અપરાધી/રાવબહાદુરની પુત્રવધુ

← ગરીબનવાજ અપરાધી
રાવબહાદુરની પુત્રવધુ
ઝવેરચંદ મેઘાણી
બાપુનું અવસાન →


૨૨. રાવબહાદુરની પુત્રવધૂ

પાછા કેમ્પમાં આવતાં કોર્ટમાં રાવબહાદુર ત્રિવેદીનો તાર આવેલો તૈયાર હતો. લખ્યું હતું કે, મારા ને મારી પુત્રવધૂ વચ્ચેના મુકદ્દમાની મુદત ફેરવવાની વિનંતી કરું છું. અનિવાર્ય કારણોએ મને રોકી રાખેલ છે.”

“હં !” શિવરાજ જ્યારે મરણિયો બનતો ત્યારે હમેશાં ભમ્મર ભેગાં કરીને ભીડ્યા હોઠનું ‘હં’ ઉચ્ચારણ કરતો : “શિરસ્તેદાર, આ કેસમાં કેટલી વાર મુદત પડી છે ?”

“પાંચ વાર.”

“કોની માગણીથી ?”

“રાવબહાદુરસાહેબની.”

“ક્યાં છે એના વકીલ ?”

“આ રહ્યો, સાહેબ.” કહીને એક ધારાશાસ્ત્રીએ જવાબ આપ્યો.

“ક્યાં છે ? કોણ છે ?” શિવરાજે ફરી ત્રાડ પાડી.

વકીલ ઊભા થયા.

“હાં, હવે હું તમને જોઈ શક્યો છું વકીલસાહેબ !” શિવરાજે વકીલની બેઅદબી પ્રત્યે વ્યંગ કર્યો, “તમે બચાવપક્ષના વકીલ છો કે ?”

"જી હા, રાવબહા…”

“સમજ્યો, સમજ્યો,” શિવરાજે વકીલને એ દમામભર્યું નામ પૂરું પણ ન કરવા આપ્યું, “હું તમારા અસીલને વધુ મુદત આપી શકતો નથી — જણાવવું હોય તો જણાવજો એમને.”

અદાલતમાં હાજર તમામને શિવરાજસાહેબ વીફરી ગાંડા થઈ ગયેલા લાગ્યા. આ શું ? રાવબહાદુર ત્રિવેદીસાહેબને એક સાધારણ અસીલની સ્થિતિમાં મૂકી દીધા ! એમનું નામ પણ નથી લેતા ? એને ફક્ત બચાવપક્ષ, અસીલ વગેરે નામો લઈ બોલાવે છે. આનું શું થવા બેઠું છે ?

“એ ઓલ્યો છેક દિલ્હીના સેક્રેટેરિયેટ સુધી વસીલા બાંધીને બેઠો છે. આનાં હાંડલાં અભડાવી મારશે ઓલ્યો બામણ.”

એ લાગણી ધાસ્તીની હતી. એમાં ગભરાટ હતો. ધીરે ધીરે એ ભાવ વિરમી ગયો. બપોરની રજામાં બધા વકીલો અને અસીલો બહાર નીકળ્યા. એકબીજાને અહોભાવના બોલ સંભળાવ્યા : “છે બાકી ભાયડો હો ! મર્દનો બચ્ચો છે ! આરબ છે, વિલાયતી આરબ ! કોઈની સિફારસ કે લાગવગનો તો કાળ છે કાળ ! કોઈનું મોટું ભડકામણું નામ સાંભળતાં તો ગરમ ગરમ બની જાય છે. પણ એ ગરમીની છાંટોય અસર પાછી એના ફેંસલામાં છે ? આપણી તરફ, વકીલો તરફ પણ એને અમુક અસીલોના વકીલો તરીકે જરીકે ડંખ નથી. ચોખ્ખો તો ખરો, ભાઈ ! એમાં ના નહીં પડાય.”

વળતા જ પ્રભાતે અદલ અગિયારને ટકોરે પટાવાળાની ત્રણ બૂમો પડી : “બામણી તરવેણી ! તરવેણી ! તરવેણી હાજર છે ?”

