આરોગ્યની ચાવી/ભાગ બીજો:૧. પૃથ્વી એટલે માટી

← ૧૦. બ્રહ્મચર્ય આરોગ્યની ચાવી
૧. પૃથ્વી એટલે માટી
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. પાણી →


આરોગ્યની ચાવી

ભાગ બીજો

૧. પૃથ્વી એટલે માટી

૧૨-૧૨-'૪૨

આ પ્રકરણો લખવાનો હેતુ નૈસર્ગિક ઉપચારોનું મહત્ત્વ બતાવવાનો અને તેનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો છે એ બતાવવાનો છે. એ વિશે થોડું તો ગત પ્રકરણોમાં કહેવાઈ ગયું છે. અહીં કંઈક વિસ્તારથી કહેવું છે. જે તત્ત્વોનું મનુષ્યરૂપી પૂતળું બન્યું છે, તે જ નૈસર્ગિક ઉપચરનાં સાધન છે, પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સૂર્ય) ને વાયુનું આ શરીર છે. તે સાધનોનો ક્રમપૂર્વક ઉપયોગ સૂચવવાનો આ પ્રયત્ન છે.

સન ૧૯૧૦ની સાલ લગી મને કંઈ વ્યાધિ થાય તો હું દાક્તરોની પાસે તો ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો. એક -બે વસ્તુ સ્વ. દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવી હતી. થોડો અનુભવ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો ત્યાં મળેલો. બીજું વાચનથી પામેલો તે. મને મુખ્ય પજવણી બંધકોષની હતી. તેને સારુ વખતોવખત ફ્રૂટ સૉલ્ટ લેતો. તેથી કંઈક આરામ મળતો, પણ નબળો થતો. માથું દુઃખે. બીજા પણ નાના ઉપદ્રવો થાય, એટલે દાકતર પ્રાણજીવન મહેતાએ બતાવેલી દવા લોહ (ડાયલાઈઝ્ડ)અને નક્સવામિકા લેતો. દવાઓ ઉપર વિશ્વાસ ઘણો ઓછો હતો. એટલે એ ન ચાલતાં જ લેતો. તેથી સંતોષ ન થતો.

આ અરસામાં ખોરાકના મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નૈસર્ગિક ઉપચારોમાં મને સારી પેઠે વિશ્વાસ હતો, પણ કોઈની મદદ ન હતી. છૂટું છવાયું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુષ્કળ ફરવાનું રાખતો તેથી કોઈ દિવસ ખાટલો સેવવો નહોતો પડ્યો. આમ મારું રગશિયું ગાડું ચાલતું હતું. તેવામાં જુસ્ટનું रिटर्न टु नेचर નામનું પુસ્તક ભાઈ પોલાકે મારા હાથમાં મૂક્યું. તે પોતે તેના ઉપચારો નહોતા કરતા. ખોરાક જુસ્ટે બતાવેલો કંઈક અંશે લેતા. પણ મારી ટેવો જાણે તેથી તેણે મારી પાસે મજકૂર પુસ્તક મૂક્યું. તેમાં મુખ્યત્વે ભાર માટી ઉપર મૂક્યો છે. મને લાગ્યું કે એનો પ્રયોગ મારે કરી લેવો જોઈએ. બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મૂકવી. જુસ્ટની ભલામણ માટી કંઈ કપડા વિના પેડુ પર મૂકવાની છે, પણમેં તો ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ મૂકીએ તેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઊઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો. તે દિવસથી તે આજ લગી એમ કહી શકાય કે હું ફ્રૂટ સૉલ્ટને ભાગ્યેજ અડ્યો હોઈશ. જરૂર જણાયે કોઈક વાર એરંડિયું તેલ નાનો ચમચો પોણો સવારના લઉં છું ખરો. આ માટીને લોપરી ત્રણ ઈંચ પહોળી અને છ ઈંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઈંચ કહો. જુસ્ટનો દાવો છે કે, જેને ઝેરી સાપ ડંખ્યો હોય તેને જો માટીનો ખાડો કરી(માટીથી ઢાંકીને) તેમાં સુવડાવવામાંઅ આવે તો તે ઝેર ઊતરે છે. એવો દાવો સાબિત થાઓ કે ન થાઓ, પણ મેં જાતે જે ઉપયોગ કર્યો છે તે તો કહી જાઉં. માથું દુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ પ્રયોગ કર્યો છે. માથું દુખવાના અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્ય પણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલિક લાભ તો આપે જ છે. સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મૂકેલી છે. એવા ફોડા ઉપર મૂકવાને સારુ સાફ કપડું લઈ તેને હું પરમૅન્ગેનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મૂકું છું. ઘણે ભાગે ફોડા માટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઈ નિષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીનાં ડંખમાં મેં માટીનો ખૂબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હંમેશની ચીજ થઈ પડેલ છે. જાણીતા બધા ઈલાજો ત્યાં રાખ્યાં છે. કોઈને વિશે એમ ન કહી શકું કે તે તો અચૂક ફાયદો કરે જ છે. કોઈ ઇલાજોથી માટી ઊતરતી નથી એટલું કહી શકાય.

