← રાવબહાદુરની પુત્રવધુ અપરાધી
બાપુનું અવસાન
ઝવેરચંદ મેઘાણી
સળવળાટ થાય છે →


૨૩. બાપુનું અવસાન

દાલત સ્તબ્ધ હતી. રાવબહાદુરનું ઝનૂનભર્યું મોં શિવરાજ સામે ફાટ્યું રહ્યું હતું. વિધવા તરવેણીને જાણે વિશ્વાસ જ નહોતો પડ્યો : મૅજિસ્ટ્રેટ મશ્કરી તો નહીં કરતા હોય !

શિવરાજનું કરડું મોં પોચું પડ્યું. એણે અદાલતના વકીલો, અસીલો તમામ પ્રત્યે એક મલકાટ વેર્યો, ને “ઊઠશું ત્યારે ?” એવા હળવા શબ્દો બોલી, ખુરશીના હાથા પર હથેળીઓનો સુંવાળો લસરકો મારી એ ઊઠી ચેમ્બરમાં ગયો. ને સ્તબ્ધ સભાનો મધપૂડો ગુંજી ઊઠ્યો. વકીલોએ વિસ્મયભર્યા ચહેરે એકબીજાના ખભા થાબડતે થાબડતે કહ્યું : “માજિસ્ટ્રેટો બધા મરી ગયા મરી ! જીવે છે આ એક જ માઈનો પૂત !”

રાવબહાદુર સર્વથી સંકોડાઈને લપાતા ચોરની પેઠે નાઠા તે સૌએ જોયું.

બાઈ તરવેણી હજુ જેમની-તેમ જ બેસી રહી હતી, અને પાસે ઊભેલો એક પટાવાળો એનું એકલ ભાષણ સાંભળતો હતો. એ બોલતી હતી :

“મારી આંતરડી જેવી તે ઠારી છે તેવાં જ તારાં અંતર ઠરજો, મારા વીરા ! તારી એકોએક આશાઓ પુરાજો !”

રાવબહાદુરની મોટર નિરર્થક ધૂળના ગોટા ઉરાડતી નીકળી ગયા પછી એક બે-ઘોડાળી ગાડી પણ અદાલતના ચોગાનમાંથી બહાર નીકળી.

આગળ ઘોડાઓ માટે માર્ગ કરવા એક ચપરાસી હાથમાં કૂમચી લઈ દોડતો હતો. લગામ જેના હાથમાં હતી તે પુરુષ ગાડીને ઝટ બહાર કાઢી લેવાની ઉતાવળમાં તો હતા છતાં ‘આસ્તે, બાપા આસ્તે !’ એમ કહેતા હતા. સૌ એને સલામો કરતા હતા. સલામોને ઝીલતા પોતે હસતા હતા. સાધારણ માણસને માટે આ હસવું સંયમી ગણાય, છતાં ચાલ્યા જતા પ્રેક્ષકોમાં વાતો ચાલતી હતી કે, “આ ડોસા ક્યારે આવી ચડેલા ?”

“કોઈને ખબર ન પડી.”

“સાહેબને મળ્યા વિના જ કેમ ભાગે છે ?”

“ડોસો એવો જ વિચિત્ર છે.”

“બહુ તાનમાં આવી ગયા છે ને શું ? આટલું તો એનું મોં કદી જ ખીલ્યું નથી.”

“દીકરાની બહાદુરી દેખીને કયા બાપની છાતી ન ફાટે, ભાઈ ?”

એ વાતો થતી રહી ત્યાં ઘોડાગાડી અદૃશ્ય બની.

ચેમ્બરની અંદર શિવરાજ આરામ ખુરશી પર પડ્યો. એના આખા શરીરે ત્યાં ઢળી જવા, ઢગલો થઈ જવા મન કર્યું. એણે પ્રેક્ષકો પ્રત્યે ફેકેલું છેલ્લું સ્મિત ચેમ્બરમાં એના મોં પર નહોતું રહ્યું. સો ગાઉના પંથનો શ્રમિત કોઈ કાસદ જાણે ઢીલો થઈને પડ્યો હતો.

