આરોગ્યની ચાવી/પ્રકાશકનું નિવેદન

આરોગ્યની ચાવી
પ્રકાશકનું નિવેદન
મોહનદાસ કરમચંદ ગાંધી
વિષય સૂચિ →


પ્રકાશકનું નિવેદન

ગાંધીજીની આ નાનકડી ચોપડીનો મજેદાર ઇતિહાસ છે; જેનું ટૂંકમાં કથન તેઓશ્રીએ પોતે જ આ ચોપડીના 'પ્રાસ્તાવિક' પ્રકરણમાં કર્યું છે.

એમાં કહ્યા પ્રમાણે, આ ચોપડી आरोग्य विषे सामान्य ज्ञान નો નવે દેહે અવતાર છે, એમ કહી શકાય. તેઓશ્રીએ આ ચોપડીનાં પ્રકરણ ઈ.સ. ૧૯૪૨-૪૪ના જેલનિવાસ દરમિયાન લખ્યાં હતાં. અને પુસ્તકનું લેખનકામ ઉકેલવાને માટેની એમની સામાન્ય પદ્ધતિ પ્રમાણે, રોજ થોડું થોડું કરીને તે કામ પૂરું કર્યું છે. પુસ્તકમાં તે તારીખો ઉતારી છે.

આ તારીખો પરથી જણાશે કે, આ ચોપડી ૧૮-૧૨-'૪૨ના રોજ પૂરી થઈ હતી. તો પછી તે આટલી મોડી અને એમના ગયા બાદ કેમ બહાર પડે છે? તેનું કારણ કહેવું જોઈએ. ગાંધીજીને મન, તેમના આ લખાણનો વિષય એટલો મહત્ત્વનો હતો કે, તે એને પ્રસિદ્ધ કરવામાં થોભવાનું પસંદ કરતા. તેમને મન આરોગ્ય એક યોગ-સાધના જ હતી, એમ કહેવામાં કાંઇ ખોટું નથી. ઇ.સ. ૧૯૪૨થી તેઓ આ લખાણને પોતાની પાસે રાખતા અને નવરાશ પ્રમાણે ફરી ફરી જોતા રહેતા. રોજ વધતા જતા પોતાના અનુભવનો છેવટનો નિચોડ એમાં આપી શકું તો કેવું સારું! - એમ એમને થતું. હું એ ચોપડી છાપવા માટે અનેક વાર એમને પૂછતો; પણ તે પોતાની વૃત્તિને વળગી જ રહેવાનું પસંદ કરતા. આથી છેવટે તે ગયા પછી જ હું એ લખાણનો હાથલેખ મેળવી શક્યો.

મૂળ તેમણે ગુજરાતીમાં લખ્યું. જેલમાં જ એનો અંગ્રેજી તથા હિંદુસ્તાની, અનુવાદ તૈયાર કરાવી પોતે જોઈ ગયા. એમને મન આ ચોપડી કેટલી કીમતી હતી એનુંય સૂચક આ ગણાય. આનું કારણ છે - ગાંધીજીને મન શરીર અને તેનું આરોગ્ય ભોગ કે ઇંદ્રિયારામની વસ્તુ નહોતું. પણ માનવજીવનની સફળતાનું ઈશ્વરે બક્ષેલું સર્વોત્તમ સાધન હતું. અને એની સફળતા એ વડે ઇશ્વર અને તેની સૃષ્ટિની સેવા કરવી, એ હતી. આ કરવાને માટે શરીર તેનું આદ્ય સાધન છે. તેથી તે કેવી રીતે સાબૂત રાખવું, તે વિશેની આ અનુભવ-પૂત ચોપડી ગાંધીજીની લખેલી પહેલામાં પહેલી અને છેલ્લ્લામાં છેલ્લી આપણને ભેટ છે. એમના જીવનને યાદ કરીને ચાલવામાં એ સદાય આપણને પ્રેરો.

૧-૯-'૪૮