ઋતુગીતો/મિત્રવિરહના મરશિયા/સતણ–વીસણ સંભરે
← (3) ગોકુળ આવો ગિરધારી | ઋતુગીતો સતણ–વીસણ સંભરે ઝવેરચંદ મેઘાણી |
(૫) ધરણસર માતરધણી → |
[રાધા–કૃષ્ણની વિરહ–બારમાસીના ત્રણ નમૂના તપાસીને હવે આપણે બારબાસી–ઋતુગીતોના બીજા પ્રકાર પર આવીએ છીએ. એને ‘મરસિયા’ કહેવામાં આવે છે. પોતાના વિદેહ થયેલા મિત્ર અથવા દાતાને સંભારી સંભારી પ્રત્યેક માસ અથવા ઋતુની શોભા ગાવાની આ રીતિ ઘણાં ઘણાં ચારણ, ભાટ કે મીર કવિઓએ અંગીકાર કરી છે. એમાં આલેખનની વિવિધતા અને ભાવોર્મિની તાકાત વધુ પ્રમાણમાં વિલસે છે.
આ પહેલા ‘મરસિયા’ કીડીઆ ગામના મીર કાના મનજી ઉદિયાએ જાંબુ ગામના ચારણુ માલા જામના મૃત પુત્ર વીસળના વિરહમાં આશરે એક સો વર્ષ પૂર્વે ગાયા મનાય છે. એમાં ઋતુઓની વિશિષ્ટતાઓ સોરઠી જીવનને સુસંગત થઈ પડે તેવી રીતે અંકાયેલી છે. ]
આષાઢ
ગહકે મેરા ગરવરે,
સજે વાદળ સામાઢ;
ધર ઉપર જાબુંધણી !
આઈ રત આસાઢ.
[ગિરિવરો ઉપર મોરલા ટહુકે છે; આકાશમાં મેઘાડમ્બરના સાજ સજાય છે; હે જાંબુ ગામના રાજા ! આ ધરતી ઉપર આષાઢની ઋતુ આવી.
એવો આષાઢ આવ્યો, મનમાં ભાવ્યો. રંક રાજા તમામ રાજી થયા. કામિનીઓએ એ વરસાદના દિવસોમાં લીલા કચવા પહેરીને શણગાર સજ્યા છે. ધરતીનો રંગ મગ સરીખો લીલો થઈ ગયો છે. તૃણ બધે છવાઈ જાય છે. કણના છોડ ઊગેલા છે. આવી ઋતુમાં મને એ જશ લેનાર, માલા જામનો સુત વીસળ સાંભરે છે.]
શવ પૂજા ઘસીએ ચંદણ,
જપે જાપ [૪]વ્રપ જોય;
કેસરરી આડ લલાટ કર,
શ્રાવણરા દન સોય.
છલત શ્રાવણ, મલત છાયા, વલત લીલી વેલડી,
બાપયા બેલત, મોર બનવા, ધ્યાન રાખત ઢેલડી;
પ્રસનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસે ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,
જીય ! સતન વીસળ સંભરે.
[શિવની પૂજા થાય છે. ચંદન ઘસાઈ રહ્યાં છે. લલાટમાં કેસરની આડ્ય કરીને વિપ્રો જાપ જપી રહ્યા છે. એવા શ્રાવણ માસના દિવસે સોહી રહ્યા છે.
શ્રાવણ છલકી રહ્યો છે. વૃક્ષોની છાંયડી જામે છે. લીલી વેલડીઓ વળે છે. બપૈયા પિયુ પિયુ બોલે છે. મોરલા કળા કરીને નાચે છે અને ઢેલાડીઓ એની પાસે ઊભી રહીને ધ્યાન રાખે છે. નારીઓ નાહ્ય છે, પૂજા કરે છે, શંકરનું ધ્યાન ધરે છે. એવી ઋતુમાં મને વીસળ યાદ આવે છે.]
[૫]દૂધફૂલાં વાજે ડમર
કંગાં બંગાં કવળાસ,
વીજ વ્રળક્કે ચઁહુ વળે
મેંમંત ભાદ્રવ માસ.
