આ તે શી માથાફોડ !/૧૦૮. તમારું બાળક તમને કહે કે —
← ૧૦૭. આજે નિશાળે નથી જાવું | આ તે શી માથાફોડ ! ૧૦૮. તમારું બાળક તમને કહે કે — ગિજુભાઈ બધેકા |
૧૦૯. કોઈ વાર પડદા પાછળથી જોશો ? → |
તમારું બાળક તમને કહે કે —
ધારો કે તમારું બાળક તમને કહે કે બાપા, હું જરા લખું છું; તાણી તાણીને વાતો કરીને મને ખલેલ ન પહોંચાડો.
ધારો કે તમારું બાળક તમને કહે કે આજે તો મારા મિત્રો મને મળવા આવ્યા છે એટલે હું જમવામાં મોડો આવીશ.
ધારો કે તમારું બાળક તમને કહે કે તમે મોટાઓ નિયમિતપણે પોતાનું કામ નથી કરતા એ ઠીક નહિ.
ધારો કે તમારું બાળક તમને કહે કે આજે નિશાળે જવાની જરા આળસ થાય છે; જરા મહેતાજીને ચિઠ્ઠી લખીને મોકલાવોને કે આજે એ નહિ આવે.
ધારો કે તમારું બાળક તમને કહે કે તમે કપડાં ગંદા રાખો છો, જોડા મેલા રાખો છો તે કાંઈ સારું નહિ; એવું અમને નથી ગમતું; એવું મોટાઓને શોભે નહિ.
ધારો કે તમારું બાળક તમને કહે કે જુઓ, બા, એમ જૂઠું ન બોલીએ; જૂઠું બોલવાથી પાપ લાગે. જુઓ, કાલથી સાચું બોલજો.
ધારો કે તમારું બાળક તમને કહે કે પૈસા કાંઈ નાખી દેવા માટે નથી; નકામી ચોપડીઓ ને કપડાં ને એવું લીધા કરો છો તે ઠીક નહિ.
ધારો કે તમારું બાળક તમને કહે કે જુઓ તમને અમારી સાથે બરાબર વર્તતા નથી આવડતું, માટે તમારે બાળકો પ્રત્યે કેમ વર્તવું તે બાબતમાં અમુક ચોપડી વાંચવી.
ધારો કે તમારું બાળક તમને કહે કે જુઓ, તમે બા-બાપા અંદર અંદર લડશો તો તમને ઘરમાં આવવા નહિ દઈએ, તમને જમવા નહિ દઈએ.
ધારો કે તમારું બાળક તમને કહે કે તમને બરાબર કામધંધો નથી આવડતો માટે માસ્તર રાખવો પડશે...તો ?