આ તે શી માથાફોડ !/૭૧. બાળકો વાતો કરે છે

← ૭૦. સાચી મદદ આ તે શી માથાફોડ !
૭૧. બાળકો વાતો કરે છે
ગિજુભાઈ બધેકા
૭૨. ભણતરના ખ્યાલો →


: ૭૧ :
બાળકો વાતો કરે છે

ચંદન કહે : “મારા બાપુ કહે, તો તો કરે જ કરે. પરમ દહાડે કહે : આજે નહિ કાલે વારતા વાંચીશ. કાલ પડી ને બાપુએ જ કહ્યું : ચાલો આજે વારતા વાંચવી છે ના ?”

રમણ કહે : “મારા બાપુ તો એમ જ કહે : "કાલે ઢીંગલી લાવી દેશું; કાલે ઢીંગલી લાવી દેશું.' પછી કોઈ દિ' લાવી જ ન દે. ગપ્પાં માર્યા કરે.”

વિમળ કહે : “એવી જ ટેવ મારી બાની છે. કહેશે કાલે ટીકડી મંગાવીશ ને મંગાવે જ નહિ. કાં તો કહેશે આજે પૈસા નથી કાં તો કહેશે ભૂલી જ ગઈ. કાં તો કહેશે આજે નથી મગાવવી; આજે બીજું ખાવાનું છે.”

વિશુ કહે : “એમ તો મારી બા ઠીક છે. હા, કો'ક દિ' તો કીધા પ્રમાણે નથી કરતી; પણ ત્યારે તો કહે છે કે ઈ તો આમ હતું તે ન થઈ શક્યું. પણ નહિતર તો વચન આપે તે પાળે જ છે.”

ચંદન કહે : “મારા બાપુએ તો કીધું છે કે હું કહીશ એમ કરવાનો ખરો; પણ કોઈક વાર વખતે ન યે થાય. કામકાજ કે એવું હોય તો ન પણ બને.”

રમણ કહે : “તે તો બરાબર. પણ રોજ ખોટાં ખોટાં બહાનાં કોઈ કાઢે તે તો ન ગમે. કાં તો હા પાડે ને કાં તો ના પાડે, તો એક જ વાત કે પછી વારે વારે યાદ ન આવે.”

વિમળ કહે : “એમ કરતા હોય તો તો સારું જ ના ! રોજ ને રોજ વાટ તો ન જોઈએ ? આખો દિ' થાય કે 'હેઈ, આજે આમ થશે !' ને પછી છેવટે ના પાડે એટલે ઢીલાઘેંશ થઈ જવાય. આવું આવું તો મને ન ગમે !”