આત્મવૃત્તાંત/દાગીનાની ચોરી
← લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા | મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત દાગીનાની ચોરી મણિલાલ દ્વિવેદી ૧૯૭૯ |
સંન્યાસનો વિચાર → |
એકબે વાર વડોદરે ને એકાદ વાર પેટલાદ જઈ આવવું પડ્યું. તે બધું ઉદરનિમિત્ત જ. રા. રા. મણિભાઈ સાહેબનો પ્રયત્ન વડોદરામાં કહીં મને રખાવવા બાબત રા. રા. મનઃસુખરામભાઈની પ્રેરણાથી ચાલે છે – તેમાં વળી મારો પૂર્વનો મિત્ર ત્રિભુવનદાસ ગજ્જર પણ બહુ મદદ કરે તેવો યોગ છે - તે પણ મદદ કરે છે, કાંઈ થવાની આશા સર્વને છે, પછી તો પ્રારબ્ધ. પેટલાદ જવામાં પણ એવું જ નિમિત્ત હતું. ત્યાં કેટલીક જમીન મળી શકે તેમ સંભવ હતો તે પ્રયત્ન માટે ત્યાંના વહીવટદાર પાસે ગયો હતો.
પણ હું ત્યાં એક રાત્રીએ જમવા બેસવાની તૈયારીમાં હતો એટલામાં ચતુરભાઈનું પત્ર આવ્યું કે તમારા ઘરમાંથી દાગીના ગયેલા છે, તેમાં તમારા ભાઈનો હાથ છે, તુરત આવવું. રાતોરાત નીકળી તા. ૨૦-૧૦-૮૯ને રોજ આવ્યો. તપાસ શરૂ કરી. એમ સ્પષ્ટ જણાયું કે મણિલાલ દેવશંકર તથા માણેકલાલ નંદલાલ નામના બે છોકરાએ મારા નાનાભાઈને ક્રિકેટની પેટી લાવવાની તથા તે રમવા માટે જમીન રાખવાની અને તે બાબતની ક્લબ કરવામાંથી ફ્રી વગેરેની આવક થવાની લાલચ દેખાડી ધીમે ધીમે આશરે બે હજાર(હાલના સોનાના ભાવે)ના દાગીના કઢાવી લીધા. તથા તે એક મંગળ નામના માણસને મારા ભાઈની રૂબરૂ 133ઠેકાણે કરવા આપ્યા – મારા ઘરમાં દાગીનાની કાઢમુક તથા રૂપીઆની પણ કોઈ વાર આપલે મારો ભાઈ ઘણો વખત થયાં કરતો ને તેમાં એટલો પ્રમાણિક હતો કે અમારો સર્વનો તેના પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આ દાગીના તેણે આપ્યા એ અજાયબીની જ વાત છે. છતાં આપ્યા એ તો નક્કી જ ને તે છેલ્લી ઘડીએ જણાયામાં આવ્યું. એ પછી શું થયું તેની મારા ભાઈને ખબર ન હતી, પણ જણાયું કે દાગીનામાંથી કેટલા (ત્રણ) મંગળ સોની જવેર ગલા પાસે ગળાવ્યા ને તે સોનું આ ગામના એક શાહુકાર ઈશ્વર ભોગીદાસને ઘેર રૂ. ૮૦)માં મુક્યું. એ રૂપૈયા મંગળ મણિઆને આપ્યા તેમાંથી એક વોચ, ક્રીકેટની પેટી, વાજું, ઈત્યાદિ પરચુરણ સામાન તેણે આણી ગુપ્ત રાખ્યો તથા બીજા રોકડા રૂપૈયા મારા ભાઈએ લીધેલા તે પણ એક ભાવસાર સોનીને ઘેર તેણે વેપાર કરવા ઉછીના લેવા કરી છેતરી લીધેલા નીકળ્યા. આ બધી બાબતની ચોકસી હું, ભલાભાઈ મથુરભાઈ, ગોવર્ધન