આત્મવૃત્તાંત/માંદગીને કારણે નોકરીમાં મુશ્કેલી

← નડિયાદના મિત્રો મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
માંદગીને કારણે નોકરીમાં મુશ્કેલી
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
મુંબઈમાં સારવાર →




૩. માંદગીને કારણે નોકરીમાં મુશ્કેલી
તા. ૧૯-પ-૮૮
મુંબઈ
 

ભાવનગરમાં સારી રીતે ચાલતું હતું. વડોદરાના ડાયરેક્ટર હરગોવનદાસે પુછાવ્યું કે ગોરક્ષશતક વગેરે કેટલાંક સંસ્કૃત પુસ્તક ગાયકવાડ સ્ટેટ માટે તરજુમો કરી આપશો, ને તે બદલ શું લેશો? લેવાની વાતનું ઠીક હતું પણ તેની બીજી કેટલીક શરતો ન બનતી આવવાથી મેં ના પાડી. એમ જ હું આગળ મુંબઈ નોકર હતો ત્યારે રા. મનઃસુખરામભાઈએ ઈડર તરફથી સર્વ ધર્મને સરખાવી વેદાંત શ્રેષ્ઠ બતાવવાનો નિબંધ લખવા બહુ આગ્રહ કરેલો પણ આપવાના ફક્ત રૂ. ૨૦) તથા એવો મહાવિષય ગુજરાતીમાં લખવાથી ગુણગ્રાહકને અભાવે પ્રતિષ્ઠા કાંઈ નહિ એમ સમજી ના કહેલી. ગ્રંથોમાં બે નવિન ગ્રંથ લખવા વિચાર કર્યો. એક સાહિત્યનો લક્ષણ ગ્રંથકાવ્યમયૂખએ નામથી; ને બીજો 'સુધારા'ના કરતાં આર્યધર્મની મહત્તા સમજાવવાનો જેનું નામ નિયત કર્યું ન હતું. પ્રથમનો આરંભ કર્યો ને બે પ્રભા, કાવ્યના લક્ષણ વિષે ને શબ્દશક્તિ વિષે લખી. બીજો આરંભ્યો નથી. બને તો ગીતાનું ભાષ્ય જે હું કરતો હતો તે પણ સંપૂર્ણ કરી છપાવી દેવું, તથા સ્માઈલ્સ કેરેક્ટર પરથી જે “સદવૃત્તિ’ લખાતી હતી તે પણ પુરી છપાવી. દેવી એવો સંકલ્પ થયો હતો.

પણ મારા નિત્યના શત્રુએ મને આ નીરાંત એક માસ પણ પુરી ભોગવવા દીધી નહિ. મારા નાકમાં જરા વ્રણ રહેલું હતું તે માટે મેં મુંબઈમાંથી શુક્લ જેશંકરની ગોળીઓ ખાવા માંડી હતી એ કહેલું છે. હાલ તે ગોળી ખાવા માંડતાં મોં આવી ગયું તે તો ૧૦–૧૨ દિવસે વળ્યું પણ કાંઈ મટયું નહિ ને ઉલટો કંઠ બેસી ગયો તથા ગળામાં ઉંડાં વ્રણ પડ્યાં તે પીડા કરવા, લાગ્યાં. હવે બધી તરફથી વિષમતા શરૂ થઈ. કોલેજમાં કામ કરતાં મહાશ્રમ પડવા લાગ્યો, બોલવામાં બહુ દુઃખ થવા માંડયું ને શ્રોતાને સમજતાં પણ કાંઈક મુસીબત થવા માંડી. અન્નપાન પણ ગળાની અડચણને લીધે પુરૂં લેવાય નહિ તેથી નબળાઈ વધતી ચાલી. આજ મટે કાલ મટે, આ ઉપાય પેલો ઉપાય, શુક્લને પુછીને ઉપાય, એમ કરતાં એપ્રિલની પંદરમી આવી. ટર્મ પૂરું થયું. કાંઈ મટ્યુ નહિ. દરમીઆન પ્રિન્સીપાલ સાહેબ તો મારા ઉપર કૃપાવંત જ હતા એટલે ગાજી ઉઠ્યા કે એકદમ નોકરીનું રાજીનામું આપવું. મેં મને મંદવાડ ઉપડતાં જ કહ્યું હતું કે સીકલીવ આપો. પણ તે નહિ, રાજીનામું જોઈએ. એ તે કેમ બને? સાત વર્ષ નોકરી થએલી, બીજાં ત્રણ થાય તો નિર્વાહ જોગ પેન્શન મળે ત્યારે વચમાં રાજીનામું આપી તુટ કેમ પડાય ? પણ તે મૂર્ખ શીદ સમજે? દરબારીઓની મારા પર ઠીક પ્રીતિ હતી ને તેમાં રા. લલુભાઈએ સારી ધીરજ આપી કે ચિંતા ન કરવી. વખત છે ગોરી ચામડી આગળ કોઈનું ન ફાવે એમ ધારી મેં મારા મિત્ર ગોપાળદાસને તથા પરમહિતૈષી રા. મનઃસુખરામજીને લખી દીધું કે મને બીજે કહીં ગોઠવો. – ભાવનગરમાં આ પ્રમાણે મનની ને તનની પીડા લગભગ બે માસ ભોગવી તેમાં બધો વખત કેશવરામ સારી રીતે સારવાર પાસે રહી કરતા હતા.

