આ તે શી માથાફોડ !/૫૮. કયું ભણતર સાચું

← ૫૭. તારી મદદ નો'તી જો'તી આ તે શી માથાફોડ !
કયું ભણતર સાચું ?
ગિજુભાઈ બધેકા
૫૯. ભાઈ'શાબા, નથી આવડતું ! →


: ૮ :
કયું ભણતર સાચું ?

છોકરે પાટી, પેન અને પુસ્તક કાઢ્યાં.

શિક્ષકે ઇતિહાસ ભણાવ્યો. છોકરો ભણ્યો: અકબરનો બાપ હુમાંયુ હતો; ઐરંગઝેબ ઈ.સ. ૧૭૦૭માં ગુજરી ગયો.

શિક્ષકે ભૂગોળ ભણાવી. છોકરો ભણ્યો: ભાવનગરથી મુંબઈ પાંચસો માઈલ દૂર છે. સાબરમતીને કાંઠે અમદાવાદ શહેર આવ્યું છે.

શિક્ષકે ગણિત ભણાવ્યું. છોકરો ભણ્યો: છ માણસ ગાડીમાં બેઠા છે. દરેક માણસ પાસે ૩૪૫ રૂપિયા છે તો બધા જણા પાસે કેટલા રૂપિયા થયા.

શિક્ષકે કવિતા ભણાવી. છોકરો બોલી ગયો :-

“ઓ ઈશ્વર ! તું એક છે,
સરજ્યો તેં સંસાર.”

ભણવનો વખત પૂરો. શાળામાં રજા પડી. છોકરો ઘેર ગયો; શિક્ષક ઘેર ગયા.

×××

વાળુ કરી સૌ પરવાર્યા.

બધાએ વાતો કરવા માંડી. છોકરો કાન દઈ, ધ્યાન દઈ સાંભળવા બેઠો.

બાપાએ મહાભારતની વાતો કહી; બાપાએ વડા દાદાનાં પરાક્રમો કીધાં; બાપાએ ઈતિહાસ કીધો.

છોકરાને થયું: “અહો, આપણા બાપદાદાઓ આવા હતા ? અર્જુન તો ભારે બહાદુર !”

પછી બાપાએ પોતે વડોદરામાં શું જોયું હતું તે કીધું; બાપા એકવાર નર્મદા નદીને કાંઠે ફરેલા તે પણ કીધું. બાપાએ ભૂગોળ વર્ણવી.

છોકરાઅને થયું: “માળું, વળોદરા જોવા જેવું તો ખરું !”

છોકરાએ વિચાર કર્યો: “ આપણેય મોટા થશું ત્યારે નદી અને ડુંગરા ભટકશું. ત્યાં જોવાનું ઘણું છે.”

પછી બાપાએ પારા કાઢ્યા કહે: “ચાલો આપણે માળા બનાવીએ; દરેક માળામાં ૧૦૮ પારા જોઈએ.”

ત્રણ જણ બેઠા હતા. દરેક જણે ૧૦૮ પારા ગણી કાઢ્યા ગણી કરીને દોરે પરોવ્યા.

બાપાએ ગણિતનો રસ પણ આપ્યો.

છોકરો કહે: “બાપા, કાલે ફૂલોની માળા બનાવવી છે. પાંચસો પાંચસો ફૂલોની કરશું.” ત્યાં તો આકાશમાં ચાંદો તરતો હતો. જમીન ઉપર ચાંદની પથરાઈ હતી. ઝાડો દુધે નહાતા હતાં. બાપા કહે : “ જુઓ તો, આ કેટલું સુંદર છે ! આ બધું કેટલું ભવ્ય છે ! આ બધું કેટલું મહાન છે !

બાપાએ કાવ્ય ગાયું.

છોકરો કહે: “બાપુ, આ જોવું બહુ ગમે છે. અહીં જ પાડ્યા રહેવું જોઈએ. આનું ચિત્ર કાઢે તો કેવું લાગે ? આ બધાંને કોણ કરતો હશે ?”