ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર/પૂર્વજો તથા જન્મ સંબધી વૃત્તાંત

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
પૂર્વજો તથા જન્મ સંબધી વૃત્તાંત
શિવપ્રસાદ દલપતરામ પંડિત
બાલ્યકાળ →


ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર.

પ્રકરણ ૧ લું.

પૂર્વજો તથા જન્મ સંબંધી વૃત્તાન્ત

આ મહાન્ પુરૂષનો જન્મ બંગાળ પ્રાન્તમાં મેદિનીપુર જીલ્લામાં વીરસિંહ *[] નામના એક ગામામાં ગરીબ પણ આબરૂદાર કુટુમ્બમાં થયો હતો. ઈશ્વરચન્દ્રના પિતાનું નામ ઠાકોરદાસ બંદોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું. નામને અનુરૂપ ગુણ ધરાવતી આ ભગવતી દેવીને પેટે શકે ૧૭૪ર, બંગાબ્દ ૧૨૨૭ની આશ્વિન સુદી ૧૨ એટલે ઇ. સ. ૧૮૨૦ ની ૨૬ મી સપ્ટેમ્બરને મંગળવારે મધ્યાહ્ન સમયે, મહાત્મ ઈશ્વરચંદ્રે જન્મ ધારણ કર્યો હતો.

મનુષ્ય માત્રના ચારિત્ર્ય બંધારણમાં જે અનેક કારણો સહાયભૂત થાય છે, ત્હેમાં પૂર્વજોનાં ગુણ, કર્મ, તથા સ્વભાવની અસર એ મુખ્ય કારણ છે. વિદ્યાસાગરનું ચરિત્ર લખનારાઓનું એમ મનવું છે, કે ભવિષ્યમાં એ જે મહત્ત્વને પામી શક્યા, ત્હેની સામગ્રી ત્હેમના પૂર્વજો પાસે પૂર્ણરૂપે સંચિત હતી; તો ત્હમે આ ટૂંકા જીવન ચરિત્રમાં પણ એમના પૂર્વજોનું ચરિત્ર કાંઈક વિસ્તારથી આલેખીશું તો તે અસ્થાને નહીં ગણાય.

