આત્મવૃત્તાંત/પ્રેમપ્રકરણનો અંત
← વડોદરાની ખટપટ | મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત પ્રેમપ્રકરણનો અંત મણિલાલ દ્વિવેદી ૧૯૭૯ |
આ તારીખે નડીયાદમાં છું. લગભગ એક માસથી છું. વડોદરાની સર્વ વાતોથી પરવારી હવે પાછી બીજી દુનીયાંની રચનામાં રોકાયો છું. નોકરીનો આ ચોથો વેષ પૂર્ણ થયો. પ્રેમની જે બાજી બગડી હતી તે પણ પૂરી થઈ. આજ લગભગ અગીઆર માસે આ કાગળો સાથે વાતચીત કરીને અગીઆર માસનો હીસાબ આપી હવે વળી નવું ખાતું કરવા નીકળવું છે.
છોટુ અને તેની સ્ત્રી તથા તેની રાખ એ ત્રણેની ગરબડમાં એ પ્રેમની વાત બગડી ગયાનું હું લખી ગયો છું. જ્યારે છોટુએ પોતે એકલા આવવાની પણ વાત માંડી વાળવા જેવો વ્યવહાર કરવા માંડ્યો ત્યારે મને લાગ્યું કે હવે એ માણસને મારા ઉપર કશી રુચિ નથી. સપ્ટેંબર માસ પછી દીવાળી આવી, તે વખતે છોટુ લીંબડી ગયો. રાખેલી સ્ત્રી લીંબડીના રાજાની રાણી જે નાંદોદની દીકરી છે તેની બહેનપણી તરીકે સાથે જતી. રાજરાણી પણ તેનો આ ખેલ જાણ્યા છતાં તેને અને છોટુને પોતાના આશ્રમમાં રાખતી. અને આવો યોગ તેમને આવે તે માટે પેલી સ્ત્રીને સાથે લઈ ગઈ હતી. ત્યાં છોટુ વારે વારે જતો હતો. દીવાળી ગઈ ને હોળી આવી ત્યારે પણ જે આઠ દિવસ રજા પડી તેમાં તે લીંબડી ગયો. વચમાં એકબે વાર એની રાખ વડોદરે આવી ગઈ હતી. આ બધી વાત હવે મારાથી છૂપી રીતે એ કરવા લાગ્યો અને મારે ઘેર પણ આવતો નહિ. મને પણ પરિપૂર્ણ ઉપેક્ષા થઈ ગઈ કે આ સંબંધમાં હવે એક તરફ આટલો બધો અનાદર થઈ ગયો ત્યાં વળગતા જવું વ્યર્થ છે. अनातुरोत्कण्ठितयोः प्रसिद्धता समागमेनापि रति र्न मां प्रति એ સૂત્રને ગ્રહણ કરી મેં પણ સંપૂર્ણ ઉપેક્ષા કરી. એમ કરતાં હોળીની રજામાં લીંબડીથી છોટુ ને તેની રાખ બંને વડોદરે આવી તેના ઘરમાં રહ્યાં. હું રજામાં આબુ ગયો હતો ત્યાંથી પાછો આવ્યો ત્યારે મારા પર એ બંને જણની ચીઠી આવી કે અમે તાવથી હેરાન છીએ, મરવા જેવી સ્થિતિમાં છીએ અને તમે સંભાળ નહિ કરો તો કોણ કરશે ? આ ઉપરથી પાછું મારૂં મન ઝાલ્યું રહ્યું નહિ અને હું ગયો. જઈને બન્નેને પાછાં મેં મારે ઘેર આણ્યાં. એમની સ્થિતિ મરણતોલ હતી, પથારીમાં બેશીને પણ ખાવાની એમને શક્તિ ન હતી. એમની બધી ચાકરી બરદાસ્ત મેં કરી, દવા, દાક્તર, અંગરેજ દાઈ, વગેરે તથા પૌષ્ટિક આહાર આદિ વ્યવસ્થા મેં રાખી જેથી તે બે મહીને સારાં થયાં. સારાં થયાં અને ગરજ મટી એટલે પાછી એ લોકોના મનમાં પ્રથમની અનાદરવૃત્તિએ પ્રવેશ કર્યો. વચમાં છોટુની રાખે હઠ કર્યાથી આશરે ૪૦) રૂપીઆ કલદારનાં કપડાં વગેરે પણ મેં તેને અપાવ્યાં; છોટુ માંદો