છલકંત નદીઆં, ભર્યાં સરવર, ઝરે ગરવર જળ ઝરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
[આજ તો દૂધમલીઆં (નવાં) ડૂડાંનો ડમ્મર વાગી રહ્યો છે. ડૂડાંનાં જૂથ જામ્યાં છે. કાગડા ને બગલાં કૈલાસ ગયાં છે. ચારે દિશામાં વીજળી ચમકી રહી છે. એવો ભાદરવો માસ આવ્યો.
પાણીમાં ભરપૂર બનેલો એવો ભાદરવો આવ્યો છે, અનેક પચરંગી વાદળાં આકાશમાં ચાલ્યાં જાય છે. આકાશ ગાજી રહ્યું છે. ઉત્તર દિશાનાં શિખરો શ્યામરંગી બની ગયાં છે. નદીઓ છલકી ઉઠી છે. સરોવરો ભરાઈ ગયાં છે. ગિરિવરોમાંથી પાણી ઝરે છે. એવે કાળે મને વીસળ યાદ આવે છે.]
આસો
અણ રત્ત આસો, મેઘ નાસો, શત સાસો સેવીયં,
ભર ભોગ લેવા કાજ ભભક્ત દૂત દાડમ દેવીયં;
નોરતાં દિવાળી તેણે દન વખત રોઝી વાપરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.
[આસો મહિનામાં નવે જાતની નિધિઓ પાકીને તૈયાર થાય છે; ‘નવા દિવસો’ આવે છે; વર્ષા સ્વાતી નક્ષત્રને વરસાવે છે; એ ધારાઓ વડે છીપોમાં મોતી બાઝે છે: અને સુભટ નવા નવા ઘોડા પર સવારી કરે છે: તે આસો માસ આવ્યો.
આસો માસની આવી ઋતુ મંડાઈ ગઈ છે. વરસાદ નાસી ગયો છે. લોકો શક્તિઓનાં આરાધન કરે છે. યમદૂતો, દાડમો નામનો દૈત્ય અને દેવીઓ ભોગ ભરખવા નીકળી પડ્યાં છે. એ નવરાત્રિઓ અને દિવાળીના દિવસોમાં લોકો કંસાર જમે છે. એ સમયે નિહાળીને મને મારો મિત્ર સાંભરે છે. ]
કાર્તિક
રાગ ઝરક્કા નત રહે;
[૧૧]સેણાં વેણાં સુવાસ,
આપવૃતિ સબ આતમા,
મેંમેત કાતી માસ.
[આ તો એ કાર્તિક માસ આવ્યો; જે માસમાં નિત્ય નિત્ય ગાન, તાન અને વાજિંંત્રના નાદ મચે છે, સ્વજનોનાં વેણ મધુર લાગે છે, ને આત્મા આત્મવૃત્તિ અનુભવે છે. એ મહિમાવંત કાર્તિક માસ આવ્યો. કાર્તિક કૈલાસ સરીખો ઠંડો હોય છે. જગતની જાતિ મદમસ્ત બની જાય છે. પુરુષ અને નારીઓ સ્નાન પૂજા કરે છે, અને ઠેઠ જમનાજી સુધી ધર્મ કરવા જાય છે. હીંગળાજ દેવીના ચરણનું ધ્યાન, ધરીને આ મહિનામાં અધમ આત્માઓ પણ ઉદ્ધાર પામે છે, એ વખતે મને વીસળ સાંભરે છે.]
માગશર
'વેઢ કડાં નંગ વીંટીઉં,
ડોળ પતસ્સા, ડીલ;
મગશરરા રંગ માણવા,
જગ આવો [૧૫]જાસીલ !
[આ માગસર માસ આવ્યો. રાજા-બાદશાહો અંગ પર વેઢ, કડાં, વીંટીઓ વગેરે અલંકારોનો આડંબર કરે છે. હે યશનામી વીસળ ! આ માગસરના આવા ઢંગ માણવા માટે તમે ય જગત પર આવો.
લક્ષપતિ રાજાઓ આ માગસર મહિને દારૂની પ્યાલીઓ પીએ છે. ભાઈબંધોનું જૂથ મળીને હિલોળા કરે છે. જાચક લોકોને ધનની પ્રાપ્તિ થાય છે. ઘોડાઓ પર જીન અને મર્દો પર બખ્તર કસાય છે. વેર રાખનારાઓ મનમાં ડરે છે. આવા માગસર મહિનામાં મને વીસળ સાંભરે છે.]