એની વિચાર-સાંઢણીઓએ કાંઈ ઓછા પંથ ખેડ્યા હતા ? તરવેણીની દશાએ એને અજવાળી યાદ કરાવી હતી. તરવેણીનો ન્યાય તોળતાં તોળતાં એણે અજવાળી પ્રત્યેનું પોતાનું આચરણ વારંવાર વાંચ્યું હતું. ‘કોઈક દિવસ મારો અપરાધ પણ આટલી જ કડક રીતે તોળનારો કોઈક આવી ચડશે તો ? — તો — તો —’ અને એ વિચારદારને તોડનાર શબ્દ સંભળાયો : “સાહેબ !”

પડેલા શિવરાજે ધીરેથી પોપચાં ઉઘાડ્યાં.

“બાપુ પધાર્યા હતા.” પટાવાળાએ કહ્યું.

“કોણ ?” શિવરાજ હજુ બેધ્યાન હતો.

“દેવનારાયણસિંહસાહેબ.”

“ક્યાં હતા ?”

“આંહીં કોર્ટમાં પધારેલા.”

“ક્યારે ?”

“આપ ફરિયાદણ બાઈને સોગંદ લેવરાવતા’તા ત્યારે.”

“ક્યાં બેઠેલા ?”

“બહાર પરસાળમાં બારી પાસે. મેં કહ્યું કે અંદર પધારો. એમણે કહ્યું કે, આંહીં જ ખુરશી મૂક.”

“અત્યારે ક્યાં છે ?”

“સિધાવી ગયા.”

“ક્યારે ?”

“કોર્ટ ઊઠ્યા પછી.”

શિવરાજ ક્ષોભમાં પડ્યો. મને મળ્યા કે બોલાવ્યા વિના જ કેમ જતા રહ્યા ? કોર્ટનું કામકાજ જોઈને કેવીક અસર લઈ ગયા હશે ? કાંઈ અસંતોષ રહ્યો હશે ? કાંઈ અન્યાય થઈ ગયો છે એમ તો માનીને નહીં રિસાયા હોય ?

વળતા દિવસે સવારના છ વાગ્યા હતા. આગલા દિવસનો થાકેલા જ્ઞાનતંતુઓએ શિવરાજને હજુ સુવાડી જ રાખ્યો હતો. ત્યાં નીચે જોરથી બૂમો પડી : “સાહેબ ! સાહેબ !”

અર્ધજાગૃતિમાં એ શબ્દો ફરી સંભળાયા. જાણે સામે છાપરે બેઠા બેઠા કાગડા બોલતા હતા.

ત્રીજી બૂમે એ જાગ્યો. જોયું : ગાડી સુજાનગઢની હતી, પણ ખાલી હતી. કોચ-બોય આવી ઊભો રહ્યો. એના મોં-માથે હોશ નહોતા.

“કેમ ?”

“આપને તેડવા —” વધુ એ ન બોલી શક્યો.

“કોણે મોકલી છે ?”

“માલુજીમામાએ.”

“શા માટે ?”

“બાપુ —”

શિવરાજ ધા ખાઈ ગયો : “શું ?”

“દેવ થયા !”

“કોણ — શું — કેમ — હોય નહીં !”

“રાતમાં હૈયું બંધ પડી ગયું.”

કહેનાર ગાડીવાન-છોકરાની આંખમાં પાણી દેખાયાં.

શિવરાજ અરધાં કપડાં પહેરીને ને અરધાં હાથમાં લઈને જ ગાડીમાં બેઠો. સુજાનગઢ આવ્યો ત્યાં તો એણે બંગલાના ચોગાન પર ડાઘુઓની બેસુમાર મેદની નિહાળી. એક ઢોલિયો પણ તૈયાર થતો હતો. કેટલાક સ્મશાનયાત્રાના નિષ્ણાતો, — જેમણે જીવનભરમાં પોતાની બીજી કોઈ સામાજિક ઉપયોગિતા જાણી નથી હોતી તેઓ, — ગાંઠિયા, સુખડ, અબીલ, ગુલાલ વગેરે અંતકાળના ઉપયોગી સરંજામની ખરીદીની કાળજીભરી ભલામણ એકબીજાને કરી રહ્યા હતા. બે-ત્રણ જણા ગામ ભણી જવા દોડતા હતા. એક-બે જણા —

“આ જોશે.”… “ના ભૈ ના, ન જોવે.”… “અરે, પણ ગરાશિયાના મરણમાં જોવે.” વગેરે ધડાકૂટમાં પડ્યા હતા.

