← ઋતુના રંગ : ૧૧ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૧૨ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૧૩ :  →



ઋતુના રંગ : ૧૨ :


ભાવનગર.

તા. ૧૪ - ૭ - ૩૬

પ્રિય બાળકો !

ઉનાળો ચાલતો હતો ને હું સંયુક્ત પ્રાંતના પ્રવાસે ઊપડ્યો. એટલે જ હું તમને ઋતુનો પત્ર લખી શક્યો નહિ, તો માફ કરશો.

હવે તો વર્ષાઋતુ બેસી ગઈ છે. બળબળતો ઉનાળો સંભારી સંભારીને એને વિષે કોણ લખે ? ગઈ તિથિ તો જોશી યે નથી વાંચતા, એવી એક કહેવત છે.

પણ આમ લખીએ તો ઉનાળાને અન્યાય કર્યો કહેવાય. એ તો ઉનાળાને પ્રતાપે આજે આપણે ત્યાં ચોમાસું છે ને લીલાલહેર છે.

થોડા જ વખત પહેલાં આકાશને અડે એવી આંધી ચડી હતી. રાજાની સવારીની ખબર આપતો ફોજદાર કે જમાદારનો ઘોડો નીકળે, તેમ વરસાદની ખબર આપતી આ આંધીએ આવીને લોકોને ખબર આપ્યા કે "તૈયાર થાઓ, તૈયાર થાઓ; મેઘરાજા આવવાના છે."

ડાહ્યા લોકોએ ઘરનાં છાપરાં ચળાવી લીધાં, ઘરની વંડીઓને છાજાં દીધાં ને વરસાદની વાટ જોવા માંડી.

પછી તો એક સાંજે વાદળાં ચારેકોરથી એકઠાં થવા માંડ્યાં અને જોતજોતામાં તો આકાશ કાળું ડિબ્બાણ થઈ ગયું. સૂર્યનો પ્રકાશ છેક ઓછો થઈ ગયો ને સાંજ જેવું દેખાવા લાગ્યું. પક્ષીઓને થયું કે જરૂર હવે વરસાદ આવશે. એટલે તેઓ માળા તરફ ઊડવા લાગ્યાં. પાણી ભરવા ગયેલી પનિહારી ભર્યે બેઢે ઉતાવળે પગે ઘર ભણી ચાલવા લાગી. નળિયાં ચાળવા છાપરે ચડેલો હસનો ઝટઝટ ઉઘાડાં કરેલાં કાવાં ઢાંકી દેવા માંડ્યો. ત્યાં તો અધ્ધરથી વરસાદ ત્રાટક્યો. આકાશના અવકાશમાં કેટલી યે તોપો ફૂટે એવો ગડુગડાટ થવા લાગ્યો. અનરાધાર વરસાદ અને ગડુડાટ વચ્ચે વીજળી સબાકસબાક સબાકા દેવા લાગી.

એક ઘડીકમાં તો વરસાદને લીધે પૃથ્વીનો દેખાવ બદલાઈ ગયો. જે રસ્તાઓ ઉપર ધૂળ ઊડતી હતી તે રસ્તાઓ કીચડવાળા થઈ ગયા. જ્યાં સૂકા ખાડાઓ હતા ત્યાં પાણીનાં નાનાં નાનાં ખાબોચિયાં અને તળાવો થઈ ગયાં. જ્યાં તડકાથી કંટાળીને ઝાડ ને પાંદડાં ચીમળાઈને માથું નીચું નમાવીને ઊભાં હતાં ત્યાં ઝાડપાન પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં. જ્યાં થોડી વાર પહેલાં ગરમી લાગતી હતી ત્યાં હવે શીતળ મજાની હવા આવવા લાગી, ને આકાશનો દેખાવ પણ ફરી ગયો.

પહેલો વરસાદ, પહેલો વરસાદ ! સડકો ઉપર થઈને પાણી વહી ગયાં. ક્યાંક ક્યાંક સડકો તૂટી પણ ગઈ. નાનાં નાનાં નાળાં ખળખળ વહેવા લાગ્યાં. ખેતરોમાં પાણી ભરાયું ને રેલાવા માંડ્યું. એ રેલામાંથી નાના મોટા વોકળા થયા; વોકળાઓ જઈને નદીને મળ્યા, ને નદીએ નવા પાણીનાં પૂર આવ્યાં.

