અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ/મહાત્માજીની પત્રિકાઓ

← મજુરોની લડતનો ઇતિહાસ અને અવલોકન અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ
મહાત્માજીની પત્રિકાઓ
મહાદેવભાઈ દેસાઈ
પરિશિષ્ટ →













લડત દરમ્યાન નીકળેલી
પત્રિકાઓ














આ લૉક–આઉટ તા. ૨૨મી ફેબ્રુઆરીને દિવસે શરૂ થયો. ત્યારથી સાળખાતાંનાં માણસો કામ વિનાનાં થઈ પડ્યાં છે. જ્યારે મીલમાલિકોએ મરકીને લીધે જે વધારો આપવામાં આવતો હતો તે બંધ કરવાની નોટિસ કાઢી અને તે સંબધમાં ગેરસમજો થઈ ત્યારે માલિકો અને મજુરો વચ્ચેની તકરારનો ફડચો પંચથી લાવવાનો મત માલિકો તરફથી જાહેર પડેલો અને મજુરો તરફથી એ જ સ્થિતિ હશે એમ માની લેવામાં આવ્યું હતું. છેવટે મીલમાલિકાએ તા. ૧૪–૨–૧૮ ના રોજ મરકીના વધારાની અવેજીમાં મોંઘવારીને લીધે કેટલો વધારો કરવો વાજબી છે એ ચુકાદો કરવા પંચ નીમવાનો ઠરાવ કર્યો, અને પંચ તરીકે મહાત્મા ગાંધીજી, રા. શંકરલાલ બૅંકર તથા રા. વલ્લભભાઈ પટેલ મજુરો તરફથી, શેઠ અબાલાલ સારાભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ અને શેઠ ચંદુલાલ મીલમાલિકો તરફથી અને પ્રમુખ તરીકે કલેક્ટર સાહેબ નીમાયા. ત્યાર પછી કેટલીક મીલમાં ગેરસમજથી મજુરોએ હડતાલ પાડી. એ તેઓની ભુલ હતી. ભુલ સુધારવા મજુરો તૈયાર પણ થયા. છતાં માલિકોએ વિચાર્યું, કે મજુરોએ પંચના ઠરાવ પહેલાં હડતાલ પાડી એ ખોટું કર્યું, અને તેથી તે પંચનો ઠરાવ રદ કરી શકે છે, અને એ ઠરાવ રદ કર્યો. અને તેની સાથે એવો ઠરાવ કર્યો કે મજુરોને તેઓના ચઢેલા પગાર ચુકવી આપવા અને ૨૦ ટકાના વધારાથી સંતોષ ન પામે તો મજુરોને રજા આપવી. વીવરોને સંતોષ ન થયો તેથી તેઓએ રજા લીધી, અને માલિકોનો લૉક-આઉટ શરૂ થયો. મજુરો તરફના પંચોને પોતાની જવાબદારી એવી જણાઈ કે તેઓએ મજુરોને કાંઈ પણ સલાહ આપવી જ જોઇએ, અને યોગ્ય વધારો શો માગી શકે છે એ જણાવવું જ જોઈએ. તેથી તેઓએ મસલત કરી અને માલિકો તથા મજુરોનું હિત વિચારી અને આસપાસનું બધું તપાસી ૩૫ ટકાનો વધારો યોગ્ય છે, અને તે માગવાની મજુરોને સલાહ આપવી એમ ઠરાવ્યું. તે સલાહ આપતાં પહેલાં ૩૫ ટકાનો વધારો ઠરાવવાનો ઇરાદો માલિકોને જણાવ્યા અને જો તેની સામે તેઓને કાંઇ પણ કહેવું હોય તો તે વિચારવાનું પણ જણાવ્યું. માલિકોએ આ બાબત પોતાનો વિચાર ન જણાવ્યો. મજુરોએ પાતાની માગણી ૫૦ ટકાના વધારાની હતી તે ખેંચીને ૩૫ ટકાનો વધારો માગવાનો ઠરાવ કર્યો.

મજુરોની પ્રતિજ્ઞા

૧ મજુરો નીચે પ્રમાણે નિશ્ચય કર્યો છે:
જુલાઈના પગાર ઉપર ૩૫ ટકાનો વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું.
૨. લૉક-આઉટ ચાલે છે તે દરમ્યાન કોઈ પણ પ્રકારનું

તોફાન નહિ કરવું, મારામારી નહિ કરવી, લૂંટફાટ નહિ કરવી, માલિકોની મિલ્કતને નુકસાન નહિ કરવું, ગાળાગાળી નહિ સંભળાવવી અને શાંતિથી રહેવુ. મજુરો પોતાની પ્રતિજ્ઞામાં કેમ સફળ થાય તેનો

વિચાર આ પત્રિકાના બીજા અંકમાં કરવામાં આવશે.

મજુરોને એવી સલાહ આપવામાં આવે છે કે તેઓને કંઈ પણ કહેવું હોય તો કોઈ પણ વખતે તેઓ મારે બંગલે આવીને કહી શકે છે.





મજુરોની પ્રતિજ્ઞા શી છે તે આપણે ગઈ કાલના અંકમાં જોયું. એ પ્રતિજ્ઞા કેમ પળે એ વિચારવાનું છે. આપણે જાણીએ છીએ કે માલિકોની પાસે કરોડો રૂપીયા છે, મજુરોની પાસે કાંઇ નથી. પણ જો મજુરોની પાસે કાંઇ પૈસો! નથી તો તેઓની પાસે કામ કરી શકે એવા હાથ અને પગ છે; અને દુનીયામાં એવો એકે ભાગ નથી કે જ્યાં મજુર વિના ચાલી શકતું હોય. તેથી મજુર જો બરોબર સમજે તો જાણી શકે કે ખરી સત્તા તેની છે. મજુર વિના પૈસે રાંક છે. આટલું જ્ઞાન મજુરને થાય તો તેને ખાતરી થયા વિના ન રહે કે તેને જીત મળશે. પણ એવી સત્તા ભોગવનાર મજુરમાં અમુક ગુણો હોવા જોઇએ અને તે ન હોય તો તે નમાલો થઈ જાય છે. એવા કયા ગુણ હોવા જોઈએ એ આપણે તપાસી જઇએ.

૧ મજુર સત્યવાદી હોવો જોઈએ. તેને જુઠું બોલવાનું કંઇ કારણ તો રહેતું જ નથી. પણ જો જુઠું બોલે તો તેને માગી મજુરી નથી મળી શકતી. સત્ય બોલવાવાળો હમેશાં એકવચની રહેશે, અને એકવચની મજુર કદિ હારે જ નહિ.

૨ દરેકમાં હિંમત હોવી જોઈએ. ‘મારી નોકરી ગઈ. હવે મારું શું થશે’ એવી ફોકટ ધાસ્તી રાખી આપણામાંના ઘણા સદાય ગુલામગીરી કરીએ છીએ.

3 આપણામાં ન્યાયબુદ્ધિ હોવી જોઇએ. જો આપણે લાયકાત ઉપરાંત માગીએ તે આપણને ઘણા ઓછા ધણી મળવાના છે, અને ન પણ મળે. આપણી લડતમાં જે વધારો માગેલો છે એ ન્યાયસર છે, તેથી આપણે વિશ્વાસ રાખવો જ જોઇએ કે વ્હેલો કે મોડો આપણને ઇન્સાફ મળશે જ.

૪ આપણે માલિકની ઉપર કોઇપણ પ્રકારનો ગુસ્સો ન કરવો ઘટે, અને તેની ઉપર વેરભાવ પણ નહિ રાખવો જોઇએ. આપણે છેવટે તેમને ત્યાં જ નોકરી કરવી છે. ઇનસાન માત્ર ભૂલને પાત્ર છે. આપણી એવી માન્યતા છે કે માગેલો વધારો નથી આપતા તેમાં માલિકો ભુલ કરે છે. પણ આપણે છેવટ સુધી સીધા રહીશું તો માલિકો પોતાની ભુલ જરૂર સુધારી લેશે. અત્યારે તો તેઓને રોષ આવ્યો છે. તેઓને વહેમ પણ પડ્યો છે કે જે આજે મજુરોની માગણી કબુલ રાખીએ તો તેઓ હમેશાંને સારૂ પજવશે. આ વહેમ દૂર કરવા સારૂ આપણે જેટલી બને તેટલી ખાતરી માલિકોને આપણા કાર્યથી આપવી ઘટે છે. એવાં કાર્યમાં પહેલું કાર્ય તો એ છે કે આપણે તેની ઉપર વેરભાવ નહિ રાખવો.

૫ આવી જંગી લડતમાં દુઃખ ભોગવવું પડશે જ, એ દરેક મજુરે ગોખી રાખવું જોઇએ. પણ જાણી જોઈને ભોગવેલા દુ:ખની પાછળ હમેશાં સુખ મળે છે. આપણને રોટલા પુરતું ન મળે એ દુઃખ છે. પણ આપણી અજ્ઞાનતાને લીધે આપણે તે ભોગવીએ છીએ, અને જેમતેમ જીંદગી ગુજારીએ છીએ. આવું દુ:ખ મટાડવાને ખાતર આપણે એ ઉપાય લીધો છે કે માલિકોને અરજી કરી દીધી કે આપણે માગેલા વધારા વિના આપણું પેટ ન ભરી શકાય અને હમેશાંનો ભૂખમરો દૂર કરવા સારૂ જો માગ્યો વધારો ન મળે તો આજે જ આપણે જાણીજોઇને ભુખનું દુઃખ સહન કરી લેવું. ક્યાં સુધી માલિકો આપણી ઉપર દયા લાવ્યા વિના રહેશે ?

૬ છેવટમાં ગરીબોનો બેલી ખુદા અથવા ઇશ્વર છે. તદબીર કરવી એ આપણું કામ છે. અને આપણા તકદીર પ્રમાણે આપણને જરૂર મળી રહેશે, એવું સમજી, ઇશ્વરની ઉપર ભરાસો રાખીને ચુસ્તપણે અડગ રહીને જ્યાં સુધી આપણી અરજી કબુલ નથી થઈ ત્યાં સુધી આપણે શાંતિ ભોગવવી ઘટે છે.

ઉપર પ્રમાણે ચાલનાર મજુરને પોતાના કસમ પાળવામાં કદિ હરકત આવનારી નથી.

લૉક-આઉટ ચાલે છે ત્યાં સુધી મજુરોએ દિવસ કેમ ગુજારવા એનો વિચાર આવતી કાલની પત્રિકામાં આપણે કરીશું.





મજુરોની પ્રતિજ્ઞા વિષે આપણે લખ્યું; તે પ્રતિજ્ઞા કેમ પાળી શકાય એ વિચાર્યું. લૉક-આઉટ દરમીયાન મજુરોએ પોતાના દિવસ કેમ ગુજારવા તેનો વિચાર આજે કરવાનો છે.

આપણામાં કહેવત છે કે નવરો બેઠો નખોદ વાળે, એટલે દસ હજાર માણસો અમદાવાદમાં નવરા બેસી રહે એ સારૂં ગણાય જ નહિ. જેણે હમેશાં આખો દહાડો કામ કરેલું છે તે માણસ એકદમ કામ વિનાનો થઈ જાય તો તેને એ બહુ ભારે પડી જાય છે. તેથી આજનો આપણો વિષય એ આપણે ધારેલું મેળવવાને સારૂ ઘણો જ અગત્યનો છે. દિવસ કેમ ગુજારવો તેને વિચાર કરતાં પ્રથમ તો આપણે મજુરોએ શું ન કરવું એ કહી જવું જરૂરનું છે.