તે જોઈને શોકમગ્ન શિવરાજ પણ એક વિચારને ન દબાવી શક્યો કે મનુષ્ય, હરેક નાચીજમાં નાચીજ મનુષ્ય પણ, જ્યારે પોતાની જાતની થોડીએક ઉપયોગિતા પણ આ જગતમાં જુએ છે, ત્યારે એ કેટલો ધન્ય બને છે ! કેટલી સાર્થકતા માણે છે ! ને આટલી બધી ઈર્ષા, દ્વેષ, દેખાદેખી, વૈરવૃત્તિ — એ બધાં કદાચ એક-ની-એક નિરાશાનાં જ આવિષ્કરણો તો નહીં હોય ? પોતાનો આ જગતમાં ક્યાંયે સાર્વજનિક ખપ નથી, પોતે સમાજ સમસ્તને કાંઈ કામ આવે તેમ નથી, એવી નિરુપયોગિતાની લાગણી કેટલી ભયાનક હતાશાથી ભરેલી છે !

એક ક્ષણમાં જ એ વિચાર-તારો એના મન-ગગનમાંથી ખરી ગયો. એણે પોતાની નજર સામે સૌ પહેલું મૃત્યુ નિહાળ્યું. એ લોકમેદનીનાં મોં ચૂપ હતાં. દરવાજો મૂંગો હતો. અંદર જતાં બધું જ ખાલીખમ હતું. બુઢ્‌ઢો ચાઊસ ઊંધું માથું ઘાલીને ઝીણું રોતો હતો. તેણે શિવરાજને જોયો તે ઘડી જ એનો કંઠ ભેદાયો ને ચીસ પડી : “અલ્લા ! ઓ અલ્લા ! મહોબત તોડ દિયા !”

શિવરાજના મન પર સત્ય જાણે ગોદો મારતું હતું. ચકિતપણાની લાગણીનો કાળ પૂરો થયો. સંભ્રમના પણ પડદા ઊંચકાઈ ગયા. મોટા ખંડમાં પિતાજીનો શ્વેત વસ્ત્રે ઢાંક્યો પડછંદ દેહ સૂતો હતો. નીચે તાજી લીંપેલી ધરતી હતી. લીંપણની સુગંધ આવતી હતી. ઘીનો દીવો બાજુમાં જલતો હતો. “બાપુ જાણે રાતની આદત પ્રમાણે સૂતા સૂતા હજુ વાંચતા તો નહોતા ને !” એવી એક બેવકૂફ ભ્રાંતિ શિવરાજને અંતરે રમીને ચાલી ગઈ.

બાજુમાં માલુજી બેઠા હતા. એના હાથમાં માળા હતી. એનો દેહ તાવમાં થરથરતો હતો. એના રડતા કંઠમાં એક ભજનની ટૂંક હતી :

છેટાંની આ વાટું રે,
વીરા મારા, મળવું કિયાં ?
ભલાઈ કેરું ભાતું રે,
વીરા ! ભેગું બાંધી ગિયા.
અહીં નથી રે’વાતું રે,
વીરા શીદને ભાગી ગિયા !

“અરે સા’બ !” માલુજી વચ્ચે બોલતો હતો, ‘દગો દીધો — જનમભરના જોડીદારને ? આખર લગી અંતર કોઈને દેખાડ્યું જ નહીં ? અમને રઝળાવ્યા — અમને બે ડોસાને દગા દીધા !”

