આત્મવૃત્તાંત/વીલ કર્યું
← ધર્મ સંબંધી પાઠો | મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત વીલ કર્યું મણિલાલ દ્વિવેદી ૧૯૭૯ |
પુત્રોનાં જનોઈ → |
આશરે સાત મહીને આમાં કાંઈક લખું છું. પ્રથમ ઘર સંબંધી. પિતાનું વર્ષ તથા વૃષોત્સર્ગાદિ પરવાર્યો છું. ઘરમાં બહુ સારૂં ચાલે છે. મારો ભાઈ બહુ સુધારા ઉપર છે, ને તે આ વખત ચોથા ધોરણમાં પાસ થવાની આશા ન હતી છતાં વર્ગ ચઢી શક્યો છે. છોકરામાં મહોટે છોકરે આજથી એક માસ પર બહુ નઠારી ભુલ કરી કે ઘરમાં કશા પ્રકારનું કારણ ન છતાં, સ્વતઃ શાન્તિથી નિશાળે જવા નીકળ્યો ત્યાંથી એને મોસાળ જઈને બેઠો ! !લાગતાવળગતાઓએ જાણ્યાથી તરત પાછો આણ્યો, ને યોગ્ય શિક્ષા કરી મેં તેને સમજાવ્યો. ગયેલા દાગીનાના સંબંધે બાળાશંકરે કાંઈ કર્યું નથી, ને મેં હવે તેના જેવા લુચ્ચા માણસને એ બાબત કહેવી પણ મૂકી દીધી છે - મંગળીઆ પર દીવાની કોર્ટમાં રૂ. ૧૦OO)નો દાવો કર્યો છે – છોકરાંને જનોઈ દેવાનો વિચાર આવતા વૈશાખ (મે)માં ઠર્યો છે. તેમને ક્યાં પરણાવવા? નાતમાં તો અવતરની ખપે એટલી પણ આશા નથી. બાયડમાંથી કહેણ આવે છે ને એક ઠેકાણે મારા ભાઈ તથા મહોટા દીકરાને યોગ્ય કન્યા જોઈ રાખી છે ત્યાં કરીશ. નાતની દરકાર કરી બાપના કુવામાં બુડી મરવાનો મારો વિચાર નથી.
પેલી વેશ્યાના સંબંધમાં હું કાંઈ લક્ષ રાખતો નથી. છતાં તેણે હવે તો ઉઘાડે છોગે એક માધવલાલ રણછોડ નામના લુચ્ચા સાથે ઘર માંડ્યું છે. ખુશાલભાઈ હરીભાઈની પડોશમાં જ તે લુચ્ચો છે એટલે તેઓ તથા તેમની સ્ત્રી રોજ બધું દેખે છે. દા. રામસિંગ પણ એકવાર એ લુચ્ચાના બોલાવ્યાથી તેની કાંઈ દવા કરવા ગયા હતા તો તેની ઘરધણીઆણી પેઠે તે વેશ્યા તેની સારવાર કરતી હતી. નાતમાં પણ લોકો બહુ નારાજ થયા છે. રાંધી આપવાથી માંડીને તે આખી રાત સુઈ રહેવા પર્યત વ્યવહાર ચાલે છે, તે કોઈથી જોઈ ખમાતો નથી. તા. ૧૯ ડીસંબરની રાત્રીએ હરિલાલ અચરતલાલ, નારણ દેવશંકર, મગન જસભાઈ, અંબાલાલ લક્ષ્મીલાલ, વગેરેએ વેશ્યા પેલા લુચ્ચાના ઘરમાં રાતે સુવા ગઈ ત્યારે તાળું માર્યું. પછી રાંડના ભાઈને ઉઠાડી પુછ્યું કે રાંડ ક્યાં છે ? તેણે કહ્યું કે ખબર નથી. આ સાબીતી રૂપે એમ ગણાઈ કે સવાર પડતાં રાંડ અંદરથી નીકળી તે ઘણાકે દીઠી. આવું રોજ બને છે, રાંડનાં માબાપની પરવાનગીથી બને છે, પણ આ તો નાતવાળાએ ખાત્રી કરી લીધી, કહે છે કે હવે નાત ભેગી કરી તેઓ એ રાંડ તથા એના નવા ધણીને નાત બહાર મૂકનાર છે.
