આ તે શી માથાફોડ !/૧૧૭. કોણ વધારે કેળવાય છે ?

← ૧૧૬. બતાવો તો ? આ તે શી માથાફોડ !
૧૧૭.કોણ વધારે કેળવાય છે ?
ગિજુભાઈ બધેકા
૧૧૮. આમ નહિ, પણ આમ. →


: ૧૧૭ :
કોણ વધારે કેળવાય છે ?

કોણ વધારે કેળવાય છે ?

પૂનો અરધે ઉઘાડે ડિલે સૂરજના તડકામાં આથડે છે ને ટાઢ ઉડાડે છે.

ઉષઃકાન્ત શરીરને ગરમ કપડાંથી લપેટીને સગડી પાસે બેઠો છે.

પૂનો ઘરપાસે આવેલા કૂતરાને હાથમાં પથરો લઈ ઝટ કરતો હાંકી કઢે છે.

ઉષઃકાન્ત કૂતરો જોઈ રડતો રડતો પાછો ભાગી બાને બોલાવે છે.

પૂનો ખોબો વાળી ઉપરથી રેડાતું પાણી ઘટક ઘ્ટક પી જાય છે.

ઉષઃકાન્ત પાણી પીતાં પીતાં પ્યાલું ઢોળે છે. ને લૂંગડા પલાળે છે.

પૂનો ઘરની ગાય અને ભેંશને હાથમાં દંડીકો લઈ પાવા જાય છે.

ઉષઃકાન્ત તેની ભેંશ કે ગાય સામે મળે છે ત્યારે 'બા' કરતો ભાગે છે.

પૂનો સવારે અરધો રોટલો ને છાશ શિરાવે છે ને બપોર પહેલાં ભૂખ્યો થાય છે.

ઉષઃકાન્તને દૂધ ભાવતું નથી ને ચાનો એક પ્યાલો લીધા પછી બપોર સુધી ભુખ્યો થતો નથી.

પૂનો દોડાદોડ સાત ટાપલિયો દાવ રમે છે ને કેમે કરી હાથમાં આવતો નથી.

ઉષઃકાન્ત રમવાની જ ના પાડે છે. તે કહે છે : “મને રમવું ન ગમે; હું તો પડી જાઉં.”

પૂનો કરોળિયા જાળાં ક્યાં બાંધે છે તે શોધવા જાય છે; તે કાબરનાં ઈન્ડાને શોધી જાણે છે. એને આંબે ચડીને કેરી ઉતારતાં આવડે છે; ભેંશે ચડીને ઢોરને પાણી પાવા જતાં આવડે છે; અંધારામાં તારાને અજવાળે ચાલતાં આવડે છે.

ઉષઃકાન્ત ઘરમાં બેઠો બેઠો કરોળિયાની ને કાબરનાં ઈન્ડાની વાતો વાંચે છે; આંબાના અને તારાના પાઠોની નકલ કરતાં તેને સારી આવડે છે; તેના અક્ષર સારા છે.