પહેલો વરસાદ, પહેલો વરસાદ ! ચાળ્યા વિનાનાં છાપરામાંથી ઘણા બધા ચૂવા થવા લાગ્યા. ઘર આખું પાણી પાણી થઈ ગયું. ફળિયામાં પડેલાં અને નહિ ઉપાડેલાં છાણાં અને લાકડાં પલળી ગયાં. છત્રી વિના બહાર ગયેલા લોકો પૂરેપૂરા પલળીને આવ્યા. વરસતે વરસાદે નિશાળમાંથી છૂટેલાં છોકરાં હાથે કરીને નહાતાં ને કૂદતાં ઘરને આંગણે ખૂબ ખૂબ મોડાં આવ્યાં.

પહેલો વરસાદ, પહેલો વરસાદ ! કેટલા ય દિવસનો તાપ અને ઘામ આજે શમી ગયા. કેટલા યે દિવસની ઊડતી ધૂળ આજે બેસી ગઈ, ને તેમાંથી મીઠી મીઠી વાસ આવવા લાગી. કેટલા યે દિવસે આજે તાપે તપતી ધરતી ટાઢી થઈ. મોરે આનંદમાં આવી કળા કરીને ટહુકો કર્યો. કોયલે પોતાનું કૂજન બમણા જોરથી લલકાર્યું. ચકલી, કાબર અને કબૂતરો ખાબોચિયામાં પાંખ પસારી નહાવા લાગ્યાં ને ખુશખુશ થતાં આમતેમ ઊડવા લાગ્યાં.

ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યું ! ખેતરો પાણીથી તરબોળ થયાં. તળાવનાં ને કૂવાનાં પાણી ઊંચા ચડ્યાં. નદીઓનાં નીર કાંઠે અડ્યાં. ચોમાસુ હજી આવે છે. ધોધમાર વરસાદ આવી ગયાને થોડા દિવસ થઈ ગયા છે; હમણાં પાછું કોરાડું છે. હમણાં ખૂબ ઘામ થાય છે. આકાશે વાદળાં ચડે છે ને ઊતરે છે, પણ એકે ય છાંટો હેઠ આવતો નથી. હમણાં તો દિવસે વાદળાં રહે છે ને રાતે ચોખ્ખા મજાના તારા નીકળે છે. લોકો કહે છે કે આ તો સારું નહિ; આ કાંઈ વરસાદ આવવાના ચાળા નહિ.

એક વાર વરસાદ આવ્યો છે ને બીજી વાર પણ આવશે જ. એ કાંઈ આવ્યા વિના રહેવાનો છે ? એના દિવસો છે તે વહેલોમોડો આવશે જ.

હમણાં રોજ રોજ ફરવા જવાની મજા આવે એવું છે. નવું કુમળું લીલું ઘાસ ચોમેર ઊગી નીકળેલું છે. આખી ધરતી લીલા ગાલીચાથી ઢંકાયેલી લાગે છે. બાલમંદિર ઉપર ચડીને જોઈએ છીએ ત્યારે ચોમેર એવું તો સુંદર ને મનોહર લાગે છે કે બસ ! જાણે કે દોડીને ગધેડિયા ખેતરના લીલા ગાલીચામાં આળોટવા માંડીએ. અલબત્ત, ગધેડાને આવી લીલી હરિયાળી ભોંય ઉપર આળોટવાનું નહિ ગમે; એને તો રાખમાં અથવા ધૂળમાં જ આળોટવું ગમે છે.