પોષ
[૨૩]ચોરસ દારૂ ફૂલ સરે,
ગળે કસુંબા ગોસ;
હેમંત રત ટાઢી હવા,
પ્રિયા ત્રિયા રંગ પોસ.
[(આ પોષ આવ્યો) હવે શ્રેષ્ઠ ચોવડીએ દારૂ પીવાય છે. (મહેફિલોમાં) કસુંબા ગળાય છે અને માંસનાં ભોજનો ચાલે છે. આ હેમન્ત ઋતુની થંડી હવાને લીધે ત્રિયાઓ (સ્ત્રીઓ) પ્રિય લાગે છે. એવો પોષ માસનો રંગ છે.
એવો પોષ આવ્યો. પાણી થીજી ગયાં. ભલભલા શૂરવીરો પણ ઘેર પહોંચી જાય છે. હાથીઓ અને ઊટોં ગાંડાં બને છે. સ્ત્રીઓ મદથી છકીને આંટા મારે છે. ભૂપતિઓ અંગે ગરમ કપડાં ઓઢે છે. સહુના જઠરમાં ક્ષુધાનો અગ્નિ સતેજ થાય છે. એ વખતે મને વીસળ સાંભરે છે. ]
માહ
લખ પરણે ચોખાં લગન,
થિયે અણંદ ઉછાહ;
ગહેકે [૨૭]સોળ ગાવિયે,
મા મહિને વીમાહ.
વીમાહ થે, બળરાહ વાળા, ગહક સોળા ગાવીયં,
શરણાઈ નોબત ઢોલ સરવા, સદ્યણ ઘરતાં સેવીયં;
[૨૮]હોમંત જવ તલ કંકણ હાથે, કવેસર ગાહન કરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.
[લાખો નરનારીઓ ચોખાં લગ્ન લઈ લઈને પરણે છે. આનંદ ને ઉત્સાહ વ્યાપી રહ્યો છે. લગ્નનાં મંગળગીતો ગાજી રહ્યાં છે. એ રીતે માહ મહિને વિવાહ થાય છે. એવા વિવાહ બલિ રાજાની વિધિ મુજબ ચાલી રહ્યા છે. લગ્નગીતો ગવાઈ રહ્યાં છે. શરણાઈ નોબત, ઢોલ વગેરે વાજિંત્રો સરવા સૂરે બજી રહ્યાં છે. લગ્નની વેદી પર કંકણવાળા હાથ વડે માતાઓ જવ તલ હોમે છે. કવિએ (ઢાઢી અને મીર લોકા) મંગળ ગાયનો ગાય છે. એ કાળે મને મારો સ્નેહી સાંભરે છે.]
ફાગણ
ભર ફાગણ બણકે ભમર,
ઓપત ભાર અઢાર;
સોળસેં વચ્ચે સામરો
રંગ છે ખેલે કરતાર.
કરતાર કનવા, બેશ બનવા, ગીત ગોપી ગાવીયં,
ચમ્મેલ મોગર જાઈ ચંપા, ફૂલ ગજરા ફાવીયં;
અંતર અબીલ ગુલાલ ઊડત, ધૂંધળો અંબર ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
[ફાગણ આવ્યો. ફૂલે ખીલવાથી ભમરા ગુંજારવ કરી રહ્યા છે. અઢારે ભાર વનસ્પતિ ઓપી રહી છે. અને એ વસંત ઋતુમાં પ્રભુ શામળોજી સોળસો ગોપીઓ વચ્ચે રાસ રમી રહ્યો છે.
એ કનૈયા કિરતારે સુંદર વેશ સજ્યો છે. ગોપીઓ ગીત ગાઈ રહી છે. ચમેલી, મોગરો, જાઈ, ચંપા વગેરે ફૂલોના ગજરા શોભે છે. અત્તર, અબીલ, ગુલાલ વગેરે ઊડી રહ્યાં છે. એ બધાં એટલાં બધાં ઊડે છે કે આકાશ ધુંધળું થઈ ગયું. એ જોઈ વીસળ સાંભરે છે. ]
ચેત્ર
પ્રહટે જળ, બાંધે પરબ,
નૂર હટે જળ નેત્ર,
[૨૯]વળે ફળે વન વેલડી
સાવ સકોડો ચિત્ર.
[પાણી હઠી ગયાં. લોકો પાણી પાવાની પરબો બાંધે છે. આંખોનાં નૂર પણ ઓછાં થાય છે. વનવેલડીઓ નવેસર કોળે છે. ચૈત્ર માસ છેક સંકોડાયેલો જાય છે.
એવે ચૈત્ર મહિને અવિચળ આકાશ શોભા ધરે છે. વિજયા (ભાંગ) અને અમલ (કસૂંબા) વધુ ઘાટાં ઘુંટાય છે. શિવના શિર ઉપર જળધારી ચડે છે. ભરણી નામનું મોટું નક્ષત્ર તપે છે. રોહિણી નક્ષત્રનાં દનૈયાં તપે છે. એ વખતે મને વીસળ સાંભરે છે.]
વૈશાખ
રોહણ, જાંબુ, રાવળાં,
ધજ ખાંડું, ગળ ધ્રાખ
પેટીરી, મશરી પડે,
શાખ ગળે , વશાખ.'
વૈશાખ મહિને વાહ વાયા, અંબા આયા અધ્ઘળા,
લેલુંબ દાડમ તસા લીંબુ, પાન વાડી પ્રદઘળા;
[૩૪]દો બીજ આખાતીજરે દન, અતગ જળ ધર ઊભરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
[રોણીઆં, જાંબુ, રાવણાં ને ગળી દ્રાક્ષ પાક્યાં. ઉત્તમ ખાંડમાંથી પેટીની સાકર પડવા લાગી : વૈશાખ મહિને કેરીની સાખો ગળવા લાગી.
વૈશાખ મહિને વાયરા વાયા. અઢળક આંબા આવ્યા (ફળ્યા). લૂંબા-ઝૂંબ દાડમ આવ્યાં. તેવાં જ અઢળક લીંબુ લચ્યાં. તમામ વનસ્પતિ ઝકુંબી રહી છે. બીજ અને અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના બે દિવસે ધરતીની અંદર ઊંડાણમાંથી પાણી ઊભરાય છે. એ ઋતુમાં......]
જેઠ
[ગ્રીષ્મ ઋતુના ગરમ વાયુ વાય છે. ક્ષત્રીઓ પોતાના ઘોડાને ઘી પીવરાવે છે. તળાવો સૂકાયાં છે. એવા જેઠ મહિનાના દિવસોમાં જળના પ્રવાહ ત્રુટી ગયા છે.
એવા જેઠના દિવસો તો રાવ રાણાને પણ મુશ્કિલ થઈ પડ્યા છે. ભોળા દેવ શંકર પણ બેવડી વિજ્યા (ભાંગ) પીવે છે. એ આર્દ્રા નક્ષત્રની અંદર ઘનઘોર મેઘલ ઘટા આકાશને ઘેરી રહી છે. એ વખતે મને વીસળ યાદ આવે છે.]
- ↑ ૧. કણ
- ↑ ૨. 'ઉગાવો' ઊગવું પરથી નામ
- ↑ ૩. તણ=તે
- ↑ ૪ વિપ્ર.
- ↑ ૧. દૂધફૂલીઆં (નાના) ડૂંડાં
- ↑ ૨. પય+પન્ન=પાણીથી ભરપૂર
- ↑ ૩. ઉત્તર દિશાનાં શિખરો. સરખાવો :—
ઉત્તર શેડ્યું કઢ્ઢિયુ, ડુંગર ડમ્મરિયા,
હૈડો તલફે મરછ જીં, સજણ સંભરિયા
[ હોથલની કથા: રસધાર ૪ ]
- ↑ ૧. આસો માસમાં દિવાળી પહેલાંના દિવસેને ‘નવા દી’ કહેવાય છે.
- ↑ ૨. સ્વાતી નક્ષત્રની વૃષ્ટિનાં બિંદુઓ સમુદ્રની ઉઘાડી છીપોમાં પડે તો માતી બંધાય એવી માન્યતા છે. વ્રખા=વરખા [વર્ષા].
- ↑ 3. વિજયાદશમી (દશેરા)ને દિવસે ક્ષત્રિ-પુત્રો નવાં ઘોડા પર સવારી કરી ઘોડદોડ રમતા.
- ↑ ૧. સેણાં – સ્વજને
- ↑ ૨. કવળાસ: [કૈલાસ પરથી વિશેષણ ]ઠંડો
- ↑ ૩. પુરુષ અને નારીઓ
- ↑ ૪. હીંગળાજ દેવીનું સ્થાનક સિંધમાં છે.
