આત્મવૃત્તાંત/શાળા, શેરી અને સોબત

← કુટુંબ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
શાળા, શેરી અને સોબત
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ઉચ્ચ અભ્યાસ  →


૨. શાળા, શેરી અને સોબત

સંવત ૧૯૧૪ના ભાદ્રપદ કૃષ્ણ પક્ષની ચતુર્થીને દિવસ મારો જન્મ પ્રાતઃકાલ લગભગ મારા મોસાળમાં થયો એવી મને ખબર છે. મારા પિતાએ કોઈ પ્રકારની નોકરીચાકરી કરી નથી. તેમના પિતાનો આપેલો રોજગાર તેમણે વધાર્યો તથા વ્યાજે રૂપૈયા આપી વહેપાર શુરૂ કર્યો. તેમાં પ્રાપ્તિ સારી થઈ. પારકા રૂપૈયા થોડે વ્યાજે રાખી બીજાને વધારે વ્યાજે આપવા એમ પણ કરતા. હું નોકરીચાકરીથી કમાતો થયો તે વખતે –આવી ગયેલાં સર્વ ખર્ચ જતાં - અમારા ઘરમાં ૪-૫ હજારની પુંજી ચોપડા પરથી માલુમ પડતી. આ પ્રમાણે અવસ્થા હોવાથી મારૂં પાલનપોષણ બહુ સારી રીતે થતું, ને તેમાં પણ મારા મોસાળ પક્ષમાં મારા ઉપર હેતનો ને લાડનો વરસાદ વરસતો. મારી છેક ૧૩–૧૪ વર્ષની ઉંમર કે જે વેળા મારાં માનાં મા ગુજરી ગયાં, ત્યાં સુધી હું ઘણોખરો મોસાળમાં જ રહેતો. બાલપણની વાત મને સ્મરણ રહેવી મુશ્કેલ છે એટલે જે જે વાત યાદ છે તેટલીની નોંધ આપું છું પણ પ્રથમનાં ૪–૫ વર્ષની વાતનો હીસાબ તો મારા મનમાં ન જ હોય એ સ્વાભાવિક છે.

મને આશરે ૪ વર્ષની ઉમરે દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળે મુકેલો એમ મને યાદ છે. ત્યાં હું ભણી શક્યો નહિ. થોડું લખતાં વાંચતાં ને સાધારણ રીતે આંક આવડ્યા પછી આશરે ૭ વર્ષની ઉમરે મને જનોઈ દીધા પછી સરકારી ગુજરાતી નિશાળમાં મુક્યો. ત્યાં પણ મારો અભ્યાસ સારો થયો નહિ. તેમાં હીસાબ તો મને એવા ન આવડે કે તે વખત આવે તેવામાં ગમે તે રીતે મને ગેરહાજર રહેવાનું મન થયા વિના રહે નહિ. આ બધામાં યાદ રાખવા જેવું છે કે મારી સંભાળ લેનાર કોઈ ન હતું. મારા પિતાને નવી કેળવણીની રૂઢિ બીલકુલ ખબર નહિ એટલે તેમના તરફની મદદ ન હતી; તેમ તેમનો મને ભણાવવાનો આગ્રહ પણ ન હતો. ફક્ત મોટા થતા સુધી સ્કુલમાં રાખી પછી પોતાને ધંધે વળગાડવો એમ તેમની મરજી હતી. મારો અભ્યાસ પાંચમી ચોપડી જેટલો થતાની સાથે મારે અંગ્રેજી નિશાળમાં જવું બન્યું. કેટલાક મારા સોબતીઓ ત્યાં જવાથી હું પણ મારે ઘેરથી રડીકકળી રજા મેળવીને ગયો. ત્યાં પ્રાઈમર અને સેકંડ બુક ભણતા સુધી તો મારો અભ્યાસ હતો તેમજ સાધારણ રહ્યો. ભણવાનું નહિ તેથી તોફાની મંડલની રીતભાત પણ કાંઈ આવેલી ખરી. એક છોકરાની ચોપડી પર અપશબ્દ લખ્યાના વાંક માટે મને શાળામાંથી કાઢી મુકેલો ને ઘણી મેહેનતે દાખલ કરેલો એમ મને યાદ છે. હું થર્ડ બુકમાં ગયો ત્યાં મારા માસ્તર ઝવેરલાલ લલ્લુભાઈ જે હાલ સારી મુનસફની જગા પર છે તે મારી નાતના હતા ને તેમને મારા પર મમતા થવાથી તેમને મારી સંભાળ રાખવાનું મન થતાં મારો અભ્યાસ સારો થયો. હું થર્ડ બુકમાં પહેલે નંબરે પાસે થયો ને મને ઈનામ મળ્યું. આ વખતથી મને ભણવાનો રસ પડ્યો. પણ અકસ્માત્ એવો થયો કે મારા હેડમાસ્તરે ખુશી થઈ ત્રીજા ધોરણમાં ન મુકતાં ચોથા ધોરણમાં મુક્યો. તે ઠામના નવા નવા વિષયોથી તથા કોઈ કાળજી કરનાર ન હોવાથી મારૂં મન નિરાશ થઈ ગયું. અને સંસ્કૃત તથા યુક્લીડ બે વિષય પર મને ઘણો અણગમો પેદા થઈ આવ્યો. મારા મનમાં નિર્ણય થયો કે મારે ત્રીજા ધોરણમાં પાછા જવું જોઈએ. તેથી હું ક્લાસના માસ્ટર મારફતે હેડમાસ્તર પાસે ગયો ને કહ્યું કે મને ઉતારી પાડો. તેણે હસીને કહ્યું કે તું વિચિત્ર છોકરો જણાય છે. ભલે તને એમ મરજી હોય તો જા. ત્રીજા ધોરણમાં મારો અભ્યાસ ઠીક ચાલ્યો. ચોથા ધોરણમાં પણ તેમજ. આ ઠેકાણે આ વાત અટકાવી મારે બે મુખ્ય વાત કરવાની છે.