મોરલીધર, તથા શંકરભાઈ લખાભાઈ એટલાએ કરી ને તે બધી બીના અક્ષરશઃ ખરી નીકળી. આ વખતે બધી વાત પોલીસને ખાનગી રીતે જણાવી. તેમને મારા મિત્ર ગોપાળદાસના વડાભાઈ દેસાઈજી ખાનસાહેબે પણ બહુ ભલામણ કરી એ ઉપરથી પોલીસે પણ કેટલીક મદદ આપવા માંડી ને એક કાશીભાઈ મથુરભાઈ નામે માણસ, જે મંગળનો સગો ને પડોશી છે તથા જેને ઘેર દાગીના મંગળે મુકેલા એમ ઉપર જણાવેલા છોકરામાંનો માંણકો કહેતો હતો તેને પકડડ્યો. તેણે કબુલ કર્યું કે દાગીના મારે ઘેર આવેલા પણ છોકરા ગયા પછી મંગળ પાછા લઈ ગયો. પછી મંગળને પકડયો, ને બહુ સમજાવ્યો. ત્યારે તેણે હું, ચતુરભાઈ શંકરભાઈ, ભલાભાઈ મથુરભાઈ, દાક્તર સાહેબ, સાંકળચંદ, છોટાભાઈ મથુરભાઈ, તથા બાબરભાઈ ભુલાભાઈ તથા જમાદાર લક્ષ્મણ એટલાની રૂબરૂ કબુલ કર્યું કે હું દાગીના લાવી આપીશ તથા મારી પાસે છે. એજ દિવસે એટલે દીવાળીના પડવાની રાતે એ માણસે છોટાભાઈ મથુરભાઈને તોલા ૩ની સોનાની ઢાલકી આપી, ને તેમણે તે મારા મિત્ર ગોપાળદાસને આપી જે તેમણે બીજની 134સવારમાં પોતાના ઈનીસીઅલ્સ સાથે મને આપી. પછી મંગળને બોલાવ્યો કે બીજુ લાવ ત્યારે તે કેવળ ફરી ગયો અને કહેવા લાગ્યો કે મેં કબુલ કર્યું નથી ને સોનું આપ્યું નથી, તથા હું કાંઈ જાણતો નથી.
આટલે હકીકત અટકી. જાણવું જોઈએ કે મંગળ તે મારા સાસરામાં નોકરને નામે રહેલો છે ને લાંબી મુદતથી રહેલો છે. મારી સ્ત્રી જે નાસી ગઈ છે તેની જોડે એને સંબંધ છે; ને આ તપાસ ચાલી તેમાં પોલીસ તથા બીજા બધા માણસોને રૂબરૂ તથા બીજી રીતે એમ ખાતરી થઈ છે કે દાગીના મારી સ્ત્રીએ જ આ યુક્તિથી લેવરાવેલા છે, ને તેની પાસે જ છે. એ સ્ત્રીનો ભાઈ તથા મંગળ તે બન્નેએ એવી અનેક ચોરીઓ કરેલી છે. હવે આવો યોગ દેખવાથી પોલીસવાળા પણ ખસી જવા લાગ્યા. એ લોકો પોતે જ કહે છે ને અમને સર્વને પાકો શક છે કે ફોજદારનો કારકુન મણીઓ કરીને છે તે તથા એક કલ્યાણ નામનો પોલીસ જેની બાયડી પણ મંગળની રાખ છે તથા જે મારા સાસરા પાસે જ રહે છે તે આ ગરબડમાં મૂળથી સામીલ છે. વિશેષમાં એવો પણ બધાને શક છે કે લક્ષ્મણસિંગ જમાદારને પણ દાનદક્ષણા થયેલાં છે – એટલે આટલે સુધી વાત લાવ્યા પછી પોલીસવાળા એમ લેઈ બેઠા કે તમે અરજી કરો તો અમે માલ પકડાવી આપીએ. અમારા જાણવામાં છે પણ કેમ કરીએ? આવું થવાથી અમે હસ્તે પરહસ્તે વાત સુપ્રીન્ટેન્ડેન્ટને પોચાડી, પણ તે પણ પોલીસના ભમાવ્યાથી એની એ જ વાતને લઈ બેઠો.