વિદ્યાસાગરના પૂર્વજોનું સ્મરણ કરતાં આપણી દૃષ્ટિ પહેલ વહેલાં તેમના દાદા રામજ્ય તર્કભૂષણ તરફ ખેંચાય છે. એ એક વિલક્ષણ મનુષ્ય હતા, એમાં સંદેહ નથી. મેદિનીપુર જીલ્લામાં વનમાળીપુર ગામમાં ત્હેમનો વાસ હતો. ત્હેમના પિતાના મૃત્યુ પછી મજીઆરી મિલ્કતબી વેંચણી વખતે સગા ભાઇઓ સાથે મતભેદ પડવાથી એ સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ગયા હતા. ત્હેમની સ્ત્રી દુર્ગાદેવી, પતિના ગયા પછી થોડા સમય સૂધી ઘણું દુઃખ વેઠીને સાસરે રહી આખરે દિયર જેઠના જુલમથી કંટાળીને પિયેર ગઈ. એ સમયે એને બે પુત્ર અને ચાર કન્યા સંતાન હતાં. એ સંતાનોમાં સૌથી મ્હોટા વિદ્યાસાગર મહાશયના પિતા ઠાકુરદાસ હતા. ‘ઘરની બળી વનમાં ગઈતો વનમાં લાગી આગ’ એ કહેવત બિચારી દુર્ગાદેવીના પ્રસંગમાં. ખરી પડી. પિયેરમાં વૃદ્ધ પિતાએતો પુત્રી અને ત્હેના સંતાનોનો ઘણા પ્રેમપૂર્વક સત્કાર કર્યો. પણ ભોજાઈઓને આ સાત જણાં હૈયાશઘડી રૂપ લાગ્યાં. અનેક મિષે મ્હેણાં ટોણાં મારીને એને સંતપવા લાગી. આખરે આવી નિરાધાર અવસ્થામાં અટલા મ્હોટા પરિવાર સાથે નિ માં જોવામાં હિણપત સમજીને એનઈના દુઃખથી કંટાળી સાથે પિતાના ઘરમાં રહેવા હિણપત સમજીને ભોજાઈના દુઃખથી કંટાળેલી દુર્ગાદેવી પિયેરથી થોડે દૂર , પિતાએ બંધાવી આપેલી એક જ્ગુંપડીમાં રહીને મહા મુસીબતે, તેમ્ટીઓ કાંતીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. પણ રેંટીઆની ક્માઈથી કેટલાનું પેટ ભરાય ? એકલવાયો જીવ હોય તો ગમે તેમ ચાલે; પણ આ તો છ સંતાન પેટે પડ્યાં હતાં. વૃદ્ધ પિતા કોઈ કોઈ વખત કાંઈક દ્રવ્ય મોકલતા તેથી જરાક આધાર મળતો; અને મહા દુઃખે ગુજરાન ચાલતું. ત્હેમના જ્યેષ્ઠ પુત્ર ઠાકુરદાસથી જનનીનું દુઃખ જોઈ શકાયું નહીં, તેથી ચૌદ પંદર વર્ષની બાળ વયમાં ઘર છોડીને એ નોકરીને શોધમાં કલકત્તા ગયા. કલકત્તા આવીને પહેલાંતો એ પોતાના એક સગા જગન્મોહન ન્યાયાલંકારને ઘેર ઉતર્યો. અંગ્રેજી ભણવાથી અંગ્રેજી સોદાગરોની પેઢીઓમાં નોકરી મળે છે, એમ ધારીને એ દરરોજ સ્હાંજે મોદીના એક કારકુન પાસે અંગ્રેજી શિખવા જતા. ભણીને ઘેર આવતા ત્ય્હારે ન્યાયાલંકાર મહાષાયને ઘેર વાળુ થઇ રહેતું. તેથી એમને ભુખ્યા સુઈજવું પડતું. પાછળથી ત્હેમના શિક્ષકના એક ભદ્ર જાતિના મિત્રે એમને પોતાને ત્યાં આશ્રય આપ્યો, એમને ત્ય્હાં ઠાકુરદાસ હાથે રાંધીને ખાવા લાગ્યા. પણા એમના આશ્રયદાતા પાસે જેટલી દયા હતી તેટલું ધન નહોતું. ત્હેની પોતાની દરિદ્રતાને લીધે ઠાકુરદાસને ત્ય્હાં પણ કોઈ વખત ઉપવાસ કરવો પડતો. એક દિવસ ભુખની ઝાળથી કંટાળીને એ પોતાની પીત્તળની થાળી અને ન્હાની લોટી કણસારાને ઘેર વેચવા ગયા હતા. કણસારાએ પાંચ આના કીંમત આંકી પણ ખરીદવાનું મંજૂર કર્યું નહીં. કારણ કે, જાણ્યા માણસ પાસેથી જુના વાસણ ખરીદવાથી કદાચ એ માલ ચોરીનો નીકળી આવેતો પંચાતમાં પડવું પડે છે.

બીજે એક દિવસે ભુખનું દુઃખ વિસારે પાડવાના ઇરાદાથી બપોરને વખતે ઠાકુરદાસ ઘેરથી નીકળીને રસ્તામાં આમતેમ આંટા મારવા લાગ્યા. બડા બજારથી ઠનઠનિયા સુધી આવતામાં તો એ ભૂખને લીધે એટલા બધા થાકી ગયા કે વધારે ચાલવાની શક્તિ રહી નહીં. થોડીવારમાં એ એક દુકાન આગળ જઇને ઉભા. ત્ય્હાં એક આધેડ વયની સ્ત્રી પૌઆ વેચતી હતી. ઠાકુરદાસને ઉભેલા જોઇને ત્હેણે પુછ્યું ‘બાબા ઠાકુર, કેમ ઉભા છો ?’ ઠાકુરદાસે તૃષ્ણાનો ઉલ્લેખ કરી પાણી પીવા માંગ્યું. ત્હેણે સ્નેહ પૂર્વક ઠાકુરદાસને બેસવા કહ્યું અને બ્રાહ્મણના છોકરાને એકલું પાણી આપવું શાસ્ત્રથી વિરુદ્ધ સમજીને ત્હેમને થોડા પૌંઆ પણ આપ્યા, ભુખ્યા ઠાકુરદાસતો ઝટઝટ પૌંઆ ખાઈ જવા લાગ્યા. એ વિધવા સ્ત્રી આટલી વાર સુધી બારીકીથી જોઈ રહી હતી. ત્હેણે પુછ્યું ‘બાબાઠાકુર આજ ત્હમે ખાધું નહીં હોય એમ લાગેછે.’ એમણે કહ્યું, ‘ના મ્હેં અત્યાર સુધી કાંઈ ખાધું નથી.’ ત્ય્હારે એ સ્ત્રીએ કહ્યું ‘હમણાં જળ પીશો નહીં. જરા ખમો, એમ કહીને એ તરતજ સામેની દુકાનેથી દહીં લઈ આવી અને પોતાની પાસેથી બીજા પૌંઆ આપીને ઠાકુરદાસને પેટ ભરીને નાસ્તો કરાવ્યો.