આજકાલ તમે બહાર ફરવા જાઓ ત્યારે જ્યાં ઢોર ચરતાં હોય ત્યાં નજર નાખજો; ઢોરની પાછળ પાછળ તેમ જ તેમના પગની આજુબાજુ ચાલતાં ધોળાં બગલાં દેખાશે. આ ધોળાં બગલાંને ગાયબગલાં કહે છે. અંગ્રેજીમાં તેને ઢોરબગલાં કહે છે. ખરી રીતે તેને ઢોરબગલાં કહેવાં જોઈએ, કેમકે તે ઢોર પાછળ ને સાથેસાથે ચાલે છે. પણ બગલાં આમ ઢોરની આગળપાછળ શા માટે ચાલે છે, જાણો છો ? જુઓ, આ ચોમાસાના ખડમાં ઘણી બધી જીવાત થયેલી હોય છે. જ્યારે ઢોર ખડ ખાતાં ખાતાં ચાલે છે ત્યારે તેમના પગના સંચારથી ખડની જીવાત ઊડે છે. એ ઊડતી જીવાતને વગર મહેનતે ખાઈ જવા માટે ગાયબગલાં ઢોરની સાથે ચાલે છે. ગાયબગલાં પોતાનો ખોરાક કેવી ખૂબીથી શોધે છે તે ધ્યાનમાં આવ્યું ? પક્ષીઓમાં કેવી કુદરતી પ્રેરણા હોય છે ? આ ગાયબગલાં ધોળાં હોય છે; નજરે જોવાં ગમે છે; ઊડતાં જોવાની મજા આવે છે.

હમણાં તમે કોઈ ખાબોચિયાની પાસેની વાડ ઉપર કે તારના થાંભલા ઉપર કલકલિયો વારંવાર જોશો. નવા પાણીમાં અસંખ્ય દેડકાઓ આજકાલ કલકલિયાનો નાસ્તો, ભોજન, રોંઢો અને વાળુ છે. કલકલિયો ખૂબ જોરમાં અને લહેરમાં છે. દેડકાં પોતે પણ લહેરમાં છે. ઊંઘમાંથી ઊઠીને મોટાં દેડકાં ગાનતાન કરવા લાગી ગયાં છે. વર્ષાનો જબ્બર જલસો તેઓ આખી રાત જમાવે છે. કોઈને ગમે છે કે નહિ તેની તેઓ જરા પણ પરવા કરતાં નથી. મોટા વાજાંઓની પાછળ નાની નાની પિપૂડીઓ પણ વાગે છે. આપણી કૂંડીમાં સંખ્યાબંધ દેડકા થયાં છે; કંઈ પાર વિનાની દેડકીઓ અહીંથી તહીં કૂદંકૂદા કરે છે. તે દેડકાં થયાં ત્યાર પહેલાં નાનાં નાનાં માછલાં જેવાં હતાં; તે પહેલાં નાનાં ઇંડાં હતાં. ચોમાસું એટલે દેડકાં થવાની મોટી જબરી મોસમ. હજારોની સંખ્યામાં દેડકાઓ થાય ને હજારોની સંખ્યામાં ખવાય કે મરી જાય. એમાંથી બચે તે મોટાં ભાભા દેડકાંઓ આવતા ચોમાસામાં ઇંડાં મૂકવા અને બચ્ચાં જોવા માટે રહે. ચોમાસાનું દેડકાગાન તમે રોજ રાતે જરૂર સાંભળતાં હશો જ.

આજકાલ કાબરબાઈ બહુ લહેરમાં છે. ઇંડામાંથી ફૂટીને બહાર આવેલાં બચ્ચાં હવે માળામાંથી બહાર આવી ગયાં છે. હવે તો માદીકરો કે બાપદીકરો એક જ ડાળે બેસે છે ને મજા કરે છે. મા જાણે કે દુનિયામાં કેમ રહેવું, કેમ ઊડવું એનો પાઠ કચકચ કરીને આપે છે, અને ચીબ ચીબ બોલીને બચ્ચું પાઠ ભણતું જાય છે. કાબરનાં છોકરાંને માણસનાં છોકરાં જેમ મોટાં થતાં વરસો જતાં નથી. થોડા વખતમાં બચ્ચાં સ્વતંત્ર થઈ ઊડવા લાગશે ને આવતે ચોમાસે તો આ બચ્ચાંઓ પોતાનાં બચ્ચાંને ચાંચે ચાંચે ઈયળો ને એવું એવું ખવરાવતાં હશે, ને ડાહ્યાડમરાં થઈ જિંદગીના પાઠો આપતાં હશે.

