આ તે શી માથાફોડ !/૬૩. હજી તો ધાવણો છે

← ૬૨. ટીકા અને કદર આ તે શી માથાફોડ !
૬૩. હજી તો ધાવણો છે
ગિજુભાઈ બધેકા
૬૪. વળગણી →


: ૬૩ :
હજી તો ધાવણો છે

મારી બાજુમાં એક કોળી રહે છે. કોળી પોતે ભણેલો છે, એટલે કે સહી કરતાં આવડે છે; કંત્રાટ રાખે છે; મોટાનાના સદ્‌ગૃહસ્થોના પરિચયમાં આવે છે. કોળણ ઘરનું કામકાજ કરે છે; ભેંસો સંભાળે છે; દૂધ વેચે છે ને છોકરાં ઉછેરે છે.

મેં તેને કહ્યું “અલ્યા ભગવાન, તારા છોકરાને બાલમંદિર કેમ નથી મોકલતો ? કેવડો થયો છે ?”

“ભાઈ, હજી તો એ નાનો છે. માત્ર સાડા ચાર વરસનો થયો છે.”

“પણ અમે તો અઢી વરસનાં બાળકોને દાખલ કરીએ છીએ. તારો છોકરો આવી શકે; જરૂર મોકલ.”

મારી પાસે મારાં ઘરવાળાં બેઠાં હતાં; તેણે કહ્યું; “પણ હજી તો એ ધાવે છે !”

ભગવાને કહ્યું : “હા. હજી તો ધાવણો છે.”

હું આશ્ચર્ય પામ્યો: “હેં ! હજી ધાવણો છે ?”

ભગવાન કહે: “હા ભાઈ; હજી તો ધાવે છે.”

ભગવાન ગયો. મેં ઘરમાં પૂછ્યું : “આ શું ? સાડા ચાર વર્ષનું બાળક હજી પણ ધાવે છે ?”

“હા, વાત ખરી છે. છોકરો ખોટનો છે.”

મેં કહ્યું : “પણ ખોટનો હોય તેથી શું ?”

“વળી છોકરો એની બાને બહુ મોટી ઉંમરે થયો છે.”

મેં કહ્યું : “પણ તેથી શું ?” “એથી એ લોકો છોકરાને બહુ જ લાડ લડાવે છે.” “અરે, પણ આવાં લાડ ક્યાંઈ હોય ? આ લાડ તો હાડ ભાંગે !”

“પણ ત્યારે લોક કોને કહે; અજ્ઞાની કોને કહે ? હજી તો છોકરાને એની વહુ કેડે ને કેડે જ રાખે છે. છોકરો માંડ પડતો આખડતો ચાલે છે.”

“પણ આપણે એને કહીએ અને સમજાવીએ તો ?”

“રામ રામ કરોને. એ અબૂજ લોકો એમ કેમ સમજે ?”

અહીં અમારી વાત અટકી. વાત અટકી પણ આપણથી કેમ અટકાય ? ઘરમાંથી તો નિરાશનો ઉત્તર મળ્યો, પણ આપણાથી નિરાશ કેમ થવાય ? એક વાર તો એ લોકોથી યે વધારે અજ્ઞાની આપણે હતા. ભલા માણસોએ આપણું અજ્ઞાન દૂર કર્યું ને આપણને સુખના માર્ગે મૂક્યા; આપણે પણ આ ભાઈઓના અજ્ઞાનને ફેડવા બનતા પ્રયત્નો કરીએ.