પિતા ઠાકુરદાસને મ્હોંએથી આ વાત સાંભળીને સ્ત્રી જાતિ ઉપર વિદ્યાસાગરને ઊંડી ભક્તિ ઉત્પન્ન થઈ હતી. આ જાતિ ઉપર સર્વદા એ કેવી શ્રદ્ધા અને ભક્તિ રાખતા તે આપણે આ જીવન ચરિત્રમાં આગળ જોઈશું.

આ સંકટ વેઠીને થોડુંક અંગ્રેજી ભણીને ઠાકુરદાસ માસિક બે રૂપિયાના પગારે નોકર થયા. આ વખતે ઘરમાં હર્ષ મનાયો. પછી પાંચ વર્ષે એ પાંચ રૂપિયાનો પગાર લાવવા લાગ્યા. હવે એમની માતાના હર્ષનો પાર રહ્યો નહીં. ભાઈ બ્હેનનું અન્નનું કષ્ટ મટી ગયું, તેથી પ્રસન્ન થઈને ઠાકુરદાસ બમણા ઉત્સાહથી કામ કરવા લાગ્યા.

આ સમયે ત્હેમના પિતા રામજય તર્કભૂષણ ઘેર પાછા ફર્યા પહેલાં વનમાલીપુર ગયા; ત્ય્હાં પત્નીનો પતો ન લાગવાથી વીરસિંહ ગયા. અને ગુપ્તવેશે પોતાના કુટુમ્બની દુર્દશા જોઇ. થોડા દિવસ કુટુમ્બ સાથે વીરસિંહમાં રહ્યા પછી પોતાને બાપીકે ઘેર જવાની ઇચ્છા બતાવી પણ પત્નીને મ્હોંએ પોતાના ભાઇઓના જુલ્મની વાત સાંભળીને ત્હેમને તેમના ઉપર તિરસ્કાર ઉપજ્યો તેથી ઘેર જવાનો વિચાર માંડી વાળ્ળ્યો અને વીરસિંહમાંજ ઘર બંધાવ્યું. આ પ્રમાણે વીરસિંહ ગામ વિદ્યાસાગરની પિતૃ ભૂમિ બન્યું. પિતામહ રામજયના સંબંધમાં વિદ્યાસાગર લખે છે કે ‘એ ઘણાં તેજસ્વી હતા. કોઈ પણ વાતમાં કોઈની આગળ હલકા પડવું, અથવા કોઈ પણ જાતને અનાદર કે અવગણના સહન કરવાં, એ ત્હેમનાથી બનતું નહીં. એ દરેક જગ્યાએ દરેક વિષયમાં પોતાના અભિપ્રાય મુજબ વર્તતા. બીજાઓના એમના વિચાર પ્રમાણે ચાલવું એ ત્હેમના સ્વભાવથી તદ્દન ઉલટું હતું. ઉપકારનો બદલો વાળવો પડે એટલા સારૂ અથવા બીજા કોઈ કારણથી એ કોઈની પાસે મહેરબાનીની ભિક્ષા માંગતા નહીં.”

ત્હેમના સાળા રામસુન્દર વિદ્યાભુષણ ગામમાં એક આગેવાન ગણાતા હોવાથી જ અભિમાની અને ઉદ્ધત હતા. એ એમ ધારતા હતા હતા કે ગરીબ બનેવી ત્હેમનો તાબેદાર થઈને રહશે. બનેવીનો સ્વભાવ કેવી જાતનો છે એ ખબર હોત તો એ એવો વિચાર કદી આણી શકત નહીં . સાળાની આજ્ઞા પ્રમાણે રામજ્ય નહીં ચાલે તોએ એમને ઘણી રીતે હેરાન કરશે એવો ભય લોકો બતાવતા હતા. પણ એ કોઈ પણ કારણથી બ્હી જાય્ અએવા નહોતા. ત્હેમણે સ્પષ્ટ કહી દીધું, કે આગામનો વાસ છોડી દઈશ પણ સાળાની આજ્ઞા પ્રમાણે તો નહીંજ ચાલું. સાળાની ઉશ્કેરણીથી એમને ઘણી વખત અત્યાચાર અને ઉપદ્રવ સહન કરવા પડતાં પણ એથી એ બિલ્કુલ ચલિત થતા નહીં.