મને કોની સોબત થઈ? મારા પ્રથમ સ્નેહીમાં મને નડીયાદના પ્રખ્યાત રા. રા. ઉલ્લાસરામ અર્જુનલાલ જે તે વખતે ચીખલી મામલતદાર હતા તેમના દીકરા બાળાશંકરનો સ્નેહ આ બાલ્યવયમાં થયો. એ સ્નેહ નાનપણનો પણ ગાઢ હતો; ને પરિણામે ઘણા ઉચ્ચ પ્રેમમાં ફલ્યો હતો. પણ આ મારા પ્રિય સ્નેહીનું નડીયાદમાં નિરંતર રહેવાનું ન હોવાથી મને બીજા પણ કામચલાઉ સ્નેહીઓ મળેલા, તેમાં માણેકલાલ રણછોડલાલ, નારણલાલ કેશવલાલ, જીવણલાલ ભોગીલાલ, ત્રિકમલાલ દ્યાનતલાલ, અંબાલાલ ઝવેરલાલ, મોહનલાલ વજુભાઈ, હરિલાલ ડાહ્યાભાઈ ને લક્ષ્મીલાલ અંબેલાલ વગેરે મારી જ્ઞાતિના હતા. આ તમામ લોકો તોફાનમાં કુશલ, ભણવે ઘણા જ પછાત, અને મારામારી કરવાવાળા તથા કેવળ કુછંદી હતા. છેલ્લા ત્રણમાંના હરિલાલ તથા લક્ષ્મીલાલ લગભગ બાયલા હતા, ને તેમનો મને મારા મોસાળમાં રહેવાના વખતથી જુનો પરિચય હતો. એ લોકોની ગંમત વગેરે ખરાબ રીતિનાં હતાં. ને એક એક સાથે નાગા થઈ સુવા વગેરેમાં મઝા માનતા. મને પણ તે લોકો પોતાની મરજી મુજબ મોજમઝા કરાવતા પણ અદ્યાપિ મને એવાં કર્મમાં પ્રીતિ થઈ ન હતી, બલ્કે તિરસ્કાર હતો. પછીના અરસામાં બાકીનાઓનો સ્નેહ થયો. તેમની પણ દુર્વ્યસનિતાની સીમા હતી. અમારા ગામમાં એક વાણીઓ અમો સર્વનો પડોસી છે તેનો ધંધો નાનાં બાલકને હાથરસ વગેરે ટેવ શિખવવાનો છે. આ સર્વ માણસો તેના શિષ્ય હતા તે એટલે સુધી કે તેમને આવાં કર્મ માટે દ્રવ્ય પણ આપી રાજી રાખતો. આ લોકોની રીતભાતની પણ મારા પર કાંઈક અસર થઈ પણ સ્પષ્ટ જણાવવું જોઈએ કે મારાં માબાપની સખ્ત સંભાળને લીધે હું તેમના ભેગો વધારે જઈ શકતો જ નહિ. તેથી આ વ્યસનમાં પડી ગયો નહિ. પણ એક પરિણામ ઘણું જ શોકકારક આવ્યું. મારી જવાન મનોવૃત્તિઓ ઘણી જ ઉશ્કેરાઈ ગઈ અને વ્યવહારની સર્વ વાત બાલવયમાં ખબર પડવાથી મને પણ સ્ત્રીના અભાવે પુરુષો સાથે વિવિધ સંબંધ (પણ તે કોઈ કોઈ વાર જ) કરવાનું મન થઈ આવવા લાગ્યું.

આ રીતે વૃત્તિ કેવળ બગડવા માંડી તેવામાં શુભ વાત એ થઈ કે પેલા માસ્તરના શ્રમથી મને ભણવામાં રસ લાગી ગયો. જનસ્વભાવ વિલક્ષણ છે. આ મારા સોબતીઓ તમામ પછાત પડવાથી તેમણે સહજ ઇર્ષ્યાથી મને જોવા માંડયો, અને મને અમુક બાયલી ટેવો છે એવી નિરાધાર વાત ચલાવી મને હલકો પાડવા પ્રયત્ન માંડયો. તેની જ સાથે એમ પણ તેમણે રાખ્યું કે મારી જોડે સ્નેહ રાખી મને તેવી ન હોય તે તમામ ટેવમાં ઉતારવો. આમ ઘણાં વર્ષ ચાલ્યું ને તે દરમીઆન મેં કોઈ વાર ભૂલચૂક કરી હશે, પણ એકંદરે મને કોઈ કુટેવ લાગી શકી નહિ કે મારા અભ્યાસમાં વિઘ્ન આવ્યું નહિ. આ વાત અત્રે દાખલ કરવામાં કાંઈ સાર નથી એમ ન જાણવું. મને લાંબા વખતના અવલોકનથી માલુમ પડ્યું છે કે દરેક ગામમાં ને દરેક શાળામાં આવા કુછંદવાળાં બાલકો ઘણાં છે અને તે બીજાંને બગાડે છે. માટે માબાપોએ પોતાનાં બાલકોની ઘણી સંભાળ રાખવી. આપણા દેશની હીન સ્થિતિ ને ગુજરાતમાં વિદ્યાના પછાતપણાના કારણમાં આ વાતને હું મુખ્ય માનું છું માટે ફરી ફરી માબાપોને પોતાનાં બાલકો સંભાળવા વિનતિ કરૂં છું.

આ બધા મારા સંબંધીઓએ તોફાન જ આદરેલું એટલે એક 'પંચલાલ' એ નામની મંડલી લોકો જોડે મારામારી તથા અંદર અંદર ગફલતથી પૈસા ખાઈ જવા ઉઠાવેલી. તે વળા હું પાંચમા છઠ્ઠા ધોરણમાં હતો ને આ મંડલીમાં દાખલ હતો પણ મારો કોઈ હીસાબ લેખતું નહિ. પરિણામે અંદર અંદર મુખ્ય નાયકોને વેર થવાથી મંડલી ધોવાઈ ગઈ ને મારો તથા આ સર્વે લોકોનો સંબંધ શિથિલ થઈ જઈ આજે હવે નહિ સરખો છે.

આવા વિખેરાટના વખતમાં મારા પૂર્વ સ્નેહી બાળાશંકરને નિરંતર નડીયાદ રહેવું થયું એટલે મારે આ સર્વને તજવાનો ભલો પ્રસંગ મળી ગયો. નિશાળમાં બીજી જ્ઞાતિના પણ મારા સહાધ્યાયીમાંથી સ્નેહી બનેલા પણ તેમાં સ્મરણ રાખવા જોગ અમારા ગામના દેસાઈના નાના દીકરા નાનાસાહેબ અથવા ગોપાળદાસનું અને એક વડનગરા નાગર છગનલાલ હરિલાલનું એ બે નામ છે. પણ તે લોકોનો મારે ખરો સ્નેહ ઘણો મોડો થયો કેમકે તેઓએ મારી પેલા લોકોએ કરેલી નિન્દામાં ભાગ લેવા માંડયો તેથી હું તેમની સાથે બીલકુલ હળતો નહિ.

