આ તે શી માથાફોડ !/૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે

← ૧૦૦. પોતાના રમતાં બાળકો પ્રત્યે આ તે શી માથાફોડ !
૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે
ગિજુભાઈ બધેકા
૧૦૨. બા મારે છે →


: ૧૦૧ :
અર્ધદગ્ધ આયા એટલે

આયા એટલે એકાદ અર્ધદગ્ધ કાંઈક અંગ્રેજી ભણેલી ને પેટને માટે નોકરી કરનારી બાઈ.

આયા એટલે શેઠને મન બાળકોને સાચવવા રાખવા માટેનું હોશિયાર અને લાયક માણસ !

આયા એટલે શેઠાણીને મન છોકરાંને પોતાનાથી દૂર રાખવા માટેનું સોંપ્યા ઠેકાણું.

આયા એટલે મોટે ભાગે છોકરાંઓને ન ગમે તેવા રૂપરંગની કૃતિ.

આયા એટલે શ્રીમંતને મન ઘરનું એક આવશ્યક ઘરાણું.

આયા એટલે અમીર ઉમરાવોને પદવી શોભાવવાનું એક વધારે સાધન.

આયા એટલે કેળવણીમાં સમજવાનો દાવો કરનારને મન બાળકોને માટે અમે કંઈક કરીએ છીએ એવો સંતોષ લેવાનું સ્થળ.

આયા એટલે વગર કારણે ઘરમાં વારંવાર શેઠશેઠાણી અને અન્ય નોકરો વચ્ચે ખટપટ જગાડનારું પાત્ર.

આયા એટલે શેઠાણીનો શેઠ.

આયા એટલે શેઠાણીના માતૃપદનું જીવંત અપમાન.

આયા એટલે શેઠશેઠાણીએ પોતાનાં બાળકો માટે રાખેલ ગોવાળ. આયા એટલે “ચૂપ રહો; ગરબડ નહિ, શેઠકુ બોલેગા” એમ કહીને બાળકોને ડાહ્યાં બનાવનાર શિક્ષક.

આયા એટલે “કારણકે બાળક જંગલી બન્યું હતું.” એમ કહી શિક્ષા કરીને તેને સુધારનાર શિક્ષણશાસ્ત્રી.

આયા એટલે બાળકોનો ’બિલાડો’ અગર ’વાઘ.’

આયા એટલે બાળકને ચોંટિયો ભરી રડાવીને “કેમ રડે છે ?” એમ દમ મારીને પૂછનાર બાઈ.

આયા એટલે ઝટ ઝટ બાળકોને લૂગડાં પહેરાવી, બૂટ પહેરાવી, ધીરજથી બાળકને તૈયાર કરવા દેવાને બદલે પોતે કરી દેનાર, ને કાશ કાઢનાર-બાળકને અપંગ બનાવનાર એક વૈદ્યશાસ્ત્રી.

આયા એટલે ફરવા જાય ત્યાં ટોળે મળીને, ભેગી થઈને હલકી હલકી સામાજિક વાતો ચલાવે તેનો લાભ બાળકોને આપનાર, બાળકોનાં માબાપોએ ખર્ચ કરીને રાખેલ સમાજશાસ્ત્રી.

આયા એટલે માબાપ પાસેથી કંઈક છૂટ અપાવનાર, માબાપ પાસેથી કંઈક હક્ક મેળવી આપનાર ને પોતાનું કહ્યું કરવું જોઈએ એવી શરતે કામ કરનાર બાળકોનો વકીલ.

આયા એટલે ઘરમાં પેસી ગયેલ ઘૂસ. આ બધું જાણતાં ન હોય તેઓ આયાથી દૂર અને તેની પાછળ ઊભાં રહી જોઈ લે. માલૂમ પડશે કે આયા કેવું પ્રાણી છે.