← પૂર્વજો તથા જન્મ સંબધી વૃત્તાંત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
પૂર્વજો તથા જન્મ સંબધી વૃત્તાંત
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિદ્યાર્થી જીવન →


પ્રકરણ ૨ જું.


બાલ્યકાળ.


ઈશ્વરચન્દ્રના જન્મ પછી ઠાકુરદાસને પૈસે ટકે લાભ થયો હતો એટલે ઘરમાં બધાં એ બાળકને પનોતું ગણીને લાડ લડાવતાં. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બાળક ઈશ્વરચન્દ્ર વધારે ઉધમાત મચાવનવા લાગ્યા. આથી થળીને કંટાળીને ત્હેમને કાલીકાન્ત નામના મહેતાજીની ગામઠી નિશાળે બેસાડ્યા. ગામના બીજા મહેતાજીઓ કરતાં એ શિખવાડવાના કામમાં ઘણા હોશિયાર હતા, બાળકો ઉપર પુત્ર જેવો સ્નેહ રાખીને થોડા સમલમાં ઘણો અભ્યાસ કેવી રીતે કરાવવો એ ગુણ ગુરૂજી કલીકાન્તમાં સારો હતો. પાંચ વર્ષની ઉમરે ઇશ્વરચન્દ્ર એમની નિશાળે બેઠા ત્ય્હાર પછી એક વર્ષે એ ઘણા માંદા પડ્યા. લોકોએ એમના બચવાની આશા પણ મુકી દીધી હતી. આ વખતે એમના મામા આવીને એમને પોતાને ગામ લઈ ગયા. અને ત્ય્હાંના પ્રસિદ્ધ વૈદ્યરાજ પાસે ઈલાજ કરાવ્યો. છ મહિના પછી પૂરો આરામ થયો એટલે વીરસિંહ પાછા આવીને વિદ્યાભ્યાસ આરંભ કર્યો. આઠ વર્ષના થતા સુધી ત્હેમણે આ નિશાળમાં અભ્યાસ કર્યો. ત્હેમની ઊંડી સમજ, તીવ્રબુદ્ધિ અને શ્રમ જોઇને મહેતાજી ઘણાજ ખુશ થતા અને બીજા વિદ્યાર્થીઓ કરતાં એમના ઉપર વધારે સ્નેહ રાખતા.

આ આઠ વર્ષની વયમાં ઈશ્વરચન્દ્ર ઘણા તોફાની સાબીત થયા હતા, ગામના કોઈ પણ ધર આગળ જઈ મળમૂત્ર ત્યાગ કરી આવવાં એતો એમનું મુખ્ય કામ હતું. લોકો કપડાં સુકવતા ત્હેને લાકડાંના છોડીઆ વડે વિષ્ટા ચોપડી આવતા. અનાજના ખેતરમાં જઇને પોંખ તોડી આવતા. એક વખત, એવી રીતે જવનો પોંખ ખાતા ખાતાં ત્હેનું છોતરૂં ગળામાં ભરાઈ રહેવાથી ત્હેમણે ઘણી પીડા ભોગવી હતી.

બીજા પણ અનેક મહાનપુરષોના બાલ્ય કાળના તોફાનની વાત ઇતિહાસમાં આલેખાયલી છે. ભગવાન શ્રીકૃષ્ણ લીલા સમયે ગોપ ગોપીઓના ઘરમાં ધુસી જઈને દૂધ દહીંનાં હાંલ્લાં ફોડી આવતા હતા. શ્રી મહાપ્રભુ ચૈતન્ય બાલ્યકાળમાં ગંગાકિનારે જઈને બ્રાહ્મણોનું નૈવેદ્ય ખાઈ આવતા હતા અને પાશ્ચાત્ય વિદ્વાનોની બચપણની મસ્તીના એવા જ દાખલા મળી આવે છે. તેથી આપણા માબાપોએ એ ધ્યાનમાં રાખવું, કે બાળપણની નિર્દોષ ધીંગામસ્તી, આગળ ઉપર બાળકના આચરણ તથા સોબત ઉપર પૂરતું લક્ષ્ય આપવામાં આવે, તો ત્હેમની ભવિષ્યની મહત્તામાં કોઈ રીતે બાધાજનક થઈ પડતી નથી.

ઈશ્વરચન્દ્ર જેટલા તોફાની હતા તેટલા જ ભણવામાં હોંશિયાર અને કાળજીવાળા હતા. નિશાળમાં જે શિખતા તે લેસન ત્ય્હાંનું ત્ય્હાંજ તૈયાર કરીને ઘેર જતા.