મારો મિત્ર બાળાશંકર ભણવામાં મારાથી એક વર્ગ પછાત પણ કુશળ હતો. એને સુરત વગેરે તરફ ફરતાં કોઈએ કાવ્ય રચવાનો છંદ લગાડેલો; પણ તે કેવળ વ્યર્થ જેવો હતો. એ છંદ એણે મને તથા પોતાના બીજા મિત્રોને લગાડયો. બાળાશંકરના સહાધ્યાયીઓમાં અમારી નાતનો મોહનલાલ પ્રસાદરાય તથા એક પાટીદાર ચતુરભાઈ શંકરભાઈ તથા એક પારસી – એ ત્રણ હતા. એમનું પણ મને સહજ પિછાન રહેતું. પણ તેમનો પૂર્ણ સ્નેહ બહુ વારે થયો. હું બાળાશંકર ને મોહનલાલ કાવ્યનાં પુસ્તકો સાથે જ વાંચતા સમજતા અને કાવ્ય ટાંટીઆ મેળવીને રચતા. અમારી મુખ્ય ગમ્મત ઘણાં વર્ષ લગી એ જ રહી કે નવરા પડીએ કે કવિતા (પારકી કે પોતાની) બોલવી તે એમ કે એક બોલનારનો છેલો અક્ષર આવે તે અક્ષરથી શરૂ થતી જ બીજાએ બોલવી. દલપતરામ, નર્મદાશંકરમાં કયો કવિ સારો એ તકરારમાં અમને એમ જ લાગ્યું કે દલપતરામ સારો ને તેનાં જ પુસ્તકોનો અમે અભ્યાસ કરતા જો કે નર્મદ દયારામ વગેરેને વિસારતા નહિ; તેમ કાલિદાસનાં નાટકના તરજુમા પણ લક્ષપૂર્વક વાંચતા. સ્કુલમાં અમારો અભ્યાસ ચાલતો. પણ કવિતા કરવાનો શોખ અમોને ખુબ લાગ્યો. મૂલથી પંચલાલ કંપનીમાં રહીને મને મંડલી કરવાનો શોખ લાગેલો તે આધારે અમે પાંચ-સાત માણસોએ બાળાશંકરના ઘરમાં મળે તેવી એક 'સ્વસુધારક' મંડળી સ્થાપી. તેમાં અમારી કવિતાઓ વાંચતા તથા ભાષણો આપતા. આમ કરતાં આશરે ૧૫ વર્ષની ઉમરે અમે સર્વેએ 'પ્રાર્થનાસમાજ' સ્થાપી. તેમાં મેંબરો ઘણા હતા ને તે મારા ઘરમાં મળતી. કેવળ ગાવાના શોખથી આ કામ કરેલું હતું, ને પ્રાર્થનાસમાજની ચોપડીઓ ભેગી મારી તથા બાળાશંકરની બનાવેલી લિખિત ચોપડીઓ પણ ચાલતી. ધર્મવિષયક અમને કાંઈ જ્ઞાન ન હતું. આ અરસામાં કવિતા સમજવા ને રચવામાં અમો સર્વેએ ઘણો અનુભવ મેળવ્યો ને એકંદરે આ સમયની જે જે છાપ મારા મન ઉપર પડી તેણે મારી આખી જીંદગી પર ઘણી જાણવાજોગ અસર કરી. અમો સર્વેમાં બાળાશંકરને કવિતાનો રંગ ખુબ લાગ્યો ને એણે હિંદી કવિઓનો અભ્યાસ શુરૂ કર્યો. આખર એણે એમ પણ કર્યું કે અમદાવાદ રા. દલપતરામ પાસે દર રવિવારે ભણવા જવા માંડયું; અને ગાયનમાં તથા બજાવવામાં એક કેશવલાલ નામના ઉસ્તાદ મારફત ઠીક વધારો કર્યો. મારી અને એની મૈત્રી જો ઘણામાં ઘણી ર્દઢ હોય તો આ જ સમયે હતી. અમે પ્રેમનું સ્વરૂપ ખુબ સમજ્યા હતા અને એક એક વિના ક્ષણ પણ રહેતા નહિ. મોહનલાલ, દોરાબજી પણ આ સમયે ભેગા થઈ ગયા. બાળાશંકર પ્રકૃતિનો ઉદાર, પ્રેમી ને નિખાલસ દિલનો માણસ છે, તેમ મોહનલાલ પણ વૃત્તિએ પ્રમાણિક પણ પ્રેમમાં પૂર્ણ ધર્મ ન પાળતાં કોઈક વાર જરૂર કરતાં વિશેષ સાવધ અને જરા અહંપદવાળો છે. દોરાબજી તો કેવળ છોકરવાદ જ હતો. અમારા મંડલમાં દૈવયોગ એવો થયો કે જેમ તેમ કરી સર્વેએ બાળાશંકરની પરમપ્રીતિ સંપાદન કરવી. આમ કરવામાં કેટલાંક માઠાં પરિણામ થયાં. બાળાશંકરનો ને મારો સ્નેહ પરકાષ્ઠાને પામ્યો હતો. અમે અમારાં અન્યોન્યનાં માબાપને પણ પોતાના દીકરા સમાન થઈ ગયા હતા અને અમારા બન્નેનાં ઘર વચ્ચે વ્યવહારપક્ષે પણ ઘણા ઘણા પાસેનાં સગાંને હોય તેવા નિકટ સંબંધો બંધાઈ ગયા હતા. બાળાશંકરે પોતાની વિશાળ પ્રેમવૃત્તિથી પોતાની પત્ની મણિલક્ષ્મીને મારી તથા પોતાની વાતચીતમાં દાખલ કરી મારા પર વિશ્વાસ અને પ્રેમ જણાવ્યો. અમારો ત્રણનો આનંદ ઘણો કાળ અને સારી રીતે નભ્યો.