૧ જુગાર રમવામાં વખત ન ગુમાવવો.
૨ દિવસના ઉંધવામાં વખત નહિ ગાળવો.
૩ આખો દહાડો માલિકોની અને લૉક-આઉટની વાતો જ કર્યા કરવામાં વખત નહિ ગાળવો.
૪ ઘણા માણસોને ચ્હાની દુકાનોમાં જઈ ત્યાં નકામાં ટાહેલાં કરવાની અને વગરજરૂરનું ખાવાપીવાની આદત પડી જાય છે. મજુરોએ આવા ચ્હાખાનાં વગેરેનો તદ્દન ત્યાગ કરવો.
૫ મજુરોએ લૉક–આઉટ ચાલુ છે ત્યાં સુધી મીલોમાં ન જવું.

હવે શું કરવુ. તે વિચારીએઃ

૧ ઘણા મજુરોનાં ઘર અને ઘરની આસપાસનો ભાગ મેલો જોવામાં આવે છે. પાતે કામમાં હોય છે ત્યારે આ બાબત ઉપર ધ્યાન નથી આપી શકતા. હવે જ્યારે ફરજીયાત રજા પાળવાનો વખત આવ્યો છે ત્યારે મજુરો પેાતાનાં ઘરબાર અને આંગણાં સાફ કરવામાં અને ઘરો સમારવામાં કેટલોક વખત ગાળી શકે છે.

૨ જેઓ ભણેલા છે તેઓએ પુસ્તકો વાંચવામાં અને પોતાનું ભણતર વધારવામાં વખત ગાળવો. વળી તેઓ અભણને ભણાવી શકે છે. આમ કરે તો એકબીજાને મદદ કરતાં પણ મજુરો શીખી જશે. જેઓને વાંચવાનો શોખ છે તેઓએ દાદાભાઈ પુસ્તકાલય અને વાચનાલય તથા આવાં બીજાં મફત વાંચવાનાં સ્થાનો છે ત્યાં જઇ વાંચવામાં વખત રોકવો.

૩ જેઓને ઝીણા ધંધાઓ માલુમ છે—જેવા કે દરજીના, ફેન્સી સુતારકામના, કોતરકામના—તેવા માણસો પોતે કામ શોધી કાઢી શકે છે, અને ન મળે તો અમારી મદદ એ શોધવામાં લઇ શકે છે.

૪ પોતાની આજીવિકા મળે એ ધંધા સિવાય દરેક માણસે એક બીજા ધંધાનું આછુંવત્તું જ્ઞાન મેળવી લેવું જોઇએ. એટલે મજુરો કાંઈક સ્હેલો નવો ધંધો શીખવામાં પણ પાતાનો કાળ ગાળી શકે છે. શિક્ષણ લેવામાં પણ અમારી તરફથી તેઓ મદદ મેળવી શકશે.

હિંદુસ્તાનમાં એક ધંધો કરનારો બીજા ધંધામાં રોકાવું હલકું ગણે છે; વળી કેટલાક ધંધા જાતે જ હલકા ગણવામાં આવે છે. આ બન્ને વિચારો ભૂલ ભરેલા છે. જે ધંધાની માણસના જીવનને સારૂ જરૂર છે તે ધંધામાં નીચઉચ્ચપણાનો તફાવત હોય જ નહિ. તેમજ આપણે જાણતા હોઇએ તે સિવાય બીજો ધંધો કરવામાં શરમ પણ ન હોય. અમે તો માનીએ છીએ કે કપડાં વણવાં અને પથ્થર ફોડવા અથવા લાકડાં વ્હેરવાં કે ફાડવાં, કે ખેતરમાં મજુરી કરવી એ બધા જરૂરના અને માન આપવા લાયક ધંધા છે. એટલે એવી ઉમેદ રાખવામાં આવે છે કે મજુરો નવરા બેસીવખત ગુમાવવાને બદલે ઉપર બતાવ્યા પ્રમાણે કંઈક સારા કામની અંદર રોકાઈ પોતાનો વખત ગુજારશે.

મજુરોએ શું કરવું એ વિચાર્યા પછી અમારી પાસેથી મજુરોએ શી આશા રાખવી એ કહી જવું જરૂરનું છે. તેનો વિચાર હવે પછીની પત્રિકામાં કરીશું.





મજુરોની પ્રતિજ્ઞા કેમ પળાય, લૉક-આઉટ દરમીયાન મજુરોએ શું કરવું, એ આપણે વિચાર્યું. અમે શી મદદ કરીશું એ આ અંકમાં જણાવવાનુ રહ્યું છે. અમારી પ્રતિજ્ઞા જાણવાનો મજુરોને હક છે. તે જણાવવી એ અમારી ફરજ છે.

અમારાથી શું નહિ થઈ શકે એ પહેલું વિચારી લઈએ:

૧ અમે મજુરોને કંઇ પણ ખોટામાં મદદ નહિ કરીએ.

૨ મજુરો ખોટું કરે કે વધારેપડતું માગે, કંઇ પણ તોફાન કરે, તો અમારે તેમનો ત્યાગ કરવો જોઇએ અને અમારી મદદ બંધ થાય.

૩ અમે માલિકોનુ બુરૂં કદિ ઈચ્છી ન શકીએ; અને અમારા દરેક કાર્યમાં તેઓના હિતનો વિચાર રહે જ છે. માલિકોનું હિત જાળવીને અમે મજુરોનું હિત સાધીએ.

હવે અમે શું કરશું તે વિચારીએ:—

૧ મજુરોએ જેવી સરસ વર્તણુક આજ લગી ચલાવી છે તેવી ચલાવતા રહે ત્યાં સુધી અમે તેઓની સાથે જ છીએ.

૨ તેઓના ૩૫ ટકા મેળવવા અમારાથી જે બને તે અમે કરવાના છીએ.

૩ અમે હજુ તો માલિકોને વીનવીએ છીએ. આમની લાગણી ખેંચવા, પ્રજામત કેળવવા, હજુ અમે પ્રયત્ન નથી કર્યો. પણ સમય આવ્યે અમે મજુરોની સ્થિતિ આખા હિંદુસ્તાનને જણાવવા તૈયાર છીએ અને અમારી ઉમેદ છે કે જાહેર લાગણી આપણી તરફ ખેંચી શકીશું.

૪ જ્યાં સુધી મજુરોને તેઓનો હક મળ્યો નથી ત્યાં સુધી અમે નિરાંતે બેસવાના નથી.

૫ મજુરોની પૈસા સબંધી, નીતિ સબંધી અને કેળવણી સંબંધી સ્થિતિ જાણવા અમે મહેનત કરીએ છીએ. તેઓની પૈસા સંબંધી સ્થિતિ કેમ સુધરે એ બતાવીશું, તેઓની નીતિમાં વધારો થાય એવી મહેનત કરીશું, તેઓ ગંદાઇમાં રહેતા હોય તો ચોખ્ખાઇમાં રહે એવા ઈલાજો શેાધીશું, બતાવીશું, તેઓ અજ્ઞાન હશે તો જ્ઞાન મળે એવો બંદોબસ્ત કરવાની મહેનત કરીશું.

૬ આ લડતમાં જેઓ ભુખે મરવાની સ્થિતિમાં આવી જશે ને જેઓને કંઇ કામ મળી નહિ શકે તેવાને ઓઢાડ્યા પછી અમે ઓઢીશું, તેઓને ખવડાવી અમે ખાશું.

૭ માંદા મજુરોની સારવાર કરીશું, દાક્તર, વૈદની મદદ મેળવીશું.

અમે અમારી જવાબદારી સમજીને આ કામમાં ઉતર્યા છીએ. અમે મજુરોની માગણી તદ્દન વ્યાજબી માનીએ છીએ, ને તે આપતાં માલિકોને નુકસાન નથી પણ અંતે ફાયદો છે. એમ અમે માનીએ છીએ, તેથી જ અમે આ કાર્યમાં પડ્યા છીએ.

આવતા અંકમાં માલિકોની સ્થિતિનો વિચાર કરીશું.





આપણે આપણી સ્થિતિનો વિચાર કરી લીધો. માલિકોની સ્થિતિ વિચારવાનું કામ અઘરૂં છે.

મજુરોની પ્રવૃત્તિનાં બે પરિણામ આવી શકે:
૧ મજુરોને ૩૫ ટકા વધારો મળે.
૨ મજુરોને વધારો મળ્યા વિના કામે ચઢવું પડે.

મજુરોને વધારો મળે તો તેઓનું કલ્યાણ થાય અને માલિકોને જશ મળે. મજુરોને વધારા વિના કામે ચઢવું પડે તો મજુરો શૌર્યહીન થઇ ગુલામની સ્થિતિમાં માલિકોના હાથમાં જાય. એટલે મજુરોને વધારો મળવાથી બંને પક્ષને લાભ છે. મજુરોના હારવામાં મજુરોને તો ભારે હાનિ છે.

માલિકોની પ્રવૃત્તિનાં પરિણામ પણ બે આવી શકે:
૧ માલિકો મજુરોને વધારો આપે.
૨ માલિકો મજુરોને વધારો ન આપે.

માલિકો મજુરોને વધારો આપે તો મજુરોને સંતોષ થાય, તેઓને ઈન્સાફ મળે. માલિકોને ડર છે કે મજુરોને માગ્યું આપવાથી મજુરો ઉદ્ધત બને. આ ડર પાયા વિનાનો છે. મજુરો કદાચ આજે દબાય તોપણ પાતાનો લાગ શોધી ઉદ્ધત બને એ અસંભવિત નથી. દબાયલા મજુરો વેરભાવ રાખે એવો પણ સંભવ છે. દુનીયાની તવારીખ બતાવે છે કે મજુરો જ્યાં જ્યાં દબાયા છે. ત્યાં ત્યાં તેઓ લાગ મળ્યે સામે થયા છે. માલિકો એમ માને છે કે મજુરોની માગણી સ્વીકાર્યાથી તેએના સલાહકારોની અસર તેઓની ઉપર વધશે. જો સલાહકારોની દલીલ સાચી હશે, તેઓ મહેનતુ હશે, તો મજુરો હારે કે જીતે છતાં સલાહકારોને તો તેઓ છોડવાના નથી; અને વધારે ધ્યાનમાં રાખવા જેવું તો એ છે કે સલાહકારો મજુરાનો ત્યાગ કરવાના નથી. જેઓએ સેવાધર્મ સ્વીકાર્યો છે તેઓ તે ધર્મ સામાની ઇતરાજી થતાં પણ છોડવાના નથી. જેમ તે નિરાશ થશે તેમ સેવામાં વધારે પરાયણ થશે. એટલે ગમે તે પ્રયાસો કરે તો પણ માલિકો સલાહકારોને મજુરોના સહવાસમાંથી દૂર નહિ કરી શકે. ત્યારે મજુરોને હરાવે તો તેઓને શું મળે ? જવાબ તો એ જ આવે છે કે મજુરોના અસંતોષ વિના બીજું ન મળે. દબાયલા મજુરો તરફ માલિકો હમેશાં શંકાની નજરે જોશે.

મજુરોને માગ્યો વધારો આપે તો માલિકો મજુરોને સંતેાષશે. મજુરો પોતાની ફરજ ચૂકે તો માલિકો હમેશાં સલાહકારોની મદદ મેળવી શકે, અને હાલ બંનેને થતી નુકસાની અટકાવે. મજુરો સંતોષ મળવાથી હમેશાંનો પાડ માનશે, અને માલિકો તથા મજુરો વચ્ચે પ્રેમભાવ વધશે. આમ મજુરોની સફળતામાં જ માલિકોની સફળતા છે, અને મજુરોની હારમાં માલિકોની પણ હાર છે. આ શુદ્ધ ન્યાયને બદલે માલિકોએ પશ્ચિમનો અથવા આધુનિક રાક્ષસી ન્યાય સ્વીકાર્યો છે.