આપણા શંકરભાઈએ પહેલા વરસાદમાં નીકળી આવેલાં મખમલિયાંને શીશીમાં રાખ્યાં છે. શંકરભાઈ મખમલિયાંનો પ્રયોગ કરે છે. વરસાદ પડ્યો તેની બીજી સવારે રાતા મોટા માણેક જેવડાં ને લાલ રેશમનાં જાણે બનાવ્યાં હોય એવાં મખમલિયાં કોણ જાણે ક્યાંથી યે આવ્યાં. અણસમજુ લોકો તો એમ માને છે કે મખમલિયાં વરસાદ સાથે આકાશમાંથી પડે છે, પણ એ તો ખોટું છે. વૈજ્ઞાનિક લોકો કહે છે કે મખમલિયાં-ઇંદ્રગોપ વરસાદ આવતાં જ ઉંઘમાંથી જાગી જાય છે અને પહેલા વરસાદમાં દોડંદોડા કરી મૂકે છે. ચારેકોર લાલ દાણા વેરાયા હોય એવું ઝીણી નજરે નીચે જોઈને ચાલનારને દેખાય છે. હજી ઘાસે કોંટા માત્ર કાઢ્યા છે; એવી જમીન પર આ લાલ જીવડાં જોવાની મજા આવે છે. તે સુંવાળા મખમલ જેવાં છે એટલે આપણે તેને મખમલિયાં કહીએ છીએ; એનું ખરું નામ તો ઇંદ્રગોપ છે. શંકરભાઈ એને શીશીમાં પૂરે છે. માટીનો ખોરાક તેઓ ખાઈને રહે છે. તેઓ પોતાની ટેવ પ્રમાણે ઊંઘી જાય છે; જાણે મરી ગયાં હોય તેવાં જ બની જાય છે. પણ જ્યાં પાછા વરસાદના છાંટા પડે કે તરત જ તે જીવવા માંડે છે. એને વિષે શંકરભાઈએ શિક્ષણપત્રિકામાં એક લેખ લખ્યો છે. તમારે મખમલિયાં પાળવાં હોય તો શંકરભાઈને મળજો; તેઓ તેમને ઉછેરવાની રીત બતાવશે.

આજકાલ આકડાની ઇયળો, કીડામારીની ઇયળો, ઊમરાની ઇયળો, એમ જાતજાતની ઇયળોનો જાણે વરસાદ થયો છે. ઊમરાની ઇયળે તો આખા ઊમરાનાં પાંદડેપાંદડાં કોરી ખાધાં છે. ઊમરા ઉપરથી નીચે પડીને ઇયળો બાલમંદિરના ઓરડામાં પેસી ગઈ છે.

બધા વાતો કરે છે કે આ ઇયળોને ભમરી ઉપાડી જાય ને પોતાના દરમાં રાખે છે. ભમરીનાં ઇંડાંમાંથી જ્યારે ઇયળો થશે ત્યારે આ ઇયળોને તે ખાશે ને મોટી થશે. ભમરીનાં દરો તોડીને જોઈ લેવું કે આ વાત ખોટી છે કે સાચી.

આકડાની ઇયળોમાંથી પતંગિયાં થાય છે; તેની ખબર બાલમંદિરનાં લગભગ બધાં બાળકોને પડી ગઈ છે. આકડાનાં પાંદડાં પાછળ પતંગિયાં પોતાનાં ઇંડાં મૂકે છે; તેમાંથી ઇયળો થાય છે ને આકડાંનાજ પાંદડાં ખાઈ જાડી થઈ ઊંઘે છે ને કોશેટો બની જાય છે. એ કોશેટામાંથી આખરે પતંગિયું થાય છે. શંકરભાઈએ પોતાના ઓરડામાં કાચની શીશીઓમાં આકડાની ઇયળોનાં ઘણાં પતંગિયાં બનાવ્યાં છે.

ચોમાસું એટલે જીવાતની ઋતુ. માખીઓએ લાખો ઇંડાં મૂક્યાં ને તેમાંથી લાખો માખીઓ થવા લાગી છે. આજકાલ તે જ કારણે માખીઓ વધવા લાગી છે. ઊધઈના તો રાફડા ફાટ્યા છે એમ જ કહી શકાય. પહેલો વરસાદ વરસ્યો કે રાફડામાંથી પાંખાળા મકોડા આકાશે ઊડ્યા; દિવસ બધો ઊડ્યા, એકાદ રાત પણ ઊડ્યા; બીજે દિવસે તેની પાંખો જ્યાં ત્યાં રખડતી જોવામાં આવી. કેટલાકને પક્ષીઓ ઉડાવી ગયાં; ગોકળગાય, ગોપલા, ભરવાડો અને જાતેજાતનાં જીવડાં ચોમાસા સાથે આવે તે ચોમાસા સાથે જાય.

