આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૧૦. બ્રહ્મચર્ય
← ૯. તમાકુ | આરોગ્યની ચાવી ૧૦. બ્રહ્મચર્ય મોહનદાસ કરમચંદ ગાંધી |
ભાગ બીજો:૧. પૃથ્વી એટલે માટી → |
૧૦. બ્રહ્મચર્ય
બ્રહ્મચર્યનો મૂળ અર્થ જે વડે બ્રહ્મ મળે તેવી ચર્યા. સંયમ વિના બ્રહ્મ મળે જ નહીં. સંયમમમાં સર્વોપરી ઈન્દ્રિયનિગ્રહ છે. સામન્યપણે બ્રહ્મચર્ય એટલે સ્ત્રીસંગ ન કરવો ને વીર્યસંગ્રહ સાધવો. સર્વ ઈન્દ્રિયોના સંયમ કરનારને વીર્યસંગ્રહ સહજ ને સ્વાભાવિક થઈ પડે છે. સ્વાભાવિક રીતે થયેલો વીર્યસંગ્રહ જ ધારેલું ફળ આપે છે. એવો બ્રહ્મચારી ક્રોધાદિથી મુક્ત હોય, જ્યારે ઘણા કહેવાતા બ્રહ્મચારી ક્રોધી ને અહંકારી જોવામાં આવે છે. કેમ જાણે તેઓને ક્રોધ કરવાનો, અભિમાની થવાનો ઇજારો મળ્યો હોય નહીં!
એમ પણ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યના પાલનના સામાન્ય નિયમોની અવગણના કરીને તેઓ કેવળ વીર્યસંગ્રહ કરવાની આશા રાખે છે. તેઓ નિરાશ થયા છે ને કેટલાક તો દીવાના જેવા બને છે. બીજા નિસ્તેજ જોવામાં આવે છે. તેઓ વીર્ય સંગ્રહ કરી શકતા
નથી ને કેવળ સ્ત્રીસંગ ન કરવામાં સફલ થાય તો પોતાને કૃતાર્થ થયેલા માને છે. સ્ત્રીસંગ ન કરવાથી જ બ્રહ્મચર્યપ્રાપ્તિ થઈ ન કહેવાય. જ્યાં લગી સ્ત્રીસંગમાં રસ રહ્યો છે ત્યાં લગી બ્રહ્મચર્યપ્રાપ્તિ થઈ ન કહેવાય. જે એ રસને બાળી શકે છે તે પુરુષ કે સ્ત્રીએ જ પોતાની જનનેન્દ્રિય ઉપર જીત મેળવી ગણાય. તેની વીર્યરક્ષા એ બ્રહ્મચર્યનું સીધું ફળ છે, પણ તે સર્વસ્વ નથી, ખરા બ્રહ્મચારીની વાણીમાં, વિચારમાં ને આચારમાં તરી આવે એવો પ્રભાવ જોવામાં આવે છે.
આવું બ્રહ્મચર્ય સ્ત્રીઓની સાથેના સંબંધથી કે તેના સ્પર્શથી અભડાશે નહીં. એવા બ્રહ્મચારીને સારુ સ્ત્રીપુરુષનો ભેદ નહીંવત્ થઈ જાય છે. આ વાક્યનો કોઈ અનર્થ ન કરે. એનો ઉપયોગ સ્વેચ્છાચારને પોષવામાં કદી ન થાય. જેની વિષયાસક્તિ બળીને ખાખ થઈ ગઈ છે, તેના મનમાં સ્ત્રીપુરુષનો ભેદ ટળી જાય છે, ટળવો જોઈએ. તેની ખૂબસૂરતીના ખ્યાલ જુદું જ રૂપ પકડે છે. તે બહારના આકારને જોશે જ નહીં. જેના આચાર ખૂબસૂરત છે. તે સ્ત્રી હો કે પુરુષ ખૂબસૂરત છે. તેથી રૂપાળી સ્ત્રીને જોઈને તે વિહ્વલ નહીં થાય. તેની જનનેન્દ્રિયે પણ જુદું રૂપ લીધું હશે, એટલે કે તે સદાયને માટે વિકારરહિત થશે. એ વીર્યહીન થઈ નપુંસક નહીં થાય, પણ તેના વીર્યનું પરિવર્તન થવાથી તે નપુંસક જેવો લાગશે. નપુંસકના રસ નથી બળતા એમ સાંભળ્યું છે. જેઓએ મને કાગળ લખ્યા છે, તેઓમાંના કેટલાકનો પુરાવો એ છે કે, જેઓ જનનેન્દ્રીયની જાગૃતિ ઈચ્છે છે પણ તેની જાગૃતી નથી થતી છતાં સ્ત્રાવ થઈ જાય છે. રસ રહ્યા છે તેથી તે બળ્યા કરે છે. આવા પુરુષ ક્ષીણવીર્ય હોઈ નપુંસક થયા