દુનિયામાં અપરંપાર કરુણતાઓ છે પણ એકલ જઈફ જનના જિગરના રુદન સમી ઘણી થોડી છે. ભરજુવાન દીકરા માટે રડતો ડોસો એક હૃદયદ્રાવક દૃશ્ય છે. સગાં પેટ પણ હાડહાડ કરતાં હોય તેવી અવસ્થાને છાની છાતી ખોલવાનું ઠેકાણું ટાળી નાખતું. પંચાવન-સાઠ વર્ષની પત્નીનું મોત પણ, પાછળ રહેનાર બુઢ્‌ઢાની ભયાનક દશા કરે છે. પરંતુ માલુજીની ને ચાઊસ દરવાનની દશા તો એ તમામ કરુણતાને વટાવી જતી હતી. આ બેઉ બુઢ્‌ઢાઓનો બાકીનો સકળ સંસાર લૂંટાયાને તો આજે વર્ષો વીત્યાં હતાં. દીકરા, દીકરી, સ્ત્રી, ઘરબાર વગેરેથી ભર્યું જીવન તો તેમના પૂર્વાવતાર જેવું બની ગયું હતું. નવી જિંદગીમાં એ ફક્ત દેવનારાયણસિંહના જ સ્નેહને ઓળખતા હતા. એ એક જ માનવીના સ્નેહમાં એ બેઉ બુઢ્‌ઢાઓની તમામ માયામમતા સમાઈ ગઈ હતી.

માનું મૃત્યુ તો શિવરાજની સ્મૃતિની દુનિયાનો બનાવ જ નહોતો. આજનું અવસાન એની આંખો આગળનો સૌ પહેલો બનાવ હતો. આગ લઈને શિવરાજ પિતાના શબની આગળ ચાલ્યો ત્યારે, સ્મશાને પહોંચ્યા ત્યારે, અરે, ચિતા ચેતાઈ અને સળગી ચૂકી ત્યારે પણ પિતા જેવો પુરુષ જગતમાં હવે નથી એવી કોઈ લાગણી એને થઈ નહીં. એ લાગણી એના પર એકસામટી તો ત્યારે તૂટી પડી, જ્યારે બધું પતી ગયા પછી પિતાના ઓરડામાં એણે માલુજીને છાનામાના ઊભા ઊભા સાંજે બિછાનાની ચાદર ઝાપટતા જોયા. શિવરાજ જઈને પોતાના ખંડના પલંગ પર ઢળી પડ્યો. બારી પાસેની લીમડા-ડાળે ચકલાંને એકબીજાંને ચૂમતાં જોયાં. જૂઈની વેલ — શિવરાજની બારી પાસે પિતાએ જ કાળજી કરીને રોપાવેલી — તેની કળીઓ સાથે પતંગિયાં પોતાના દુપટ્ટા ઉડાડતાં હતાં. બારીએ આવીને સફેદ બિલ્લી પણ એક વાર ગરીબડા ‘મિયાઉં’ શબ્દે જાણે કે ખરખરો કરી ગઈ, ત્યારે પહેલી જ વાર શિવરાજને આ ઘરની આટલાં વર્ષો સુધીની નિર્જનતા ને ચુપકીદીમાંથી કશુંક ચૈતન્ય ચાલ્યું ગયેલું લાગ્યું.

માલુજી આવીને શિવરાજ પાસે બેઠા. એણે ધીરે ધીરે હિંમત કરીને આગલી રાતની વાત કરી :

