← ૧૦૧. અર્ધદગ્ધ આયા એટલે આ તે શી માથાફોડ !
૧૦૨. બા મારે છે
ગિજુભાઈ બધેકા
૧૦૩. માબાપોને શું કહેવું ? →


: ૧૦૨ :
બા મારે છે

“કોને કોને પોતાની બા મારે છે ?”

“અમને. અમને.” પચાસ હાથ ઊંચા થયા.

“ચંપક, તમને કેમ મારે છે ?”

“ખુરશી ઉપર ચડીને કૂદકા મારીએ છીએ અટલે.”

“લીલુ, તમને કેમ ?”

“બાને દાંતિયે માથું ઓળીએ છીએ માટે.”

“શિવજી, તમને કેમ ?”

“અમે બાપાની કલમે લખતા હતા માટે.”

“રાધા, તમને કેમ ?”

“બાને કીધું કે મારે ઝટ ખાવું છે માટે.”

“કિરીટ, તમને કેમ ?”

“અમે તોફાન કરીએ છીએ માટે.”

“શું તોફાન કરો છો ?”

“કોણ જાણે.”

“શૈલેશ, તમને કેમ ?”

“બા, સાથે સિનેમા જોવા જવા રડીએ છીએ માટે.”

“દેવીબેન, તમને કેમ ?”

“અમે કજિયા કરીએ છીએ માટે.”

“શું કામ કજિયા કરો છો ?”

“અમને ખબર નથી.”