છે; અથવા તે નપુંસક થવાની તૈયારી કરી રહ્યા છે. આ દયામણી સ્થિતી છે. પણ પોતાના રસ બળી જવાથી જે ઊર્ધ્વરેતા થયા છે તેનું નપુંસકત્વ સાવ જુદું જ છે અને તે સર્વને સારુ ઈષ્ટ છે. આવા બ્રહ્મચારી જવલ્લે જ મળે છે. બ્રહ્મચર્ય-પાલનનું મારું વ્રત સને ૧૯૦૬ની સાલમાં લેવાયું. એટલે તે પ્રયત્નને છત્રીસ વર્ષ થયાં. હું મારી વ્યાખ્યાને પૂર્ણ રીતે નથી પહોંચ્યો, પણ મારી દ્રષ્ટિએ મારી પ્રગતિ સારી થઈ છે ને ઈશ્વરની કૃપા હશે તો પૂર્ણ સફળતા દેહ પડ્યા પહેલાં પણ મળે. મારા પ્રયત્નમાં હું મંદ નથી પડ્યો. બ્રહ્મચર્યની આવશ્યકતા વિશેના મારા વિચાર વધુ દ્રઢ થયા છે એટલું હું જાણું છું. કેટલાક મારા પ્રયોગો સમાજની આગળ મૂકવા જેટલી સ્થિતીએ નથી પહોંચ્યા. જો મને સંતોષ થાય તેટલે અંશે સફળ થશે તો તે સમાજની પાસે મૂકવાની આશા રાખું છું. કેમ કે હું માનું છું કે તેવી સફળતાથી પૂર્ણ બ્રહ્મચર્ય કદાચ પ્રમાણમાં સહેલું થાય.
૧૧-૧૨-'૪૨
આ પ્રકરણમાં જે બ્રહ્મચર્યની ઉપર હું ભાર દેવા માગું છું તે વીર્યરક્ષા પૂરતું છે. પૂર્ણ બ્રહ્મચર્યના જે અમોઘ લાભ છે તે આમાંથી નહીં મળે. છતાં તેની કિંમત જેવી તેવી નહીં હોય,એના વિના પૂર્ણ બ્રહ્મચર્ય અસંભવિત છે.અને એના વિના, એટલે વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું અશક્યવત્ સમજવું. જે વીર્યમાં બીજા મનુષ્યને પેદા કરતી શક્તિ છે તે વીર્યનું ફોકટ સ્ખલન થવા દેવું એ મહા અજ્ઞાનની નિશાની છે. વીર્યનો ઉપયોગ ભોગને સારુ નથી, પણ કેવળ પ્રજોત્પતિને સારુ છે, એ પૂર્ણ પણે સમજાય તો વિષયાસક્તિને સ્થાન જ નથી રહેતું. સ્ત્રી-પુરુષ સંગમ પાછળ બન્ને નરનારી પછડાઈ મરે છે તે બંધ થાય , વિવાહનો અર્થ બદલાય, ને તે જે રીતે આજે જોવામાં આવે છે તે તરફ આપણને તિરસ્કાર છૂટે. વિવાહ એ સ્ત્રી પુરુષ વચ્ચેના હાર્દિક અને આત્મિક ઐક્યની નિશાની હોવી જોઈએ, વિવાહિત સ્ત્રીપુરુષ પૂર્ણ બ્રહ્મચારી ગણાવાને લાયક છે, જો તેઓ પ્રજોત્પતિના શુદ્ધ કારણ વિના કદી સંગ કરવાનો વિચાર જ ન સેવે તો. એવો સંગ બંનેની ઈચ્છા થતાં જ સંભવે. આ સંગ આવેશમાં ન થાય. કામાગ્નિ શાંત કરવાને કદી નહીં. સંગને કર્તવ્ય માની તે થયા પછી ફરી સંગની ઈચ્છા સરખી ઉત્પન્ન ન થવી જોઈએ. આ લખાણને કોઈ હાસ્યજનક ન ગણે. છત્રીસ વર્ષના અનુભવ પછી આ લખી રહ્યો છું એ વાંચનાર યાદ રાખે. હું જાણું છું કે સામાન્ય અનુભવની વિરુદ્ધ આ લખાણ જાય છે. સામાન્ય અનુભવની પાર આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ પ્રગતિ સંભવે છે. અનેક સારીનરસી શોધો થઈ છે તે સામાન્ય અનુભવની સામે થઈને જ શક્ય બની છે. ચકમકમાંથી દીવાસળી ને દીવાસળીમાંથી વીજળીની શોધ એક જ વસ્તુને આભારી છે. જે ભૌતિક વસ્તુને લાગુ પડે છે તે