આ ન્યાય કેવો છે તેનો વિચાર આવતા અંકમાં કરીશું.





જેમાં લાગણી અને દયાનો ભાવ રહ્યો છે એ શુદ્ધ ન્યાય કહેવાય. એને આપણે હિંદુસ્તાનના લોકો પૂર્વનો અથવા તો પ્રાચીન ન્યાય કહીએ છીએ. જેમાં લાગણી અથવા દયાનો ભાવ નથી રહ્યો તેને રાક્ષસી અથવા પશ્ચિમનો કે આધુનિક ન્યાય કહીએ છીએ. દયા અથવા લાગણીને લીધે દીકરો બાપની પાસેથી, બાપ દીકરાની પાસેથી ઘણી વખત ઘણું છોડી દે છે અને તેમ કરવામાં છેવટે બંને લાભ ઉઠાવે છે. છોડી દેવામાં છોડનાર એક પ્રકારની શુદ્ધ મગરૂરી માને છે અને એમ છોડવું એ પોતાની નબળાઇની નહિ પણ પોતાના બળની નિશાની માને છે. હિંદુસ્તાનમાં એવો જમાનો હતો કે જ્યારે નોકરો એક જ જગ્યાએ પેઢી દર પેઢી કામ કરતા. તેઓ જ્યાં કામ કરતા ત્યાંના જ કુટુંબના અંગ તરીકે ગણાતા, અને માન પામતા. શેઠના દુઃખે તેઓ દુઃખી થતા અને શેઠ તેના દુઃખસુખમાં સાથી રહેતા. એમ ચાલતું હતું ત્યારે હિંદુસ્તાનનો સંસાર ઘણો સરળ મનાતો હતો, અને હજારો વર્ષ સુધી એવા ધોરણ ઉપર રહી ટકી શક્યો. હજી પણ આ ભાવનાનો નાશ નથી થયો. જ્યાં આવી યોજના રહે છે ત્યાં ત્રીજા માણસનું કે ૫ંચનું ભાગ્યે જ કામ પડે છે. શેઠનોકર વચ્ચેના સવાલોનો નિકાલ એ બંને સાથે મળીને જ કરી લે છે. એકબીજાની ગરજ ઉપર પગારના વધારાઘટાડાનો આધાર આમાં હતો જ નહિ. નાકરોની અછત જાણીને નોકરો વધારે પગાર માગતા નહિ, અને નોકરોની છત સમજીને શેઠ પગાર ઘટાડતા નહિ. આ ધોરણમાં અરસપરસની લાગણીને, મર્યાદાને, વિનયને, પ્રીતિભાવને પ્રધાનપદ હતું, અને આ ધર્મ અવ્યવહારિક ન્હોતો ગણાતો, પશુ સામાન્યપણે આપણી ઉપર સત્તા ભોગવતો હતો. અને એ શુદ્ધ ન્યાયના કાયદાને વશ થઇને વર્તનારી આ પ્રજાની અંદર સેંકડો મહાભારત કાર્યો થઈ ગયાં છે એવો આપણી પાસે ઐતિહાસિક પુરાવો છે. આ પૂર્વનો કે પ્રાચીન ન્યાય.

પશ્ચિમમાં હાલ આથી ઉલટું વર્તી રહ્યું છે. પશ્ચિમના બધા માણસોને આ આધુનિક ન્યાય ગમે છે એમ નથી માનવાનું. પશ્ચિમમાં એવા ઘણા સાધુ પુરુષો પડ્યા છે કે જે પ્રાચીન ધોરણને સ્વીકારીને પોતાનું નિર્દોષ જીવન ગુજારે છે. છતાં પશ્ચિમની પ્રધાન પ્રવૃત્તિમાં હાલ લાગણીને કે દયાને જરાયે અવકાશ નથી. શેઠ પોતાની સગવડ પ્રમાણે પગારનું ધોરણ રાખે એ ન્યાય ગણાય છે. સામાની હાજતનો વિચાર કરવાની જરૂર ગણાતી જ નથી. મજુર પોતાની ઇચ્છા પ્રમાણે શેઠના ધંધાનો વિચાર કર્યા વિના માગી શકે છે અને એ ઇન્સાફ ગણાય છે. સૌએ પાતપોતાનું સંભાળી લેવું અને બીજાઓ તેઓને વિચાર કરવા બંધાયલા નથી, એ ઇન્સાફ ગણાય છે. એ ધોરણથી યુરોપમાં હાલમાં ચાલતી લડાઈ ચાલી રહી છે. શત્રુને ગમે તે પ્રકારે વશ કરવામાં મર્યાદાની જરૂર નથી જણાતી. પ્રાચીન સમયમાં પણ આવાં યુદ્ધ તો થયાં હશે. પણ તેમાં પ્રજા સંડોવાતી ન હતી. આ અઘોર ન્યાય આપણે હિંદુસ્તાનમાં દાખલ ન કરીએ એ ઇચ્છવા જેવું છે. પોતાનું બળ સમજીને માલિકોનો વિચાર કર્યા વિના જ્યારે મજુરો માગણી કરશે ત્યારે તેઓએ આધુનિક રાક્ષસી ન્યાય સ્વીકાર્યો ગણાશે. માલિકો મજુરની માગણી ઉપર ધ્યાન નથી દેતા તેમાં તેઓએ અજાણ્યે અને ભૂલથી પણ રાક્ષસી ન્યાય સ્વીકાર્યો છે. મજુરોની સામે માલિકોની એકત્રતા એ કીડીઓની સામે હાથીઓનું મંડળ ઉભું કર્યા બરોબર છે. ધર્મનો વિચાર કરતાં માલિકોએ મજુરોની સામે થતાં થરથરવું જોઇએ. મજુરોને ભૂખમરો એ માલિકોનો લાગ છે, આવો ન્યાય હિંદુસ્તાનમાં પૂર્વે માણસોએ જ્ઞાનપૂર્વક સ્વીકાર્યો હોય એમ જણાતું નથી. જે ન્યાયની અંદર કોઇને નુકસાન થાય જ નહિ એ જ ન્યાય હોય. અમે તો નિશ્ચયપૂર્વક આશા રાખેલી છે કે આ ગરવી ગૂજરાતની રાજધાનીના શ્રાવક અથવા વૈષ્ણવ ધર્મ સ્વીકારનારા માલિકો મજુરોને નમાવવામાં, તેઓને હઠપૂર્વક ઓછું આપવામાં કદિ પોતાની જીત સમજશે નહિ. અમે માની લઇએ છીએ કે આ પશ્ચિમનો વાયરો જેટલા ઝપાટાથી વાયો છે તેટલા જ વેગથી વિખરાઇ જશે. વિખરાય કે ન વિખરાય, પણ અમે મજુરોને હાલ પશ્ચિમમાં ચાલતી પ્રવૃત્તિ શીખવવા માગતા નથી. અમે તો તેઓને આપણા દેશનો જૂનો ન્યાય, જેવો આપણે જાણ્યો છે તેવો ન્યાય, પાળી પળાવી તેઓના હક સાબિત કરવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ.

હાલના પશ્ચિમના ન્યાયથી થએલાં કેટલાંક માઠાં પરિણામોના દાખલા આવતા અંકમાં વિચારીશું.





દક્ષિણ આફ્રિકા એક મહાન અંગ્રેજી સંસ્થાન છે. ત્યાં ગોરા લોકોનો વસવાટ ચારસેં વર્ષથી ચાલે છે. તેઓને સ્વરાજ્યની સત્તા છે. ત્યાંની રેલવેમાં ઘણા ગોરા મજુરો છે. આ મજુરોને પોતાના પગાર વિષે ગેરઇન્સાફ થતો હતો. પણ મજુરોએ માત્ર પોતાના પગારનો વિચાર કરવાને બદલે આખી રાજ્યસત્તા લેવાનો વિચાર કર્યો. આ ગેરઇન્સાફ હતો, રાક્ષસી ન્યાય હતો. આને પરિણામે સરકાર તથા મજુરો વચ્ચે ઝેર વધ્યું ને દક્ષિણ આફ્રિકામાં ચોમેર ભય ફેલાયો. કોઇને પોતાની સલામતી નહિ જણાઈ. છેવટે ધોળે દહાડે બન્ને પક્ષ વચ્ચે મારામારી પણ થઇ ને કેટલાક નિર્દોષ માણસ માર્યા ગયા. ચોમેર લશ્કરી સીપાહીઓ ફરી વળ્યા. બન્નેયે ખૂબ ગુમાવ્યું. બન્નેનો વિચાર એકબીજાને હરાવવાનો હતો. કોઇને શુદ્ધ ઇન્સાફની ગરજ ન હતી. બન્ને એક્બીજાની વાતો વધારીને કરતા હતા. પરસ્પરની લાગણીની દરકાર એકે પક્ષને ન હતી.

આમ ચાલતું હતું તે જ વેળા આપણા મજુરો શુદ્ધ ન્યાય જાળવતા હતા. જ્યારે ઉપરની હડતાલ પડી ત્યારે ૨૦,૦૦૦ હિંદી મજુરોની હડતાલ જારી હતી. આપણે ત્યાંની સરકાર સામે શુદ્ધ ન્યાયને સારુ લડતા હતા. આા મજુરોનુ હથીયાર સત્યાગ્રહ હતું. તેઓને સરકારની ઉપર વેરભાવ ન હતો, તેઓ સરકારનું બુરૂં ન્હોતા ઇચ્છતા, તેઓને સરકારને પદભ્રષ્ટ કરવાનો લોભ ન હતો. તેઓની હડતાલનો લાભ ઉપરના ગોરા લેવા ચાહતા હતા. આપણા મજુરોએ તેમ કરવા ના પાડી. તેઓએ કહ્યું: ‘અમારી લડત તો સત્યાગ્રહની છે. અમે સરકારને કનડવા નથી લડતા. એટલે તમે લડો છો તે દરમીયાન અમે અમારી લડત મેાકુફ રાખશું. આમ કહી આપણા મજુરોએ હડતાલ બંધ કરી. આને આપણે શુદ્ધ ન્યાય કહીએ. છેવટે આપણા મજુરોની જીત થઇ ને તેમાં સરકારને પણ જશ મળ્યો, કેમકે આપણી માગણી સ્વીકારવામાં ન્યાય હતો. આપણા મજુરોએ લાગણીને સ્થાન આપ્યું, સામેનાની ભીડનો તેઓએ લાભ ન લીધો. લડાઇને અંતે સરકાર તથા પ્રજા વચ્ચે વેર વધવાને બદલે પ્રેમભાવ વધ્યો, આપણું માન વધ્યું. આમ શુદ્ધ ન્યાયથી થયેલી લડત બન્ને પક્ષને લાભદાયી નીવડે છે.

તે જ ધોરણે આપણે ન્યાયની બુદ્ધિથી આપણી લડત ચલાવશું, માલિકો ઉપર વેરભાવ નહિ રાખીએ ને હમેશાં હક ઉપર જ રહીશું તો આપણે જીતશું એટલું જ નહિ પણ માલિક અને મજુરો વચ્ચે પ્રેમ વધશે.