“કાલ કાંપમાંથી આવ્યા ત્યારે જ ખુશખુશાલ દેખાતા’તા. કોઈ દી નહીં ને કાલ સાંજે જ એણે દરવાજે ચાઊસને એના ઘરના સમાચાર પૂછ્યા. ઘોડાને થાબડી થાબડીને જોગાણ ખવરાવવા પોતે ઊભા રહ્યા. અમને બેયને સો સો રૂપિયાની બક્ષિસો આપી. જમતાં જમતાં કોરટમાં શું શું બન્યું તેની મારી જોડે વાતોએ ચડ્યા. ભાઈ આમ બોલતો હતો, ને ભાઈ રાવબહાદુરને આમ ડારો દેતો હતો; ભાઈએ નિરાધાર બાઈની કેવી વહાર કરી છે, ખબર છે માલુજી ? તેં નજરે જોયું હોત તો તારું હૈયું જ હાથ ન રહેત… જમીને પછી કહે કે બસ, લાવ મારો સતાર. બસ તે દી તમે ગુરુકુળમાંથી ઘેર આવેલા ત્યારની રાતે બજાવેલો, તે કાલ રાતે ફરી લીધો. સતારની રજેરજ પોતે જ સાફ કરી. ક્યાંય સુધી બજાવ્યો. પછી ઓરડામાં જઈને લખ લખ જ કરતા હતા. બાર વાગ્યા સુધી તો હુંય જાગતો હતો. પછી મારી આંખ મળી ગઈ. પણ ચાઊસ જાગતો’તો. એ કહે છે કે સાહેબે બે બજ્યા સુધી લખ્યું. લખીને ઉપર જવા ઊઠ્યા ત્યારે પોતાને હાથે જ ટેબલ માથેથી ઘડિયાળ લઈને ચાવી દીધી. બત્તી પણ પોતે જ બુઝાવી ને પછી તમારા ઓરડામાં કોઈ દી નહીં ને કાલે રાતે જ પેઠા. ચાઊસ કહે છે કે દીવાલે તમારી નાનપણની છબીઓ ટાંગી છે તેને પોતે નીરખી જ રહ્યા હતા. તે પછી ઉપર ચડ્યા ત્યારે સીડીને માથે બે-ત્રણ વાર થંભવું પડ્યું હશે એમ ચાઊસને લાગ્યુંતું. પગ લથડ્યો તે અજવાળી રાતમાં દેખાણુંય ખરું, પણ ચાઊસને ભોળાને શી ગતાગમ કે વગર બોલાવ્યો દોડ્યો જઉં. અને કોઈ દી નહોતા ભૂલ્યા, તે કાલે રાતે જ કેમ ભૂલી ગયા એ હવે સમજાય છે. ચામડાના પૂંઠાની મોટી નોટબુક લખી-કારવીને કાયમ ખાનામાં મૂકતા અને ચાવી મારીને ત્રણ વાર તો ખાનાનું કડું ખેંચી જોતા, તેને બદલે કાલ નોટ ટેબલ માથે જ મૂકી રાખી છે. બધી જ તૈયારી જાણે કે એણે તો કરી રાખી હતી — છુપાવી રાખ્યું ફક્ત અમારાથી જ એણે.”

માલુજી આથી વધુ ન કહી શક્યા. એણે પોતાનું બિછાનું શિવરાજના ઓરડામાં બારણાં અડોઅડ જ પાથર્યું ને તે પર બેસી માળા લીધી.

શિવરાજ બાપુના ઓરડામાં ગયો. ચામડાનું પૂંઠું લપેટેલી, પણ દોરી બાંધ્યા વગરની એ પાંચસો પાનાંની જાડી નોટ ત્યાં પડી હતી. ઉપર કશું જ લખ્યું નહોતું.

શિવરાજ ટેબલ પર બેઠો — જ્યાં આગલી રાતે જ પિતા બેઠેલા પૂંઠું — ખોલ્યું અને અંદરના પહેલા જ પૃષ્ઠ પર નામ જોયું : ‘નર્મદાની નોંધપોથી’. નર્મદા શિવરાજની માતાનું નામ. એ નામ શિવરાજે જગત પર પહેલી વાર વાંચ્યું, ને પાછું પિતાના હસ્તાક્ષરોમાં વાંચ્યું — ઘૂંટી ઘૂંટીને દોરેલા એ મોટા મરોડદાર અક્ષરો હતા.

પહેલો જ વિચાર શિવરાજને પાપનો આવ્યો. બીજાના આત્મદેવાલયના ગર્ભદ્વારે ડોકિયું કરવાનો અધિકાર માનવીને નથી. એ અધિકારી આંખો તો એકલા ઈશ્વરની જ છે. મથાળાની નીચે આ શબ્દો હતા :

“મારી નર્મદા આજે આ જગતમાંથી જતી રહી છે તેમ મારાથી મનાતું નથી. મને પાછળ એકલો રાખનાર પ્રભુની મરજી એવી જ હશે કે મારે નર્મદાના બાળનું જતન કરવું. મારી પ્રભુસોંપી ફરજની નોંધ ટપકાવવા માટેની આ નોટબુક છે.”