એ ચીસો સાંભળનારને કોઈ કોઈ વાર એક બીજી ચીસ યાદ આવે છે : લોકકથામાં કહેવાય છે કે જગર બિલાડો (જંગલી બિલાડો) ઉંદરના દર પર ઊભા રહીને એક કાળી ચીસ પાડે છે કે જે સાંભળીને ઉંદર આપોઆપ ગાભરો બની બહાર નીકળી પડે છે. હિંદની હજારો અદાલતોના પટાવાળાના ત્રણ ત્રણ હાકોટામાં પણ જાણે એવી જ કોઈ કાળશક્તિ રહેલી છે.

કેમ્પની અદાલતના ચોગાનમાંથી એક સ્ત્રીશરીર ઊભું થયું. સાડલો ઓઢાડેલો લાકડાનો માળખો હોય, સેંકડો થીંગડાંમાંથી રચેલો ચંદરવે ઢાંકેલો ડામચિયો હોય, જેને જીવતો જીવ કહેતાં પહેલાં પલભર મન વિમાસણમાં પડી જાય, એવું એક માનવશરીર કમ્પાઉન્ડને છેવાડે આવેલા ખીજડાના ઝાડ પાસેથી નીકળ્યું ને અદાલત તરફ ચાલ્યું.

એનો એક હાથ સાડલાની અંદર ઢાંકેલો હતો, ને બીજા હાથનું માત્ર કાંડું જ બહાર દેખાતું હતું. એ કાંડાના પંજામાં એક મેલું પરબીડિયું હતું. એ સ્ત્રી હતી ? કે કોઈ વાદીને ખભે લટકતી ઝોળી હતી ? ઝોળીમાંથી જાણે એક સાપ ડોકું કાઢતો હતો, બીજો સાપ અંદર બેઠો હતો — બે હાથનો દેખાવ એવો હતો. એ પોતે જ બાઈ તરવેણી હતી.

બાઈ તરવેણીને પટાવાળો પીંજરા તરફ લઈ ગયો ને એને અંદર ઊભી કરી ત્યારે કાગળ પર કંઈક નોંધ કરીને શિવરાજે ઊંચે જોયું ને ફરીથી શિરસ્તેદારને પૂછ્યું : “ક્યાં છે બાઈ તરવેણી ! હજુ કેમ બોલાવતા નથી ?”

“આ રહી સાહેબ — પીંજરામાં ઊભી તે જ.”

“આ બાઈ તરવેણી ? એ તો પ્રતિવાદીની પુત્રવધૂ છે ને ?” શિવરાજના મનમાં સંભ્રમ થયો.

“હા જી.”

“તમે કહો છોને, કે પ્રતિવાદી રાવબહાદુર ત્રિવેદી છે ?”

“હા જી.”

“તેની આ પુત્રવધૂ !”

“સગી પુત્રવધૂ.”

“આ વેશે ? ઢોંગ તો નથી કરતી ?”

“જી ના, દર વખતે આ જ વેશે હાજર થાય છે.”

તે જ ક્ષણે કમ્પાઉન્ડમાં મોટરનો મેઘનાદ ઊઠ્યો, મોરલા બોલ્યા, પક્ષીઓ કળેળ્યાં. ઘણા કોસની મજલ કરીને મોટર આવી પહોંચી હતી એવું અનુમાન એના ચકચકિત ‘બોડી’ પર ચડેલી ધૂળના થરો પરથી દેખાતું હતું.

રેશમનાં કોટ-પાટલૂન અને સોના-કોરના બારીક સાફામાં સજ્જ થયેલ પચાસેક વર્ષના પુરુષ મોટરમાંથી ઊતરીને ડેપ્યુટીની ચેમ્બર તરફ ચાલ્યા. ત્યાંથી એણે અંદર પટાવાળા સાથે ચિઠ્ઠી લખીને ડેપ્યુટી પર મોકલી :

“હું આવી પહોંચ્યો છું — દૌલાનીથી મોટર દોડાવવી પડી — મુકદ્દમાને અંગે મારે કેટલીક ગુપ્ત વાતો કરવાની છે. બંધબારણે ચેમ્બરમાં આવીને મુકદ્દમો ચલાવો તો આભાર થશે.”