ઉપરના દાખલામાંથી બીજું આપણે એ જોઇએ છીએ કે સત્યાગ્રહમાં બન્ને પક્ષને સત્યાગ્રહી હોવાની જરૂર નથી. એક પક્ષ સત્યાગ્રહી રહે તોપણ છેવટે સત્યાગ્રહનો જય થાય છે. ને શરૂઆતમાં ઝેર વાપરી લડે તેનું ઝેર પણ, પોતાના ઝેરની સામે ઝેર ન મળવાથી સુકાઇ જાય છે. માણસ પોતાનું જોર હવામાં કાઢવા જાય તો તેનો હાથ ઉતરી જાય છે; તેમ ઝેર પણ જો સામે ઝેર મળે તેા જ વધી શકે છે.

તેથી આપણે ચોકસપણે નણી શકીએ છીએ કે આપણે દૃઢતાથી લડશું ને હિંમત નહિ મેલીએ તો આપણને અંતે જય મળવાનો જ છે.

આવતી કાલે કેટલાક સત્યાગ્રહીઓના દાખલા વિચારીશું.





દુનીયામાં પ્રખ્યાત થઇ ગયેલા સત્યાગ્રહીઓનું વર્ણન આપણે આ અંકમાં નથી કરવાના, પણ આપણા જેવા જ માણસો કેટલું દુઃખ સહન કરી શક્યા છે એ જાણવું આપણને વધારે ફાયદાકારક અને વધારે દૃઢ બનાવનારૂં થઈ પડશે. ઇમામ હસન અને હુસેન એ મહા ધીર વીર સત્યાગ્રહી થઇ ગયા. તેમના નામને આપણે પૂજીએ છીએ, પણ તેમના સ્મરણથી આપણે સત્યાગ્રહી નથી થતા. આપણને લાગી જાય છે કે તેઓની શક્તિ અને આપણી શક્તિ વચ્ચે શો મુકાબલો ? એવું જ સ્મરણ કરવા યોગ્ય નામ ભક્ત પ્રલ્હાદનું છે. પણ આપણે બધાં એની ભક્તિ, એની દૃઢતા, એનું સત્ય, એનું શૌર્ય ક્યાંથી કાઢીએ એમ આપણને લાગી આવે છે અને છેવટે હતા તેવા ને તેવા રહી જઇએ છીએ. તેથી સમયે આપણા જેવા જ માણસોએ શું કર્યું છે તેનો ખ્યાલ કરીએ. આવો સત્યાગ્રહી હરબતસિંગ હતો. હરબતસિંગ ૭૫ વર્ષનો ડોસો હતો. તે દક્ષિણ આફ્રિકામાં ૭ રૂપીયાના પગારથી પાંચ વર્ષ સારૂ બંધાઇને ખેતીમાં મજુરી કરવા ગયેલો. જ્યારે ગયા અંકમાં વર્ણવી ગયા તે ૨૦,૦૦૦ હિંદીઓની હડતાલ પડી ત્યારે હરબતસિંગ પણ તેમાં દાખલ થયો. કેટલાક હડતાલીયાને જેલ મળી હતી. તેમાં આ હરબતસિંગ પણ આવ્યો. તેના સાથીઓએ તેને વિનવ્યો. તેને કહ્યું: ‘તમારૂં કામ આ દુઃખદરીયામાં પડવાનું છે નહિ. તમે જેલને લાયક નથી. તમે આવી લડતમાં દાખલ નહિ થાઓ તેથી કોઈપણ તમારી તરફ આંગળી કરી શકે તેમ નથી.’ હરબતસિંગે જવાબ આપ્યો:'તમે બધા જ્યારે આપણા માનને ખાતર આટલું દુઃખ સહન કરો છો ત્યારે મારે બહાર રહીને શું કરવું હતું ? હું આ જેલમાં રહીને મરૂં તોપણ શું ?’ અને ખરે હરબતસિંગ એ જ જેલમાં મરણ પામ્યો અને અમર થઈ ગયો. તે જેલની બહાર મુઓ હોત તો તેને કોઇએ ભાવ ન પૂછ્યો હોત. તે જેલમાં મુઓ તેથી તેની લાશની કોમે માગણી કરી અને તે લાશની પાછળ સેંકડો હિંદી સ્મશાનભૂમિએ ગએલા.

જેમ હરબતસિંગ તેમજ ટ્રાન્સવાલના વેપારી અહમદ મહમદ કાછલીયા છે. ઈશ્વરની મહેરબાનીથી તે હજુ જીવતા છે, અને હિંદી કોમને સંઘરીને તેનું નાક સાબિત રાખીને દક્ષિણ આફ્રિકામાં બિરાજે છે. જે લડતમાં હરબતસિંગે પોતાના શરીરનો ભોગ આપ્યો તેજ લડતમાં શેઠ અહમદ મહમદ કાછલીયા કેટલીક વેળા જેલમાં ગયા છે. પોતાના વેપાર હતો તેનો નાશ થવા દીધો, અને અત્યારે પોતે ગરીબીમાં રહે છે છતાં સર્વ ઠેકાણેથી માન પામી રહ્યા છે. અનેક સંકટો સહન કરીને પણ તેમણે પોતાની ટેક રાખી.

પણ જેમ એક બુઢ્ઢો મજુર અને એક મધ્યમ વયના પ્રસિદ્ધ વેપારી પોતાના વચનને ખાતર ઝૂઝ્યા, અનેક કષ્ટો સહન કર્યાં, તેમજ એક જુવાન સત્તર વર્ષની બાળાએ પણ કર્યું . તેનું નામ વાલીયામા હતું. તે પણ એ જ લડતમાં કોમની ટેકને સારૂ જેલમાં ગઇ. ગઇ ત્યારે તાવથી પીડાતી હતી. જેલની અંદર તાવ વધ્યો. જેલરે જેલ છોડવાનું સૂચવ્યું. વાલીયામાએ જેલ છોડવાની ના પાડી, અને દૃઢતાપૂર્વક જેલ પૂરી કરી. જેલમાંથી નીકળીને ચોથે કે પાંચમે દિવસે મરણ પામી.

આ ત્રણેનો શુદ્ધ સત્યાગ્રહ હતો. ત્રણેએ દુઃખો સહન કરી, જેલમાં પણ જઈ પોતાની ટેક પાળી. આપણી ઉપર આવું કશુંયે વાદળ નથી. આપણે કસમ પાળવામાં ભારેમાં ભારે દુઃખ તો એ જ સહન કરવાનું રહ્યું છે કે આપણી કંઇક મોજમજા ઓછી કરવી અને આપણને આજ સુધી મળતા આવ્યા છે તે પગાર વિના સુખેદુઃખે રહેવું. એ કંઈ ભારે વાત નથી. જે કામ આ જમાનામાં આપણા જ ભાઇઓ અને બ્હેનો કરી શક્યાં તેના જેવું કંઇક આપણને કરવું મુશ્કેલ ન હોવું જોઇએ.

આ વિષયનો થોડો વધારે વિચાર આવતા અંકમાં કરીશું.





ગઇ કાલે આપણે ત્રણ સત્યાગ્રહીઓના દાખલા વિચાર્યા. પણ એ લડતમાં તેવા ત્રણ જ સત્યાગ્રહી હતા એમ નહિ. ૨૦,૦૦૦ માણસ એકી વખતે કામકાજ વિનાના થઈ પડ્યા હતા, અને આ સ્થિતિ બાર દિવસમાં પૂરી નહોતી થઇ. આખી લડત તો સાત વર્ષ સુધી ચાલી અને તેટલા કાળ સુધી સેંકડો માણસો અદ્ધર જીવે રહેલા અને પેાતાની ટેક સાચવેલી. ૨૦,૦૦૦ મજુરો લગભગ ત્રણ માસ સુધી ઘરબાર વિના અને પગાર વિના રહેલા. ઘણાએ પેાતાનો થોડાઘણો માલ હતો તે વેચી નાંખેલો. પોતાનાં ઝુંપડાં તજ્યાં, પોતાના ખાટલાગેાદડાં, જાનવરો વગેરે વેચી નાંખ્યાં અને કુચ કરવા નીકળી પડ્યા. તેમાંના સેંકડોએ કેટલાક દહાડા સુધી વીશ વીશ માઇલની મજલ કીધી અને માત્ર પોણા શેર આટાની રોટલી અને અઢી રૂપીયાભાર ચીની ઉપર પોતાના દિવસો ગુજાર્યા. આમાં હિંદુ પણ હતા અને મુસલમાન પણ હતા. એમાંના એક મુંબઇની જુમામસ્જીદના મુઆઝિમના ફરજંદ છે. તેમનું નામ ઇમામસાહેબ અબદુલ કાદર બાવઝીર છે. જેમણે કોઇ દિવસ દુ:ખ સહન નહોતું કર્યું તેમણે જેલનું દુઃખ સહન કર્યું, અને જેલમાં રહીને રસ્તાઓ સાફ કરવાની, પથ્થર ફોડવાની વગેરે મજુરી કરી, અને મહિનાઓ લગી અતિશય સાદા અને નીરસ ખોરાક ઉપર રહ્યા. અત્યારે તેમની પાસે ફુટી બદામ સરખી પણ નથી. એવા જ સુરત જીલ્લાના દાદામીયાં કાજી છે. બે મદ્રાસ તરફનાં બાળકો સત્તર વર્ષની અંદરની ઉંમરના નારાયણ સ્વામી અને નાગાપન તેમણે પોતાની જીંદગીનો ભોગ દીધો, તડકા સહન કર્યા, પણ તે પાછા હઠ્યા નહિ.

આપણે યાદ રાખવાની જરૂર છે કે એ જ લડાઇની અંદર જે સ્ત્રીઓએ કોઇ દિવસ મજુરી નહિ કરી હતી તે સ્ત્રીઓ ફેરી ફરવાને નીકળી હતી, અને જેલની અંદર ધોબણનું કામ કર્યું હતું.

આ દાખલાઓનો વિચાર કરતાં એવો કયો મજુર આપણામાં હશે કે જે પોતાની ટેકને જાળવવા ખાતર સાધારણ અગવડ સહન કરવાને તૈયાર ન હોય ?

અમે જોઇએ છીએ કે માલિકોએ સૂચનાપત્ર કાઢ્યાં છે તેમાં ક્રોધના આવેશમાં આવી જઇને કેટલીક ન છાજે એવી વાતો લખેલી છે, કેટલીક વાતોને જાણ્યે કે અજાણ્યે વધારી છે, અને કેટલીકને મરોડ આપવામાં આવ્યો છે. ક્રોધની સામે આપણાથી ક્રોધ તો થાય જ નહિ. તેમાં આવેલી ગેરમુનાસબ હકીકત સુધારવી, એ પણ ઠીક જણાતું નથી. માત્ર એટલું જ કહેવું બસ છે કે તેમાં આવેલાં લખાણોથી દોરવાઇ પણ ન જવુ, તેમ ખીજાઇ પણ ન જવું, મજુરોના સલાહકારોની ઉપર કેટલાક આરોપો મુકાયલા છે તે ખરા હશે તો તેનો જવાબ અહીંઆ આપવાથી ખોટા ઠરવાના નથી. તે ગેરવાજબી છે એમ અમે જાણીએ છીએ. અહીં જવાબ આપીને ગેરવાજબીપણું સિદ્ધ ન કરતાં અમારા ભવિષ્યના વર્તન ઉપર તેની સાબીતીનો આધાર રાખશું.

આવતી કાલે આ પ્રસંગને લગતું કંઇક વિચારશું.





