← ૫૦. નહિ બોલું આ તે શી માથાફોડ !
૫૧. ધારે છે કે-
ગિજુભાઈ બધેકા
૫૨. કોઈને કંઈ પૂછીશ જ નહિ, તો ? →


: ૫૧ :
ધારે છે કે—

બા ધારે છે કે હું સાવ અણસમજુ છું. ખોટી વાત છે. બાને તાવ નહોતો આવ્યો ને કાકીને કહ્યું: “હું ફરવા નહિ આવું. મને તાવ આવ્યો છે.”

બાપા ધારે છે કે હું સાવ છોકરું છું; એ પણ ખોટી વાત છે. મળવા આવ્યો હતો એને કહે: “કાલે તો હું બહાર ગામ હતો. સારું થયું કે તમે ન આવ્યા !” બાપા તો દિવસ બધો ઘરમાં જ હતા.

બા ધારે છે કે હું સાવ ભોળો છું. એ વાત ખોટી છે. હું બહાર ગયો ત્યારે મારા ભાગમાંથી લઈને

બાએ બેનને આપ્યું ને મને કહે: “એ તો એટલું જ હતું.”

બાપા ધારે છે કે હું સાચું બોલું છું. મને ખબર છે કે હું ખોટેખોટું હાંકું છું ! બાપાને છેતરતાં મને આવડે છે.

બા ધારે છે કે બધો વાંક શેરીના છોકરાનો જ હોય છે. બાને શી ખબર કે એકેએક છોકરાનું માથું ભાંગીને પાછો ફરું છું !

બાપા ધારે છે કે હું ભણવામાં હોશિયાર છું ને પહેલો નંબર રાખું છું. ભલે બાપા ધાર્યા કરે ! કોપી કરી કરીને સાચું પાડું છું એ વાત તો હું જાણું છું ના ?

બા ધારે છે કે હું તો સાવ સોજો છું; બેનનો જ બધો વાંક છે. ખરી વાત તો હું જાણું છું ના ? બેનને છાનામાના ચોંટિયા હું જ ભરું છું ના ?

બાપા ધારે છે કે ચાકર પૈસા લઈ ગયો ! ચાકર શું લેતો'તો ? પૈસાનો બરફ લેવાયો ને ખવાઈ પણ ગયો !

ભલે બા-બાપા ગમે તેમ ધારે; હું જાંઈ છોકરું યે નથી. અને અણસમજુ યે નથી. હું કાંઈ ભોળોબોળો યે નથી, ને હું કાંઈ સોજોબોજો યે નથી. હું જે છું તે છું. એમ તો બા-બાપાનો જ છોકરો છું ના ?