માંદો પણ અમુકને ચાર રૂપીઆ આપો અમુકને બે આપો કહેતો તે પણ મેં આપ્યા. છતાં આ લોકોના નીમકહરામીપણાએ પાછું એમનું મન હલાવી નાખ્યું. મારા મનમાં પણ એ લોકોની આવી વૃત્તિ જોઈ એમ થયું હતું કે આ લોકો ગરજ પડે ત્યારે વળગી પડે છે ને પછી લાત મારે છે માટે હવે હમેશને માટે એ લોકોની પાકી પરીક્ષા સ્પષ્ટ કરી નાખવાનો વખત લાવવો જોઈએ. છોટુની આવી વૃત્તિ થવાનાં કારણો ત્રણ છે એમ હું સમજી શક્યો હતો. (૧) એની રાખેલી સ્ત્રીને એ વાત પસંદ ન હતી કે એની પરણેલી સ્ત્રીનો કોઈપણ રીતે હું પક્ષ કરૂં અથવા સંબંધ રાખું. તેથી તે છોટુને એવો ઉપદેશ કર્યા કરતી કે મણિલાલના સંબંધથી તારી ફજેતી અને નિંદા થાય છે. જે તારીખે હું આ લખું છું તે તારીખે મારા જાણવામાં આવ્યું છે કે એ સ્ત્રીએ નાંદોદમાં પણ કેટલાક લોકોને મોઢે મારે અને છોટુની સ્ત્રીને સંબંધ છે એ વાત ચર્ચી છે. આવી આ સ્ત્રીની ચાલ છતાં તેને છોટુ પોતાની પૂજ્ય માની તેના કહેવાથી એક રીતે ભરમાયો. (૨) માણસના મનમાં આવા ખોટા વિચારોની રાતદિવસ ચેતવણી થવા લાગી એટલે મેં એને આજ પર્યંત આપેલા પૈસા ઓછા પડવા લાગ્યા, અને વારંવાર જે જે જોઈએ તે અને જેટલો ખર્ચ કરવો હોય તેટલો હું કેમ નથી આપતો એ વાત એના મનમાં પેસવા લાગી. (૩) છોટુના બાપનો એક કાગળ મારા દીઠામાં આવી ગયો હતો. એનો બાપ એનું આખું કુટુંબ મહાસ્વાર્થી અને દ્રોહી રૂપે પ્રસિદ્ધ છે. આ છોકરો તેવો નહિ હોય એમ એની વર્તણુકથી લાગતું હતું, પણ એના બાપના કાગળમાં એને ઘણો ઉપદેશ હતો કે મણિલાલનો સંબંધ છોડી દેવો, એ તો બાયડ થયા છે એટલે હવે આપણે એમને મળવું નહિ. આખી નાતના લોકો મારી સાથે અનેક પ્રકારે પ્રસિદ્ધ સંબંધ રાખવા છતાં આ નીમકહરામ બાપે આવી સલાહ છોકરાને આપી અને તે સલાહને આ ઘાતકી લુચ્ચાએ કાંઈક ગ્રહણ પણ કરી. આવી બધી વાતો મારા લક્ષમાં આવતી હતી. તેથી હવે એની રાખને સમજાવી મેં એની પરણેત સ્ત્રીને વડોદરે તેડાવરાવી કેમકે એ સ્ત્રીએ આજ વર્ષ દિવસથી અનેક ચાળા કરવા માંડ્યા હતા, મારી સાથે સંબંધ નથી રાખવો એવી હઠ લઈ છોટુના બાપના પક્ષમાં ભળી હતી. તેથી એ સ્ત્રી કે જેને માટે હું આટલું બધું કરતો હતો તેની અતિશય પાપિષ્ઠ નીમકહરામી મને સમજાઈ હતી, અને તેના આવવાથી બધી ગુંચવણનો કાંઈક નીકાલ થશે એમ હું ધારતો હતો. તે આવી, તેને તેડવા મારો માણસ સ્ટેશને ગયો, પૈસા ગાડીભાડાના તે પણ મારા જ વપરાયા, છતાં તે રાંડ મારે ઘેર ન આવતાં પોતાનું ઘર ઉઘાડી ત્યાં બેઠી, અને છોટુએ તેડવા મોકલ્યું કે હું તો અહીં રહું છું માટે અહીં આવે તો પણ તેણે બેશરમ અને નીમકહરામ થઈ કહાવ્યું કે