આત્મિકને પણ લાગુ પડે છે. પૂર્વે વિવાહ જેવી વસ્તુ જ ન હતી. સ્ત્રી-પુરુષ-સંગ ને પશુઓના સંગમાં ફરક ન હતો. સંયમ જેવી વસ્તુ ન હતી. કેટલાક સાહસિક માણસોએ સામાન્ય અનુભવને ઓળંગીને સંયમ માર્ગ શોધ્યો. એ સંયમ ધર્મ ક્યાં સુધી જઈ શકે છે એના પ્રયોગ કરવાનો આપણને અધિકાર છે ને તેમ કરવાનું કર્તવ્ય પણ છે. એટલે મારું કહેવું કે, મનુષ્યનું કર્તવ્ય સ્ત્રી-પુરુષ-સંગને હું સૂચવું છું તે કક્ષાએ પહોંચવાનું છે, તે હસી કાઢવા જોગ નથી. તે સાથે મારું એ પણ સૂચન છે કે, જો મનુષ્યજીવન જેમ ઘડાવું જોઈએ તેમ ઘડાય તો વીર્યસંગ્રહ સ્વાભાવિક વસ્તુ થવી જોઈએ.
નિત્ય ઉત્પન્ન થતાં વીર્યનો પોતાની માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિ વધારવામાં ઉપયોગ કરી લેવો જોઈએ. જે આમ ઉપયોગ કરતાં શીખે છે તે પ્રમાણમાં ઘણા ઓછા ખોરાકથી પોતાના શરીરને બાંધી શકશે. અલ્પાહારી હોવાં છતાં તે શારીરિક શ્રમમાં કોઈથી ઊતરશે નહીં. માનસિક શ્રમમાં તેને ઓછામાં ઓછો થાક લાગશે. ઘડપણના જે ચિન્હ આપણે જોઈએ છીએ તે આવા બ્રહ્મચારીમાં જોવામાં નહીં આવે. જેમ પાકેલું પાંદડું કે ફળ સહેજે ખરી પડે છે તેમ પોતાનો સમય આવ્યે માણસ સર્વ શક્તિ ધરાવતો છતો ખરી પડશે. આવા માણસનું શરીર વખત જતાં ભલે ક્ષીણ દેખાય, પણે તેની બુદ્ધિ ક્ષીણ થવાને બદલે નિત્ય વિકસવી જોઈએ. તેના તેજમાં પણ વધારો જ થવો જોઈએ. આ ચિહ્ન જેને વિષે ન જોવામાં આવે તેના બ્રહ્મચર્યમાં તેટલી ન્યૂનતા સમજવી. તેને વીર્યસંગ્રહની કળા નથી સાધી. આ બધું સાચું ન હોય-ને મારો દાવો છે કે સાચું છે- તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહેલી છે.
વીર્ય સંગ્રહના થોડાં મોટા નિયમો જેવા હું જાણું છું તે અહીં આપું છું:
૧૨-૧૨-'૪૨
૧. વિકારમાત્રની જડ વિચારમાં રહેલી છે, તેથી વિચારો ઉપર કાબૂ મેળવવો. એનો ઉપાય એ છે કે , મનને ખાલી ન રહેવા દેવું, સારા ને ઉપયોગિ વિચારોથી ભરી મેલવું. અર્થાત્ પોતે જે કાર્યમાં રોકાયેલા હોય તેને વિશે ફિકર ન વેઠવી, પણ તેમાં કઈ રીતે નિપુણતા મળે એ વિચારવું ને તેનો અમલ કરવો. વિચાર અને તેનો અમલ વિકારોને રોકશે. પણ આખો વખત કામ નથી હોતું. મનુષ્ય થાક ખાય છે, શરીર આરામ માગે છે, રાતના ઊંઘ નથી આવતી, ત્યારે વિકારોના હુમલા સંભવે. આવા પ્રસંગોમાં સૌથી સર્વોપરી સાધન જપ છે. ભગવાનને જે રૂપે અનુભવ્યો હોય અથવા અનુભવવાની ધારણા રાખી હોય, તે રૂપને હૃદયમાં રાખીને તે નામનો જપ કરવો. જપ ચાલતો હોય ત્યારે બીજું કંઈ મનમાં ન હોવું જોઈએ. આ આદર્શ સ્થિતિ છે. તેને ન પહોંચાય અને અનેક અણનોતરેલા વિચારો ચડાઈ કરતા હોય તેથી થાકવું નહીં, પણ શ્રદ્ધાપૂર્વક જપ જપ્યા કરવો. તેને અંતે વિજય છે જ એમ નિશ્ચય પૂર્વક માનવું એટલે વિજય થશે જ.