આજકાલ દરજીડો જોરમાં છે; દિવસ બધો બોલે છે. માળો બનાવતો જાય છે ને ગાયન ગાતો જાય છે. બીજાં બધાં પક્ષીઓએ ઇંડાં સેવી બચ્ચાંને માળામાંથી ઉડાડી પણ દીધાં છે; આ દરજીડો કાંઈક મોડો પડ્યો છે. કોઈ ઘરાકનાં કપડાં સીવવા ગયો હશે ! તમે એનો માળો જોવા માગતાં હો તો મારા બાગમાં આવજો. શેતૂર ઉપર એનો માળો છે. એનું દરજીડો નામ છે તે સાચું છે. બે પાંદડાંને સીવીને એણે પડિયા જેવું બનાવ્યું છે. હવે એ પડિયામાં સુંવાળા વાળ, રૂ ને એવું લાવશે; તેમાં ખાડા જેવું બનાવશે ને પછી ઇંડાં મૂકશે. ગઈ કાલે મેં નર્મદાબેનના બાગમાં દરજીડાનો સંપૂર્ણ માળો જોયો. નાનાં પાંદડાંને સીવીને તેણે તે કર્યો હતો. તેમાં બે ઇંડાં હતાં; હું જોવા ગયો ત્યાં તો એમાંથી ઇંડાં નીકળી ને હેઠે પડ્યાં. એક તો બિચારું તૂટી ગયું ! બીજું રહ્યું તેને માળામાં મૂક્યું. ઇંડું સુંદર હતું. આકાર તો લંબગોળ જેવો, પણ એક છેડેથી અણીવાળું અને બીજે છેડેથી પહોળું હતું. ઇંડું કરમદા જેવું હતું, અને રંગે પોપટી ને તપખીરી છાંટાવાળું હતું. દરજીડાનું ઇંડું મેં જિંદગીમાં પહેલી વાર જ જોયું. સુંદર દેખાવનું હતું.

ચોમાસામાં બિલાડીનો ટોપ થાય છે તે જાણો છો ? થોડા જ દિવસ પહેલાં છોડના એક ક્યારમાં થયેલો. સવારે ઊઠ્યો ત્યાં તો ટોપની દુર્ગંધ ! મને થયું કે ક્યાંક ટોપ હોવો જોઈએ. આખરે તેને શોધ્યો ને ઉખેડીને ફેંકી દીધો.

આવા ટોપ ગંદકીમાં ને ગંદકીથી થાય છે. આપણા લોકો માને છે બિલાડીની વિષ્ટામાંથી તે થાય છે. ખરી રીતે હગાર કે એવી ગંદકીમાંથી એનો જન્મ થાય છે એ વાત સાચી છે. ગંધાતા ઉકરડામાં બિલાડીના ટોપ બહુ થાય છે. ટોપમાં પણ બેત્રણ જાતો હોય છે; કેટલાક ટોપ ઝેરી હોય છે ને કેટલાક નથી હોતા. સાહેબલોકો નહિ ઝેરી એવા ટોપને ખાય છે; તેનું શાક પણ કરે છે. તે ટોપ ગંધાતા હોતા નથી. મેં ખાઈ શકાય તેવા ટોપ જોયા નથી, તો ખાધા ક્યાંથી જ હોય ? કહો ત્યારે, મેં ચોમાસા સંબંધે કેટલું લખ્યું ? હવે વળી બેચાર દિવસ પછી. હજી તો મારે તમને આજકાલ ઊગી નીકળેલી વનસ્પતિ વિષે લખવાનું છે; આકાશના દેખાવો ઉપર લખવાનું છે ને ચોમાસાની ઘણી યે શોભા અને ખૂબી ઉપર પણ લખવાનું છે. ઋતુઓનો રાજા ચોમાસું છે. એની વાત તો લાંબી જ હોય ના !

લ્યો ત્યારે, રામરામ.

લિ. શુભેચ્છક

ગિજુભાઈ