ઋતુગીતો/રાધાકૃષ્ણની બારમાસી/કહે રાધા કાનને
← રાધાકૃષ્ણની બારમાસી | ઋતુગીતો કહે રાધા કાનને ઝવેરચંદ મેઘાણી |
વ્રજ્જ માધા આવણાં → |
૧
કહે રાધા કાનને
[ રાધા–કૃષ્ણની આ વિરહ-બારમાસી પચાસ વર્ષની અંદર જ રચાયેલી લાગે છે. રચનાર કોઈ ‘ભૂરો’ નામે કવિ લાગે છે. કોઈ કહે છે કે ‘ભૂરો’ નામે એક મીર હતો, જયારે બીજા કહે છે કે એ ઉપલેટાનો રહીશ ભૂરો રાવળ છે. વાચક જોઈ શકશે કે આ ‘બારમાસી’માં ઋતુનાં વિશિષ્ટ લક્ષણો વર્ણવાયાં નથી; ક્યાંઈક ક્યાંઈક કેવળ આછાં દર્શન આવે છે. તે સિવાય પ્રધાનપદે તો એની શાબ્દિક ઝડઝમક અને પ્રવાહી ઊર્મિમયતા છે. ચારણના કંઠમાંથી ગવાતી વેળા એનો નાદ–પ્રભાવ મન હરી શકે છે. સામાન્ય રીતે ચારણી ઋતુગીતો આષાઢથી ઊપડે છે, પણ આમાં જેઠથી પ્રારંભ થાય છે. ]
[ દોહા ]
સમરું માતા સરસતી, અવિચળ વાણી આપ !
ગુણ ગાવા ગોવિંદના, ટળે જ ભવના તાપ.
કાન તજી અમને ગિયા, સઘળો ગોપી સાથ;
પ્રભુ નાવ્યા દ્વારાપુરી, રાજ કરે રુગનાથ.
મેં રડું ગોકુલ ગામમેં, [૧]કાનડ નાવ્યા કોઈ;
અબ ઝખના એસી કરું, શ્યામ સંદેશો સોય.
[૨]વિનતા તમને વીનવે, નહિ [૩]નેઠો કે નેઠ;
એક વાર માધા આવજો ! જો અબ [૪]આયો જેઠ.
[ છંદ દોમળિયા ]
[ હવે જેઠ મહિનો આવ્યો, આનંદની લહરીઓ લાવ્યો; ચિત્ત રવામીને ચાહવા લાગ્યું. કાનને સંદેશો કહાવ્યો. છતાં એ યદુવંશમાં જન્મેલો નાથ ન આવ્યો. વનમાં વેણુ (વાંસળી) વગાડતા, રંગમાં રાતા ભીંજાયેલા ગોપલોકો જ્ઞાનમાં ગીતો ગાય છે. અને ભરપૂર યૌવનવાળી ભામિને રાધા કાનને કહેવરાવે છે. ]
આષાઢ
દન ગણતાં જેઠે ગયો, કાળી ઘટા ઘન કાઢ;
એણી પેરે કાના આવજો ! આયો માસ અષાઢ.
આષાઢ આતા, મેઘ માતા, વાય વાતાં વાદળાં,
ધર નીર ધારા, દુ:ખી દારા, સામી મારા શામળા !
વાજંત્ર વાજે, ગહેરી ગાજે, મેલ્ય માઝા માનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.
[ દિવસો ગણતાં જેઠ પણ ગયો. વાદળાંએ કાળી ઘટા કાઢી. હે કાના ! આ તરફ હવે આવજો ! આષાઢ માસ આવ્યો. આષાઢ આવતાં તો મેઘ માતેલો બન્યો. વાયુમાં વાદળાં વહેવા લાગ્યાં. ધરતી પર પાણીની ધારા પડે છે. (તારી વિરહિણી) દારા દુઃખી થાય છે હે મારા શામળા સ્વામી ! આ વાજિંત્રો વાગે છે, ગહેરા નાદ ગાજે છે, માનિની હવે તો માન ને મર્યાદા મેલી દે છે. એમ ભરજોબનમાં આવેલી ભામિની રાધા કાનને કહાવે છે. ]
શ્રાવણ
ત્રીજો બેઠો [૮]તબ તકે, અણપૂરી મન આશ;
અબળા મેલી એકલી, ભણીએં શ્રાવણ માસ.
શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં કામની,
પે’રી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં ભામની;
શણગાર સજીયેં, રૂપ રજીયેં, ભૂલ લજીયેં ભાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.
[ ત્રીજો મહિનો બેઠો ત્યાં સુધી પણ મનની આશા અપૂર્ણ રહી. (સ્વામીએ) અબળાને એક્લી મેલી. એવો શ્રાવણ માસ વર્ણવીએ છીએ.
શ્રાવણમાં સારી પેઠે વૃષ્ટિ ઝરે છે. કેટલીયે કામિનીઓ કતારબંધ રંગે રાતાંચોળ પટોળાં પહેરીને ભમે છે. અમે પણ શણગાર સજીએ છીએ, રૂપને રંજિત કરીએ (શણગારીએ) છીએ, લજજા અને ભાન ભૂલીએ છીએ.........]
ભાદરવો
નહિ આવે તે નાથજી ! પાડીશ મારા પ્રાણ;
ગડ હડ અંબર ગાજિયો, જોર ભાદ્રવો જાણ!
[ હે નાથ ! તમે નહિ આવો તો હું મારા પ્રાણ ત્યજીશ. આ તો ગડહડાટ કરીને આકાશ ગાજ્યું. એવો જોરદાર ભાદરવો આવ્યો જાણો.
ભાદરવો ભરપૂર વરસે છે. દાદૂરો (દેડકાં) ડરાઉં ! ડરાઉં ! બોલે છે. અને જાણે જાદવરાવ (કૃષ્ણ) આવતાં હોય તેમ મોરલા શોર કરીને ઝિંગોર ગજાવે છે. સંત લોકો (શાસ્ત્રો) ઉચ્ચરે છે. હું તો તારું જ ધ્યાન ધરું છું.......]
આસો
શું કરવા સાહેલડી, અંતર હોય ઉદાસ !
અલબેલો નાવ્યા [૧૧]અઠે, આવ્યો આસો માસ.
આસો જ એમેં, કરવું કેમેં, પ્રીત પ્રેમે પાળીએં,
ઓચંત આવે, નીંદ નાવે, મન્ન માવે મોહીએં;
નીરધાર નયણે, ઝરે [૧૨]શમણે, શામ શેણે સંભરે;
ભરપૂર જોબનમાંય ભામન કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.
[ હે સાહેલી ! શા માટે તારું અંતર ઉદાસ છે ? એટલા માટે કે આસો માસ આવ્યો છતાં અલબેલો અહીં ન આવ્યો.
એમ આસો આવ્યો. હવે કેમ કરવું ? હે શ્યામ ! પ્રીતિ તો પાળવી ઘટે. રખે ઓચિંતા એ કદાચ આવી ચડે, તેથી મને નિદ્રા નથી આવતી. મન માવા (કૃષ્ણ) પર મોહ્યું છે. નયનમાં પાણીની ધારા ઝરે છે. સ્વપ્નમાં શ્યામ સાંભરે છે.....]
કાર્તિક
શું કરવા સાહેલડી, અંતર હોય ઉદાસ ?
રાધા કહે સુણ ગોપિકા ! કહીએ કારતક માસ.
[ કાર્તિકમાં હૃદય તમારી આશાએ જ શ્વાસ લે છે હે માવાજી ! રાહ જોતી જોતી રાધા હૃદયમાં રોવે છે. કોઈ સખી જઈને લાલને (પતિને) શોધી લાવો ! એ બુદ્ધિવંત બાઈઓ ! કાનને જઈને કંઈક તો કહો !......]