બીજી જે વાત જણાવવાની હતી તે એ કે હું ચોથા ધોરણમાં હતો તેવામાં મારી ૧૩–૧૪ વર્ષની વયે મારાં લગ્ન થયાં. અંબાલાલ રવિશંકર નામે મારા ગામમાં રહેતા હતા તેમને મારા પિતાનું ૨–ર|| હજારનું દેવું હતું, તેમના અને અમારા ઘર વચ્ચે સંબંધ સારો હતો ને તેને આગળ કહ્યો તે લક્ષ્મીલાલ દીકરો તથા મારી સ્ત્રી ફુલી અથવા મહાલક્ષ્મી દીકરી બે પ્રજા હતી. મારાં લગ્ન બીજે જ સ્થળે નિર્માણ થયેલાં હતાં. બેહેચરલાલ નામના માણસની દીકરી ઉમરે પણ મને મળી તે સ્ત્રી કરતાં જરા મ્હોટી, રૂપે સારી ને ઉપરાંત ભણેલી તથા સારા કુલની એટલે સુશીલ હતી. તેના પર મને કાંઈક સ્વાભાવિક ભાવ પણ હતો. પણ મારા થનાર સાળાને જો આ છોકરી ન મળે તો પછી પરણવાની આશા ન હતી. અધુરામાં પુરૂં એમ થયું કે મારી થનાર ફોઈજી જે રાંડેલી હતી તેને આ બેહેચરલાલ જોડે ગુપ્ત સંબંધ હતો તેણે તેને મારી સાથેનું પોતાની દીકરીનું લગ્ન મુલતવી રાખવા ફરજ પાડી એમ બતાવીને કે અમે અમારી દીકરીનું લગ્ન ઘણા વખતથી એ કુલીન વર સાથે ધારેલું છે ત્યાં તમે ઉપર પડશો તો અમે તમારો સંબંધ તજીશું. કામદેવના બળે સાધેલું આ કાવતરૂં પાર પડયું; ને જો કે બેહેચરલાલ પોતાની છોકરીને પરણ્યા પછી બેચાર વર્ષમાં આપઘાત કરવો પડયો તેથી છેક પસ્તાઈને વિરાગી બની ગયો તો પણ ચોરીમાં તો આ મને મનગમતી છોકરીના મંગળફેરા કેવળ મૂર્ખ તથા કુછંદી લક્ષ્મીલાલ સાથે ફરાયા. અમે પણ લક્ષ્મીલાલની બેહેનને જ પરણ્યા. એક તો સારી કન્યા ખોઈ અને આ પરિણામે નઠારી નીવડી તે લાવ્યા. તેમાં રૂ. ૫૦૦૦ રોકડા કન્યાના વ્યાપને આપવા પડ્યા. અમારી ન્યાતમાં કન્યાની ઘણી અછત છે નો કન્યાનાં નાદાન માબાપ કોઈ વાર ૧૦–૧૫ હજારની રકમો ઉપાડે છે. મારા સાળાની ચાલ વગેરેનું વર્ણન આવી ગયું છે તેમાં એટલું જ ઉમેરવું બસ છે કે તે કેવળ નિરક્ષર છે અને દારૂ પીવે તથા ગાંજો પીવે ને ચોરી કરવે કુશલ છે. મારો સસરો ભલો માણસ છે પણ અફીણી ને દારૂડિયો છે ને ઘરમાં જરા પણ ઉપજ નથી. સાસુ ચોર, છીનાળ તથા ઘણા ખરાબ સ્વભાવની છે. દારૂ તો સર્વે બૈરાંછોકરાંના વાપરવામાં ખરો જ. મારો એક કાકોજી સમજુ માણસ હતો, પણ મારે મારાં સાસરીયા સાથે તકરાર થવાના વખતમાં તેનું મરણ થયું હતું. છોકરાં પર બીલકુલ કાબુ રાખવામાં આવતો નહિ. ને તેનું જ પરિણામ છોકરાંમાં બીગાડ થયો એમ થયું. સારૂં સારૂં ખાવું પીવું ને મઝા કરવી એ સિદ્ધાન્ત. ઉપજમાં ફક્ત સુણાવ ગામના કણબી લોકના ગોરપદામાંથી આવે તે. બાકી દેવું કરવાનું. આવા સહવાસમાં ઉછરેલી છોકરી મારે ગળે બંધાઈ. નહિ કે મને આ વાતની મૂલથી સમજ હતી કે તેથી મને મારી સ્ત્રી પર અણગમો થાય પણ જેમ જેમ મારી સ્ત્રીમાં બીગાડ જણાતો ગયો તેમ તેમ આ સર્વ કારણોનો વિચાર મારા મનમાં ઉઠતો ગયો તે અત્રે જ્યાં ઘટે ત્યાં જ નોંધી દીધેલ છે. મારા મનમાં આ તથા બીજાં ઘણાં ઉદાહરણો પરથી એમ પણ હાલ થયું છે કે લગ્ન વગેરે સંબંધમાં કુલ જોવાની રીતિ તિરસ્કારને પાત્ર નથી. સારા ખાનદાન વિના સારાં ફરજંદ થતાં નથી, પણ તે ખાનદાનની તપાસ બારીકાઈથી કરેલી હોવી જોઈએ. આ લગ્ન સમયે મારી સ્ત્રીનું વય માત્ર ૪ વર્ષનું હતું.