ત્હેમની તેજસ્વિતા એટલા ઉપરથી જણાઈ આવે છે, કે એમના ગામના જમીનદારે જ્ય્હારે નાના ઘરના વાસ્તુ નિમિત્તે બ્રહ્મ ભોજન આપ્યું ત્ય્હારે રામજ્યે બ્રાહ્મણ હોવા છતાં પણ દાનનિમિત્તે ગિરાસ ગ્રહણ કર્યો નહોતો. એ એમ માનતા હતા કે એવું દાન ગ્રહણ કર્યાથી દાન આપનાર દાન લેનારના પુણ્યનો ભાગી થાય છે. એ વખતે ગામના ઘણા લોકોએ ત્હેમને સમજાવ્યા પણ એમણે કોઈનું કહ્યું માન્યું નહીં. આવા માણસને માટે દારિદ્ર્‌ય એજ મ્હોટી સંપત્તિ છે. એ દારિદ્ર્‌યમાંથી ત્હેમની સ્વાભાવિક સંપત્તિ ઝળકી છે.

પણ આથી એમ ન સમજવું કે તર્ક ભૂષણ મહાશય સ્વચ્છંદી હતા અને હરકોઈની અવગણના કરતા, એ ધણાજ સાદા અને નિરહંકારી હતા, ન્હાના મ્હોટા દરેક જાતના લોકો સાથે સમાન ભાવે આદર સન્માન પૂર્વક વ્યવહાર રાખતા. જ્હેમને એ કપટી સમજતા ત્હેમની સાથે બનતાં સુધી વાતચીત નહોતા કરતા. એ સ્પષ્ટવાદી હતા અને કોઇને ખોટું લાગશે અથવા અસંતોષ થશે એ વિચારથી સત્ય વાત કહેતાં ડરતા કે અચકાતા નહીં. એ જેટલાજ સ્પષ્ટવાદી હતા તેટલા જ, સત્યવાદી હતા. કોઈના ભ કે લાલચથી જુઠું કદી બોલતા નહીં. જ્હેનાં આચારણ સારાં હોય ત્હેને એ સદ્‌ગૃહસ્થ ગણતા અને જ્હેનાં આચરણ ખરાબ હોય તે આદમી વિદ્વાન, ધનવાન કે સમૃદ્ધિવાન હોય તોપણ તેને સદ્‌ગૃહસ્થ ગણતા નહીં. કોઈની ખુશામત કરવા કરતાં મરવું વધારે પસંદ કરતા.

તર્કભૂષણ મહાશયનો સ્વભાવ જ્હેવો તેજ અને સ્વતંત્ર હતો ત્હેવાંજ ત્હેમના બળા તથા સાહસ પણ આશ્ચર્યકારક હતાં. લોઢાનો એક લઠ્ઠ એ હમેશાં પોતાની પાસે રાખતા. એ સમયમાં ચોર લુંટારાનો ભય વધારે હોવાથી સંગાથ વગર લોકો મુસાફરી કરી શકતા નહીં. પણ તર્કભૂષણ મહાશય એકલાજ હાથમાં લોહદંડ પકડીને ગમે ત્યહાં વગર ભયે ફર્યા કરતા હતા. બે ચારવાર ચોર સ્હામા મળ્યાં હતા ત્હેમને ખૂબ માર મારીને પાધરા કર્યા હતા. એકવાર એ વરૂએ આવીને ત્હેમના ઉપર હુમલો કર્યો. ત્હેના નખ પ્રહારથી એમનું શરીર બધું લોહી લુહાણ થવા લાગ્યું, પણ એ સ્હામા લોઢાના લઠ્ઠના પ્રહાર કરતાં જ ગયા. વરૂ આખરે થાકીને નીચે પડી ગયું એટલે એમણે ઉપરા ઉપરી પ્રહાર કરીને એના પ્રાણ લીધા, અને ઘવાયેલા શરીરે ચાર ગાઉ રસ્તો કાપીને એક સગાને ઘેર આવીને સુઇ રહ્યા. આ વખતે એમને એવી સખ્ત ઈજા થઈ હતી કે સાજા થઇને ઘેર પાછા ફરતા જ બે મહિના લાગ્યા હતા.