- ↑ ૧. જશવાળા,
- ↑ ૨. દારૂ,
- ↑ ૩.જામ: પ્યાલી શબ્દમાં અનુસ્વાર ઉમેરવાની છુટ માત્રામેળને માટે જ ચારણો ભોગવે છે.
- ↑ ૪. જાચકો (ચારણો, બારોટો, મીરો વગેરે).
- ↑ પ. કસે છે.
- ↑ ૬. સંસ્કૃત ‘તુરિ’ પરથી ‘તરિ’ બહુવચન તરિયાં છે.
- ↑ ૭. ભડ (શૂરવીર) લોકો.
- ↑ ૮, બખ્તર.
- ↑ ચોવડીઓ (શ્રેષ્ઠ પ્રકારનો)
- ↑ ‘આવત’ નું ‘આમત’ પ્રાસાનુપ્રાસ ખાતર કર્યું.
- ↑ કચ્છી ભાષાના શબ્દ ‘કરલા’ પરથી ટુંકાવીને ‘ક્રલા’ કરેલ જણાય છે.
- ↑ ડટવા પટુ =ધેટાની ઊનનું ગરમ કપડું.
- ↑ ચારણ જ્ઞાતિમાં ગવાતાં લગ્ન-ગીતને ‘સોળા’ કહે છે.
- ↑ લગ્નમાં સપ્તપદી નામનો એક વિધિ થાય છે તે કરતી વખતે અગ્નિમાં યજ્ઞનિમિત્તે ચાર વાર જવ અને તલની આહુતિ અપાય છે.
- ↑ લોકોકિત તો એવી છે કે ‘વૈશાખે વન વળે;’ પરંતુ ચૈત્રથી જ વનસ્પતિ કોળવા લાગે છે.
- ↑ ભાંગ
- ↑ શિવલિંગ પર, તળીએ છિદ્ર પાડેલું વાસણ ભરીને લટકાવવામાં આવે છે, તેમાંથી પાણીનાં ટીપાં લિંગ પર પડે છે.
- ↑ હમેશાં જો ભરણી નક્ષત્ર તપે તો જ ચોમાસું સારું થાય, ને જો એ વરસે તે વરસને બગાડે. લોકોક્તિ એવી છે કે “જો વરસે ભરણી તો નાર મેલે પરણી” અર્થાત ભરણી નક્ષત્ર વરસે તો એવો દુષ્કાળ પડે કે ભૂખમરાને લીધે પુરુષ પોતાની પરણેતર સ્ત્રીને પણ ત્યજી દે.
- ↑ ચૈત્ર મહિનાના બીજ પખવાડિયાના સાત આઠ દિવસ સખ્ત તાપ પડે તો જ વરસાદ સારો નીવડે. એને ‘દુનિયા તપે’ કહેવાય છે.
- ↑ ઉપરની બાફ લાગવાથી પૃથ્વીનાં ઊંડા પડોનું પાણી ઉભરાઈને ઊંચે આવે છે, એથી જ વનસ્પતિ નવું પોષાણ પામીને ચૈત્ર વૈશાખે કોળે છે. પ્રચલિત ઉક્તિ છે કે ‘વૈશાખે વન વળે.’
- ↑ જેઠ મહિનામાં ઘોડાંને કૌવતદાર કરવા માટે ‘ઘી વેઠવા’ નો ચાલ હતો. વાજાં : (સંસ્કૃત ‘વાજિન્’ પરથી)ઘોડાં.
- ↑ તડ : તળાવ (સં. ‘તડાગ’ પરથી)
- ↑ ૪.દૂણી : દૂ+ગણી : બમણી.
- ↑ વિજયા.
- ↑ આર્દ્રા નક્ષત્ર ન વરસે તો વર્ષ બૂરું નીવડે. લોકોક્તિ છે કે—
મૃગશર નો વાયાં વાવલાં, આર્દ્રા ન વરસ્યાં મે;
જોબન પૂતર ન જાયા, ત્રણે ધાઠાં તે.
અર્થ— મૃગશીર્ષ નક્ષત્રમાં જો વા ન વાય, આર્દ્રા નક્ષત્રમાં જો વરસાદ ન વરસે, અને યુવાવસ્થામાં જો પુત્ર ન જન્મે, તો પછી એ ત્રણે નિષ્ફળ જ ગયાં સમજવાં.