મણિલાલને ઘેર આવનાર નથી, મને મારા સસરાએ મના કરી છે. છોટુ એ રાંડને પડતા મૂકી પોતાને ઘેર ગયો નહિ, રાંડ બેએક દિવસ ભુખે પણ મરી, વળી પાછી મારે ઘેર આવી, ખાઈને જતી રહી. એમ ખાઈ જાય ખરી પણ રાતદહાડો ઘર બહાર ને લોકો આગળ નિંદા કરતી ફરે એ કામ તે લેઈ બેઠી. આ અરસામાં મારે એક રાત નડીયાદ જવું પડ્યું. તે લાગ સાધીને છોટુ એની રાખ ને એની વહૂ ત્રણે મળી સત્યનારાયણની કથા કરાવી, અને ઘર મારૂં, સામાન મારો, નોકર મારા, છતાં મારી ગેરહાજરી ઇચ્છી તે જ લાગ સાધી, કથા કરાવીને ઉજાણી કરી તથા તેમાં બેત્રણ પોતાની ઓળખીતી કોઈ વંઠેલ રાંડો ને તેમના યારને પણ જમવા તેડ્યા. એ લોકોએ ધાર્યું હતું કે હું એક દિવસ પછી આવીશ, પણ હું જે રાતે ઉજાણી થઈ તે જ રાતે વડોદરે પાછો આવ્યો તેથી એઠવાડો દેખતાં બધું સમજાયું. માણસોને પણ એવા ફોડેલા કે તે લોકો કશી વાત માને નહિ; પણ બીજી પૂછપરછથી બધી વાત ખુલ્લી થઈ ગઈ. આ ઉપરથી મારા મનને અત્યંત માઠું લાગ્યું કે જે લોકો હજી દવા, લુગડાં, ધાન, ને મકાન બધું મારૂં વાપરે છે તે ત્રણે જ મારી ગેરહાજરી ઇચ્છી ને તે પ્રસંગે ઉજાણી કરી ! છોટુની સ્ત્રી તો થાકીને નડીયાદ પાછી જતી રહી. પણ જતાં પહેલાં તેણે તેના સસરાને હકીકત લખી હોવી જોઈએ, જેથી તે વડોદરે આવ્યો. તે છોટુને ઘેર રહ્યો અને છોટુએ ત્યાં રહેવા માંડ્યું ને પોતાની રાખને મારે ઘેર મૂકી. આ વાત મને બીલકુલ પસંદ ન પડી, કેમકે રાતમાં પોતાનો બાપ ઘરમાં સુતેલો છતાં, તે ઘરને બહારથી તાળુ મારી એ કુપુત્ર પોતાની રાંડ પાસે સુવા મારા ઘરમાં આવવા લાગ્યો. આટલે સુધીની ચોરીમાં સામીલ થવું મને અતિશય અયોગ્ય લાગ્યું. આગળપાછળના બધા પ્રસંગોથી આ ત્રણેની ટોળીની પરીક્ષા તો મારા મનમાં થઈ ગઈ હતી જ અને તેમને માટે હવે કાંઈ પણ સહન કરવા જેવું હતું નહિ. આ ઉપરથી મેં છોટુને સ્પષ્ટ કહ્યું કે મારે આવી ચોરીમાં સામીલ થવું પાલવતું નથી. તારી રાખને હાલ તારે ઘેર જવા દે ને તારો બાપ જાય ત્યારે બોલાવજે, અગર ગામમાં ઘર લેઈને ત્યાં રાખ, અને તેનો ખર્ચ હું આપીશ, પણ મારા ઘરમાં આવી રીત નહિ કરવા દઉં. આ ઉપરથી છોટુ અને તેની રાખ મને કહ્યા વિના બારોબાર છાનેમાને જતાં રહ્યાં. એ રીતે ગયાં તે હવે આવશે. હું ધારૂં છું કે આ સંબંધના ઇતિહાસનો આ ઠેકાણે છેડો છે. નીમકહરામીની આ પરિસીમા છે ! છોટુ કે એની સ્ત્રી કે એનો બાપ કોણ એક એકને નીમકહરામીમાં ચઢે તે કહી શકાવું મુશ્કેલ છે. હવે એ સંબંધ છૂટ્યા માટે મને કાંઈ લાગતું નથી, એવાં પાપીનું ફરી મોઢું પણ જોવાની ઇચ્છા થતી નથી. પરમાત્માએ આ ખાડામાંથી બચાવ્યો એમ જ માનું છું.