રામજય તર્કભૂષણ જ્ય્હારે ઘણે વર્ષે ઘેર પાછા ફર્યા ત્ય્હારે ઠાકુરદાસ કલકત્તા હતા. તર્કભૂષણ તેમને મળવા માટે ત્ય્હાં ગયા અને પોતાના એક મિત્રને ત્ય્હાં ઠાકુરદાસને રાખવાનો બંદોબસ્ત કરી આપ્યો. તથા એ મિત્રની સહાયતાથી ત્હેમને આઠ રૂપિયાના પગારે બીજી જગ્યાએ નોકરી પણ મળી ગઈ. આ વખરે ઠાકુરદાસનું વય ત્રેવીસ ચોવીસ વર્ષનું હતું. આ વયે ત્હેમનો વિવાહ ગૌગાટ નિવાસી રામકાન્ત તર્કવાગીશની કન્યા ભગવતી દેવી સાથે થયો. રામજય તર્ક ભૂષણ સ્નેહ પૂર્વક પુત્ર અને પુત્રવધુનું લાલન પાયત કરવા લાગ્યા. સાક્ષાત્ અન્નપૂર્ણા સ્વરૂપ આ ભગવતી દેવીના ઉદરમાંજ આપણા ચરિત્રનાયક વિદ્યાસાગરે જન્મ ધારણ કર્યો હતો. એમનો જન્મ થયો તે દિવસે ઠાકુરાદાસ હાટમાં ચીજ વસ્તુ ખરીદવા કૌમરગંજ નામના પાસેના ગામમાં ગયા હતા. ઘેર પાછા આવતાં પિતા રામજય સ્હામા મળ્યા અને હર્ષ પૂર્વક વધામણી આપતાં કહ્યું કે એક વાછડો અવતર્યો છે. એ અરસામાં ત્હેમને ત્ય્હાં એક ગાય પણ વીઆવાની હતી, એટલે ઠાકુરદાસ આ ખબર સાંભળીને ગૌશાળા તરફ જવા લાગ્યા. તર્કભૂષણે હસીને કહ્યું ‘આ તરફ નહીં, પેલી તરફ’ એમ કહી ને સૂતિકાગૃહમાં લઇ જઇને નવા જન્મેલા બાળક ઈશ્વરચન્દ્રને બતાત્યા અને કહ્યું કે ‘એને વાછડો એટલા માટે કહ્યો કે જક્કી વાછડાની પેઠે એ પણ જક્કી અને હઠીલો થશે. જે વાત પકડશે ને છોડશે નહીં.’

વાંચક ! શરમ અને મલાજાના સખ્ત નિયમવાળા આપણા ભારત વર્ષમાં એક પિતાએ પુત્રની સાથે આ પ્રમાણે વર્તવું એ કેવુંનું આશ્ચર્તકારક ! સુવાવડમાં મરણ પથારીએ પડેલી પત્નીનીને મલાયજાની ખાતર, જોવા પણ જતાં છોકરાને અટકાવનાર આપણા માબાપો આના ઉપરથી શિખામણ નહીં લે ? આ સાધારણ કૌતુક હાસ્યમય પ્રસંગ ઉપરથી હમને તો રામજય તર્કભૂષણનું ઉદાર ચરિત્ર સ્પષ્ટ જણાઈ આવે છે. બંગાળના વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ લેખક કવિ રવિન્દ્રનાથ ઠાકુર લખે છે કે “આ હાસ્યમય, તેજોમય, નીડર, સરળ અને નિખાલિસ સ્વભાવના પુરુષ જેવું આદર્શ બંગાળા પ્રાન્તમાં વિરલ નહોત તો બંગાળીઓમાં પુરૂષાતનનો અભાવ રહેત નહીં, હમે ત્હેમનું ચરિત્ર વિસ્તારપૂર્વ એટલા માટે વર્ણવ્યું છે, કે એ દિરર બ્રાહ્મણે પૌત્રને બીજી કાંઇ માલ મિલ્કત વારસામાં નહોતી આપી. પણ ચારિત્ર્ય મહાત્મ્યનો અખુટ ભંડાર અખંડ રૂપે વારસામાં આપી ગયા હતા. વિદ્યાસાગર ઉપર મૂળથીજ પિતામહનો અત્યંત સ્નેહ હતો. એક કહેવાય છે કે જ્ય્હારે એ ઘર છોડીને ન્હાશી ગયા હતા, ત્ય્હારે વનવાસમાં ત્હેમણે એક દિવસ સ્વપ્ન જોયું હતું કે ‘ત્હારા ઘરમાં એક શક્તિવાન, અદ્‌ભૂત કર્મશાળી પુરુષ જન્મશે. તે ત્હારા વેંશનું મુખ ઉજ્જવલ કરશે. ત્હેનાથી દેશનું ગૌરવ વધશે. દયાનો અવતાર થઈને એ ત્હારા ઘરમાં અવતરશે, ‘એમ કહેવાય છે કે આ સ્વપ્ન જોઇને જ રામજય તર્કભૂષણ ઘેર પાછા ફર્યા હતા. વિદ્યાસાગરના જન્મ વખતે ત્હેમણે એ બાળક સંબંધી પોતાનો શુભ અભિપ્રાય ઠાકુરદાસને સ્પષ્ઠ જાહેર કર્યો હતો અને જોશીને વગર પુછ્યે પોતેજ એમનું નામ ‘ઈશ્વરચંદ્ર’ પાડ્યું હતું.

