આ તે શી માથાફોડ !/૫૩. પૂતરનાં પગ પારણાંમાંથી
← ૫૨. કોઈને કંઈ પૂછીશ જ નહિ, તો ? | આ તે શી માથાફોડ ! ૫૩. પૂતરનાં પગ પારણાંમાંથી ગિજુભાઈ બધેકા |
૫૪. તમને હોંશ થઈ → |
પૂતરનાં પગ પારણાંમાંથી
ડૉ. કાણે, એલ. એમ. એન્ડ એસ. છે. છેક નાના હતા ત્યારે બાટલીઓમાં પાણી ભરતા ને ધૂળમાં પડીકાં વાળતા; દાક્તર દાક્તર રમત કરતા ને બીજાં બાળકોને દવા આપતા.
શ્રી. નૃ. કા. ભટ્ટ, એમ. એ., એસ. ટી. સી. ડી. છે; એક કેળવણીકાર. છેક નાના હતા ત્યારે નિશાળ નિશાળ રમતા. છોકરાને ભેગા કરતા. માસ્તર થઈને શીખવતા. વર્ગો પાડીને છોકરાઓને બેસારતા; ગવરાવતા ને લખાવતા.
સ્વામી અજરામજી, એક પરમહંસ. છેક નાના હતા ત્યારે સૌની સાથે રમવા જતા. બાવા બાવાની રમત રમાડતા. લંગોટી પહેરી બાવો થતા.
મિ. એચ. સી. વર્ષોથી અમેરિકામાં છે. નાના હતા ત્યારે સાહેબ થઈ શિકાર કરતા. ખોટી ખોટી ચિરૂટ પીતા. રોફબંધ રેટફેટ અંગ્રેજી બોલતા.
×××
કેળવણીકારો કહે છે કે બાળકો રમતમાં પોતાના ખરા સ્વરૂપને પ્રગટ કરે છે. ઉક્ત સાચા દાખલાઓ એ વાતને ટેકો આપતા જણાય છે. બીજમાં મનુષ્ય રહેલો છે. તે બીજને નાનપણથી ઓળખતાં આવડે તો આપણે તેને તેના ઉગવામાં યોગ્ય મદદ આપી શકીએ. બાળકોની રમતો આપણે જોતા રહીએ, તેઓ ખરેખર કોણ છે તે ત્યાંથી પણ જાણવા પ્રયત્ન કરીએ; ને પછી તેઓ જે છે તેવા ઉત્તમ થાય તે માટે તેમને અનુકૂળતા કરી આપીએ.