હવે દોસ્તદાર તથા સ્ત્રી તરફથી પરવારી અભ્યાસ તરફ વિચાર કરીએ. ચોથા ધોરણમાં સંસ્કૃત તથા ગણિત તેમાં વિશેષે ભૂમિતિ એ વિષયો ન આવડયા એટલું નહિ પણ તે પર ઘણો અણગમો પેદા થયો; તેમાં સંસ્કૃત પર તો એટલે સુધી કે ક્લાસમાં એ વિષયનો આરંભ થાય કે હું ઉઠીને બહાર જતો રહેતો. પાંચમા ધોરણમાં બીજો અભ્યાસ સારો ચાલી મારો નંબર પ્રથમ રહેતો. પણ આ બાબતમાં સુધારો થયો નહિ. છઠ્ઠા ધોરણમાં પણ પાંચમાના જેવો જ અભ્યાસ ચાલ્યો, પણ અહીંયાં એક વાતની ખોટ ભાગનાર એક પૂજ્ય પુરૂષ મળ્યો. મારા વર્ગના માસ્તર સુરતના નાગર બ્રાહ્મણ છબીલરામ દોલતરામ હતા. તે જાતે ઘણો શોખીન તથા આનંદી માણસ હોઈ મારામાં જે સત્ત્વ તેમણે જોયું હશે તેને ખીલવવા ઘણી કોશીસ કરતા. યોગ એવો થયો કે તેને સંસ્કૃતનો અતિશય પ્રેમ હતો ને તે મારા એક પિતરાઈ કાકા રવિશંકર જે ગામમાં પ્રખ્યાત શાસ્ત્રી હતા તેમના પાસે સિદ્ધાન્તકૌમુદીનો અભ્યાસ કરતા. મને સંસ્કૃતમાં મોટી અડચણ લાંબા લાંબા અંગરેજી નિયમો યાદ રાખવાની હતી એ તેઓ સમજ્યા અને તેમણે મને પોતાની સાથે શાસ્ત્રીને ત્યાં લઘુકૌમુદી ભણવા માટે લઈ જવા માંડ્યો. આ અભ્યાસ ટુંકાં સૂત્રરૂપે તથા ભૂમિતિના પ્રોબ્લેમ જેવો હોવાથી મને તેમાં આનંદ પડયો; અને જાણે તેની જ મદદથી હોય તેમ ભૂમિતિના સિદ્ધાન્તો પણ મને આવડવા લાગ્યા. આ પ્રસંગમાં મારે ઘેરથી મારો અભ્યાસ બંધ પાડવા મારા પિતા ઘણી બૂમ મારતા. હું પણ કાંઈક રીતે તેમની મરજી ન રાખતો. એઓ કહે તેમ દેવપૂજા વગેરે ન કરૂં, શાક દૂધ લેવા જતાં તથા બ્રાહ્મણ તરીકે શ્રાદ્ધ સંવત્સરીમાં જમી દક્ષણા લેવા જતાં મારું લેસન પડે અથવા સ્કુલનો વખત ન સચવાય તેથી તેમાંનું કાંઈ કરતો નહિ. તો જેમાં મને સમજ ન પડે પણ જે તેમને ખરૂં જરૂરનું લાગે તેવું નામું લખવાનું તો કદી હાથ પણ ધરતો નહિ. મારાં પુસ્તક નિશાળ અને નવરાઈ મળે તો બાળાશંકરનું ઘર એ વિના બીજું હું સમજતો નહિ. માસ્તરો વગેરેના આડે આવવાથી મેટ્રીક્યુલેશન સુધી મને શાળામાં રહેવા દેવા ઠર્યો; તો પણ મારૂં ભણવું આમ અનિશ્ચિત છે એમ સમજી મેં આ વેળા ફર્સ્ટ ક્લાસ પબ્લીક સર્વિસ સર્ટિફિકેટ લઈ રાખ્યું હતું. હું સાતમા ધોરણમાં ગયો ત્યાં મારા હેડમાસ્તર દોરાબજી એદલજી ગીમી શિક્ષક હતા. તેઓ અંગ્રેજીમાં નિપુણ તથા નિયમિતપણું વગેરે સચવાવામાં તેઓ એકા હતા. તેમની મારા પર સારી મમતા હતી, ને અદ્યાપિ છે. તેમના પ્રયાસથી મેં ઘણાં અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં તથા ટોડ્સ સ્ટુડન્સ ગાઈડને મેં મારી ટેકસ્ટ બુક બનાવી. ભાષા સંબંધી તમામ વિષયનો –ઈતિહાસ ભૂગોળ સુદ્ધાં – મને ઘણો શોખ થયો, ને તેમાં મારી નિપુણતા તે જ વખતથી મારા શિક્ષકો માન્ય કરતા. મેટ્રીક્યુલેશનમાં જવાનું આવ્યું. છબીલરામનો આગ્રહ સંસ્કૃત લેવરાવવા તરફ જારી હતો ને તેમની મહેનત પણ કમ ન હતી. અમે પણ ઝંપલાવ્યું અને કાચે પાયે સંસ્કૃત જ લીધું. પરિણામે ૧૮૭પમાં તો મેટ્રીક્યુલેશનમાં ફક્ત સંસ્કૃતના વિષયમાં નપાસ થવાયું. મેં છગનલાલનું નામ આગળ આપ્યું છે તે આ સર્વ બાબતમાં મારો સહાધ્યાયી હતો ને તે પણ મારી પેઠે જ નપાસ થયો. એ અને હું ઘણુંખરૂં સાથે જ વાંચતા તે છેક બી. એ. થતા સુધી એટલે અમારી વચ્ચે સહજ ઉત્તમ સ્નેહભાવ બંધાયો તે હાલ પણ ચાલુ છે. અમારા બન્નેના નપાસ થવાથી સ્કુલમાં સર્વે નિરાશ થઈ ગયા, અને ગીમી માસ્તરને તો એવી હબક લાગી ગઈ કે હાલ પણ તેઓ કોઈને સંસ્કૃત લેવાની સલાહ આપતા નથી એમ મારા જાણવામાં છે. અમે બન્નેએ નપાસ થયાની દલગીરી ન કરતાં ખબર મળ્યાને બીજે જ દિવસે શાળામાં જઈ અભ્યાસ ફરી ચલાવ્યો. પણ અમારા બને માસ્તર છબીલરામ તથા ગીમી બદલાઈ ગયા ને તેમને બદલે તેમની ખોટ ભાંગે તેવા માણસો ન આવ્યા તેથી અમે ઘણુંખરૂં જાત ઉપર આધાર રાખી ભણ્યા. પણ અમારા ગીમી માસ્તરે અમને સ્વાશ્રય સારો સમજાવ્યો હતો તે મુજબ અમે ખૂબ વાંચતા અને નિયમિતપણે કામ કરી જ્યારે જુએ ત્યારે મિત્રોની રમતગમતમાં તૈયાર રહેતા.

એ વાત કહેવી રહી ગઈ કે આ વર્ષે અમે નપાસ થયા પણ અમારી સાથેના કેટલાએક પાસ થયા તેમાં ઉમરેઠના ભટ્ટ મગનલાલ ઊમિયાશંકર તથા કલોલના છગનલાલ લલુભાઈ જે મારા સ્નેહી હતા તે પાસ થઈ ગયા. મગનલાલ મેડીકલ કોલેજમાં ગયા ને છગનલાલે નોકરી લીધી.