શિવરાજે પાનાં ફેરવવા માંડ્યાં. કોઈક તારીખે એક ફકરો, કોઈ બીજે દિવસે એક્કેક-બબ્બે લીટી, કોઈક વાર વળી એક જ વાક્ય, કોઈક વાર આખું પાનું, પણ વિષય એકનો એક જ : “નર્મદા, તારો પુત્ર…”

બાવીસ વર્ષ પરના દિવસની નોંધ :

“તારા બાળકને આજે શરદી થઈ છે. ન્યુમોનિયા થઈ જવાની બીકે હું આખી રાત એને શેકતો બેઠો છું. માલુજી બાપડો ઉજાગરા કરી કરીને આજે માંડ સૂવા જવાનું માન્યો છે. સગડીમાં અંગારા બળે છે, ને તારો બાળ સરખા શ્વાસ લેતો ઊંઘે છે.”

શિવરાજના નાનપણની તોતળી બોલીનો પ્રથમ બોલ શિવરાજ કયે દિવસે બોલ્યો તેની, પા પા પગલી એણે કયા દિવસે કરી તેની, કેટલી વાર એણે સળગતા કોલસાને ફૂલો સમજી પકડ્યા ને પછી ચીસો પાડી તેની… પાને પાને તારીખવાર વિગતો હતી. અને એક ટચૂકટી નોંધે શિવરાજના કંઠમાં ડૂમો આણ્યો :

“નર્મદા, તારા બાળકને આજે મેં બા ! બા ! બા ! બા ! ઉચ્ચાર કરતો સાંભળ્યો, ને મેં એને જરા દબડાવી કહ્યું, એ ન બોલાય.”

પછી શિવરાજના અભ્યાસના સમયની વાતો, એને કાઢી મૂક્યાની કથા, એના કાયદાના ભણતરની આશાભરી નોંધો : કાંપમાં એનો નિવાસ થયો ત્યારે પોતાને થયેલી લાગણી : અને પછી ધીરે ધીરે આ પ્રકારના છૂટક ઉદ્‌ગારો :

“દીકરો તો નિરાળો જ માનવી હોય છે. નર્મદા ! બાપ તો બીજું શું કરી શકે ? પ્રેમ માગ્યો તો થોડો મળે છે ? હુંયે બેઠો બેઠો એનું હૈયું વળવાની વાટ જોઈશ.”

વચ્ચે વચ્ચે જૂની વાણીમાં જોડેલાં ભજનો

સગડ હોય તો તારા
સગડ કઢાવું રે !
સગડ કઢાવું રે !
ત્રણે ભુવનમાંથી શોધી તુજને લાવું !
ઊડેરા સાગર-નીરે
અણદીઠા તુજ કેડા રે
અણઘેખા તુજ કેડા રે,
પાણીડાંમાં પગલાં તારાં શી રીતે શોધાવું ?

વાંચતાં વાંચતાં શિવરાજે અધરાતની શિયાળ-લાળી સાંભળી. શ્વાનો રોતાં હતાં. સવારે જ જ્યાં પિતાનું શબ ઘીને બળતે દીવે સૂતું હતું તે જ આ ઘર હતું. શિવરાજના શરીરે એક ધ્રુજારી છૂટી ગઈ. કંપતા હાથે એણે નવી નોંધ વાંચી :

“નર્મદા, તારો બાળ હવે તો આંહીં કોઈક જ વાર આવે છે — મહેમાન પણ વધારે આવે. મારી સાથે જ એ રહેવાનું રાખશે એવી મને આશા હતી. પણ આ રોદણાં શાને માટે ? કુદરત તો આગળ જોનારી છે, પાછળ નહીં. બાપ જેટલું બેટાને ચાહે તેટલું કોઈ બેટો બાપને ચાહી શકે જ નહીં. એ તો જીવનનો નિયમ છે, નર્મદા ! અને પિતાઓએ તો મન વાળવું જ રહ્યું.”

