Pleader” (વકીલસાહેબ કાંઇક રીતભાત રાખો !). શિવરાજે કચવાઈને શાંત સૂચના કરી. એ સૂચના એમણે અંગ્રેજીમાં કરી, કેમ કે વકીલની પણ ઠેકડી કરાવવાની શિવરાજની ઈચ્છા નહોતી.
વકીલે ઘણા ઘણા ધમપછાડા મારી ધરમાને મૂંઝવવા મંથન કર્યું. પણ ધરમો ન અકળાયો. વકીલ બરાડા પાડતા ત્યારે શિવરાજ હસીને કહેતા : “ધરમાં, ડરીશ નહીં હો કે ? એ તો એમનો અવાજ મૂળથી જ જરા ઘોઘરો છે.”
“ડરિયેં શીદને, સા’બ ? અમારે સીમના લોકને તો ઢોરની ત્રાડું સાંભળવાની ટેવ પડી ગઈ.”
વકીલની માથાફાડ દલીલોના અંતે શિવરાજે પૂછ્યું: “રૂપિયા ત્રણસો જેવી નાની રકમના કોપેન્સેશનમાં રેલવેએ આ શી જિકર માંડી છે ?”
“સાહેબ !” રેલવેના અધિકારીએ કહ્યું, “ડોશી મરે તેનું કાંઈ નહીં, પણ જમ ઘર ભાળી જાય !”
“એટલે ?”
“રેલવેને વાત વાતમાં કોર્ટે ઘસડી જવાની લોકોને ટેવ પડે છે.”
“ઓહો !” શિવરાજને આ માણસની વાચાળતા પર તિરસ્કાર છૂટ્યો. એણે નુકસાનીના રૂપિયા ત્રણસોનો ફેંસલો સંભળાવ્યો. આ રકમ ખેડુ ધરમાને આઠ દિવસમાં ભરી દેવા એણે રેલવેને હુકમ કર્યો.