મેટીક્યુલેશનમાં પસાર થયાની વાત કરતા પહેલાં અમારા મિત્રમંડળમાં તથા કાવ્યાદિ અભ્યાસમાં શું થઈ આવ્યું તે જણાવવાનું છે. ૧૮૭૪-૭૫ની સાલમાં 'પ્રાર્થનાસમાજ'ની સાથે 'સ્વસુધારક' મંડળીને પણ મોહોટા પાયા પર આણી; થોડા વખતમાં અમારાં માબાપોના આગ્રહથી 'પ્રાર્થનાસમાજ' અમારે બંધ કરવી પડી. મંડળી કરવાનો ચડસ પડેલો તે ગયો નહિ. ભાષણો કરવાં ને કવિતા બનાવી વાંચવી એ જ અમારે મન મંડળી કરવાનો મુખ્ય લાભ હતો. પણ આ વખતે એક નવી વાત પણ મનમાં આવી. અમારા મનમાં એમ થયું કે આપણી જ્ઞાતિના જવાન માણસો ભેગા કરી સભા બનાવી હોય અને તેમાં જ્ઞાતિસુધારાના વિચાર કર્યા હોય તો સારૂં. આ ઉપરથી બાળાશંકર, મોહનલાલ, હું તથા ત્રિકમલાલ દ્યાનતરામ સર્વને ભેગા કરી સાઠોદરા નાગર જ્ઞાતિ શુભેચ્છક સભા બનાવી તેની સાથે જુની સ્વસુધારકને પણ ચલાવી. એક મકાન લીધું, બેસવાનો સામાન ભેગો કર્યો તથા નાની લાયબ્રેરી પણ બનાવી. જ્ઞાતિશુભેચ્છક સભા કરી તો ખરી પણ અમો બાળકો નાતમાં શો સુધારો કરી શકીએ? અમે સર્વે સંધ્યા ભણ્યા ને રોજ કરવા લાગ્યા તથા ઠરાવ કર્યો કે કોઈએ પરનાતિનું જમવું નહિ. નાતમાં સ્ત્રીપુરુષોને એક જ પિરસનારા જમતી વખતે રહેતા તે જુદા પડાવવા શ્રમ આદર્યો. તેના પરિણામે એ રીવાજ દાખલ થયો પણ ઘણાં વર્ષ લગી અમારે ને અમારે જ બૈરાંમાં પિરસવા રહેવું પડયું. અમારું જોઈને અમદાવાદમાં પણ જ્ઞાતિ શુભેચ્છક સભા થઈ પણ તેનાં કૃત્યનું વર્ણન અત્રે અપ્રસ્તુત છે. આ બન્ને સભા ઘણાં વર્ષ રહી. પણ આ સિવાય નવિન કામ તેનાથી બન્યું નથી. આ બધું ૧૮૭૫માં ચાલતું હતું. આગળ જતાં સભાએ જ્ઞાતિબંધુઓને ભેગા કરી કન્યાવિક્રય ન કરવા માટે બે વાર તથા મરણક્રિયામાં જમવા ન જવા માટે એક વાર ઘણો પ્રયાસ કરી વિનતિ કરેલી પણ પરિણામ કાંઈ આવ્યું નહિ. અમારા કાવ્યાદિ અભ્યાસમાં બાળાશંકરનો અભ્યાસ ઘણો વધ્યો ને તે સાહિત્યની પારિભાષિક વાતો કરવા લાગ્યો તથા કાંઈક શિઘ્ર કવિતાનો તથા હિંદી રચનાનો પણ તેણે આરંભ કર્યો. ગાયનમાં પણ તે મચેલો હતો. આ બધું થતાં તેનો શાળાનો અભ્યાસ નરમ થઈ ગયો. હું પોતે સામાન્ય કવિતાઓ બનાવતો તે ભેગી કરીને મેં એક નાની ચોપડી 'શિક્ષાશતક' એ નામે ૧૮૭૬માં પ્રસિદ્ધ કરી. તેની ઉપર તે વેળે વિદ્વાનોનો એમ અભિપ્રાય થયો કે આનું બાળવય જોતાં, જો મેહેનત કરે તો સારો નીવડે તેવું આ કાવ્ય જણાવે છે. આ પુસ્તક મારા પ્રેમના આવેશમાં મેં બાળાશંકરને અર્પણ કર્યું છે.

મને કાલ બરાબર યાદ નથી પણ એમ સમજાય છે કે ૧૮૭૬ના વર્ષ આખરે એક દુઃખદાયક બનાવ બન્યો. બાળાશંકરની પત્ની ઘણી રૂપવન્તી હતી ને તેને મારા પર મમતા સારી હતી. રસ્તે જતાં તે હંમેશાં મારા અભ્યાસના ખાનગી ઘરના બારણામાં ઊભી રહેતી તથા ગંમત, મશ્કરી વગેરે ઘણી છુટથી ચાલતું. બાળાશંકરની મૈત્રી પૂર્ણ સાધવા માટે આ વખતે ઘણા ઉમેદવારો હતા એ મેં કહેલું છે. તેમાંનો દોરાબજી હાલ બાળાશંકરથી રીસાઈ નિરંતર મારે જ ઘેર પડયો રહેતો ને બાળાશંકરથી હું છૂટો થાઉં એવી મને પ્રાર્થના કર્યા જતો. તેના રોજ બેસવામાંથી તેને બાળાશંકરની સ્ત્રી તથા મારી વચ્ચેનો સંબંધ ખબર પડયો. તેણે મને વાતેવાત સમજાવ્યું કે આ સ્ત્રી આશક છે, એને લેવી. મારી મનોવૃત્તિઓ અકાલે ઉચ્છૃંખલ થઈ જવાનાં કારણો આપેલાં છે તે મુજબ મને પણ એ યોજના સારી લાગી. મેં તથા પારસીએ થઈ એક ચીઠ્ઠી તૈયાર કરીને તે એ જ પારસીના દેખતાં મેં એ સ્ત્રીને આપી. તેણે લેતાં કહ્યું કે (બાળાશંકર) એ તો ઘેર નથી કોને આપું? આ વાક્ય પરથી મારા મનમાં શક છે કે એ સ્ત્રીએ જ ચીઠ્ઠી બાળાશંકરને ભુલમાં બતાવી કે જાણીજોઈને બતાવી કે પેલા પારસીએ કહી દીધાથી તેણે ધમકાવીને લીધી. એ ગમે તેમ હો પણ બાળાશંકરે વાત જાણી, પારસી તેનો દિલોજાન મિત્ર થયો ને હું દૂર થઈ ગયો એ પરથી આ કાવતરૂં મને તો અદ્યાપિ પણ એ પારસીનું જ લાગે છે.

