આ તે શી માથાફોડ !/૨૯. નિશાળે ન જવા માટે

← ૨૮. ઈ વળી ઢોંગ શાં ? આ તે શી માથાફોડ !
નિશાળે ન જવા માટે
ગિજુભાઈ બધેકા
૩૦. ના પાડે છે →


: ૨૯ :
નિશાળે ન જવા માટે

અમારી સાથે પ્રાગલો નામનો એક છોકરો ભણતો હતો. એને નિશાળ કડવી ઝેર જેવી લાગે. બાપ પરાણે ભણવા મોકલે એટલે ગયા વિના છૂટકો નહિ. પ્રાગલે છૂટવાનો રસ્તો શોધી કાઢ્યો.

એક દિવસ ઘાસલેટ પીધું. આખે ડીલે પરસેવો ! દોડાદોડ થઈ રહી. એક સીસો ભરી ઘાસલેટ પી ગયો હતો; મરતો મરતો બચ્યો.

બધા કહે : “એલા ! ઘાસલેટ શું કામ પીધું ?”

પ્રાગલો કહે: “ નિશાળે ન જવા માટે.”

કાળિયાને પણ નિશાળે જતાં ટાઢ વાય. આમ ભલો છોકરો; રજા હોય ત્યારે સોળ કળાનો પણ જ્યાં નિશાળનું નામ પડ્યું ત્યાં અંગેઅંગ ઢીલાં ! ન જાય તો માસ્તર ટાંગા ટોળી કરી ઉપાડે.

કાળિયે નિશાળ ન જવાની યુક્તિ શોધી કાઢી.

નિશાળનો વખત થાય એટલે પાટી-દફતર લઈ ગામ બહાર ભાગી જાય. નદીએ જાય, તળાવે જાય; આખો દહાડો રખડી સાંજે ઘેર આવે.

માસ્તર કહે : “ઓલ્યા કાળિયાને ટાંગાટોળી કરી લઈ આવો.”

કાળિયો તો ભાગી ગયો હોય ! હાથમાં ક્યાંથી આવે ? ગામને પાદર કુંભારવાડો હતો. ત્યાં એક નાની કૂઈ હતી. કૂઈએ જઈને કાળિયો સંતાયો.

અમે ફરતા ફરતા ત્યાં આવ્યા. કાળિયો રાડેરાડ નાખે : “એ કુંભારકાકી, એ કુંભારકાકી ! આ છોકરા મને લઈ જાય છે, છોડાવો રે છોડાવો !”

કુંભાર કહે : “”એલા, ત્યાં કૂઈમાં શું કામ સંતાણો'તો ?”

“આ છોકરા મને નિશાળે ન લઈ જાય માટે.”


થોડા વખત પહેલાં અમેરિકામાં એક નિશાળ સળગી ગઈ. કેટલાંય નાનાં બાળકો બળી મૂવાં.

નિશાળ કેમ કરતાં સળગી ?

એક છોકરીએ સળગાવી.

શા માટે ?

છોકરીને નિશાળે જવું ન ગમે. છોકરીએ નિશાળે ન જવાના ઘણાં બહાના કાઢ્યા; એકે ન ચાલ્યું. માંદી પડે તો નકામું ગયું; કજિયો કર્યો, નકામો; પાછી હઠી, નકામું ગયું.

છોકરીને થયું: “આ નિશાળ છે તો જવું પડે ના ?” બીજે દિવસે ઘાસલેટનું પોતું લઈ નિશાળમાં આગ મૂકી; નિશાળ બળી ગઈ !

છોકરીને પોલીસોએ પકડી ને તેના ઉપર કેસ ચાલ્યો.

ન્યાયાધીશે પૂછ્યું: “નિશાળ કેમ બાળી ?”

છોકરી કહે: “મારા બાપા પરાણે નિશાળે ભણવા મૂકતા હતા, ને મારે જવું ન હતું માટે.”

**

નિશાળે ન જવા માટે પ્રાગલે ઘાસલેટ પીધું, કાળિયો કુંભારની કૂઈમાં સંતાયો, ને અમિરિકાની છોકરીએ સમૂળગી શાળા જ બાળી !

ત્રણે સાચા બનાવો. બે આપણા દેશના, ને ત્રીજો પરદેશનો.

સામે થવામાં બળાબળનો તફાવત સ્પષ્ટ અને સહજ છે. આથી નબળી રીતે તો કેટલાયે ક્ષીણપ્રાણ છોકરાંઓ શાળા સામેનો પોતાનો વિરોધ રાખીને શાળાએ જાય છે, ને બહારથી શાંતિથી બેસે છે.

બાળકો માટે નિશાળોએ વધારે પ્રતિષ્ઠા મેળવવી નહિ જોઈએ ? પણ એમ લાંચ-રુશ્વતથી પ્રતિષ્ઠા મેળવ્યે પણ શો ફાયદો ?