“એ તો બાઈને જ પૂછવું રહે છે,” એમ કહીને શિવરાજ તરવેણી તરફ ફર્યા, પૂછ્યું “બોલો, બાઈ તરવેણી ! તમારા પ્રતિવાદી તમારી સામે કેટલીક ગુપ્ત વાતો કહેવા માગે છે. તમને પ્રગટપણે કેસ ચાલે તે ગમશે કે બંધબારણે ?”

લાજના ઘૂમટામાંથી અવાજ નીકળ્યો – જાણે કોઈ ફૂટેલા ડબામાંથી તેલનો રેગાડો ચાલ્યો : “મારે તો સાહેબ, ઉઘાડે બારણે જ ન્યાય લેવો છે.”

“તમારી સામે —”

“ગમે તે બોલે,” બાઈ એ જવાબ આપ્યો, “અગાઉ બંધબારણે કામ થયું છે એટલે જ મારે સોસવું પડ્યું છે, સાહેબ !”

“પ્રતિવાદીના વકીલ !” ન્યાયમૂર્તિએ સૂચના આપી, “તમારા અસીલને કહો જઇને — બંધબારણાનું રક્ષણ તો આ ઓરત માગે તો બરાબર કહેવાય. પણ એ તો ઊલટો જ આગ્રહ કરે છે. પ્રતિવાદીએ આંહીં જ હાજર થવાનું છે.”

શિવરાજની હિંમત એના પ્રત્યેક વર્તનમાંથી જાણે કે ઘોષ કરતી હતી. એ જરીકે થોથરાતો નહોતો. એનો ઇરાદો પ્રતિવાદીને પછાડવાનો હોય એવું પણ કોઈથી કહેવાય તેમ નહોતું : હિંમત હતી, પદ્ધતિ હતી. પ્રામાણિકતા હતી.

રાવબહાદુર ત્રિવેદીને ચેમ્બરમાં તેડવા ગયેલ વકીલે, ચેમ્બરવાળાં ન્યાયમૂર્તિના ખાનગી બારણાથી પ્રવેશ ન કરવા સલાહ આપી; અદાલતમાં આગલા બારણેથી જ લઈ આવ્યો. ઉપરાંત, ખાસ અલાયદી ખુરશીમાં બેસવાના રાવબહાદુરના મનોરથો એમના મનમાં જ સમાયા. ન્યાયમૂર્તિની નજીક જઈને પણ એ વિશિષ્ટ ધ્યાન ન ખેંચી શક્યા, સામાન્ય ખુરશી પર એમને બેસવું પડ્યું.

શિવરાજની નજર એક ત્રાજવું બની ગઈ એની જમણી આંખના છાબડામાં પચાસ વર્ષના રેશમધારી સસરા હતા; ને ડાબી આંખમાં થીગડાંના કરેલ ચંદરવા હેઠ ઢંકાયેલ ડામચિયા સમી પચીસ વર્ષની પુત્રવધૂ હતી. પ્રતિવાદી પુરુષનો દેહ લાલ લાલ લોહીએ છલકાતો હતો, સ્ત્રીના શરીરમાં ચામડી લબડતી હતી.

“બોલ, બાઈ” શિરસ્તેદારે રોજની તોછડી પોપટ-વાણી શરૂ કરી, “જે કહીશ તે સાચું કહીશ.”

“રહો, મારી પાસે લાવો !” કહીને ન્યાયમૂર્તિએ પોતે જ બાઈ તરફ જોઈ તદ્દન હળવા અને ગંભીર સાદે કહ્યું : “જુઓ બહેન, કહો કે : સાચું જ બોલીશ, ખોટું બોલું તો પરમેશ્વર પૂછે.”

બાઈ કશુંક બબડી.