મારી આવકની બાબતમાં વડોદરાનું કામ છ માસનું હતું તે પુરૂં થતાં બીજું પાંચ માસનું મળ્યું છે, તેનો પણ પગાર તે જ પ્રમાણે પડે એમ છે - સિવાય એમ પણ વ્યવસ્થા મણિભાઈ સાહેબે કરી છે કે ઘણું કરી એક બે માસમાં હવે ૩OO)ના પગારથી કાયમ નોકરી પણ થઈ જશે. કચ્છ તરફથી રા. મનઃસુખરામ, જેના પ્રતાપથી જ વડોદરાનું પણ થયું છે, તેણે એમ કહાવ્યું છે કે દર માસે રૂ. ૧૦૦) ઘેર બેઠાં આપે, તે ત્રણ વર્ષ સુધી આપે – તેમને કાંઈ ગ્રંથ દર વર્ષે લખી આપવો – એ ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ લોજીક લખવા સાંપ્યું છે તે થયેથી તેમાંથી રૂ. ૩૦૦) મળશે તથા વડોદરા કન્યાશાળા સીરીઝમાંથી પણ તેટલા મળવાનો સંભવ છે. એ સીરીઝ બાબત હરગોવનદાસને તથા મારે મતભેદ થવાથી મેં મારું લખાણ પાછું ખેંચી લઈ, આપવાની ના પાડી છે. પણ હવે પાછા તેઓ તેમ મણિભાઈ સાહેબ બહુ આગ્રહથી માગે છે. જોઈએ શું થાય છે.
માતર તાલુકે વાસણામાં સીહોરવાળાની જમીન હતી તે ૨૬૦ વીઘા જમીન મેં, સાંકળાભાઈ મગનલાલ તથા લલુભાઈ ઝવેરભાઈ ત્રણ ભાગે સરખે ભાગે રાખી છે. તેની પણ જે આવક થાય તે ખરી. દસ્તાવેજ વગેરે મારી પાસે છે – મુંબઈમાં એક એજન્સીની દુકાન મારા કોઈ મિત્રની ચાલે છે તેમાં મારે અને સાંકળાભાઈને ભાગ કરવાનો વિચાર ચાલે છે. ઉન સુતર રેશમ વગરને પાકા રંગ કરવાનું એક કારખાનું ચતુરભાઈ તથા હું તથા સાંકળાભાઈ ત્રણ થઈ કાઢવાનું ગોઠવીએ છીએ.
સંધ્યા પૂજાદિ તથા બાલાનો જપ એ ને રાજયોગનો જે અભ્યાસ છે તે ચાલે છે. પણ તે ઉપરાંત પાછા સપ્તશતીના પાઠ આરંભ્યા છે ને તેમાં કાંઈ અપૂર્વ ચમત્કાર છે એવું મને નિશ્ચય થતું ચાલે છે. જે દિવસે આરંભ કર્યો તેને બીજે જ દિવસ કચ્છની ગોઠવણ થઈ; અને વડોદરાનું પણ પાંચ માસ વધ્યું તથા કાયમ થવા જેવો પ્રસંગ આવ્યો છે તે અચાનક એ શક્તિના પ્રભાવે જ થયું. પ્રથમ મે મહીનામાં વડોદરાનું કાર્ય આરંભ્યું ત્યારે તે જ દિવસ વીછી કરડ્યો હતો તે અતિ શુભ શુકન મનાય છે, તે પણ વડોદરાની વાત કાયમ થાય તો વાત ખરી પડે. યોગાદિ અભ્યાસમાં વધારો થાય ને જ્ઞાન મળે એ હેતુથી થીઓસોફીકલ સોસાઈટીના ઈસોટેરીક સેક્શનમાં હું દાખલ થયો છું, ને તે દ્વારા મને અદ્યાપિ સારી ખબરો મળી છે.
વૃત્તિ હજુ શાન્ત રહેતી નથી. સમાધાન છે, પણ વિષયવૃત્તિનું કહું છું. બેચાર વખત એક સ્ત્રી સાથે વિષય થઈ ગયો છે. પણ વૃત્તિ બહુ પાછી હઠે છે ને એમ જ થાય છે કે કદી તેમ ન કરવાનો દઢ સંકલ્પ કરવો. મહાત્માઓ તેટલું માનસિક બલ આપે તો વાત સુલભ છે. હું પણ પ્રયત્નશીલ છું. કામ બરાબર વશ નથી થયો, પણ ક્રોધ તો બહુ અંશે વશ થઈ ગયો લાગે છે.