૧૦

આપણી આ સ્થિતિમાં ઉપરના સવાલનો વિચાર કરવો એ બહુ જરૂરનું છે. લૉક-આઉટને લગભગ પંદર દિવસ થયા એટલામાં કોઇ કહે છે અમારી પાસે ખાવાનું નથી, કોઇ કહે છે અને ભાડું સરખું પણ નથી આપી શકતા ઘણાખરા મજુરોના ઘરોની સ્થિતિ ઘણી ખરાબ જોવામાં આવી છે. તેમાં હવાઅજવાળું નથી હોતાં. ઘરો જુનાં થઇ ગયેલાં જોવામાં આવે છે. આસપાસ ગંદકી પુષ્કળ છે. તેનાં અંગ ઉપર સ્વચ્છ કપડાં જોવામાં નથી આવતાં. કેટલાક ધોબીનું ખર્ચ નથી આપી શકતા, તેથી મેલાં કપડાં પહેરે છે; અને કેટલાક કહે છે કે તેએ સાબુનું ખર્ચ નથી કરી શકતા. મજુરોનાં છોકરાં રખડે છે. તે તાલીમ વિનાના રહે છે અને કેટલાક તો પોતાનાં કુમળાં બાળકોને પણ કમાણીને અર્થે વાપરે છે. આટલી બધી કંગાલ હાલત ખરેખર શોકજનક છે. અને તેનું ઓસડ ૩૫ ટકાનો વધારો એ જ નથી. બમણા પગાર થાય એ છતાં બીજા ઇલાજો ન લેવાય તો સ્થિતિ કંગાલ રહેવાનો સંભવ છે. આવી કંગાલીયતનાં ઘણાં કારણો છે. તેમાંનાં કેટલાંક આપણે આજે વિચારીશું મજુરોને પુછતાં અમે જોઇએ છીએ કે તેઓ પૈસાની તંગી આવે ત્યારે દર રૂપીયે એક આનાથી શરૂ કરીને ચાર આના સુધીનું વ્યાજ દર માસે આપે છે. આ કમકમાટી ઉપજાવે એવી વાત છે. આવું વ્યાજ જે માણસ એક વખત પણ આપે તેને છૂટવું મહા મુશ્કેલ છે. જરા વિચારીએ. સોળ રૂપીયા ઉપર દર રૂપીયે એક આના લેખે સોળ આના વ્યાજ થયું. આટલું વ્યાજ આપનાર, મુદ્દલ જેટલું વ્યાજ એક વરસ ને ચાર મહિનાની અંદર ભરી દે છે. આ પોણોસો ટકા વ્યાજ થયું. બારથી સોળ ટકા વ્યાજ આપવું પડે તે પણ આકરૂં ગણાય છે, તો પોણોસો ટકા આપનારા માણસ કેમ ઉભો થઇ શકે? રૂપીયા ઉપર ચાર આના આપનારનું તો પુછવું જ શું? એ માણસને મહિનાના સોળ રૂપીયા ઉપર ચાર રૂપીયા ભરવા પડે અને ચાર મહિનામાં તો મુદ્દલ જેટલા આપવા પડે. આ વ્યાજ ત્રણસેં ટકા લેખે થયું. આવાં વ્યાજ ભરનારા માણસો હંમેશાં કરજમાં જ રહે છે અને તેમાંથી નીકળી શકતા નથી. વ્યાજનો માર મહમ્મદ પેગમ્બરે ભારે જોયેલો તેથી જ આપણે કુરાને શરીફની અંદર વ્યાજને વિષેની સખ્ત આયતો વાંચીએ છીએ. તેવાં જ કારણોથી હિન્દુ શાસ્ત્રોમાં દામદુપટનો ન્યાય દાખલ થયો હોવો જોઇએ. આ લડતને અંગે જો હિન્દુ અને મુસલમાન બધા મજુરો આવાં સખ્ત વ્યાજ નહિ ભરવાના કસમ લેશે તો તેઓની ઉપરથી ભારે બોજો ઉતરશે. બાર ટકાથી વધારે વ્યાજ કોઇએ પણ નહિ આપવું જોઇએ. કોઇ એમ કહેશે આ વાત તો ઠીક છે, પણ વ્યાજે લેવાયેલા છે તે કેમ ભરીએ ? એ તો હવે જીંદગીભર ચોંટેલી વસ્તુ છે. આવી સ્થિતિનો સારામાં સારો રસ્તો તો એ જ છે કે મજુર લોકોની અંદર એવાં મંડળો ઉભાં કરવાં કે જેથી એકબીજાને પૈસાની પણ મદદ મળી શકે. કેટલાકની સ્થિતિ એવી જોવામાં આવી છે કે જેઓ પોતાના વ્યાજના બોજા તળે કચરાઇ રહેલા ભાઇને મુક્ત કરી શકે છે. બહારના

માણસો આમાં ઓછા જ વચમાં પડશે. જેને આપણી ઉપર પૂરો ઇતબાર છે તે જ મદદ કરી શકે. ગમે તેવું સાહસ કરીને પણ આ મહા દુઃખમાંથી મજુરોએ છૂટવાની જરૂર છે. આવાં વ્યાજ આપવાં કંગાલીયતનું ભારે કારણ છે. બીજા બધાં કદાચ તેનાથી ઉતરતાં હશે. તેનો વિચાર હવે પછી કરીશું.





૧૧

જેમ જેમ દહાડા જતા જાય છે તેમ તેમ મજુરોને ભમાવનારી પત્રિકાઓ પણ નીકળ્યાં કરે છે. વળી એમ સાંભળવામાં આવ્યું છે કે મંગળવારે લૉક–આઉટ બંધ થવાનો છે, અને જે મજુરો કામે ચઢે તેમને લેવામાં આવશે. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે પાંચ અને પાંચ કરતાં વધારે મજુરો લાવનાર મજુરને કંઇક ઇનામ પણ આપવામાં આવશે. આ બન્ને હીલચાલની સામે કાંઈ કરવા જેવું ન હોય. બીજા માણસોને રોકીને મજુરોને મીલમાં પાછા દોરવાનો માલિકોને અધિકાર છે. પણ મજુરોની શી ફરજ છે? મજુરોએ જણાવ્યું કે તેઓને સારૂ વીશ ટકાનો વધારો બસ નથી. તેઓએ તે બાબતની નોટિસો પણ આપી. તેઓએ ૩૫ ટકાથી ઓછો વધારો નહિ લેવાના કસમ પણ ખાધા છે. હવે આવી સ્થિતિમાં આવેલો મજુર પોતાની ટેક, પોતાનું નામ, પોતાની મર્દાનગી છોડ્યા વિના ૩૫ ટકા વધે નહિ ત્યાં સુધી પાછો ન જઈ શકે. પણ એવો સંભવ છે કે મજુરમાત્રને આવી ટેક ન હોય. મજુરમાત્રે આવા કસમ પણ ન લીધા હોય. કેટલાક મજુરો ગુજરાત બહારના છે. તેઓ આપણી સાંજની સભાઓમાં પણ ન આવતા હોય એવો સંભવ છે.

તેઓ પણ ૨૦ ટકાના વધારાથી કામે ચઢે તો આપણે ખોટું માનીએ. આવા અજ્ઞાન મજુરોને શેાધી કાઢી તેઓને ખરી દશાનું જ્ઞાન આપવું એટલી અને એટલી જ આપણી ફરજ છે. દરેકે યાદ રાખવું જોઇએ કે એવાઓની ઉપર પણ કોઇ પ્રકારનું દબાણ ન થવું જોઇએ.

મંગળવારે એટલે આવતી કાલે સવારના સાડાસાત વાગે આપણે હંમેશની જગ્યાએ મળવાના છીએ. માલિકોના મીલ ઉઘાડવાની લાલચમાં કોઇએ નહિ પડવાનો સારામાં સારો રસ્તો એ છે કે દરેકે સવારના સાડાસાત વાગે જ્યાં મળીએ છીએ ત્યાં હાજરી આપવી. એટલું જ નહિ પણ જેઓ આજ સુધી નથી આવેલા એવા અજ્ઞાત અને પરદેશી મજુરો છે તેમને પણ શોધી કાઢવા. તેમને આમંત્રણ આપવું અને તે સભામાં લઈ આવવા. આ લાલચના દિવસોમાં સહુને ઘણા વિચારો આવશે. રોજગાર કરનારને બીનરોજગાર રહેવું મહાદુઃખદાયક હોય છે. આવા બધાને સભામાં આવવાથી કંઇક ધીરજ મળશે. જેઓ પોતાની શક્તિનો ખ્યાલ રાખી શકે છે તેઓને બીનરોજગાર રહેવાપણું રહેતું નથી. હકીકતમાં મજુર એટલો બધો સ્વતંત્ર છે કે તેને જો પોતાની દશાનું ભાન આવે તો નોકરી જવાથી કદિ અકળામણ આવે જ નહિ. પૈસાદારની મૂડીનો અંત આવે, તે ચોરાઈ જાય, ખોટે રસ્તે વપરાતાં પળવારમાં ખૂટી જાય, પેાતાની ખેાટી ગણત્રીથી પૈસાદારને દેવાળું પણ કાઢવું પડે. પણુ મજુરની મૂડી અખૂટ છે, ન ચોરાય તેવી છે, અને તેને મનમાન્યું વ્યાજ હમેશાં મળ્યાં કરે છે. તેના હાથ અને પગ, મજુરી કરવાની શક્તિ, એ તેની અખૂટ મૂડી છે, અને તેની મજુરી એ વ્યાજ છે. વધારે શક્તિ વાપરનારો મજુર સ્હેજે વધારે વ્યાજ લઇ શકે છે એવો સીધો ન્યાય છે. આળસુ મજુરને જરૂર ભૂખે મરવું પડે છે. તેને નિરાશા થાય. ઉદ્યોગીને પળવાર પણ ચિંતા ભોગવવાનું કારણ નથી. સહુ મંગળવારે સવારે વેળાસર આવજો અને ત્યાં તમે કેવા સ્વતંત્ર છો તેનું વધારે ભાન મેળવી શકશો.





૧૨

આજથી નવું પ્રકરણ શરૂ થાય છે. માલિકોએ લૉક-આઉટ બંધ કરવાનો ઠરાવ કર્યો છે અને જેને ૨૦ ટકાનો વધારો લઇને જવું હોય તેને લેવા પોતાની ઇચ્છા બતાવી છે. એટલે હવે માલિકોનો લૉક-આઉટ મટીને મજુરોની હડતાલ આજથી શરૂ થાય છે. માલિકોના આ ઠરાવની જાહેર ખબર તમે સૌએ જોઇ છે. તેમાં તેઓ લખે છે કે ઘણા મજુરો ચઢવા તૈયાર છે. એમ છતાં તેઓના લૉક-આઉટને લીધે ચઢી શક્યા નથી. મજુરોનો હમેશાં થતો મેળાવડો અને તેઓના કસમ વચ્ચે અને માલિકોને મળેલી ખબર વચ્ચે કાંઇ મળતાપણું જોવામાં આવતું નથી. યા તો માલિકોને મળેલી ખબર સાચી છે અથવા તો મજુરો હમેશાં મેલાવડામાં હાજર થાય છે અને તેઓએ કસમ લીધેલા છે એ સાચું છે. મજુરોએ કસમ લેતા પહેલાં દરેક બાબતનો વિચાર કર્યો છે અને હવે તેઓથી ગમે તેવી લાલચ મળે અને ગમે તેટલું દુઃખ થાય તોપણ ૩૫ ટકાનો વધારો મળ્યા વિના કામ ઉપર ન જ ચઢી શકાય. આમાં તેઓનું ઇમાન રહેલું છે. એક તરફ વચન અને બીજી તરફ લાખો રૂપીયા, એ બંનેની સરખામણી કરો તો તેમાં વચનનું વજન ચઢી જવાનું છે. આ વાતને મજુરો ગોખી રાખશે એવી અમારી ખાતરી છે. મજુરોને ચઢવાનો પોતાના વચનને વળગી રહેવા સિવાય ઇલાજ છે જ નહિ, અને અમારી તો ખાતરી છે કે જો મિલ માલિકો સમજે તો તેઓની ઉન્નતિ પણ મજુરોના કસમ પાળવામાં રહેલી છે. જેઓ પોતાના કસમ નહિ પાળી શકે તેવા માણસો પાસેથી મજુરી લઇને છેવટે તો માલિકો પણ ફાયદો નથી ઉઠાવવાના. ધાર્મિક વૃત્તિવાળા માણસ બીજાની પ્રતિજ્ઞા તોડાવવામાં કદિ રાજી થાય નહિ, કદિ ભાગ લે નહિ, છતાં અત્યારે આપણને માલિકોની ફરજ વિચારવાને અવકાશ નથી. તેઓ પોતાની ફરજ સમજે છે. આપણે તો માત્ર તેઓને વિનવી શકીએ, પણ મજુરોને પેાતાની ફરજ આ વખતે સંપૂર્ણ રીતે વિચારી લેવાની જરૂર છે. આવો અવસર ફરી પાછો નથી આવવાનો.