આ સમયે ત્હેમના દાદાય રામજય તર્કભૂષણનું મૃત્યુ થયું, અને ત્હેમના પિતા ક્રિયા કરવા માટે કલકત્તાથી ઘેર આવ્યા. ઈશ્વરચન્દ્રના મહેતાજીએ ત્હેમને કહ્યું કે ‘અહિં જેટલું ભણવાનું હતું તેનું આ છેછોકરાએ ભણી લીધું છે. હવે એને અંગ્રેજી ભણાવશો તો ઠીક પડશે. એ બાળક એટલો બુદ્ધિમાન છે, અને એની સ્મરણ શક્તિ એટલી પ્રબળ છે, કે જે ભંણશે તેમાં પુરતી પારદર્શિતા મેળવશે.’ મહેતાની સૂચના માનીને પુત્રને ભણાવવા માટે, ઠાકુદાસ એમને પોતાની સાથે ઇ.સ. ૧૮૨૮ માં કલકત્તા લઈ ગયા. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવત પ્રમાણે ઈશ્વરચન્દ્રની ચપળ બુદ્ધિનો અનુભવ ઠાકુરદાસને આ પહેલી યાત્રામાંજ થયો. સડક ઉપર માઈલ દર્શાવનારા પત્થરો ઉપરના આંકડાઓ વાંચીને એ અંગ્રેજી આંકડા વાંચતાં એકજ દિવસમાં શિખી ગયા. કલકત્તા ગયા પછી ત્હેમના પિતા એક દિવસ કેટલાક બીલોને સરવાળો કરતા હતા. બાળક વિદ્યાસાગરે એ કાગળો પિતાના હાથમાંથી લઈ લીધા અને પોતેજ ત્હેમનો સરવાળો ગણી આપ્યો. આ સરવાળો ખરો નીકળવાથી ત્હેમના બધા ઐળખાણ પીછાનવાળા આશ્ચર્ય પામી ગયા, ઈશ્ચરચન્દ્રના ગુરૂ કાલીકાન્ત ૫ણ ઠાકુરદાસની સાથે કલકત્તા આવ્યા હતા. ત્હેમણે ઘણા ખુશ થઈ જઈને કહ્યું કે ‘શાબાશ ! બેટા શાબાશ !’ ઠાકુરદાસને ત્હેમણે કહ્યું ‘એને ભણાવવાનો સારો બંદોબસ્ત કરો. એ જીવશેતો મ્હોટો માણસ થશે એમાં જરાયે સંદેહ નથી; પિતા અને ગુરૂનો આનંદ જોઇને બાળક ઈશ્વરચન્દ્ર મનમાં ને મનમાં મલકાઇ ગયા.’

પહેલાંતો એમને પાડોશની એક નિશાળમાં ભણવા મુક્યા. ત્રણ મહિનાની અંદર એમણે ત્ય્હાંનો અભ્યાસ પૂરો કર્યો. હવે એમને કઈ નિશાળે ભણવા મૂકવવા એના વિચારમાં એમના બધા મુરબ્બીઓ પડ્યા હતા. એવામાં એમને બીજીવાર મંદવાડ આવ્યો. ત્હેમની દાદી આ વાત સાંભળતાં વારજ તાબડતોબ કલકત્તે પહોચ્યાં અને ઈશ્વરચંદ્રને પોતાની સાથે વીરસિંહ લેતાં આવ્યાં. હવા ફેર થવાથી તથા માને અને લંગોટીઆ દોસ્તદારોને મળવાના આનંદથી ત્હેમને જલ્દી અતિસાર રોગ મટી ગયો, અને થોડા દિવસમાં પાછાં તંદુરસ્ત થઈ ગયા, ગામના તળાવ ઉપર એ રોજ રમવા જતા અને ત્ય્હાં ગામના છોકરાઓ સાથે કુસ્તી રમતા. કુસ્તીમાં ત્હેમનો પહેલો નંબર આવતો.

ઠાકુદાસ એમને પાછા કલકત્તીને તેડી લાવ્યા પણ આ સમયે એમનો વિચાર બદલાઈ ગયો હતો. પુત્રને અંગ્રેજી ભણવાનો પહેલાનો વિચાર ત્હેમણે માંડી વાળ્યો. હવે ત્હેમને ઈચ્છા, કે મારા વંશમાં બધા પૂર્વજો સંસ્કૃત જ્ઞાનને માટે પ્રખ્યાત થઇ ગયા છે. હું એકલોજ ગરીબાઇને લીધે એ સુખથી વંચિત છું. ઈશ્વરચંદ્ર સંસ્કૃત ભણી ઘેર ચતુષ્પાઠી સ્થાન કરીને ગામના તેમજ બહારના વિદ્યાર્થીઓને વિદ્યા દાન કરશે.’ આ અભિલાષથી, બધા સ્નેહીઓના આગ્રહને ન ગણકારતા એમણે પુત્રને સંસ્કૃત કૉલેજમાં દાખલ કરાવ્યા.