અમે અરજી કેમ નથી કરતા ? અલબત્ત અરજી કરવી જ જોઈએ, પણ તે ઠગાઈની જ થઈ શકે એટલે તેમાં પોલીસ કાંઈ કરી શકે નહિ. છતાં કામ ચલાવવા દઈએ તો ઠગાઈનો ગુનો થયાના સાક્ષી માત્ર બે છોકરા જ રહે ને તે લોકો ક્રોસમાં નીભે નહિ એટલે પ્રોસીક્યુશન ભાંગી જાય. વળી, જે ખરા ગુનેગાર મારી સ્ત્રી તથા તેનો ભાઈ તેને અંદર લેવા સિવાય મંગળ ઉપર ગુનો સાબીત કરાવાથી તેના જેવા બેહાલ માણસ પાસેથી સીવીલ રીતે પણ લેવાનું શું ? વિના કારણનાં અથડામણ અને ખરચ થાય એ જ લાભ ! તે તો ખાતર કેડે દીવેલ જેવી વાત થાય – ને પોલીસવાળા પણ – જો કદી માજીસ્ત્રેટ તેમને તપાસ કરવા કહે તો – એમ જ શા માટે ન ઉભું કરે કે એ દાગીના મારી સ્ત્રીના જ છે તેના પલ્લાના છે પણ તે જુઠી રીતે પડાવી લેવા હું આવું તરકટ કરું છું. જો કે આવી વાત નાસાબીત કરવાના એક લાખ પુરાવા તૈયાર છે, તો પણ અરજી કરવામાં કાંઈ સાર જણાતો નથી – વળી મારા હાથમાં હજુ કોઈ ઘડતર જણસ આવી નથી કે જે પાકો મુદ્દો કહેવાય. એટલે હાલ મેં અરજી કરી નથી, પણ મને ખરી તાજુબી તો એ જ લાગે છે કે સરકારના આવા ન્યાયી રાજ્યમાં પોલીસના અમલદારો આવો ગુનો થયેલો સ્પષ્ટ રીતે જાણ્યા છતાં શા માટે દાગીના કઢાવી નહિ આપતા હોય ? આ રાજમાં અંધર [? અંધેર] છે એવું તો કહીં પણ નહિ હોય !! આવા કેટલા ઘુના [? ગુના] બનતા હશે, ને આમ પોલીસ કેટલું ઓહીયાં કરી જતી હશે !!
મારા ભાઈને છેતરવામાં મોખરે ચઢેલા બધા છોકરામાંનો જે મણિલાલ કહ્યો તે મારા મૂલ મિત્ર બાળાશંકરનો વચલો ભાણેજ છે. તે જાતે પાકો ચોર છે. તેના ઉપર કેસ ચલાવવાનો વિચાર રાખ્યો, પણ તેમાં લાભ કાંઈ નહિ ને વૈર જન્મ સુધીનું થઈ જાય માટે એ વાત પડતી મુકી. વળી બાળાશંકર પણ અત્રે આવી મને બહુ શરમાવી ગયો કે એમ ન કરવું ને એને સાક્ષીમાં મુકવો; અને જે નુકસાન થયું છે તેમાં હું તને કાંઈ જવાબ આપીશ – આ વાત મેં કબુલ રાખી છે, પણ મને આશા નથી કે બાળાશંકર જેવા લબાડના બોલવામાં કાંઈ સાર હોય – કદાપિ સાર હોય તો પણ તેના માટે દરકાર રાખવી જોઈતી નથી, કેમકે તેણે મને તેના ભાણેજને મુકી દેવાની ભલામણ કરી ને મેં તેને મુકી દીધો એટલો મારો પાડ તેના ઉપર ચઢ્યો એ જ બસ છે – મેં તેનો એક મોહોટો અપરાધ કરેલો છે. તેની સ્ત્રી સંબંધી ગરબડ મારાથી થયેલી છે જે મેં આગળ કહેલી છે, તો તેના દંડ તરીકે જ હું એના તરફ આટલું નુકસાન સમજી મારી જાતને ઋણમુક્ત થઈ સમજીશ.
મારા નાના ભાઈએ આ શું કર્યું ? જે કર્યું તે કર્યું પણ જો હવે આટલેથી જ સમજશે તો હજુ બગડી ગયું નથી – વખત છે. હવે બધી ઉન્મત્તાઈ છોડી દઈ સ્વતઃ વિચારે ચડી ભણશે તો સુધરી જઈ વધારે સારૂં નામ કાઢશે – ઠોકર વખતસર વાગી છે – મારી માએ તેનો બહુ પક્ષ કરી કરી તેને છેક ચઢાવી દીધો હતો તેનું જ આ પરિણામ છે ને તે બિચારી આ અકસ્માતથી યદ્યપિ રોજ આંસુ ઢાળે છે તે જોઈને મારૂં હૃદય બળી જાય છે પણ મને તે જ ક્ષણે એમ થાય છે કે હાથનાં કર્યા હૈયે વાગે છે – સર્વોપરિ તો પ્રારબ્ધ જ છે. यदभावि न तदभावि चेन्न तदन्यथा इति चिन्ता विषघ्नोऽ यमगदः किं न पीयते । પીધું જ છે. પ્રારબ્ધ પણ હવે મારા મનને કાંઈ દુઃખ કરતું નથી. હજુ જે હોય તે ભલે ઠાલવે, કે નક્કી થઈ જાય – અહો સંસારનાટકની રમુજ પણ ઓર જ છે, પણ તે તેમાં રહે છતે પણ તેથી વિરક્ત ફરનારને જ સમજાય છે ને આનંદ આપે છે.