આ તે શી માથાફોડ !/૫૪. તમને હોંશ થઈ
← ૫૩. પૂતરનાં પગ પારણાંમાંથી | આ તે શી માથાફોડ ! ૫૪. તમને હોંશ થઈ ગિજુભાઈ બધેકા |
૫૫. એ મને ન ગમે → |
તમને હોંશ થઈ
તમને હોંશ થઈ કે આપણે બાળકને માટે કંઈક કરવું તો જોઈએ. તમે એક જ કંઈક કરવા માગો છો. તો શું કરશો ?
છોકરાંને મારવાં નહિ.
ધારો કે તમે કંઈક બે વાનાં કરવા માગો છો તો શું કરવું ? બાળકને વઢવું નહિ; તેનું અપમાન કરવું નહિ.
ધારો કે તમારે કંઈક ત્રણ કરવાં છે. તો શું કરવું ?
તો બાળકને બીવરાવવું નહિ, બાળકને લાલચ આપી સમજાવવું નહિ, બાળકને ભા-બાપા કરી ચડાવવું નહિ.
ધારો કે તમે બાળકને માટે કંઈક ચાર કરવા ધારો છો. તો શું કરવું ?
તો બાળકને વારે વારે શિખામણ દેવી નહિ; વારે વારે હુલાવવું ફુલાવવું નહિ; વારે વારે વાંક કાંઢ્યા કરવો નહિ; વારે વારે રોફ છાંટવો નહિ.
ધારો કે તમે પાંચ કંઈક કરવા હોંશ રાખો છો તો શું કરવું ?
તો બાળકને માગે તે કરી દેવું નહિ પણ તે કરતાં શીખવવું. બાળકને તે જે કરવા માગે તે કરવા દેવું; બાળકના કામને હલકું ગણવું નહિ; બાળકના કામમાં વચ્ચે પડવું નહિ; બાળકનું કામ લઈ લેવું નહિ.