બાળાશંકરનું મન ઊંચું જાણી મેં વારંવાર પૂછ્યું ત્યારે તેણે લખ્યું કે, "सुना बे रसिकलाल लाल नभुलाल बानि । तुम जेसे मितको न लाइक कहात હૈ ।।" હું સમજ્યો નહિ, ને વિશેષ ખુલાસો માગ્યો, તેમાં એણે મને વાત કહી. મેં ગુનોહ કબુલ કર્યો, ને બધી વાત સમજાવવા પ્રયત્ન કર્યો પણ બાળાશંકરને ગળે તે ઉતર્યો નહિ; છતાં એણે ઉદાર દિલથી મને માફી બક્ષી. પણ મારો અને બાળાશંકરનો સંબંધ હવે નભી શક્યો નહિ. જે દોરાબજીનો મને તિરસ્કાર થયો તે જ એનો પરમપ્રિય થયો; અને મારા તરફ એનું દિલ ફીકું પડી ગયું એથી મેં એનું ઘર તજ્યું. આ સમયનાં બે-ચાર વર્ષ મેં ઘણા દુઃખમાં ગાળેલાં છે. બાળાશંકરને મારી સાથે હતો તેવો પ્રેમ હવે મોહનલાલ સાથે થયો; તેમ દોરાબજી અંદર રહ્યો; અને ચતુરભાઈ જેનું નામ મેં આગળ આપેલું છે તે મોહનલાલના મિત્ર હોવાથી, કવિતા શિખવાના પ્રસંગે બાળાશંકરના મિત્રોમાં ભળ્યા. સ્નેહીઓથી દૂર થઈ મનમાં મુઝાતાં એકલા ફરવું એ પીડા વિકટ છે. તેમાં પણ આપણા પ્રતિસ્પર્ધિને આપણી જ જગો પર જોવો, જે એમ બોલેલો કે મારે બાળાશંકરના પ્રધાન થવું છે તેને જ જોવો - એ મહાવેધક છે. ઈશ્વરે દેખી દાઝવાના કષ્ટથી તો મને મેટ્રિક્યુલેશનમાં પસાર કરી મુક્ત કર્યો, કેમકે પછી હું મુંબઈ ગયો.

વ્યભિચારી વૃત્તિઓના આંદોલનના સંબંધે થોડી વાત જણાવવાની છે. મારી નાની વયમાં મારા ફળીયાની અને નાતની નાની બાળકીઓ જે, વિષયની વાત સમજતી હશે, તેણે મને ઘણી વાર એ રસ્તે દોરેલો, પણ મારી સમજ કાચી હોવાથી મને તેમાં રસ પડેલો નહિ. આમ થવાથી તથા આગળ કહી તે ખરાબ સોબતથી મારૂં મન ઉશ્કેરાઈ ગયેલું હતું. વય આ વખતે ૧૭-૧૮ હતું - સ્ત્રી ન હતી – આ અરસામાં જ બાળાશંકરની સ્ત્રી તરફનું પાપ પણ બની આવ્યું. કહી તે નાની બાળકીઓમાંથી મારી પડોસણની દીકરી આ વખતે મોહોટી થઈ હતી. તેની સાથેનું જુનું ઓળખાણ કાઢી મેં તેને લેવા પ્રયત્ન આરંભ્યો, પણ તેમાં કાંઈ પરિણામ આવ્યું નહિ. ઘણાં વરસ સુધી એના, મારા તરફથી ગરબડ ચાલ્યાં કરી પણ મેં એની વાત છેવટ કંટાળીને માંડી વાળી. આ રીતિના પ્રયત્નો બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે આ વખતે કે આથી આગળ બન્યા છે. પણ તેમાં કાંઈ પણ નીવડી આવેલું નથી એટલે તેવાની નોંધ નકામી છે. જે જાણવાજોગ હશે તે યોગ્ય સ્થલે આપવામાં આવશે.

૧૮૭૫માં જ્ઞાતિ શુભેચ્છક સભા સ્થપાયાના સમય પછી હું ત્રણ કાલ સંધ્યા કરતો. પ્રાતઃકાલમાં ઠંડા પાણીથી તારાસ્નાન કરી પ્રાતઃસંધ્યા વંદન કરી ગાયત્રી જપી શિવલિંગ પૂજન કરતો. આમ કર્યા વિના હું ભોજન કરતો નહિ. મધ્યાહ્ન ને સાયાહ્ન સંધ્યા પણ કરતો. આમ થવામાં મારા પિતાનો આગ્રહ તથા મારા માસ્તર છબિલરામ જેઓ પરમ આસ્તિક થયા હતા તેમની રીતભાત કારણ હતાં. આ વર્ષમાં છબિલરામને ઘેર રહેનાર એમના ભાઈ હરિકૃષ્ણ નરભેરામનું ઓળખાણ થયું. છબિલરામની બદલી થઈ તેવામાં આ માણસ મારા સ્નેહને લીધે મારા ઘરમાં જ રહેતો. ૧૮૭૬માં અમો શાળામાં ગયા, પણ તે વર્ષના આરંભમાં જ મને ભારે મંદવાડ બે માસ રહ્યો. મને બેસવાને ઠામે ગુમડું થયું તે ઘણું દુઃખ દઈ બે-ત્રણ માસે મટ્યું પણ તેમાંથી પડેલું 'ફીસ્ટ્યુલા' અદ્યાપિ છે. ને કોઈ વાર ઉપડી આવે છે તો એક કે અર્ધો દિવસ પીડા કરે છે. આ સાલમાં શાળાની અવ્યવસ્થા તો મેં બતાવેલી જ છે, પણ હું મારા સ્નેહીઓ સાથે વાંચી ખાનગી અભ્યાસ ઘણો કરતો ને સંસ્કૃત અભ્યાસ વધાર્યે જતો. લઘુકૌમુદી તથા અમરકોશ પુરાં કર્યાં ને તે ગોખવા વખત ન મળતો તેથી રાતમાં બે-ત્રણ વાગે ઊઠી તેને ગોખીને સૂઈ જતો. આ વર્ષે હું મેટ્રીક્યુલેશનમાં પાસ થયો. આ વર્ષના મારા સોહોબતીઓમાં એક તુલસીદાસ લક્ષ્મીદાસ કરીને વધ્યો; પણ તે નપાસ થવાથી પાછળ રહી ગયો. હરિકૃષ્ણે તો શાએ કારણથી મારા મંદવાડમાં જ રસ્તો પકડ્યો હતો ને ઉલટો મારા બીજા સ્નેહીઓને મારાથી દૂર કરવા ફરતો હતો. એને દોરાબજીનો સંસર્ગ ઘણો થતાં મારે ને એને તે વેળાથી જ હીસાબ પતી ગયો. એને લીધે અમને દરમાસે પૈસા ભેગા કરીને કે કોઈને ખરચે મિજબાની ગંમત કરવાની ટેવ પડી તે અમો ઘણા વખત સુધી રાખી રહ્યા હતા, ને એથી અમારા મિત્રમંડળમાં સારો ભાઈચારો થતો હતો.