પ્રિય વાંચક  ! વિદ્યાસાગરના પિતામહ અને પિતાનો કાંઈક પરિચય આપ્યા પછી હવે ત્હેમનાં પૂજ્ય માનુશ્રી ભગવતી દેવીનાં દર્શન કરાવીશું. બંગ દેશના સૌભાગ્યે ભગવતી દેવી એક અસાધારણ રમણી નીવડ્યાં હતાં. નામ પ્રમાણેજ ત્હેમનામાં ગુણ હતા. ત્હેમનું મુખારવિંદ ગંભીર અને ઉદારતા સૂચક હતું. બુદ્ધિના પ્રચાર સૂચક ઉન્ત લલાટ, દૂર અંદેશ, સ્નેહભર્યા નેત્ર, સરળ સુંદર નાસિકા, દયાપૂર્ણ ઓષ્ટાધરર, દૃઢતા સૂચક હડપચી અને આખા ચ્હેરાનું સૌન્દર્ય દર્શન કરનારના હૃદયમં ઊંડો પૂજ્યભાવ ઉત્પન્ન કરતાં. એમનાં દર્શન કરનારને સ્પષ્ટ જણાઈ આવતું કે ભક્તિ તથા શ્રેષ્ઠ આચરણ સાધવા માટે વિદ્યાસાગરે એ માતૃદેવી સિવાય બીજી કોઇ પણ પૌરાણીક દેવીનું ધ્યાન નહીં ધર્યું હોય.

ભગવતીદેવીનાં અખુટ દયાએ ત્હેમને ગામના તેમજ આસપાસના રહેનારા લોકોની દૃષ્ટિમાં દેવીરૂપ બનાવી મુક્યાં હતા, રોગીઓની સેવા ભુખ્યાને ભોજન અને શોકાતુરને દિલાસો ત્હેમના જીવનનું નિત્ય નિયમિત કર્ય હતું. વીરસિંહ ગામમાં આગ લાગવાથી જ્ય્હારે એમનું રહેવાનું ઘર બળીને ભસ્મીભૂત થઇ ગયું ત્ય્હારે વિદ્યાસાગરે પોતાની જનનીને કલકત્તા લઇ જવાનો યત્ન કર્યો હતો. પણ ત્હેમણે કહ્યું કે આ બધા ગરીબ લોકોના છોકરાં અહિંજ રહીને ભોજન કરીને વીરસિંહ ગામની નિશાળમાં અભ્યાસ કરે છે. હું ગામ છોડીને ચાલી જાઉં તો એ છોકરાઓ શું ખાઇને નિશાળે જશે ?

દયા વૃત્તિ બીજી પણ અનેક રમણીઓમાં જોવામાં આવે છે, પણ ભગવતી દેવીની દલામાં એક અસાધારણ તત્ત્વ હતું. એ કોઈ પણ જાતના સાંકડા વિચારોથી બંધાઈ ગયેલાં નહોતાં. સાધારણ લોકોની દયા દિવાસળીની પેઠે ફક્ત કોઈ ખાસ જાતના ઘસારાથીજ સળગી ઉઠે છે, અને રિવાજ તથા લોકાચારની ન્હાનકડી દાબડીમાં બંધ હોય છે. પણ જેમ સૂર્ય પોતાનાં કિરણો ચારે દિશામાં ફેંકે છે, તેમ ભગવતી દેવીના હૃદયમાં ઉદ્ભવેલી દયારશ્મિ ચારે તરફ ફીલાતી. ધર્મ તથા રિવાજની સાથે ધસાવાની ત્હેને જરૂર પડતી નહીં.