મજુરો કસમ તોડીને શું મેળવવાના છે, એ જરા વિચારીએ. આ સમયે હિન્દુસ્તાનમાં ઇમાનદાર માણસને, ગમે તે જગ્યાએ હોંશીયારીપૂર્વક મજુરી કરે તો પચીસ રૂપીયા મળી રહે છે. એટલે મજુરોને ભારેમાં ભારે ધક્કો તો એટલો જ પહોંચી શકે કે માલિકો હંમેશને સારૂ તેઓનો ત્યાગ કરે અને તેઓને બીજી જગ્યાએ નોકરી શોધવી પડે. વિચારવાન મજુર સમજી લે કે થોડા દિવસના પ્રયાસથી તે પોતે ગમે ત્યાં નોકરી મેળવી શકશે. પણ એવું અંતિમ પગલું માલિકો ભરવા નથી જ માગતા એ અમારી ખાતરી છે. મજુરો પોતાની પ્રતિજ્ઞામાં ચુસ્ત રહેશે તો કઠણમાં કઠણ હૃદય પણ પીગળવાનું છે.

એવો સંભવ છે કે ગુજરાતની બહારના મજુરોને (ઉત્તરમાંથી આવેલા અને દક્ષિણમાંથી-એટલે મદ્રાસથી આવેલા મજુરોને) આ લડતનો પૂરો ખ્યાલ નથી. આપણે સાર્વજનિક કાર્યોમાં હિન્દુ, મુસલમાન, ગુજરાતી, મદ્રાસી, પંજાબી એવા ભેદ રાખતા નથી, રાખવા ઈચ્છતા નથી. આપણે એક જ છીએ, અથવા થવા માગીએ છીએ. તેથી આવા ગુજરાતની બહારથી આવેલા મજુરોને આપણે દિલસોજીપૂર્વક આ લડતનું ખરૂં જ્ઞાન આપવું જોઇએ, અને તેઓને પણ સમજાવવા જોઇએ કે આપણી સાથે રહેવામાં તેઓનો અને બધાનો લાભ સમાયેલો છે.





૧૩

એવી અફવા આવેલી છે કે ઘણા મજુરો કામ ઉપર ચઢવાને તૈયાર છે, પણ બીજાઓ તેઓને જોરજુલમ કરીને મારની બીક આપીને રાકી રાખે છે. અમારી પ્રતિજ્ઞા દરેક મજુરોએ યાદ રાખવાની જરૂર છે કે જો મજુરો બીજાઓની ઉપર દાબ મૂકી ધમકાવીને કામે જતાં અટકાવે તો અમારાથી મદદ ન થઈ શકે. આ લડતમાં જે પોતાની ટેક રાખશે તે જ જીત્યો છે. કોઈની પાસે ટેક પરાણે નથી રખાવી શકાતી. એ વસ્તુ જ એવી છે કે જે પરાણે ન થઈ શકે. ટેક રાખીને આપણે આગળ વધવા માગીએ છીએ. બીકનો માર્યો જે માણસ કાંઈ કામ ન કરે તે માણસ શાની ઉપર આગળ વધી શકે ? તેની પાસે કંઇ રહ્યું જ નથી. એટલે દરેક મજુરે યાદ રાખવાની જરૂર છે કે કોઇપણ બીજા મજુરની ઉપર કોઇ પ્રકારનું દબાણ કરવું જ નહિ. જો દબાણ કરવામાં આવે તે આખી લડત નબળી પડી જઈને તુટી જવાનો સંભવ છે. મજુરોની લડતનો આધાર કેવળ તેઓની માગણીના અને તેઓના કાર્યના ન્યાયની ઉપર રહેલો છે. જો માગણી ગેરવાજબી હોય તો મજુરો જીતી ન શકે. માગણી વાજબી હોય પણ માગેલું મેળવવામાં અન્યાય વાપરે, જુઠું બોલે, ફીસાદ કરે, બીજાઓને દબાવે, આળસ કરે અને તેથી સંકટ ભોગવે તોપણ તે હારી જાય. કોઇની ઉપર દાબ ન મૂકવો અને પોતાના ભરણપોષણ જોગી મજુરી કરવી, એ આ લડતની અંદર ઘણી જ જરૂરી વસ્તુ છે.





૧૪

જેમ ધનવાનનું હથીયાર પૈસો છે તેમ મજુરનું મજુરી છે. જો ધનવાન ધન ન વાપરે તો ભૂખે મરે તેમજ મજુર પોતાનું ધન–મજુરી–ન વાપરે–ન કરે તો પોતે ભૂખે મરે. મજુરી ન કરે તે મજુર જ કહેવાય નહિ. મજુરી કરતાં શરમાય તે મજુરને ખાવાનો હક જ નથી. એટલે જો મજુરો આ મહાન લડતમાં પોતાની પ્રતિજ્ઞા પાળવા ઇચ્છતા હોય તો તેઓએ મજુરી કરતાં શીખી લેવું જોઇશે. ફાળા એકઠા કરી નવરા રહી ફાળામાંથી પૈસા લઈ જે પોતાનું પેટ ભરે તેને જીત મેળવવાનો હક નથી. આ લડત મજુરો પોતાની ટેકને સારૂ લડે છે. જેઓ કામ કર્યા વગર ખાવા માગે છે તેઓ ટેક શું છે તે સમજતા જ નથી એમ કહેવાય. જેને શરમ છે, જેને સ્વમાનની ગરજ છે તે જ ટેક પાળે. જેને જાહેર ફાળાઓમાંથી વગર મહેનતે નભવાનો વિચાર છે તેઓને શરમ છે એમ કોણ ન કહે ? એટલે આપણને લાજમ છે કે આપણે કંઈક પણ મજુરી કરીને આપણું ગુજરાન કરીએ. મજુર મજુરી ન કરે તે તો સાકર પેાતાની મીઠાશ છોડે એવી વાત થઇ.

આ લડત માત્ર ૩૫ ટકાનો વધારો લેવાની નથી પણ મજુરો પોતાના હકને સારૂ દુઃખ સહન કરવા તૈયાર છે એમ બતાવવા સારૂ છે. આ લડત આપણી ટેક જાળવવા સારૂ છે. આ લડત આપણે સારા થઇએ એવી ઈચ્છાથી ચલાવીએ છીએ. જો આપણે જાહેર પૈસાનો ખાટો ઉપયોગ કરીએ તો સારા થવાને બદલે બગડીએ. એટલે ગમે તે વિચાર કરીએ તોપણ આપણને જણાશે કે આપણે મજુરી કરીને જ આપણું પોષણ કરવાનું છે. શીરીનને ખાતર ફરહાદે પથ્થર ફોડ્યા. મજુરોની શીરીન તેઓની ટેક છે, તેને ખાતર મજુરો પથ્થર કેમ ન ફોડે ? સત્યને ખાતર હરિશ્ચન્દ્ર વેચાયા ! પોતાના સત્યને ખાતર મજુરો મજુરી કરવામાં દુઃખ હોય તો તેટલું દુઃખ સહન ન કરે ? ટેકને ખાતર ઇમામ હસન અને હુસેને ભારે દુઃખો ઉઠાવ્યાં. ટેક રાખવા સારૂ આપણે કેમ મરવાને પણ તૈયાર ન રહીએ? આપણને ઘેર બેઠાં પૈસા મળે ને આપણે લડીએ તો આપણે લડ્યા એમ કહેવું ખોટું ગણાય. એટલે અમારી ઉમેદ છે કે દરેક ભાઈ પોતાની ટેક જાળવવા સારૂ મજુરી કરી પોતાનું પેટ ભરશે ને દૃઢ રહેશે. આ લડત લંબાશે તો આપણી નબળાઇથી. જ્યાં સુધી મીલમાલિકો માનશે કે મજુરો મજુરી નહિ કરે ને છેવટે પડી તો જશે જ, ત્યાં સુધી તેઓને દયા નહિ છૂટે ને તેઓ સામે રહ્યા કરશે. મજુરો કદિ પોતાની હઠ છોડવાના જ નથી એવી ખાત્રી તેઓને નહિ થાય ત્યાં સુધી તેઓને દયા નહિ આવે ને તેઓ પોતાનો નફો જતો કરીને સામે રહ્યા કરશે. મજુરો પોતાની ટેક ગમે તેમ કરતાં નહિ છોડે એવું તેઓને ચોક્કસ લાગશે ત્યારે તેઓને દયા આવશે જ ને ત્યારે તેઓ મજુરોને વધાવી લેશે. આજે તો તેઓ એમ માને છે કે મજુરો મજુરી તો નથી જ કરવાના; એટલે આજકાલ પડશે. જો મજુરો પારકા પૈસા ઉપર પોતાની આજીવિકાનો આધાર રાખે તો માલિકો વિચારી લેશે કે એ પૈસા કોઈ દહાડો તો ખૂટશે જ. એમ જાણી તેઓ મજુરોને દાદ નહિ આપે. મજુરો જેની પાસે ખાવાનું સાધન નથી તેઓ મજુરી કરતા થઈ જશે તો માલિકો સમજશે કે જો તેઓ ઝટ ૩૫ ટકા નહિ આપે તો મજુરોને ખોઇ બેસશે. આમ લડતને ટૂંકી કરનાર તેમ જ લંબાવનાર આપણે જ છીએ. વધારે દુઃખ હમણાં જ સહન કરીને વહેલા છુટકારો મેળવી શકીએ. દુઃખ સહન ન કરીએ તેમ લડત લંબાવાની જ. આ બધા વિચાર કરી જેઓ નબળા થયા છે તેઓ સબળા થશે એવી અમારી ઉમેદ છે.

