આત્મવૃત્તાંત/ધર્મવિચારનો પ્રભાવ

← પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ધર્મવિચારનો પ્રભાવ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ધર્મોન્નતિ માટે પ્રયત્નો →


૯. ધર્મવિચારનો પ્રભાવ

૪-૧૧-૮૮

આજ નવું વર્ષ, છે. કાર્તિક સુદ ૧ રવિવાર. પ્રથમ શરીરસ્થિતિ. ગમે તે કારણોથી – કદાપિ લખવાવાંચવાથી વિચારમાં નિમગ્ન રહેવાય તેથી-વાયુ ઉપડી ગયો છે, વચમાં તો ઉલટી, તાવ ખૂબ થયાં ને બેહાલ થવાયું. હાલ તે મટ્યાં છે. પણ શક્તિ જરા આવી હતી તે તદ્દન ગઈ છે, અને ગળામાં તાળવા તરફ પણ બોચીની ભીંતે મોહોટું વ્રણ જણાઈ આવ્યું છે તેથી ઘણી ધાસ્તી ને ગભરાટ ઉઠ્યા છે. ચાણોદવાળાની દવા ફાયદો ન જણાવાથી માસ ૧–૧| અજમાવી મુકી દીધી છે. ઇંદોરથી આવી પડેલો એક સાધુ દવા કરે છે તેને આજ ૧૫-૨૦ દિવસ થયા છે છતાં અવસ્થા તો આવી ચાલ્યાં ગઈ છે, એટલે હવે તેને માંડી વાળવાનો વિચાર થયો છે. જામનગર જવા વિચાર હતો, તે હવે મુંબઈ જવા વિચાર કર્યો છે કેમકે જે વૈદ્ય પાસે જામનગર જવું હતું તે મુંબઈ ગયા છે.

શરીરની આ અવસ્થા છે. સંબંધોમાં જોઈએ તો સર્વે સ્નેહસંબંધીનો પ્રેમભાવ દિનપ્રતિદિન મારી તબીઅત પર વધારે વધારે ખેંચાતો જાય છે ને બધાં મારે માટે પોતાનો પ્રાણ પાથરે છે. નોકરીની આવકમાં અર્ધો પગાર આવે છે, પણ તે હવે ડીસંબર સુધી જ આવી શકે તેમ છે. પછી પા પગાર આવે તેમ છે. વધારે રજા માટે અરજી મોકલેલી છે પણ હજુ ઉત્તર નથી તે જો મળશે તો પા પગાર પણ મળે. નવી નોકરી શોધવા માટે રા. રા. મનઃસુખરામજી જે મહાપ્રયત્ન ચલાવતા હતા તેમાં હવે કાંઈક આશા બંધાઈ છે. કચ્છના દરબારે નોકરી આપવા કબુલ કર્યું છે તે સરકાર મારફત લેવડાવવાની હવે ગોઠવણ કરવાની છે.

લખવાવાંચવાનું માસ ૨-૩ તો સારૂં ચાલ્યું. ૧૦-૧૫ દિવસથી કેવળ નિરુત્સાહ થઈ જવાયું છે એટલે તેમાં પણ બહુ મંદતા પેસી ગઈ છે. સુધારાની સામે બે પુસ્તકનો વિચાર કરેલો તેમાંનું એક મેસ્મરીઝમ બાબતનું પ્રાણવિનિમય એ નામથી છપાઈ કરી તૈયાર થયું છે. લખતાં તો એક માસ જ લાગ્યો, પણ છપાતાં બંધાતાં ૩ લાગ્યા! હજુ બહાર પડયું નથી. બીજું, ધર્મવિચાર સંબંધી તેનું નામ સિદ્ધાંતસાર રાખી લખવા માંડ્યું છે. નવરાત્રીની દ્વિતીઆને દિવસ આરંવ્યું હતું તે એકદમ ૫-૭ દિવસમાં ૨ પ્રકરણ લખ્યાં; પણ પછી બંધ રાખવું પડ્યું છે. એ ગ્રંથો બાબતના વિચારમાં મન એવું ગુંચવાયું છે કે જાણે એક ભૂત વળગ્યું હોય તેમ રાતે પણ સ્વપ્નાં એનાં જ આવે છે ને એની જ ગોઠવણો થાય છે. શરીરના વ્યાધિ જેવો આ બીજો મનનો આધિ ઊભો થયો છે પણ તે પુસ્તક લખાઈ પુરૂં થઈ છપાઈ રહે ત્યારે જ હવે તો મટે! શરીરમાં શક્તિ નથી. બાકી એ લખી કાઢવું તે કામ તો ૧ માસ કરતાં વધારે વખતનું નથી. ઈશ્વરેચ્છા! પ્રિયંવદાને, તબીઅતને લીધે, ૨ માસ બંધ રાખ્યું હતું તે પાછું ચલાવ્યું છે, એ પણ એક વધારામાં છે. હશે, મારો દેહ પડો, મને ગમે તે થાઓ, પણ મેં જે ભગીરથ પ્રયત્ન મારા આર્યધર્મના ઉદ્ધારાર્થે આદર્યો છે તે કાંઈ પણ બીજ રૂપે જમીનમાં ચોટે તો કૃતાર્થતા છે. ચિન્હો પણ સારાં જણાય છે. પુનેથી કોઈ દક્ષણી મારો ભક્ત જ થઈ મને મળી ગયો. એક વડોદરાનો દક્ષણી પ્રેમજીવન વાંચી આનંદમાં આવી મારું જ સ્મરણ કરે છે. કોઈ વૃદ્ધ ધર્મિષ્ઠો ગામ ગામથી પત્ર લખે છે કે મળવા આવવા કહે છે. સુધારાવાળામાંના પણ જીજ્ઞાસુ હોય તે મને પુછે છે કે મારાં પુસ્તક વાંચે છે. એ બધાં સંતોષકારક ચિન્હ છે. ગુજરાતમાં તો સારી પેઠે, બધા હિંદુસ્તાનમાં પણ ઠીક રીતે, અને છેક યુરોપ અમેરિકામાં પણ આશાજનક રીતે આ સંબંધમાં મારું નામ જાણમાં આવેલું છે. અસ્તુ.