એક દિવસે વિદ્યાસાગરે માતાને પુછ્યું કે ‘મા, વર્ષમાં એક દિવસ ધામધૂમથી પૂજા કરીને છસેં સાતસેં રૂપિયા ખર્ચ કરવા સારા કે અનાથ લોકોને ત્હેમની સ્થિતિ મુજબ દર મહિને થોડી થોડી મદદ આપવી એ સારું !’ એ સાંભળીને જનની દેવીએ ઉત્તર આપ્યો કે ‘ગામના દરિદ્ર નિરાધાર લોકોને રોજ ખવરાવવાની સરખામણીમાં પૂજામાં એટલું ધન ખર્ચવું આવશ્યક નથી.’ જૂના વિચારની એ વૃદ્ધ નારીને મ્હોંએથી આ ઉત્તર મળવો કાંઇ સહજ નથી. ત્હેમની નિર્મળ બુદ્ધિ અને ઉજ્જવળ દયા આ પ્રમાણે પ્રાચીન સંસ્કારોના મોહાવરણોને અનાયાસે દૂર કરી શકે એ વિસ્મયકારક છે. લોકરૂઢિનાં બંધનો સ્ત્રીઓને માટે જેટલાં દૃઢ હોય છે, તેટલાં બીજા કોને માટે હોય છે ? છતાં પણ આશ્ચર્યકારક વિચાર શક્તિદ્વારા એ જડતામય પ્રથારૂપી દેવાલયને તોડીને અનન્ત વિશ્વધામમાં પ્રભુને પૂજવા લાગ્યાં. મનુષ્યસેવા જ દેવાતાની યથાર્થ પૂજા છે એ વાત ત્હેમને કેવી રીતે માલૂમ પડી ! કારણ એજ, કે, બધી સક્રિતાઓ કરતાં પ્રાચીન સંહિતા-દયાધર્મ-ત્હેમના હૃદયમાં સ્પષ્ટ અક્ષરે લખાયેલી હતી. અસંખ્ય અનાથોને અન્નના અભાવે છે. પોતાની આંખ આગળ ટળવળાટ કરતા જોવા છતાં, અને હજારો દેશબન્ધુઓને ફક્ત પેટને ખાતર પરધર્મમાં વટલાઇ જતા જોવાં છતાં,. મહારાજોની પધરામણીમાં અને બ્રહ્મ ભોજનમાં ધણીના ખરા પરસેવાની કમાઇ ખરચી નાંખચામાં પુણ્ય સમજનારી આપણી ગુર્જર ભગિનીઓ ભગવતી દેવીના આ દયાધર્મનું અનુકરણ કરતાં શિખશે !

બંગાળાના સીવીલીયન હેરિસન સાહેબ કોઇ કામ પ્રસંગે એક વખત મેદિનીપુર જીલ્લામાં ગયા હતા, ત્યારે ભગવતી દેવીએ પોતાના નામથી પત્ર લખીને ત્હેમને પોતાને ત્યહાં નોતર્યા હતા. એ પ્રસંગનું વર્ણન કરતાં ત્હેમના ત્રીજા પુત્ર શભુચન્દ્ર નીચે પ્રમાણે લખે છે:- “જનની દેવીએ સહેબના નિમંત્રણ વખતે જાતે હાજર રહીને ભોજન કરાવ્યું હતું. એથી સાહેબ આશ્ચર્ય પામ્યા હતા, કે આટલી વૃડ્ધ હિંદુ નારી એક અંગ્રેજના ભોજન વખતે ખુરસીમાં બેશીને વાતચિત કરવા તૈયાર થઇ છે. × × × સાહેબે હિન્દુની માફક નીચે પડીને જનની દેવીને દંડવત કર્યા; ત્ય્હાર બાદ વિવિધ વિષયો ઉપર વાતચીત ચાલી. જનની દેવી પ્રવીણ હિન્દુ સ્રી હોવા છતાં પણ તેમને સ્વભાવ ઘણો ઉદાર હતો. અને મન કોઈ પણ જાતના કુસંસ્કાર વગરનું હતું. ધનવાન કે દરિદ્ર, વિદ્વાન કે મૂર્ખ, ઉંયવર્ણ કે નીચવર્ણ, પુરૂષ કે સ્ત્રી, હિન્દુ ધર્મ કે પરધર્મી બધા ઉપર ત્હેમની સમદૃષ્ટિ હતી.”

શંભૂચન્દ્ર બીજી જગ્યાએ લખે છે કે: બંગાળી સંવત ૧૨૬૬ થી ૧૨૭૨ સુધી વિધવા વિવાહનું કામ ધીમે ધીમે સધાવા લાગ્યું. એ બધા વિવાહિત લોકોને વિપત્તિમાંથી બચાવવા માટે મ્હોટાભાઈ ( વિદ્યાસાગર ) ખાસ કાળજી રાખતા. એમાંથી કોઇ કોઇને પોતાને ગામ, પાતાને ઘેર લઈ જતા. એ બધી પુનર્વિવાહિત સ્ત્રીઓને કોઈ તિરસ્કાર ન કરે એટલા માટે જનની દેવી, એ બધી પુનર્વિવાહિત બ્રાહ્મણ જાતની સ્ત્રીઓ સાથે એક પંગતે ભોજન કરતાં.