ખાસ સૂચના

કેટલાક મજુરો એમ સમજ્યા છે કે જેઓ નબળા થયા છે તેઓને સબળા થવા સમજાવી શકાતા નથી. આ સમજ તદ્દન ગેરવાજબી છે. જેઓ કંઇપણ કારણથી નબળા પડ્યા હોય તેઓને વિનયપૂર્વક સમજાવવા એ તમારૂં ને અમારૂં બધાનું કામ છે. જેઓ લડત નથી જાણતા તેઓને જ્ઞાન દેવું એ પણ આપણું કામ છે. અમારૂં તો એમ કહેવું છે કે આપણે કોઇને ધમકી દઇને, જુઠ્ઠું બોલીને, મારીને, બીજો કંઇપણ દાબ મુકીને રાખવાના નથી. જેઓ સમજાવ્યા ન સમજે તેઓ કામપર જાય તેથી આપણે તદ્દન નીડર રહેવાનું છે, અને એક માણસ પણ બહાર રહ્યો હશે તેનો અમે કોઇ પણ કાળે ત્યાગ નથી કરવાના.





૧૫

મહાત્મા ગાંધીજીની પ્રતિજ્ઞાનો હેતુ ને અર્થ સમજવાની જરૂર છે. પહેલી વાત યાદ રાખવાની એ છે કે તેમનું વ્રત માલિકોની ઉપર અસર ઉપજાવવા સારૂ નથી લેવાયું. જો તે હેતુથી લેવાય તો લડતને ધક્કો પહોંચે અને આપણી નામોશી થાય. માલિકોની પાસેથી આપણે દાદ–ઇનસાફ માગીએ છીએ. તેની કેવળ દયા નથી માગતા. વળી જેટલે દરજ્જે દયા માગીએ છીએ, તે દયા મજુરો ઉપર ભલે થાય. મજુરોની ઉપર દયા કરવી એ તેઓની ફરજ છે એમ આપણે માનીએ. પણ મહાત્મા ગાંધીજી ઉપર દયા કરીને આપણે ૩૫ ટકા લઇએ તો આપણી હાંસી જ થાય અને તે મજુરોથી સ્વીકારાય નહિ. ગાંધીજી જો માલિકોની સાથેના અથવા તો જનસમાજની સાથેના પોતાના સંબંધનો આવો ઉપયોગ કરે તો પોતાની સ્થિતિનો તે ગેરઉપયોગ થયો ગણાય, ગાંધીજીની પ્રતિષ્ઠા જાય. ગાંધીજીના ઉપવાસનો મજુરોના પગારની સાથે શો સંબધ હોઇ શકે ? પચાસ માણસ માલિકોને ઘેર લાંધે તેથી માલિકો મજુરોને ૩૫ ટકાનો હક ન હોય તો કેમ આપે ? જો આમ હકો મેળવવાની પ્રથા પડે તો જનસમાજ ચલાવવો લગભગ અશક્ય થઇ પડે. આ ગાંધીજીના ઉપવાસની ઉપર માલિકો ધ્યાન દઇ ન શકે અને તેઓએ ધ્યાન દેવું ન જોઇએ. છતાં ગાંધીજીએ કરેલા આવા કાર્યની અસર માલિકો ઉપર નહિ જ થાય એ બનવું અશક્ય છે.

એ અસર જેટલે દરજ્જે થશે તેટલે દરજ્જે આપણે દિલગીર થઇએ. પણ ગાંધીજીના ઉપવાસથી બીજાં ભારે પરિણામો આવતા હોય તો તેનો આપણે ઇનકાર ન કરીએ.

જે પરિણામ લાવવાને સારૂ ઉપવાસ લેવાયો છે એ તપાસીએ. ગાંધીજીએ જોયું કે મજુરોમાં પ્રતિજ્ઞાની કિંમત ઓછી થવા લાગી હતી. તેઓએ માની લીધેલી ભૂખની બીકથી તેઓમાંના કેટલાક પ્રતિજ્ઞા છોડવા તત્પર થયા હતા. દસ હજાર માણસ પોતાની પ્રતિજ્ઞા છોડે એ અસહ્ય વાત ગણાય. પ્રતિજ્ઞા ન પાળવાથી માણસ નિર્બળ થાય છે ને છેવટે પોતાની માણસાઈ ખોઇ બેસે છે. એટલે પ્રતિજ્ઞા પાળી શકવામાં લોકોને જેટલી અને તેટલી મદદ કરવી એ આપણા બધાનો ધર્મ થઇ પડ્યો. ગાંધીજીએ વિચાર્યું કે જો પોતે ઉપવાસ કરે તો પ્રતિજ્ઞાની કિંમત પોતે કેટલી આંકે છે તે ખરૂં પડે. વળી મજુરો ભૂખે મરવાની વાતો કરતા હતા. ભૂખે મરવું પણ પ્રતિજ્ઞા પાળવી, આ ગાંધીજીનું વાક્ય. એ તેઓએ તો ખરૂં પાળવું જ જોઇએ. એ તો પોતે ભૂખે મરવા તૈયાર થાય તો જ ખરૂં પડે. મજુરો કહેવા લાગ્યા કે અમે મજુરી ન કરીએ છતાં અમને પૈસાની મદદની જરૂર છે. આ વાત ઘણી ભયંકર લાગી. મજુરો આવી વાત કરે તો દેશમાં અવ્યવસ્થા થાય તેનો પાર જ ન આવે. લોકોને મજુરી કરવાનું કષ્ટ ઉપાડવાનું અસરકારક રીતે ગાંધીજી એક જ રીતથી બતાવી શકે. પોતે કષ્ટ ઉઠાવવું જોઇએ. પોતાની મજુરી તો હતી પણ તે બસ ન હતું. ઘણા અર્થ સરે એવી વસ્તુ તેમણે ઉપવાસ માની અને તેમણે તે શરૂ કર્યો. તે ઉપવાસ જ્યારે મજુરોને ૩૫ ટકા મળે ત્યારે અથવા તો મજુરો પ્રતિજ્ઞા તોડે ત્યારે છુટે. પરિણામ ધારેલું આવ્યું. એ જેઓ પ્રતિજ્ઞા લેવાઈ ત્યારે હાજર હતા તેઓએ જોયું. મજુરો જાગૃત થયા, તેઓએ મજુરી શરૂ કરીને તેઓનો ધર્મ, તેઓનું ઈમાન રહ્યાં.

મજુરો હવે સમજ્યા છે કે મજુરોની પ્રતિજ્ઞા રહેવાથી જ તેઓને ઈન્સાફ મળવાનો છે. મહાત્મા ગાંધીજીની પ્રતિજ્ઞાથી તેઓને જોર મળ્યું. પણ તેઓને ઝુઝવું છે તો તેઓના પોતાના જ જોર ઉપર. મજુરોનો ઉદ્ધાર મજુરો ઉપર જ છે.





૧૬

શ્રી શંકરલાલ બૅંકરની પત્રિકા

તમારે માટે હું પહેલી જ પત્રિકા લખું છું. તેથી મારે એટલું તો જણાવી દેવું જોઇએ કે એ લખવા માટેનો મારો અધિકાર નામનો જ છે. મેં પોતે મજુરી કરી નથી. મુજુરોને ખમવાં પડે છે તેવાં દુ:ખ વેઠ્યાં નથી, તેમ એ દુઃખ સમજી તેને દૂર કરવા માટે હું કંઈ કરી શકતો નથી. માટે આ પ્રસંગે જે કોઇ સલાહ આપવાની મને જરૂર જેવું જણાય છે તે આપતાં મને સંકોચ તો થાય છે જ. પરંતુ અગાઉ મેં તમારે માટે કંઇ કર્યું નથી તોપણ હવે પછી તો તમારા માટે મારી શક્તિ પ્રમાણે મારે કંઇક કરવું જ એવી મારી તીવ્ર ઈચ્છા છે, અને તે ઈચ્છાને લઈને જ હું આ લખું છું.

આજથી બે દિવસ ઉપર આપણી સ્થિતિ કેટલેક અંશે ચિંતાતુર થઈ પડી હતી. તમારામાંથી કેટલાક ભાઇઓ તંગીમાં આવી પડ્યા હતા; અને એ તંગીમાંથી મુક્ત થવા માટે મહાત્મા ગાંધીજીના આગ્રહ મુજબ મજુરી કરી લેવાને બદલે લીધેલા કસમ તોડી તેઓ કામ ઉપર ચાલ્યા જાય એવો ભય જણાતો હતો. પણ એ સ્થિતિ આજે રહી નથી. મહાત્મા ગાંધીજીએ લીધેલી પ્રતિજ્ઞાથી આપણા જડ હૃદયમાં ચૈતન્ય આવ્યું છે, આપણી પ્રતિજ્ઞા કેટલી ગંભીર છે તેનું આપણને ભાન થયું છે. જાન જાય તો પણ કસમ નહિ છોડીએ એ હવે માત્ર સભામાં જ બોલવાનું નહિ, પણ કરી બતાવવાનું છે એવી આપણી ખાતરી થઈ ગઈ છે. સ્થિતિમાં થયેલા આ ફેરફારના પુરાવા તરીકે તંગીમાં આવી પડેલા ભાઇઓએ ખુશીથી મજુરી કરવાનું કર્યું છે, એટલું જ નહિ પરંતુ જેમની સ્થિતિ સારી છે તેઓએ બીજા ભાઇઆને પોતાનો દાખલો બેસાડીને તથા પોતાની મજુરીમાંથી આવતા પૈસાથી બીજાને મદદ આપીને, આપણામાં ફુટ પડવાનો સંભવ હમેશ માટે દૂર કર્યો છે. પરંતુ એ બસ નથી. મહાત્મા ગાંધીજીએ લીધેલી પ્રતિજ્ઞાથી આપણે માથે ભારે જવાબદારી આવી પડી છે, અને એ જવાબદારી આપણે પૂરેપૂરી સમજતા હોઇએ તો આ લડતનો બને તેટલો જલદીથી અંત આણવાનો જીવતોડ પ્રયત્ન કરવો જોઇએ; અને જે જે ઉપાયોથી આપણી ટેક જાળવી લડત ટુંકી કરી શકાય તે તે ઉપાયો તરત જ લેવા જોઇએ. આપણી ટેક ૩૫ ટકા લેવાની છે. અને આપણે જાણીએ છીએ કે એ ૩૫ ટકા આપવાનું આર્થિક દૃષ્ટિએ શેઠીયાઓને માટે મુશ્કેલ નથી. પરંતુ એ ૩૫ ટકા આપતાં તેમને એવો ભય લાગે છે કે મજુરોનું ચઢી વાગશે, તેઆ ઉદ્ધત થઇ જશે, જરાજરામાં બ્હાનાં કાઢી રીસાશે, અને સ્હેજ બાબતમાં હડતાલ પાડી ઉદ્યોગનો નાશ કરશે. આ ભયને માટે મને તો કારણ જણાતું નથી. જે ઉદ્યોગમાંથી મજુરોને રોજી મળે તે ન્યાય અન્યાયનો વિચાર કર્યા વિના મર્યાદા મુકી વર્તે તો ઉપર કહેલું અનિષ્ટ પરિણામ આવ્યા વિના રહે જ નહિ. એ પરિણામમાંથી આપણે બચવા ઈચ્છતા હોઇએ તો આપણે રીતસર સાચી દાનતથી કામ કરવાનો નિશ્ચય કરવો જોઇએ. અણઘટતી માગણી ન કરવાના ન્યાય માટે પણ બીજા ઉપાયો ખૂટે ત્યાં સુધી હડતાલ જેવા ઉપાય ન લેવાનો નિશ્ચય કરવો જોઇએ. પરંતુ એવા નિશ્ચયથી આપણું કામ સરતું નથી. આપણે તો એ આપણો નિશ્ચય શેઠીયાઓની પાસે જઇને તેમની આગળ પ્રગટ કરી, આપણે વિષે તેમનો વિશ્વાસ ઉત્પન્ન કરવો રહે છે; જે ભયને લીધે તેઓ આપણને ૩૫ ટકા આપતાં સંકોચ ખાય છે, તે ભય દૂર કરવો રહે છે. આ માટે સત્વર પગલાં લેવા કારીગરોને મારો ખાસ આગ્રહ છે.