તો પણ પડેલી કુટેવ મટતી નથી, એકાએક મટતી નથી. કોઈ સ્ત્રીનો સમાગામ કરવાની ઈચ્છા આઠે દસે થઈ આવતી રહી. એથી કરીને એક મરેઠી જે આવતી જતી હતી તેની સાથે બંદોબસ્ત કરી રાખ્યો. તેને આઠે દશે બોલાવવાથી તે રાતે આવી જતી. તેને વડોદરૂં આગસ્ટની પહેલી તારીખે છોડ્યું ત્યારે રૂ ૧૦-૧૨ આપ્યા હતા. હવે નડીયાદ આવીને એ ઇચ્છા થાય છે, પણ તેનો કોઈ માર્ગ નથી. એક પડોસણ બ્રાહ્મણીની છોકરી છે તે કવચિત્ કામ લાગે છે. પરંતુ મનની ઉગ્ર ઇચ્છા હવે એ તરફ નિત્ય વળતી જાય છે કે આવી વાસનાને હવે અટકાવવી. મને ખાતરી છે કે થોડા વખતમાં પ્રયાસ કરતાં તે અટકી પડશે. છોટુનો સંબંધ છુટ્યો ત્યારે એટલે આજથી વર્ષ ઉપર જાણે આખું જગત્ ખોવાઈ ગયું હોય એવું દુઃખ લાગતું હતું તેનો એક છાંટો પણ આજ રહ્યો નથી; એથી આશા પડે છે કે આ વાસનાને દાબી શકાશે. આટલું થવા છતાં છોટુ મારી મદદ માગે તો તેની હું ના પાડીશ એવી કઠોરતા હજી મારા મનમાં આવી નથી. છોટુની પૂરી નીમકહરામી ત્યારે સમજાશે કે એ આ પ્રમાણે મને કનડતો હતો ત્યારે બીજી પાસાથી મારા ઉપર શી આફત ગુજરતી હતી.
સપ્ટેમ્બર ૧૮૯૪ પછી આજ સુધીમાં વડોદરાના મારા સંબંધમાં વિલક્ષણ બનાવો બન્યા. બાળાશંકરના પક્ષકારો હરગોવનદાસ વિરુદ્ધ અમદાવાદ ટાઈમ્સમાં લખતા હતા તેનું સમાધાન કરાવા મણિભાઈ વચમાં પડ્યા અને તેમનું પોતાનું એવું જ કામ મેં કરેલું તેથી મને જ વળગવા લાગ્યા. આથી કરીને હરગોવનદાસના મનમાં આ કામનો કરાવનાર હું છું એ શક પાકો થતો ગયો. તેમણે બાળાશંકરની અંગત ગીબત કરનારાં લખાણ હિતેચ્છુમાં છપાવ્યાં. તે પછી મારી અંગત નિંદા કરવાને પણ હિતેચ્છુમાં છપાવ્યું. રાસ્તગોફતાર, હિતેચ્છુ, ગુજરાતી વગેરે પેપરોમાં “ગુજરાતના લેખકો" ના જવાબરૂપે પણ વાસ્તવિક રીતે કાંઈ જ દલીલ સિવાય અને કેવળ મને ગાળો દેવાનાં લખાણ ચલાવ્યાં. એની સામે હિન્દુસ્તાન અને સુદર્શનમાં જવાબો લખાવા લાગ્યા જેથી તે બધા દબાઈ ગયા અને ગૂજરાતીવાળે તો પોતાનું લખાણ અધુરૂં જ મુક્યું છે તે હવે પુરૂં કરશે. વડોદરા તળમાં હરગોવનદાસે 'વિચારસાગર' અને 'સયાજીવિજય'માં મારાં વડોદરા ખાતે કરેલાં ભાષાંતરો ખોટાં છે એમ સાબીત કરવા દર અઠવાડીએ ટીકા ચલાવવા માંડી, તે પણ કેવલ ખોટી જ. તેનો જવાબ મારા મિત્ર પ્રલ્હાદજીએ આપવાનો આરંભ વડોદરાવત્સલમાં કર્યો જેથી પાછી તે બધી ચર્ચાઓ બંધ પડી. આ પ્રકાર લગભગ બે માસ ચાલ્યો. એ બધું થવાથી બાળાશંકર વધારે ખીજવાયો તેથી અમદાવાદ ટાઈમ્સ વધારે સખ્ત થતું ગયું. અને મેં તથા પ્રલ્હાદજીએ વારંવાર કહેવા છતાં એ અટક્યો નહિ, તેમ સમાધાનના જેટલા પ્રસંગ આવ્યા તે પણ તેણે બહુ સમજાવ્યા છતાં જવા દીધા. વાત બહુ વધી. એટલે હરગોવનદાસે વડોદરા રાજ્ય કાઉન્સીલને