“જરા જોરથી બોલ, બાઈ !” શિરસ્તેદારે સૂચના કરી.

“કશી ફિકર નહીં. પ્રભુએ તો એ સાંભળી લીધું છે ને ?”

એટલું બોલીને શિવરાજે બાઈની જુબાની શરૂ કરી. વકીલોએ શરૂ શરૂમાં વાપરેલા તુંકારાઓ શિવરાજના મન પર કોઈ ઊંડી વ્યથા ઉપજાવતા હતા. એ જોઈને વકીલો પણ બાઈ તરવેણીને ‘બહેન તમે’ શબ્દ સંબોધતા થઈ ગયા. મુકદ્દમાના પ્રારંભમાં રાવબહાદુર ત્રિવેદીએ તેમ જ તેના વકીલે ઊભા થઈ વિક્ષેપો નાખવા માંડ્યા. શિવરાજ કરડો બન્યો.

એણે વકીલને કહ્યું : “તમે કે તમારા અસીલ વચ્ચે કૂદશો તો મારે દિલગીરી સાથે અદાલત —” આંહીં એ જરાક થોથરાયો… એક પળના થોથરાટને વટાવીને, એક જ છંલાગે દીવાલ કૂદતા અશ્વ સમું એનું હૈયું હામ ભીડીને બોલી ઊઠ્યું : “તો મારે અદાલત ખાલી કરાવવી પડશે !”

મુકદ્દમો આગળ વધ્યો, તેમ તેમ અદાલતનું વાતાવરણ જમાવટ પામ્યું, વિશુદ્ધિ પામ્યું. એક પણ વિક્ષેપ ત્યાં અસંભવિત બન્યો. અને બપોરની રજાનો સમય થતાં પહેલાં એણે જાહેર કર્યું : “જો વાદી-પ્રતિવાદીના વકીલો, અસીલોને વાંધો ન હોય તો, હું આ મુકદ્દમો એક જ બેઠકે પૂરો કરવા માગું છું. વાંધો હોય તો જણાવશો ?”

બાઈ તરવેણીએ પગે લાગીને કહ્યું : “હું આપને પગે પડું, ધરમરાજ; કોઈ વાતે પૂરું કરો.”

બાઈની જુબાની પૂરી થઈ રહ્યે પ્રતિવાદીનો વારો આવ્યો. “શિરસ્તેદાર,” શિવરાજે કહ્યું, “નામ પુકારો.”

‘રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદી’ એ નામ સંભળાયું. નામધારીએ બેઠક છોડી, પણ પોતે ખુરશી પાસે જ ઊભા રહ્યા.

“તમે કે ? આવો અંદર.” શિવરાજે પીંજરું બતાવ્યું. રાવબહાદુરના પગમાં કોઈએ જાણે સીસું સિંચ્યું હતું. એને આશા હતી કે પોતે પીંજરે પહોંચે તે પૂર્વે ત્યાં ખુરશી મુકાઈ જાય. ખુરશી આવી જ નહીં. રાવબહાદુરના પગ પીંજરે ચડ્યા — જાણે પહાડ ચડ્યા !

શિવરાજ જાણીબૂજીને ખુરશી નથી મુકાવતા કે સરતચૂકથી ? સર્વને અજાયબી થઈ, શ્વાસ ઊંચા ચડ્યા : રાવબહાદુર પ્રત્યે દયા છૂટી, શિવરાજ પ્રત્યે માન થયું. જગત ધનિકોની પડતી થતાં દયા ખાય છે. ગરીબોના નગ્ન શરીર પરનો એકાદ લીરો વધુ કે ઓછો, તે અનુકંપાને પાત્ર નથી; અમીરોના હારના એકાદ હીરાનું ગુમ થવું ‘અરેરે બાપડો !’ જેવા અનુકંપાયમાન શબ્દોના વિષય બને છે.