૧૪-૧૨-'૪૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુને માથા ઉપર, જો માથું દુખતું હોય તો કર્યો છે. તેથી હંમેશાં તાવ ગયો છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતિ તો થઈ જ છે. ટાઈફૉઈડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તો તેની મુદ્દતે જ જાય છે, પણ માટીએ હંમેશા દરદીની શાંતિ આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે. સેવાગ્રામમાં દસેક ટાઈફૉઈડના થઈ ગયા. એક પણ કેસ ખોટો નથી થયો. ટાઈફૉઈડનો ભય સેવાગ્રામમાં નથી રહ્યો. એકેય કેસમાં દવાનો ઉપયોગ નથી કર્યો એમ કહી શકું. માટી ઉપરાંત બીજા નૈસર્ગિક ઉપચારો કર્યા છે ખરા. તે એને સ્થળે આપવા ધારું છું.

માટીનો ઉપયોગ છૂટથી ઍન્ટીફ્લોજિસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસિયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બિલકુલ નિર્દોષ બની જાય છે.

માટી કેવી હોવી જોઈએ એ કહેવાનું રહે છે. મારો પ્રથમ પરિચય તો ચોખ્ખી લાલ માટીનો હતો. પાણી મેળવવાથી એમાંથી સુગંધ છૂટે છે. આવી માટી સહેજે મળતી નથી. મુંબઈ જેવા શહેરમાં તો કોઈ પણ પ્રકારની માટી મેળવવી મને તો મુશ્કેલ પડ્યું છે. માટી ચીકણી ન હોવી જોઈએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુવાળી રેશમ જેવી હોવી જોઈએ. તેમાં કાંકરી ન હોવી જોઈએ તેથી એ છેકે ઝીણી ચાળણીમાં ચાળવી જોઈએ. તદ્દન સાફ ન લાગે તો માટીને શેકવી. માટી છેક સૂકી હોવી જોઈએ. ભીની હોય તો તેને તડકે કે અંગાર ઉપર સુકવવી. સાફ ભાગ ઉપર વાપરેલી માટી સુકવી નાખ્યા પછી વારંવાર વાપરી શકાય છે. આમ વાપરવાથી માટીનો કોઈ ગુણ ઓછો થતો હોય એમ હું જાણતો નથી. મેં આમ વાપરી છે ને તેનો ગુણ ઓછો થયો હોય એવું અનુભવ્યું નથી. માટીનો ઉપયોગ કરનારાઓ તરફથી સાંભળ્યું છે કે, જમનાને કિનારે પીળી માટી મળે છે તે બહુ ગુણકારી છે.

સાફ ઝીણી દરિયાઈ રેતી એક બરની ખાવાનો પ્રયોગ દસ્ત લાવવાને સારુ કરાય છે, એમ ક્યુની લખ્યું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે: માટી કંઈ પચતી નથી. એને તો કચરાની જેમ બહાર નીકળવાનું જ છે. ને નીકળતા મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગો કરવા ધારે તેણે વિચારપૂર્વક પ્રયોગો કરવો. એક-બે વેળા અજમાવી જોવાથી કંઈ નુકશાન થવાનો સંભવ નથી.