લગભગ અક્ટોબર ૧૮૯૪માં અરજી આપી કે અમદાવાદ ટાઈમ્સ અને તેમાં મારી વિરુદ્ધ લખનાર મણિલાલ અને બાળાશંકર ઉપર મને લાઈબલ કરવા પરવાનગી આપો. આ અરજીની હકીકત મને ખબર ન હતી. માત્ર એટલી જ ખબર હતી કે અમદાવાદ ટાઈમ્સ ઉપર લાઈબલ કરવા રજા માગી છે; તેથી મણિભાઈએ અંબાલાલ, લાલશંકર, પ્રલ્હાદજી, કસનલાલ એ વગેરેને સામીલ રાખી સમાધાન કરાવા જે ભાંજગડ મારી સાથે ચલાવી તેમાં મેં ભાગ લીધો. પરંતુ દીવાળીમાં નડીયાદ આવતાં મારા જાણવામાં આવ્યું કે લાઈબલ બાબતની અરજીમાં મારું ને બાળાશંકરનું નામ છે. આ જાણી મને મણિભાઈ વિષે બહુ હલકો વિચાર આવ્યો, ને તુરત ભાંજગડ માત્રમાંથી મેં મારો હાથ કાઢી લઈ કાઉન્સીલને અરજી આપી કે હરગોવનદાસે ટાઈમ્સમાં લખવાનો મારા ઉપર શક રાખી લાઈબલની પરવાનગી માગી છે તે અરજીની નકલ આપો કે હું તેમના ઉપર લાઈબલ કરૂં. મણિભાઈએ નકલ ન આપી, લાઈબલની અરજીનો નીકાલ ન કર્યો, તેમ મારી મુદત બાબતના કાગળોનો પણ નીકાલ ન કરતાં, માત્ર બીજા બે મહીનાની, ને તે પછી એક મહીનાની મળી ડીસંબર ૧૮૯૪ સુધી મંજુરી આપી એવી મતલબથી કે જો સમાધાન કરે તો તે કરાવવામાં આ મુદત વધારવાના સ્વાર્થને રસ્તે મારા ઉપર સારૂં દબાણ થઈ શકે. મારી સાથે આવો ખેલ કરવામાં બીજો પણ સ્વાર્થ હતો. પાટણ દા. પીટર્સન ગયો તેની સાથે બીજી વાર પાછો મને મોકલ્યો અને સ્પષ્ટ મણિભાઈએ મને કહ્યું કે સાહેબ પાસે આપણે મોતીભાઈ(મણિભાઈના દીકરા)ને બી.એ.માં પાસ કરાવવાની તજવીજ કરવી છે. ડીસંબરમાં બી.એ.નો પરિણામ જણાવાનો તે સમયે તેમણે મને કહ્યું કે “buy borrow or steal” પણ મોતીભાઈ પાસ થાય તેમ કરો અને મુંબઈ જઈ પીટર્સન કે બીજા જેને મળવું પડે તેને મળી બંદોબસ્ત કરો. હું મુંબઈ ગયો; બનતી તજવીજ કરી, પણ મોતીભાઈ તો પાસ થયો જ હતો એટલે બહુ માથાકૂટ પડી નહિ. આવો આ સ્વાર્થી, નીચ, બાયલો માણસ મણિભાઈ હરગોવનદાસને મારે મોઢે ગાળો દે, તેને મોઢે મને પણ દેતો હશે, પણ સર્વદા પક્ષ હરગોવનદાસનો જ કરે; ને કામ મારી પાસે કરાવતો જાય. મુદત જરાતરા આપતો જાય ! આમ કરતાં જાનેવારી ૧૮૯૫ થયો. તે વખતે મહારાજા સાહેબ વીલાયતથી આવ્યા. બાપટ કેસને લીધે મણિભાઈ તો મહારાજાના આંખના પાટા થઈ ગયા હતા, ને તેમને શી રીતે કહાડવા તેનો મખાંતર શોધતા હતા. કેવળ રેસીડેન્સી અને ફેર મીડ, પેલી વગેરે પાછલા રેસીડેન્ટો જેમની પાસે નોકર હતા ત્યારે મણિભાઈએ કાળાંધોળાં કરી આપેલાં તેમની લાગવગથી એ બાયલા પુતળાનું ચાલતું હતું, બાકી તેમાં પાણી કે જોર કે અક્કલનો એક છાંટો હતો નહિ. એથી જ મહારાજ એને કાઢી શકતો ન હતો. મહારાજે આવતાવેત મણિભાઈ પાસેથી મારા કામના કાગળો માગ્યા. તેમણે મોકલ્યા. એ જાણતાં જ મેં જે જે કાગળો છપાવી રાખ્યા હતા તે