ટર્મ પૂરું થયું કે બધી આધિ વ્યાધિ ઉચકીને નડીયાદ આવ્યા. નડીયાદમાં મહાદુર્દશા થઈ. આવ્યા પછી બેએક દિવસે ગળામાં એવી પીડા થઈ ગઈ કે પાણી પણ ન ઉતરવા લાગ્યું, તો અન્નની કે દુધની વાત ક્યાં? એમ અન્નપાણી વિના પુરા દસ દિવસ પડી રહ્યો તે પછી દુધમાં બરફ નાખીને દુધ જરા જરા જવા લાગ્યું. જે નવટાંક પાશેર જાય તે ઉપર રહેવાનું. ઘણાં દવાદારૂ ચાલ્યાં પણ આરામ ન થયો. મુંબઈ જવું જોઈએ; પણ સાથે આવનાર કોઈ સ્નેહી નહિ. માતુશ્રીને લેવામાં નહિ, કેમકે છોકરાંને બહુ દુઃખ પડે. મેં મારા મિત્ર ચતુરભાઈને મોઢે ચઢી કહ્યું કે મને મુંબઈ પોહોચાડી જાઓ પણ તેમણે સાફ ના કહી કે મારો બાપ રજા ન આપે. મોહનલાલ મુંબઈ હતો તેને લખ્યું કે રહેજે ને હું આવીશ. તો તેણે લખ્યું કે મારા ભાઈની વહુને ઘરેણાં કરાવવાં છે માટે નહિ રહેવાય, અરે ઈશ્વર ! મારૂં કોઈ નહિ, ખેર મારો હરિ ને મારી હીમત એ નિરંતર મારાં જ છે. આવા સંકટમાં વળી બીજું ઉભું થયું. મારો બાપ તો મારી પાસે પણ આવતો નહિ ને કોણ જાણે ક્યાં રખડ્યા કરતો તથા રૂપીઆની માગણી કર્યા કરતો કે લાવો. એ દુષ્ટ વિષે શું કહું? કેવલ પૈસાનો જ સગો !! મારી માં મારી સેવા એક નિષ્ઠાથી ને બહુ દુઃખ વેઠી કરતી. આ પ્રસંગે મારા સસરા વગેરેએ બહુ કાલાવાલા કરી મારી સ્ત્રીને મારી પાસે મારે ઘેર રખાવી. તેનાથી મારી માને કાંઈ મદદ થતી નહિ કેમકે તેનો કોઈને વિશ્વાસ નહિ. મેં પણ એમ છતાં એ બાઈને રાખી તે એમ જાણીને કે બે છોકરાં છે તે એની માને આખરે પણ વળગવા જાય, ને હું ન હોઉં તે દિવસ મારા ભાઈ વગેરેના બુરા હાલ થાય માટે બધું જંપી જાય તો ઠીક જ છે. ભાઈ એક આંકડો ભણતો નહિ, ને મેહેનત કરવાના સોગન. પૈસા ખરચેલા તે નકામા જાય. તે પણ મારી સેવા કર્યા કરતો. મારી માનો સ્વભાવ ચઢાઉં તથા ખુશામત વહાલી એવો છે તે મેં કહેલું છે, તેથી વારે વારે કહ્યા કરે કે અમે મહેનત કરીએ તેનો તને હીસાબ નથી ને મનમાં અકળાયા કરે. આ બોલ મને બાણ જેવા લાગતાં. ને હું બહુ દુઃખ પામતો. હીસાબ તે શો થાય? કાંઈ શાલ પામરી આપવાની છે? માબાપ પાળે તેના આપણે દાસના દાસ થઈ ગયેલા છીએ જ એ હીસાબ. એવામાં મારા ભાઈને મેં સહજ કાંઈ કહેતાં તેનું નિમિત્ત લઈ મારી સાથે ખુબ કંકાસ કર્યો. હું મરવા જેવો પડી રહેલો, બોલાય નહિ, તેના ઉપર કુટ્યું, ગમે તેવા ખોટા આરોપ કહ્યા, ને સાંગો મરે તો ઠીક એમ હું ચાહું છું એ પાછું આગળ આણ્યું. એ કકળાટ બેત્રણ દિવસ ચાલ્યો. મારૂં હૈયું ફાટી જવા લાગ્યું. ને એકલો હોઉં ત્યારે પોકે પોક રોવા લાગ્યો. મને મુંબઈ પણ ન જવા દેવો કેમકે રૂપૈયા બગડે એવી મારી માની પણ દાનત થઈ. મારી કમાણી હું વાપરૂં તે મને ન વાપરવા દેવી ને હું ગમે તો મરી જાઉં પણ તે મારાં માબાપને જ સ્વાધીન કરવી – આ તે કેવી દુષ્ટ ઇચ્છા! હું ક્યાં જાઉં? ઉભા પણ ન થવાય ત્યાં ક્યાં જાઉં ? એવામાં મુંબઈથી દલાભાઈ આવ્યા તેણે મુંબઈ પાછા ફરવા હા કહી એટલે તેને તથા મારા મિત્ર સાંકળચંદને લઈ મુંબઈ આવ્યો. દવાદારૂ ચાલે છે, પણ હજુ આરામ નથી. અન્ન લેવાતું નથી તેથી જીંદગી અલબત ભયમાં છે. દુધ પણ પેટ ભરી લેવાતું નથી. શરીર હઠતું જાય છે. મુંબઈ આવ્યા પછી છએક દિવસે સાંકળચંદ તો જનાર હતા તે ગયા. પણ તેના જવાને જ દિવસે દલાભાઈ પણ કાંઈ ગરબડ સરબડ સમજાવી જતા રહ્યા. અહો વિશ્વાસઘાત ! વળી અમે તો પરમેશ્વરને આધીન થઈ પડ્યા! પણ મોતીરામ વગેરેએ કામ માથે લીધું.