સંભવ છે. કે વાંચકો હમારા ઉપર આક્ષેપ કરશે, કે વિદ્યાસાગરના ટુંકા જીવન વૃત્તંતમાં ત્હેમની જનની સંબંધી આટલું લાંબું વિવેચન કરવું એ વધારે પડતું છે. હમારા સમયનો વૃથા વ્યય કરાવવાનો અને પુસ્તકનાં પાનાં ભરવાનો પ્રયાસ માત્ર છે. પણ સહૃદય બંધુઓ ! એમ નથી, એ નિશ્ચય જાણાવું કે અહિંતો જનનીના ચરિત્ર અને પૃત્રના ચરિત્રમાં વિશેષ ભેદ નથી. જાણે કે એક બીજાની પુનરાવૃત્તિજ હોયને ! એ ઉપરાંત, મહાન્ પુરુષોનો ઇતિહાસ બહારની દુનિયામાં ત્હેમના વિવિધ કાર્યોથી, અને જીવન વૃત્તાન્તથી સ્થાયી થાય છે. પણ મહાન્ સન્નારીઓએ ગૃહ સંસારની સંકુચિત મર્યાદામાં રહીને એટલી જ શુશળતા, ચંચળતા, બુદ્ધિમત્તા અને ઉદારતાથી કરેલી સેવા સંબંધી કોઈ જાણતું પણ નથી હોતું. ત્હેમનો ઇતિહાસ ત્હેમના પુત્રના ચરિત્રથી અથવા ત્હેમના સ્વામીના કાર્યો થાય છે, પણ કેટલીક જગ્યાએ એ ઇતિહાસમાં ત્હેમમો કાંઇ પણ ઉલ્લેખ નથી હોતો. વિદ્દ્યાસાગરના જીવનમાં ત્હેમની માતાનું જીવનચરિત્ર કેવી રીતે આલેખાયલું છે, ત્હેનું બારીકીથી અવલોકન કરીએ નહીં તો માતા અને પુત્ર બન્નેનાં જીવન ચરિત્ર અધુરાં ગણાય.

આ પ્રસંગે એક સૂચના કરવી વ્યાજબી ધારીએ છીએ કે ભવિષ્યમાં કોઈ ગુર્જર વિદ્વાન્ ‘મહાન્ ભારતવાસીની માતા’ સંબંધી પુસ્તક લખવાનું કામ આરંભશે તો ત્હેને વિદ્યાસાગરની માતા ભગવતી દેવીના જીવનમાં પુષ્કળ સામગ્રી મળી આવશે.

વિદ્યાસાગર માહાશય પૂર્વજોનું આ પ્રમાણે સંક્ષિપ્તમાં વિવેચન કર્યા પછી હમે ત્હેમનું બાલ્યજીવન આલેખીશું.


  1. *આ ગામ પહેલાં હુગલી પરગણામાં હતું પણ બંગાળાના લેફ્ટેનન્ટ ગવર્નર સરજ્યોર્જ કેમ્પબેલના સમયમાં એ મેદિનીપુર જીલ્લામાં શામીલ કરવામાં આવ્યું હતું. વેરસિંહ કલકત્તાથી છવ્વીસ ગાઉ દૂર આવેલું છે. કલકત્તાથી જળમાર્ગે વીરસિંહ જતાં, ગંગા, રૂપનારાયણ, વગેરે વગેરે નદી ઓળંગીને ઘાટાલ ગામ પહોંચાય ચ્ગે. ઘાટાલથી વીરસિંહ અઢી ગાઉ છે. આજ કાલતિ ત્ય્હાં જવાની ઘણી સગવડ થઈ ગઈ છે. હોર મિલર કમ્પનીની સ્ટીમરો ઘાટાલ આવ જા કરે છે. એ સ્ટીમરની સગવડથી એકજ દિવસમાં ઘાટાલ પહોંચાય છે. જે દિવસોમાં આગબોટ ચાલતી નહોતી, તે દિવસોમાં, હોડીમાં બેસીને જતાં ચાર પાંચ દહાડા લાગતા. વિદ્યાસાગરના ચરિત્રમાં ‘વીરસિંહ’ ગામનો ઉલ્લેખ વારે ઘડીએ થતો હોવાથી ત્હેનો આ થોડોક પરિચય કરાવવો વ્યાજબી લાગ્યો છે. - શિ. દ. પં