મહારાજને મોકલી આપ્યા કે હરગોવનદાસની સર્વ રીતભાત તેમના જાણવામાં આવે. કાગળો મહારાજાએ છેક એપ્રિલ સુધી પાછા મોકલ્યા નહિ. તેમણે પાછા મોકલ્યા ત્યારે પણ કાંઈ હુકમ કર્યો નહિ. મણિભાઈએ લખીને પુછ્યું કે આ માણસનું ખાતું બંધ કર્યું નથી માટે હુકમ શો છે તે જણાવશો, તોપણ આગળ ફુરસદ મળતાં કાગળોનો ફરી વિચાર કરીશું કહીને વાત અધર રાખી. મણિભાઈએ કાગળો પાછા કાઉન્સીલમાં રજુ કર્યા. આ સંધિમાં જ હરગોવનદાસને મહારાજાએ ટાઈમ્સ ઉપર લાઈબલ માંડવા ફરજ પાડી. તેણે મુંબઈ જઈ લાઈબલ માંડ્યો છે. ટાઈમ્સવાળો મારૂં ને બાળાશંકરનું નામ આપે તે માટે તેણે ઘણી તજવીજ લગાવી, પણ તેમ થઈ શક્યું નથી. વાસ્તવિક રીતે મારૂં નામ આપે તો પણ મારે એમાં ભય નથી. એ કેસ હજી ચાલે છે, મેં પેપરવાળાને રૂ. ૧૭૦૦ સત્તરસો કલદાર સાંકળાભાઈ પાસેથી ધીરાવ્યા છે. એ બધા મણિભાઈના છાંટા છે. આ વખતે મણિભાઈને મેં એકબે બહુ સખત ચીઠીઓ લખી હતી. આણી પાસા મારી મુદતનો નીકાલ થયો નહિ. કાગળો કાઉન્સીલમાં પડ્યા રહ્યા, અને મણિભાઈ છોકરો પરણાવવા ગોધરે ગયા. ત્યાં હું ગયો હતો. પાછા આવતાં તો મહારાજા નીલગીરી ગયા હતા ત્યાં તેમને બોલાવીને રાખ્યા અને એક પ્રકારની નજરકેદ જેવી સ્થિતિ તેમની થઈ. વડોદરામાં હવે મણિભાઈ બેઆબરૂ થશે, ને એમની સામે અનેક વાતો મહારાજા ગણશે તેમાં મારે મારૂં નામ ગણાવવું નહિ એ વાત મારા મનમાં તાજી થઈ. જ્યારે જ્યારે હું જવાનું કરતો ત્યારે મણિભાઈ જવા ન દેતા અને હરકત કરતા. પણ હવે કાઉન્સીલ મરેઠાની હતી, દીવાન મરેઠો હતો. અને તે લોકો ગુજરાતીઓ વિરદ્ધ ગજકાતર લેઈ બેઠા હતા. તેમના મોંમાં ઝે...[કાગળ ફાટી ગયો છે] લાવવાનો મેં નિશ્ચય કર્યો. તે લાકોને જુન ૧૮૯૫માં મેં લખ્યું કે જાનેવારીથી મારા ખાતાને પગાર મળ્યો નથી, કાગળો કાઉન્સીલ આગળ પડી રહ્યા છે. માટે કાંતો કામનો નીકાલ કરો, કે પગાર ચાલતો કરો. ધારવા મુજબ તેમણે ખાતું બંધ કરવા હુકમ કર્યો. પણ પગાર આપી શકાશે નહિ એવું લખ્યું એ નવાઈ થઈ. ફરીથી વાત તેમના લક્ષ ઉપર આણતાં, તેમણે પગાર આપવા હુકમ કર્યો. ઘણાંક પુસ્તકો ચાલુ હતાં, ઘણાંક અધુરાં હતાં. હજી ઘણી ઘણી વાતો કરવાની તે મારે હાથે થઈ શકે એમ હતું. એ બધી વાત લખીને મેં કાઉન્સીલને જણાવી કેમકે એમ કરવું એ મારી ફરજ હતી અને પછી ખાતું બંધ કરી ઘેર આવ્યો. પગાર લેવા હજી જવું છે. આજ સાંભળું છું કે મણિભાઈને ને મહારાજને અણબનાવ છેક વધી ગયો છે ને મણિભાઈને અપમાન સાથે રજા આપી છે. એવા નબળા, લોભી, સ્વાર્થી, જુઠા અને અનિશ્ચિત મનના માણસનું એ પરિણામ આજ દોઢ વર્ષથી કેમ આવતું ન હતું એ જ નવાઈ હતી. આ નિર્માલ્ય માણસનો આશ્રય કરવાથી આવાં પરિણામ આવ્યાં છે છતાં તેનો ઉપકાર મારા ઉપર છે એ નિર્વિવાદ છે. એના પહેલાં બે માસ આગળથી હું ઘેર આવ્યો તે સારૂં થયું છે એમ હવે મને લાગે છે, જો કે એ માણસ રહ્યો હોત તો એની ઈચ્છા હજી પણ મને પાછો લેઈ જવાની હતી જ. છેક વડોદરેથી આવતે આવતે પણ મણિભાઈના પક્ષકારોની ઇચ્છાથી તેમના બચાવનાં લખાણો ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાં મેં શરૂ કરાવી આપ્યાં હતાં. આ બધી ગડબડના અરસામાં રા. મુ. હરિદાસભાઈ જેઓ જૂનાગઢથી પૂર્ણ માન સહિત નોકરી મૂકીને આવી નડીયાદ રહ્યા હતા તેમને મારા ઉપર સહજ માઠું લાગી આવ્યું હતું. મણિભાઈ વિષે જે વિચારો મેં તેમને દર્શાવ્યા તે તેમને પસંદ ન પડ્યા અને લાઈબલમાં હું બચાવ તરફે મદદ કરું છું એવી વાતથી તે નારાજ થયા. તેમને બધી વાત સમજાવતાં તેમના મનનું સમાધાન થયું હતું ને તેમની સલાહને અનુસરીને જ મેં વડોદરેથી નીકળી આવવાની વેતરણ કરી હતી. પરંતુ તે જોવા સુધી એ ગૃહસ્થ જીવ્યા નહિ. એમના મરણ સંબંધે સુદર્શનમાં જણાવ્યું છે તે જ મારા અંતરાત્માનું ભાન છે. મારા પિતા આજે જ મરી ગયા એવું મને એ મહાત્માના મરણથી લાગ્યું છે.
વડોદરામાં પણ કેટલાક સ્વાર્થી ગુજરાતીઓ મણિભાઈને ગુજરાતી દીવાન ગણીને ફુલાઈ રહ્યા હતા. ગુજરાતી પાર્ટી કરી બેઠા હતા. પણ અંદર અંદર દ્વેષ અને સ્વાર્થ સાધવા વિના તેમનામાં કશો અર્થ ન હતો. દારૂ પીવો ને રંડીબાજી કરવી એ આવી પાર્ટીઓનું ધોરણ હતું. હું એવી કોઈ પાર્ટીઓમાં ન હતો જેથી મને બહુ અડચણ નડતી. મણિભાઈ જેવા હલકા ને સ્વાર્થી માણસને પાર્ટી કે કાંઈ આવડતું હતું નહિ. તેનું ધોરણ જ મિત્રોને હરકતો કરવી અને દુશ્મનની ખુશામદ કરવી એ હતું. એ માણસે આવી રીતભાત વડોદરામાં દાખલ કરવાથી અને દીવાનપદને અપમાન થયા છતાં બે વર્ષ વળગી રહી અનેક લાગવગ અને સ્વાર્થમાં આમતેમ નબળાઈથી હાલ્યાં કરવાથી ગુજરાતી એ નામને ગાયકવાડીમાં આવતાં પચાસ વર્ષ સુધી ભારે નુકસાન કર્યું છે.
વડોદરેથી ઘેર આવવામાં વધારે ખુશી થવાનાં બીજાં બહુ કારણો મળ્યાં. ઘેર આવ્યા પછી વાસણાની તપાસ કરતાં તે ખાતે રૂપૈયા પાંચ હજાર જેટલી ખોટ જણાઈ. તે જમીનની યોગ્ય વ્યવસ્થા લગાડી તેની દેખરેખમાં ધ્યાન રાખવા નિશ્ચય કર્યો. માતુશ્રીને બરડા ઉપર મહોટું ગોડ થયું; તેમની પાસે હું ન હોત તો બહુ ઉપાધિ પેદા થાત, પાઠું છે એમ ઠરવાથી તેનો બીજો ઉપચાર થઈ ન શક્યો, પણ છેવટ ગુંમડું છે એમ નક્કી થતાં તેને કપાવી નાખ્યું અને હાલ ઠીક ચાલે છે. નાના છોકરાને પરણાવવાની પણ તપાસ ચાલે છે. બેત્રણ માગાં છે. કામકાજ સંબંધ પાસે પુષ્કલ કામ છે. વડોદરાની લો કમીટીનું વિવાદતાંડવ, મુંબઈ સીરીઝની સ્વાદ્વાદમંજરી, ગુ. વ. સોસાઇટીનું લોજીક એટલાં કામ તો છે જ. તે ઉપરાંત ભાવનગરવાળા ગગા ઓઝાનું જીવનચરિત્ર