૧૭
બન્નેની જીત

આપણે આગલી હસ્તપત્રિકાઓમાં જોઇ ગયા છીએ કે સત્યાગ્રહમાં હમેશાં બન્નેની જીત હોય છે. જે સત્યને સારૂ લડ્યો અને જેણે સત્ય મેળવ્યું તે તો જીત્યો જ, પણ જે સત્યની સામે થયો અને જેણે છેવટે સત્ય ઓળખ્યું અને આપ્યું તે પણ જીત્યો જ ગણાય. એ વિચારે મજુરોની પ્રતિજ્ઞા પળી છે તેથી બન્ને પક્ષ જીત્યા છે. વળી માલિકોએ પણ પ્રતિજ્ઞા લીધેલી કે તે ૨૦ ટકા ઉપરાંત નહિ આપે; તેઓની પણ પ્રતિજ્ઞાને આપણે માન આપ્યું છે. એટલે બેઉની લાજ રહી છે. સમાધાની શું છે તે હવે જોઈએ:—

૧. મજુરોએ આવતી કાલે એટલે તા. ૨૦મીએ કામે ચડવું અને તા. ૨૦મીએ તેઓને ૩૫ ટકાનો વધારો મળે અને તા. ૨૧મીએ ૨૦ ટકાનો વધારો મળે.

૨. તા. ૨૨મીથી ૩૫ ટકા સુધી પંચ ઠરાવે તે વધારો મળે.

૩. ગુજરાતના સાક્ષર શિરોમણિ, સાધુ પુરૂષ અને ગુજરાત કૉલેજના અધ્યાપક અને વાઇસ પ્રિન્સીપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ એમ. એ., એલએલ. બી. પંચ નીમાય.

૪. પંચ સાહેબનો ઠરાવ ત્રણ માસની અંદર બહાર પડે. તે દરમીયાન મજુરોને ૨૭ાા ટકા વધારો મળે. એટલે કે મજુરોએ અરધા મેલ્યા અને માલિકોએ અરધા મેલ્યા.

૫. પંચ ઠરાવે તે ટકા પ્રમાણે ૨૭ાા ટકા ઉપર વધઘટ લેવી દેવી. એટલે કે જો ૨૭ાાથી વધારે ટકા પંચ ઠરાવે તો માલિકો તે વધારો મજરે આપે, અને જો ૨૭ાા થી ઓછા ઠરાવે તો તેટલા મજુરો મજરે આપે.

આમાં બે તત્ત્વનો નિશ્ચય થયો. એક તો મજુરોની ટેક રહી અને બીજું બન્ને પક્ષ વચ્ચે કંઇ મહત્ત્વની તકરાર થાય તો તેનો નિર્ણય હડતાલ પાડીને ન કરવો પણ પંચ મરફતે. આગળ ઉપર બન્ને પક્ષ પોતા વચ્ચેની તકરારનો નીવેડો પંચથી જ કરશે એવી સમાધાનીની શરત નથી. પણ સમાધાનીમાં પંચનો સ્વીકાર થયો એટલે માની લેવાય કે બીજી વેળાએ પણ એવે અવસરે ૫ંચ નીમાશે. સાધારણ નજીવી બાબતમાં પંચ નીમાશે એમ માનવાનું નથી. માલિકો અને મજુરો વચ્ચે મતભેદ થાય તેમાં હમેશાં ત્રીજો પક્ષ વચ્ચે આવે એ બન્નેને શરમાવનારૂં ગણાય. માલિકોથી તો તે સહન થાય જ નહિ. એવી શરત નીચે માલિકો ધંધો ન કરે. લક્ષ્મીને હમેશાં જગત્ માન આપતું આવ્યું છે. અને લક્ષ્મી હમેશાં માન લેશે. એટલે મજુરો નજીવી બાબતમાં માલિકોને કનડે તો તેઓનો સંબંધ તુટે. એવી કનડગત મજુરો નહિ જ કરે. એવું અમે માનીએ છીએ. અમારે એમ પણ કહેવાની જરૂર છે કે મજુરોએ કદિ વગરવિચારે હડતાલ નહિ પાડવી. અને અમને પૂછ્યા વિના હડતાલ પાડે તો અમારાથી મદદ ન દઇ શકાય. એવી શંકા થઈ છે કે એક દહાડો ૩૫ ટકા લઇને બેઠા તે કંઇ ટેક રહી ગણાય ? એ તો બાળકોની બગામણી-પટામણી થઈ. કેટલીક સમાધાનીઓમાં આવી બગામણી થઇ છે. અહીં તેવું નથી થયું. અમે જાણીબુજીને, અવસર સમજીને એક જ દહાડાના ૩૫ ટકા સ્વીકાર્યા છે. અમે ૩૫ ટકા વિના કામે નહિ ચડીએ એના બે અર્થ થાય. અમે હમેશાં ૩૫ ટકાથી ઓછો વધારો કબૂલ નહિ કરીયે એ એક અર્થ,–અમે ૩૫ ટકાથી કામે ચઢીએ ને તે એક જ દહાડો મળે તો બસ છે એ બીજો અર્થ. જેણે નિશ્ચય કર્યો હોય કે ૩૫ ટકા હંમેશને સારૂ માગવા એ શુદ્ધ ન્યાય છે અને તેટલા ટકા મેળવવા સારૂ પોતામાં અખૂટ શૂરાતન છે તે તો ૩૫ ટકા હમેશને સારૂ મળે તો જ તેની ટેક રહી માને. પણ આવો આપણો નિશ્ચય ન હતો. આપણે પંચથી ન્યાય લેવા હમેશાં તૈયાર હતા. આપણે ૩૫ ટકા એકપક્ષી વિચારથી ઠરાવેલા. ૩૫ ટકાની સલાહ અમે આપી તે પહેલાં અમે માલિકોનો પક્ષ તેમની પાસેથી જ સાંભળવા માગતા હતા. દુર્ભાગ્યે તેમ ન બન્યું. એટલે અમે તો બને તેટલો તેમનો પક્ષ તપાસી ૩૫ ટકાની સલાહ આપી. પણ અમે ઠરાવેલા ૩૫ ટકા સાચા જ એમ અમે ન કહી શકીએ. અમે કદિ તેવું નથી કહ્યું. અમારી ભૂલ જો માલિકો બતાવે તો જરૂર ઓછા ટકા લેવાની સલાહ આપીએ. એટલે પંચને ઓછા ટકા બરોબર લાગે ને તેટલા આપણે કબૂલ રાખીએ તો તેમાં આપણી ટેક જરાપણ તૂટતી નથી. આપણે પંચનું તત્ત્વ હમેશાં સ્વીકાર્યું છે. અમારી આશા છે કે અમે ૩૫ ટકા ઠરાવવામાં ભૂલ નથી કરી એટલે તેટલા મળશે એમ ધારીએ છીએ. પણ આપણને ભૂલ માલમ પડે તો આપણે ઓછા ટકા ખુશીથી લઇએ.

ત્રણ મહીનાની મુદ્દત ખાસ આપણી તરફથી જ માગવામાં આવેલી છે. માલિકો પંદર દિવસની મુદત સ્વીકારવા તૈયાર હતા. પણ આપણી માગણી ખરી છે એ બતાવવા મુંબઇમાં કેટલીક તપાસ કરવાની જરૂર છે. પંચ સાહેબને અહીંની સ્થિતિ બતાવવી, મજુરોની રહેણીનો અભ્યાસ કરાવવો, એ બધું જરૂરનું છે. એ ન જાણે ત્યાં સુધી તેઓને પૂરો ખ્યાલ ન આવી શકે. આવું ચોકસ કામ થોડા દિવસમાં પૂરું ન થઇ શકે. પણ બની શકશે તેટલી ઉતાવળે કાર્ય પૂરું કરીશું.

કેટલાક ભાઇઓએ લૉક-આઉટ દરમીયાનના પગારની ઇચ્છા બતાવી છે. અમારે કહેવું જોઇએ કે આપણે આ પગાર નથી માગી શકતા. આપણે ૨૦ ટકા કબૂલ ન રાખ્યા એટલે લૉક-આઉટ અથવા હડતાલ એમાંથી એકની જરૂર હતી. આપણે ૨૨ દહાડા દુ:ખ ભોગવ્યું તે આપણી ફરજ હતી ને તેમાં આપણો સ્વાર્થ હતો. એ દુ:ખની કિમ્મત મેળવી લીધી. એ કિમ્મત આ સમાધાની છે. હવે લૉક-આઉટનો પગાર કેમ મંગાય ? લૉક–આઉટનો પગાર માગવો એ માલિકોના પૈસાથી લડત લડ્યા જેવું છે. એવો વિચાર મજુરોને શરમાવનારો છે. લડવૈયા પાતાના બળ ઉપર જ લડી શકે. વળી મજુરોને માલિકોએ પગાર ચુકવી દીધો. હવે તે મજુરો નવી નોકરી શરૂ કરે છે એમ પણ કહી શકાય. એટલે બધું વિચારતાં મજુરોએ લૉક-આઉટ દરમીયાનનો પગાર લેવાનો વિચાર માંડી વાળવો જોઇએ.

મજુરોને પગાર ૨૦ દહાડા પછી ચુકવાશે. એ દરમીયાન મજુરોની શી દશા ? ધણાની પાસે કંઇ પૈસો નહિ રહ્યો હોય. જેને પગાર મળવા પહેલાની મુદતમાં મદદની જરૂર હોય તેઓએ માલિકોને નમ્ર વિનંતિ કરવી અને અમને ખાત્રી છે કે માલિકો તે વિનંતિ સાંભળી કંઈક સગવડ કરી આપશે.

મજુરોએ યાદ રાખવાનું છે કે હવે પછીની તેમની હાલત તેમના કામ ઉપર આધાર રાખશે. તેઓ સાચી દાનતથી, નરમાશથી, અને ઉત્સાહથી નોકરી કરશે તો માલિકોની મહેરબાની મેળવશે ને તેમની ઘણી મદદ લઈ શકશે. બધું અમારી મારફતે જ મળી શકે એમ માનવાથી ભૂલ થશે. મજુરને ખરે સંકટે અમે સેવા કરવા તત્પર છીએ જ. પણ જેમ બને તેમ માલિકોને માબાપરૂપ ગણી તેઓની પાસેથી બધું લેવામાં મજુરોનું હિત સમાયેલું છે.

હવે શાંતિની જરૂર છે. નાની અગવડો સહન કરવાની છે.

તમે રજા આપશો તો જેઓમાં કુટેવ હશે તે સુધારવામાં મદદ કરવા અમે ધારીએ છીએ. તમને અને તમારાં બાળકોને કેળવણી આપવા ધારીએ છીએ. તમારી નીતિમાં, તમારી ને તમારાં બાળકોની તન્દુરસ્તીમાં, તમારી પૈસા સંબંધી સ્થિતિમાં સુધારો થાય એમ અમે ઇચ્છીએ છીએ. તે જો તમે કરવા દેશો તો એવું થાય તેવાં કાર્યો અમે કરીશું.

મજુરોની મોટામાં મોટી જીત એ જ કે તેઓની ટેક–લાજ–ખુદાએ–ઇશ્વરે રાખી છે. જેને ઈમાન રહ્યું તેને બધું મળ્યું છે. ઇમાન જાય ને પૃથ્વીનું રાજ્ય મળે તો તે ધૂળ બરાબર છે.