મારા મિત્રો આદિ બાબત મેં લાંબા વખતથી કાંઈ લખ્યું નથી. નાનાસાહેબ, ચતુરભાઈ, સાંકળાભાઈ, સર્વે હવે બહુ ઉત્તમ મિત્રભાવ વડે રહીએ છીએ. જેનામાં જે ખામી અને છોકરવાદ હશે તેનામાંથી ઓછી થઈ છે, અથવા હું તેથી ટેવાયો છું, પણ શાન્તિપ્રીતિ સારી છે. મનસુખરામ, હરિદાસ, મણિભાઈ આદિ મુરબીઓએ આ આપત્તિના સમયમાં મને બહુ સારી મદદ કરી છે. પણ તે સર્વમાં વાત ઉપાડી પાર પાડનાર મનસુખરામ છે, ને તેને પણ વધારે ઉત્તેજિત કરનારા મારા મિત્ર નાનાસાહેબ છે, એટલે જેનો જે ભાગ હોય તેને તેટલું, અથવા સર્વને અતિશય શુભ થાઓ એ મારો આશિર્વાદ પણ તેમણે કરેલા ઉપકાર આગળ ન્યૂન છે. બહારના મિત્રોમાં વડોદરામાં ગજ્જર, ભાવનગરમાં કેશવરામ, દુલેરાય, આદિ સર્વની મારા ઉપર મમતા બહુ છે તેવી છે.
લખવાવાંચવાની પ્રવૃત્તિ બહુ જ સારી છે. કેન્ટનો અભ્યાસ આરંભ્યો છે. યોગસૂત્ર અને રાજયોગ પ્રસિદ્ધ થઈ ગયાં છે. પ્રિયંવદાને “સુદર્શન” એ નામ આપ્યું છે. મારા જે ધર્મવિચાર છે તે પ્રવર્તાવવા ખાનગી અને ગુપ્ત એવું અધ્યાત્મમંડલ મેં સ્થાપ્યું છે. થોડા મેંબર થયા છે. ગુજરાતમાં મારા વિચારોનું બલ ઠીક જામ્યું છે. સુધારાવાળા ગભરાયા છે. તેમણે મારી વિરૂદ્ધ બહુ લડાઈઓ આજકાલ યોજી છે તે સુદર્શન તથા બીજાં પત્રો દ્વારા સુવ્યક્ત છે. મારે દ્વેષ નથી, આગ્રહ નથી, સત્ય છે તે કહું છું, તેમાં તે લોક તો કેવલ મારા ક્ષુદ્ર શરીરના દ્રેષે કરી લડે છે, તો ભલે તેમને પણ તેમનું કર્મ કદિ સત્ય બતાવે તો સારું. નેશનલ કોન્ગ્રેસની કમીટી ખેડા પંચમહાલને માટે નડીયાદમાં સ્થપાઈ છે તેમાં હું અને હરિલાલ પંડ્યા સેક્રેટરી છીએ. એ કમીટી તરફથી તથા અમદાવાદ જીલ્લા તરફથી હું આ વર્ષ ડીલીગેટ છું, પણ જઈ શકાય એમ નથી, વડોદરા તરફથી દ્વયાશ્રય, ગોરક્ષતક, ભોજપ્રબંધ કરી ચુક્યો અને ષડ્ર્દર્શનસમુચ્ચય હાલ કરું છું. સોસાઈટી માટે ડીડક્ટીવ લોજીક અને કચ્છ માટે ઈન્ડક્ટીવ લોજીકને પણ રચવાના વિચારમાં છું.
લખવું ભુલી ગયો કે મછુઆરી મીલકતની વ્યવસ્થાની ફારગતી તથા મારી જે આગવી રહે તેનું વીલ મેં તા. ૨૧-૭-૯૦ તથા ૨૩-૭-૯૦ રોજ કરી મુક્યું છે તે આ સાથે લાગુ છે – એમાં ફેરફાર કર્યા વિના મારો દેહ પડે તો તે વીલ પછી જે જે મેં પ્રાપ્ત કર્યું છે તે મારો ભાઈ તથા મારા દીકરા ત્રણે ત્રણ ભાગે દરેક સરખું ખાય એમ મારી મરજી છે. પણ થોડે વખતે બધું સ્થિર થશે અને છોકરાં વગેરેને પરણાવી કરી ઠરીશ, ત્યારે તે વીલ ફરી સુધારીશ.