માગશર
સંભારું દાડી શામને, થિર નહિ મન થાય;
વ્રજવાસી ! આવો વળી, મગશર મહિના માય.
માગશરે માધા ! મન બાધા, જુવે રાધા જાળીએ,
ઘર ગોપ ઘેલી, બાળા બેલી ! પ્રીત પે’લી પાળીએ ! સોળસેં સાહેલી, ખેલ ખેલી, અલ્લબેલી આનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.
[ રોજ શામને સંભારું છું, મન સ્થિર થતું નથી. હે વ્રજવાસી! માગશર મહિનામાં હવે પાછા વળી આવો !
હે માધવ! માગશરમાં મન (તમારી સાથે) બંધાઈ ગયું છે. રાધા જાળિયામાંથી નીરખતી તમારી વાટ જોવે છે. ઘરમાં ગોપી ઘેલી બની છે. હે બાળપણના બંધુ! ભલે તમે અન્ય અલબેલી સોળસેં સખીઓ સાથે ખેલ ખેલ્યા, પણ પહેલી બાંધેલી પ્રીત તો પાળવી જોઈએ. ......]
પોષ
નહિ આવો તો નાથજી! રહે ઘણો મન રોષ;
દન લાગે [૧૫]અત દોયલા, પ્રભુજી! બેઠો પોષ.
[ હે નાથ ! નહિ આવો તો મારા મનમાં ઘણો રોષ રહેશે. દિવસો અતિ દોહ્યલા લાગે છે, હે પ્રભુ ! પોષ બેઠો.
પોષમાં તો હે મેલા મનના માનવી ! વહેલા આવો. મારું અંતર તલસે છે. મારો દેહ (ઠંડીથી) કેવો થર થર ધ્રુજે છે તે હું બતાવું. હે કાળા કાન ! હવે તું તોફાન છોડ. હે મર્માળા ! માની જા !...]
માહ
શણગાર પે’રી શોભતા, ગીત ઘરેઘર ગાય;
તોરબ બાંધ્યાં અંબ તણ, મોહકારી માહ માંય.
માહ મોહકારી, જાય ભારી, નમું નારી નેહથી,
સેંથો સમારી, વેણ સારી, વારી વારી વ્રેહથી;
મોજે સમાથણ, હાલી હાથણ, સરવ સાથણ સાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.
[ શોભિતા શણગાર પહેરીને ( સ્ત્રીઓ ) ઘેર ઘેર (લગ્નનાં) ગીતો ગાય છે. આંબાનાં પાંદડાંનાં તોરણ બંધાય છે. મોહક માહ મહિનામાં એવું થઈ રહ્યું છે.
એવો મોહક માહ મહિનો મારે તો બહુ વસમો જાય છે. હું નારી તને સ્નેહથી નમું છું. વિરહથી ( ઉત્તેજિત થયેલી ) હું વારંવાર મારો ચોળાતો સેંથો સરખો કરું છું અને વિખરાતી વેણીને ફરી ફરી ગૂંથું છું. સર્વે સાથણો ( સખીઓ )ને લઈ, જાણે હાથણી હાલતી હોય તેમ (રાધા) નીકળે છે......]
ફાગણ
કપટી નાવ્યા કાનજી, ગિરધારી ગોકૂલ;
સાથ લગ્યો સોહામણો, ફાગણ ફૂલ્યાં ફૂલ.
ફાગણ ફુરંગા, શામ સુરંગા ! અંગ રંગ ઓપીએં,
મુળગી ન માયા, નંદજાયા ! કંસ ઉપર કોપીએં;
ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.
[ એમની સોબત સોહામણી–સરસ લાગે છે, અને ફાગણ માસના (–વસંતનાં) ફૂલ ખીલી ઊઠ્યાં છે, (છતાં) કપટી ગિરધારી કાનજી ગોકુળમાં ન આવ્યા.