પાસ થયા પછી શું કરવું એ હવે મોહોટો સવાલ હતો. મારા ઘરમાં કોઈને વધારે કેળવણી લેવાનાં ફલનું જ્ઞાન ન હતું; મને તો હોય જ ક્યાંથી, પણ ભણાય તો ઠીક એમ બુદ્ધિ હતી. અધુરામાં પુરો મારી જ્ઞાતિનો એક છોકરો મુંબઈ ભણવા રહેલો તે તરત જ મરી ગયેલો એટલે હવે ખરાબ હવાવાળા ગામમાં મને મારાં માબાપ કેમ મોકલે? તે વેળે મુંબઈનો અવરજવર હાલ જેટલો છુટો ન હતો. અમારા ગામના લોક મુંબઈ એટલે વિલાયત જવું એમ સમજતા. અમને પણ કોલેજ કે યુનિવર્સિટી કે પરીક્ષા તે શું તેનો લેશ ખ્યાલ ન હતો. બહારગામ કોલેજો પણ ન હતી. મારાં માબાપ પાસે મુંબઈનો ખર્ચ નભાવી શકે તેટલું દ્રવ્ય તો ખરું પણ મને તે વેળાના એકના એક છોકરાને મુંબઈ કેમ મોકલાય? આથી તેમણે મને સર્વથા નાઉમેદ કરવા માંડયો. ખર્ચની હકીકત બતાવવા માંડી, અને નાતના કોઈ મોહોટા નોકરીઆતને ત્યાં મને સોંપી પ–૧૦ કે ૧૫ની નોકરી પરિણામે મળે તે માટે જોગવાઈઓ થવા માંડી. મેં પણ ઈદર ઉદર અરજીઓ કરી પણ નિષ્ફલ ગઈ. મારા મનમાં નિશ્ચય થયેલો કે ગમે તેમ કરી મુંબઈ જવું. એવામાં સરકારી ગેજીટમાં અમારાં નામ વગેરે આવ્યું તેમાં દર માસે રૂ. ૨૦ની કહાનદાસ મંછારામ સ્કોલરશિપ જે પ્રથમ તે જ વર્ષ નીકળેલી તે મને મળ્યાની વાત લખેલી હતી. પણ આ સ્કોલરશિપ એક વર્ષ જ ચાલવાની હતી ને પુને ઈજનેરનું ભણવા જવું એવી શરતવાળી હતી. મારા મનને આથી હર્ષ થયો નહિ. મને ગણિત ન આવડે, ને તેનું જ પુનાની ઈજનેર કોલેજમાં કામ એટલે મારૂં મન તો મુંબઈ ને મુંબઈ તરફ વળગ્યું રહ્યું. મારા પિતાને આ વાત પરથી એમ લાગ્યું કે ભણવામાં કાંઈક સાર છે ખરો. માટે તેમણે મને જવાની રજા આપી, પણ પુને જવું એવી શરતે રજા આપી. મને ખબર મળેલી કે એલ્ફિન્સ્ટન કોલેજમાં પણ રૂ. ૧૦)ની સ્કોલરશિપો મળે છે. તેથી મેં એમ નક્કી કર્યું કે આમાંની કોઈ મને ઈશ્વર અપાવે તો ત્યાં જ રહી, બાકીનો ખર્ચ પિતા ન આપે તો ગમે ત્યાંથી લાવવો પણ પુને ન જવું, અને જો આ ન મળે તો પુને જવું. જે થાય તે ખરી.

હું ૧૮૭૭માં મુંબઈ ગયો ને એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો ત્યાં મને રૂ. ૧૦)ની સ્કોલરશિપ મળવાથી હું રહ્યો અને મારા પિતાએ પણ ખર્ચ આપવાની હા પાડી. પુનાની સ્કોલરશિપનું મેં રાજીનામું આપ્યું. પણ આ સંબંધે એક બીજી વાત મને માલુમ પડી આવી. હું આખી મેટ્રીક્યુલેશનમાં બીજે નંબરે પાસ થયો હતો તેથી પ્રાગમલજી સ્કોલરશિપ રૂ. ૧૫) દર માસની, ને ત્રણ વર્ષ ગમે તે કોલેજમાં ચાલવાની તે પર મારો હક હતો. પણ કહાનદાસ સ્કોલરશિપ ગુજરાતના છોકરામાં પ્રથમ હોય તેને આપવાની તે જ મને મળી ને તે મને અપાયેલી કેમકે તે રૂ. ૨૦)ની હતી. યુનિવર્સિટીનો નિયમ છે કે કોઈને બે સ્કોલરશિપ ન આપવી એટલે મને પ્રાગમલજી સ્કોલરશિપ ના મળી. આમ મારે રૂ. ૨૦) જે આખા વર્ષના ૨૪૦ થાય તેનું રાજીનામું આપવું પડયું અને રૂ. ૧૫) જે ત્રણ વર્ષના ૫૪૦ થાય તે ગુમાવ્યા તેથી રૂ. ૭૮૦નું અથવા વાસ્તવિક રીતે રૂ. ૫૪૦નું નુકસાન થઈ બેઠું. એ નિયમ પણ આ જ વખતથી થયો કે જેને કહાનદાસ સ્કોલરશિપ લેવી હોય તેણે પ્રથમ અરજી કરવી. આ પ્રમાણે મેં મારો કોલેજનો અભ્યાસ આરંભ્યો, અને ઘર તજી નવી દુનીયાંમાં પ્રવેશ કર્યો. આ વેળે મારૂં વય માત્ર ૧૮ વર્ષનું હતું. આ ઠામે મારા વૃત્તાન્તનું પ્રથમ પ્રકરણ પૂરૂં થાય છે.