ખુરશીવિહોણા ઊભેલા રાવબહાદુર, એક ઉજ્જડ પડેલા રાજકિલ્લા સમાં કરુણાજનક બન્યા. શિવરાજે જો કોઈ જીવતા માણસને રાવબહાદુરની બેઠક બની જવા કહ્યું હોત તો એક કરતાં વધુ માણસોએ ત્યાં પોતાના દેહની ઘોડી વાળી આપી હોત.

મુકદ્દમાની પ્રતિભામાં નવું તેજ પુરાયું. એજન્સીના ગઈ કાલના એક અડીખમ અધિકારીને પ્રતિવાદીના પીંજરામાં જોવો, ને સિંહને પશુબાગના સળિયા પાછળ જોવો, એ બેઉ બરોબરિયાં દૃશ્યો છે.

“શું કહેવાનું છે તમારે ? શા માટે જિવાઈ નથી આપતા આ વિધવા પુત્રવધૂને ?”

એના જવાબમાં રાવબહાદુરે તિરસ્કારથી કહ્યું : “એ રાંડ બદચાલ ચાલે છે. એને હું કયા દાવે જિવાઈ આપું ?”

એ શબ્દોએ શિવરાજને બાઈ તરવેણી તરફ નિહાળતો કર્યો.

ચિતામાંથી ઊઠતા ખોળિયા જેમ એ ઊઠી : “સાહેબ ! સાહેબ ! મને આંહીં ને આંહીં ટૂંકી કરી નાખો !”

શિવરાજે પૂર્વે હતી તે કરતાં વધુ શાંતિ પકડી. એણે પહેલાં તરવેણીને કહ્યું : “બાઈ, બેસી જાઓ.” ને પછી એ રાવબહાદુર પ્રત્યે વળ્યો : “તમે શું બોલો છો તેનો ખ્યાલ છે ?”

“જી, હા.”

“તમે એ વાત પુરવાર કરી આપો છો ?”

“એવા ધંધા પુરવાર થઈ શકતા નથી.”

“ત્યારે ચૂપ રહો !” શિવરાજના મોંમાંથી એ શબ્દો ચાબુકની જેમ છૂટ્યા. “આવા આક્ષેપો પુરવાર કરવાની શક્તિ નથી છતાં અદાલતમાં આગળ ધરો છો ? તમે આ અપમાન ઈન્સાફની સામે ફેકો છો, જાણો છો ?”

“સાહેબ, હું સરકારનો ઈલકાબધારી છું.”

“માટે ? માટે શું તમે સત્યવક્તા છો ?”

“મારું અપમાન થાય છે. અર્થાત્ સરકારનું ખુદનું… !”

“કોઈપણ સરકાર ન્યાયના કરતાં મોટી નથી. સરકારના માનાપમાનની સંભાળ અદાલત પાસે રહેવા દો. તમે એક સ્ત્રીનું અપમાન કર્યું છે તેની કોર્ટે નોંધ લીધી છે. તમારા બચાવમાં કાંઈ કહેવું છે ?”

“ના જી.”

“કેટલી જિવાઈ માગે છે — આ બાઈ ?"

“મહિને પાંચ રૂપિયા, સાહેબ !” બાઈના ઘૂમટામાં ક્ષીણ અવાજ ઊઠ્યો. એ અવાજ જાણે કોઈ ધસી પડેલી ભેખડ તળેથી આવતો હતો.

“પાંચ રૂપિયા ! માસિક પાંચ રૂપિયાને માટે સરકારના ઈલકાબધારી માણસ અદાલતોના ઉંબરા ટોચવા દીકરાની વિધવા વહુને આંટા ખવરાવે છે ?અફસોસ અને આશ્ચર્યની વાત ! હું બાઈને માટે રૂપિયા દસની માસિક ખોરાકીપોશાકીનો પ્રતિવાદી પર હુકમ કરું છું.”

“પણ સાહેબ, મને કોણ આપશે ?” — પેલો ક્ષીણ સ્ત્રીકંઠ સંભળાયો.

“દર માસે તમને અદાલત મારફત પહોંચતા થશે. ને પ્રતિવાદીએ એક એક વર્ષની પૂરી રકમ પ્રથમથી જમા કરાવી જવાની છે !”