૨. વિચાર તેમ વાચા ને વાચન વિકારોને શમાવનારા હોવાં જોઈએ. તેથી બોલમાત્ર તોળીને બોલવો, જેને બીભત્સ વિચાર ન આવે તેને મુખેથી બીભત્સ બોલી નીકળે જ નહીં.
વિષયને પોષનારું બહોળું સાહિત્ય પડ્યું છે. તેની તરફ મનને કદી જવા ન દેવું. સદ્ગ્રંથો અથવા પોતાના કાર્યને લાગતા ગ્રંથો વાંચવા, તેનું મનન કરવું. ગણિતાદિને અહીં મોટું સ્થાન છે. દેખીતું છે કે જે વિકારોનું સેવન નથી ઈચ્છતો તે વિકારને પોષે અથવા ધંધાનો ત્યાગ સેવશે.
૩. જેમ મગજ રોકાયેલું હોય તેમ જ શરીર રોકાયેલું હોવું જોઈએ - એવું કે રાત પડ્યે મણસને જે સુંદર થાક ચડેલો હોય તે પથારીમાં પડ્યો કે તુરત તેને નિદ્રાવશ કરે. એવાં સ્ત્રીપુરુષની નિદ્રા શાંત અને નિ:સ્વપ્ન હોય છે. જેટલું ખુલ્લામાં મહેનત કરવાનું મળે તેટલું વધારે સારું. જેને આવી મહેનત જ ન સાંપડે તેવાઓએ અચૂક કસરત કરવી. ઉત્તમોત્તમ કસરત ખુલ્લી હવામાં વેગે ફરવાની છે. ફરતાં મોઢું બંધ હોય, શ્વાસ નાકેથી જ લેવાય. ચાલતાં, બેસતાં શરીર ટટ્ટાર જ હોય. જેમ તેમ બેસવું કે ચાલવું એ આળસની નિશાની છે. આળસમાત્ર વિકારનું પોષક છે. આસનોનો અહીં ઉપયોગ છે. જેના હાથ, પગ, આંખ , કાન, નાક જીભ ઈત્યાદિ પોતાનાં યોગ્ય કામ યોગ્ય રીતે કરે છે, તેની જનનેન્દ્રિય કદી ઉપદ્રવ કરતી જ નથી, એ અનુભવવાક્ય સૌ કોઈ માને એવી આશા રાખું છું.
૪. જેવો આહાર તેવો આકાર. જે માણસ અત્યાહારી છે, જેના આહારમાં કશો વિવેક નથી, તે પોતાના વિકારોનો ગુલામ છે. જે સ્વાદને ન જીતે તે ઈંદ્રિયજિત કદી નહીં થઈ શકે તેથી માણસે યુકતાહારી ને અલ્પાહારી બનવું ઘટે છે. અહરીર આહારને સારુ નથી, પણ આહાર શરીરને સારુ છે. અને શરીર પોતાને ઓળખવા સારુ બન્યું છે. પોતાને ઓળખવો એટલે ઈશ્વરને ઓળખવો. એ ઓળખને જેણે પોતાનો પરમ વિષય બનાવ્યો છે, તે વિકારોને વશ નહીં થાય.
૫. પ્રત્યેક સ્ત્રીને માતા, બહેન કે દીકરી તરીકે જોવી. કોઈ પુરુષ પોતાની મા, બહેન કે દીકરી ઉપર વિકારી નજરે નહીં જુએ. સ્ત્રી પ્રત્યેક પુરુષને પિતા, ભાઈ કે દીકરા તરીકે જુએ.