ફાગણ ફોરી ઊઠ્યો. હે સુરંગી શ્યામ ! આજ તો અંગ રંગેલ હોય તો જ ઓપે. હે નંદના જાયા ! છેક જ પ્રીતિ ન રહી ? આવો કોપ તે કંસ ઉપર જ કરાય. ભોળી ભામિનીઓ ટોળે વળીને તાનમાં હોળી રમે છે....]
ચૈત્ર
અબળા અરજી આખવે, ખૂબ રાધા મન ખંત;
નેણે ધારા નિરઝરે, ચૈતર લાગ્યો ચંત.
[ અબળા અરજી કરે છે. રાધાના મનમાં ખૂબ ખાંત છે, નયને અશ્રુધારા ઝરે છે. ચૈત્ર માસ એવો ચિત્તમાં લાગ્યો છે.
ચૈત્રમાં હે સ્વામી ! હે ગરુડ પર ચડનાર! હે અંતર્યામી ! આવો હે (ગોવર્ધન) પર્વતને ધરનારા ! કંસને મારનારા ! ધેનુ (ગાયો) ચારનારા ! હવે ધાજો. હે બળરામના બાળા (નાનેરા) ભાઈ! હે (મોરપિચ્છના) છોગાવાળા ! તમારા (શ્યામ) વર્ણ પર હું વારી જાઉં છું......] વૈશાખ
અઢાર[૨૧] ભારે એકઠાં, પ્રભુ ! આંબા વનપાક;
કોયલ કીલોળા કરે, શો ફળિયો વૈશાખ !
વૈશાખ વળિયો, ફૂલ ફળિયો, અંબ બળિયો આવિયો,
નરખંત નીતિ, રાજ રીતિ, ગોપ ગીતિ ગાવિયો;
મનમેં મધુરો, પ્રેમ પૂરો, ગાય ભૂરો ગ્યાનમેં,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી! કહે રાધા કાનને.
[ અઢાર પ્રકારની વનસ્પતિ એકઠી થઈ છે. હે પ્રભુ ! વનના આંબા પાક્યા છે. કોયલ કિલ્લોલ કરે છે. વૈશાખ કેવો ફાલ્યો છે !
વૈશાખ વળ્યો, ફૂલડે ફાલ્યો, અઢળક આંબા આવ્યા. ગોવાળો ને ગોવાળણો ગીતો ગાય છે. મનમાં મધુર પ્રેમથી ભરપૂર ભૂરો કવિ જ્ઞાનદૃષ્ટિએ ગાય છે…………]
🟊
- ↑ કાન
- ↑ વનિતા
- ↑ પત્તો: ભાળા.
- ↑ આવ્યો.
- ↑ ચિત્ત
- ↑ 'વેણુ' શબ્દને ટુંકાવ્યો છે.
- ↑ જ્ઞાનમાં (ઉત્તર હિન્દુસ્થાનમાં 'ગ્યાન' બોલાય છે.)
- ↑ ૧. તબ તક=ત્યાં સુધી (ચારણી કાવ્યમાં હિન્દી પ્રયોગની પણ છૂટથી મેળવણી થાય છે.)
- ↑ દેડકાનો અવાજ 'ડહકે' શબ્દથી સૂચવાયો છે.
- ↑ તે જ રીતે મોરના સૂર માટે ‘ઝિંગોરા ખાસ શબ્દ છે. અને ‘ગહેકે ' પણ મોરનું જ બોલવું બતાવે છે.
- ↑ અઠે : આહીં’. (મારવાડી પ્રયોગ).
- ↑ શમણું: સ્વપ્ન.
- ↑ શ્વાસ લે છે.
- ↑ કૃષ્ણનું નામ.
- ↑ અતિ
- ↑ મેલા મનવાળા
- ↑ દેહ
- ↑ મર્માળા.
- ↑ અંતર્યામી. (ચારણો શબ્દોને કેવી રીતે ટુંકાવે છે તેનો નમૂનો)
- ↑ વર્ણ, રંગ.
- ↑ ૧. સમગ્ર વનસ્પતિને ‘અઢાર ભાર’ કહેવામાં આવે છે.