રૂ. ૨૦૦૦) બે હજાર માટે લખી આપવાનું. રા. મનઃસુખરામે સાંપાવ્યું છે, અને ગજ્જરે પણ આશરે દોઢ બે હજારનું સંસ્કૃત ભાષાના ઇતિહાસનું કામ સોંપ્યું છે. ત્રણેક વર્ષ બીજો આયાસ કરવાની અપેક્ષા જેવું નથી. ચારિત્ર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તુકારામ તરફથી જીવન્મુક્તિ- વિવેકનું ભાષાંતર કરવા માંડ્યું છે તે છપાય છે, પ્રથમાવૃત્તિનો હક તેમને આપેલો છે. ઈમીટેશન, પંચશતી આત્મનિમજ્જન છપાય છે. અમદાવાદવાળા ગિરધરલાલ હીરાલાલે સમાધિશતકનું અંગ્રેજી મારી પાસે કરાવી છપાવ્યું છે, પ્રથમાવૃત્તિનો હક તેમનો છે. વડોદરા કલાભવનમાં મણિશંકર રત્નજી કરીને ગ્રેજ્યુએટ નોકર છે. તેના વિચાર વેદાન્તની વિરુદ્ધ હતા. જ્ઞાનસુધામાં સિદ્ધાન્તસારનું અવલોકન તે લખે છે. તેમનો મારી સાથે સમાગમ વધતાં તેના વિચાર બહુ જ બદલાઈ ગયા જેનું ફલ જુલાઈના જ્ઞાનસુધામાં તેણે જણાવ્યું છે. અધ્યાત્માભ્યાસ સારી રીતે ચાલતો જ છે. સુદર્શનને દશ વર્ષ થવા આવ્યાં છે. એનું લવાજમ હવે રૂ ૨) કર્યું છે.
જાનેવારીમાં લાઠી દરબારને ગાદી મળી ત્યારે હું ને કેટલાક મિત્રો ગયા હતા. એ માણસની વધારે પરીક્ષા ત્યાં થવાનો પ્રસંગ મળ્યો હતો. છોકરવાદ, સ્ત્રીવશ, કાંઈક અભિમાની, અને હાથે બખીલ છતાં હોંસવાળો, કંઈક સાક્ષર અને કાંઈક રસિક એવો એ માણસ છે એમ મનને લાગ્યું છે. પત્રાદિ ચાલતાં જ છે. છોકરવાદ ટોળી એની સલાહકાર છે. એકવાર એ સકુટુંબ મુંબઈ જતો હતો તેનો એણે તાર કરવાથી રૂપૈયા પચાસ ખર્ચી એને રેલવે સ્ટેશને ખાણું આપ્યું હતું. લાઠી ગયો ત્યારે પણ મને જવા આવવાના ખર્ચના અને પોષાખ નજર કર્યાના મળી રૂપૈયા પોણોસો કરતાં વધારે ખર્ચ થયું હતું છતાં લાઠીથી વળતી વખતે તેણે સામો પોષાખ આપ્યો તે માત્ર રૂપૈયા સાઠેક કરતાં વધારે ન હતો.
મુંબઈમાં વનમાળી લાધા (હિંદુસ્તાનના અધિપતિ)એ સાક્ષર સહાયક પ્રજાબોધક મંડળી કાઢી તેમાં રૂ. ૨૫) નો શેર મેં રાખ્યો છે. એ માણસે મારા પત્રો વગેરે લેઈ પૈસા ઠીક ભેગા કર્યા છે. મુંબઈ પ્રથમ સભા થઈ ત્યારે હું ગયો હતો પણ એ લોકોનો વ્યવહાર સ્વાર્થી ને લુચ્ચાઈવાળો લાગે છે. ભાઈશંકરને પ્રમુખ ઠરાવ્યો ત્યારથી કોઈ એ લોકોનો વિશ્વાસ કરતું નથી. અમદાવાદમાં મારા સ્નેહી સા. કેશવલાલે વાસણનું કારખાનું કાઢ્યું છે તેમાં મારા ૫૦૦) રૂપીઆના શેર છે.
મુંબઈવાળી ચોકશીની સ્ત્રી વડોદરે એકવાર આવી હતી. તેની સ્થિતિ વિષે મારા વિચાર બદલાયા નથી. તે એવી ને એવી સ્વાર્થી અને એના ધણીને ડરાવવા અનેક જણનો સંબંધ શોધનારી જ રહી છે.
બાલવિલાસની બધી નકલો ઉપડી ગઈ છે. બ્રિટીશ કેળવણી ખાતાવાળા ને નડીયાદ તથા ઉમરેઠ મ્યુનીસીપાલીટીએ[ને?] તે બુક માટે લખ્યું છે. પરિણામ જણાયું નથી.