મારાં બીજાં લખાણોમાં મેં વધારે નિયમો આપ્યા છે તે બધાનો સમાવેશ આ પાંચમાં થઈ જાય છે. તેનું પાલન કરનરને સારુ મહાન વિકારને જીતવો બહુ સહેલું થઈ પડવું જોઈએ. જેને બ્રહ્મચર્ય પાળવાની ધગશ છે તે, એ પાલન અસંભવિત છે અથવા કરોડોમાંથી કોઈક જ પાળી શકે, એમ માનીને તેનો પ્રયત્ન નહીં છોડે. જે રસ તેના પાલનમાં છે તે બીજી કશી વસ્તુમાં નથી. હું બીજી રીતે કહું તો એમ કહેવાય કે, જે આનંદ ખરી રીતે નીરોગી શરીર ભોગવે છે તે આનંદ બીજી કશી વસ્તુમાં નથી, ને કોઈ શરીરને તે નીરોગિતા નહીં સાંપડે જે વિકારનું ગુલામ છે.
કૃત્રિમ અંકુશ: હવે કૃત્રિમ ઉપાયો વિશે થોડું લખું. ભોગ ભોગવવા છતાં કૃત્રિમ ઉપાયોથી પ્રજોત્પતિ અટકાવવાની પ્રથા જૂની છે. પણ પૂર્વે તે છૂપી રીતે ચાલતી. આ સુધારાના જમાનામાં તેને ઊંચુ સ્થાન મળ્યું છે, ને ઉપાયો પણ પદ્ધતિસર રચાયા છે. એ પ્રથાને પરમાર્થની ઓઢણી ઓઢાડવામાં આવી છે. તેના હિમાયતી કહે છે કે, ભોગેચ્છા એક કુદરતી વસ્તુ છે, કદાચ તેને બક્ષિસને નામે પણ ઓળખાવાય. તેને કાઢવી અશક્ય છે, તેની ઉપર સંયમનો અંકુશ મૂકવો મુશ્કેલ છે. અને સંયમ સિવાય બીજો કોઈ ઉપાય ના યોજવામાં આવે તો અસંખ્ય સ્ત્રીઓની ઉપર પ્રજોત્પતિનો ભાર પડે, ને ભોગથી ઉત્પન્ન થતી પ્રજા એટલી વધી પડે કે મનુષ્યજાતિના સારુ એટલો ખોરાક જ ન મળી શકે. આ બે આપત્તિઓને અટકાવવા સારુ કૃત્રિમ ઉપાયો યોજવાનો માનવ ધર્મ થઈ પડે છે. મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું, કેમ કે એ ઉપાયોથી બીજી ઉપાધિઓ મનુષ્ય વહોરી લે છે; અને સૌથી મોટું નુકશાન તો એ છે કે, સંયમધર્મનો લોપ થવાનો ભય પેદા થશે. એ રત્ન વેચી ગમે તેવો તાત્કાલિક લાભ થતો હોય તો તે જતો કરવો જોઈએ. પન આસ્થાને હું દલીલમાં ઊતરવા નથી ઈચ્છતો. જિજ્ઞાસુને મારી ભલમણ છે કે તે नीतिनाशने मार्गे નામનું મારું પુસ્તક મેળવે ને તેનું મનન કરે ને પછી તેના હૃદય ને બુદ્ધિ જે કહે તે પ્રમાણે ચાલે. જેને એ પુસ્તક વાંચવાની ઈચ્છા કે ફુરસદ ન હોય તે ભૂલેચૂકે પણ આ કૃત્રિમ ઉપાયોની પડખે ન ચડે. ભોગનો ત્યાગ કરવાનો ભગીરથ પ્રયત્ન કરે અને નિર્દોષ આનંદના ક્ષેત્રો છે તેમાંથી થોડાં પસંદ કરે. ખરો દંપતીપ્રેમ શુદ્ધ માર્ગે જાય, બંને ઊંચે ચડે એવા કાર્યો શોધે, કે જેમાંથી વિષય વાસના સેવવા જેટલો અવકાશ જ ન મેળવી શકે . શુદ્ધ ત્યાગના થોડા અભ્યાસ પછી તેમાં રહેલો રસ તેમને વિષય ભની જવા જ નહીં દે. મુશ્કેલી આત્મવંચનામાં પેદા થાય છે. ત્યાગનો આરંભ વિચાર શુદ્ધિથી નથી થતો પણ કેવળ બહ્યાચારને રોકવાના ફોકટ પ્રયત્નથી થાય છે. વિચારની દ્રઢતા સાથે આચારનો સંયમ શરૂ થાય તો સફળતા મળ્યા વિના ન જ રહે. સ્ત્રીપુરુષની જોડી વિષયસેવન સારુ કદી તૈયાર નથી થઈ.