આ મંદવાડના ખરા અરસામાં Viena Oriental Journalમાં મોકલેલા વેદાન્તના આર્ટિકલનાં પ્રુફ આવ્યાં તે સુધારી મોકલ્યાં. બાકી લખવા વાંચવાનું બંધ કરવું પડ્યું હતું. વખત ગાળવા માટે વાંચી શકાય તેટલી વખત 'નોવેલ્સ' વાંચતો.

મારી માની વર્તણુંક ઉપર મને બહુ વિચાર થયાં કરતો. વધારે નવાઈ એ લાગતી કે મારા ભાઈ ઉપર મારો પ્રત્યક્ષ ને સ્વાભાવિક પ્રેમ છતાં, ઘણાએકે મારો પ્રેમ હદપાર છે એવો ઠપકો દીધેલો તેવો પ્રેમ છતાં 'હું તેને મુવો ઇચ્છું છું' આ વજ્રપાત જેવું વચન પાંચસાત વર્ષના અરસામાં ચોથીપાંચમી વાર કેમ નીકળ્યું? અનુસંધાન મેળવીએ ત્યારે જણાય છે કે જ્યારે જ્યારે આ વિચાર મારી માના મનમાં ઉઠેલો ત્યારે ત્યારે મારી વહુ મારે ઘેર રહેતી. જ્યારે તેને કાઢી મુકેલી હોય તેવા પ્રસંગમાં કદી આવો અંશ પ્રકટતો નહિ. મારી માએ મારે મોઢે બેચાર વાર કહેલું કે હું ને તારો બાપ ન હોઈએ તો આ છોકરાની શી વલે? મેં જાતે તથા બીજી રીતે પણ ખાતરી કરેલી કરાવેલી કે મારા દીકરાથી વિશેષ એને જીવતા સુધી પાળીશ, ને હું હોઉં ત્યારે પણ દુ:ખી ન થાય એવો બંદોબસ્ત કરીશ. આ હાલનો મંદવાડ વધ્યો તેવામાં પણ એ જ વાત થઈ હતી. છતાં એ જ વિચાર ! હાલમાં પાંચછ દિવસથી મારી વહુને રાખી હતી એટલે વળી વિચાર તાજો થયો કે પોતાના બે છોકરા મુકીને મારા છોકરા પર ધ્યાન નહિ આપે. કેવળ મારે તાબે જ રહે તો ઠીક, એ વખતે હવે નહિ બને. આ વિચાર થયા હોવા જ જોઈએ ને જે કહી ગયો તે લડાઈ રૂપે જણાઈ આવ્યા !

મારી સ્ત્રીને ને મારે કદાપિ બન્યું નથી ને બનવાનો સંભવ નથી કેમકે તે જાતે જ ખરાબ છે. પણ મારી મા શું આ પ્રકારની બાજી રમે છે? મારા મનને બહુ ખેદ થયો. ને હવેથી બહુ સંભાળી ચાલવાનો મેં નિર્ણય કર્યો.