શિવરાજની આંખે અંધારાં આવ્યાં. એનું મન ચક્કર ચક્કર ફરતું હતું. અરેરે ! આટલું જો મેં જાણ્યું હોત ! કોઈકે મને આ વાત કરી હોત ! અબોલ રહેતા બાપની ટાઢાબોળ શાંતિની હેઠળ શું વાત્સલ્યનો આટલા ગાંડા ધોધ ગર્જતા હતા !

શિવરાજે મોડી રાતના ચંદ્રાસ્ત પછીનાં કાજળવરણાં અંધારાં ગણકાર્યાં નહીં. અંધકારમાં મૂંગાં મૂંગાં પોતાનાં માથાં હલાવીને કાંઈક જાણે કહેવા માગતા હોય તેવાં ઊંચાં તાડના ઝાડ ખવીસ જેવાં લાગ્યાં, તોપણ એણે વાચન આગળ ચલાવ્યું — ને ઓચિંતો એ ચમક્યો. હવે પછીના ફકરાઓમાં એક નવું નામ રમતું હતું — એ હતું સરસ્વતીનું નામ. એ નામનો આ ફકરો વાંચ્યો :

“સરસ્વતીને મેં ઝીણી નજરે જોયા જ કરી છે, નર્મદા ! નારી પરીક્ષા તો તેં જ મને ભણાવી હતીને ! પૂર્વકાળ તો એનો મોળો હતો ને મને બીક હતી કે તારો બેટો ક્યાંક ભેખડાઈ પડશે. પણ છેલ્લા છ મહિનાથી સરસ્વતીએ તો કાંઈ રૂપનાં કિરણો કાઢ્યાં છે ! કાંઈ શીલની ઝાંય વેરી છે ! એની બાજુમાં મેં તારા જ માતૃમુખની શ્યામવરણી નમણાઈએ શોભતો તારો જુવાન બેટો ઊભેલો ને બેઠેલો જોયો છે — આશીર્વાદ દઈને જલદી મરવું જ ગમે એવું જોડલું !”

પિતાની અંતિમ ઈચ્છા : જાણે કોઈ અદીઠ આશીર્વાદ : શિવરાજના કલેજામાં થડકાર સમાયા નહીં. વધુ વિચાર એ કરી શક્યો નહીં. આગળ વધ્યો — છેલ્લું પાનું. ગઈ કાલની અદાલતનું દૃશ્ય જોયા પછીના આ ઉદ્‌ગારો :

“બસ નર્મદા, હવે તો હું પાર ઊતરી ગયો. તારો બાળ મારા વિના ટક્કર ઝીલી શકશે. હવે એને પિતાની ખોટ નહીં રહે. હવે તો પેલી — એની સ્ત્રી — એને પડખે હશે, એટલે તારો બેટો આભના તારા ચૂંટી શકશે. આપણા લગ્ન-સંસારની પવિત્રતા એ બેઉના જીવનમાં ઊતરશે એ જ છેલ્લી ઈચ્છા,”

અને છેલ્લે —

“હું થાક્યો છું. મારું કામ ખતમ થયું છે. હવે હું નહીં રોકાઉં. તને જલદી આંબી લઈશ, નર્મદા ! આજે રાતે આંખો મીંચીશ ત્યારે તારી જ મુખમુદ્રામાં મને દર્શન થશે. પ્રણામ, નર્મદા !”

રાતના ત્રણના ટકોરા થયા. શિવરાજે પોથી બંધ કરી. પોથી પર પોતાનું માથું ઢાળી દીધું. મનમાં એ બોલ્યો : “બાપુજી, મને ક્ષમા કરજો ! ક્ષમા દેજો !”

પછી તરત જ એના અંતરમાં પ્રકાશની એક રેખા ચમકી ઊઠી : બાપુને પાછા લાવવાનું શક્ય નથી, પરંતુ નોંધપોથીમાંની એમની જે એક પ્રબલ ઈચ્છા, એમના ને માતાના પ્રેમજીવનની પવિત્રતા રક્ષી રાખવાની, તે ઈચ્છાને હું મારા જીવનનો મહાપંથ માની પગલાં ભરીશ. પિતાજી હંમેશાં કહેતા, ગમે તે ભોગે સત્યને પંથે વર્તન કરવું – હું એમ જ કરીશ.