← ઋતુના રંગ : ૧૨ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૧૩ :
ગિજુભાઈ બધેકા



ઋતુના રંગ : ૧૩ :


બાલમંદિર : ભાવનગર.

તા. ૨૨ - ૭ - ૩૬

પ્રિય બાળકો !

ઋતુના રંગો સાચે જ ઋતુના રંગો છે. ધોરી આષાઢ માસ ચાલ્યો ગયો ને વરસાદે તણાવ્યું તે ભારે તણાવ્યું. એક વાર વરસાદ આવ્યો; પૃથ્વીને પલાળી મૂકી; નદી-સરોવર ભરી મૂક્યાં; તે સાથે ભોંયમાંથી ઘાસે અંકુર આપ્યા. પણ પાછો ખબર જ કાઢવા આવતો નથી ! વળી પાછો તડકો પડવા લાગ્યો છે; ઘામ તો ખૂબ જ થાય છે. બધા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઝાડ ઊંચી ડોકે, ખેડૂત ઊંચી ડોકે, ઢોર ઊંચી ડોકે, આકાશ સામે જોઈ રહ્યાં છે. દિવસે વાદળાં જેવું થાય છે ને સાંજ પડ્યે આકાશમાં તારા ઊગે છે. કેટલાક કહે છે કે દિવસે વાદળાં ને રાતે તારા એ બધા દુકાળ પડવાના ચાળા છે.

વરસાદ નથી આવતો તેથી ક્યાંક ક્યાંક ઘામને લીધે કૉલેરા પણ ચાલે છે. હવા પડી ગયેલી રહે છે તેથી પાચન પૂરું થતું નથી; કેટલાક લોકોને બેચેની જેવું રહે છે.

લીલું લીલું નવું ઊગેલું ઘાસ સુકાવા લાગ્યું છે, તે પીળુંપચક થવા માંડ્યું છે. એવું ને એવું વધારે ચાલે તો થોડા જ વખતમાં બધું સુકાઈ જાય; ને ઢોરને ચારો મળે નહિ.

ખેતરમાં વાવણાં થઈ ગયાં છે, પણ વરસાદે તણાવ્યું તેથી ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. રોજ તે ઊગી ગયેલી બી સામે જુએ છે ને નિસાસા નાખે છે. આપણા દેશની ખેતીનો આધાર આકાશના વરસાદ ઉપર છે; એ ન આવે તો થઈ રહ્યું !

પણ હજી આશા તો છે જ; હજી વાદળાં ચડે છે ને ઊતરે છે; હજી અહીંતહીં વરસાદ વરસ્યાના સમાચાર આવે છે. ગઈકાલે લાઠીમાં ને ગઈ સાંજે બોટાદ-નીંગાળા વચ્ચે વરસાદ વરસ્યાના વાવડ છે. અહીં પણ થશે તો ખરો જ. એટલો બધો ઘામ છે તે થયા વિના નહિ રહે. પરમ દહાડે અરધી રાતે વાવંટોળ થયો; એવો કે હમણાં વરસાદ તૂટી પડશે. પણ ત્યાં તો થોડી વારે આકાશે તારા દેખાયા !

આપણી ટેકરી ઉપર કંઈક જાતની ઔષધની વનસ્પતિ ઊગી નીકળી છે. કેટલી ય જાતનાં ઘાસ પણ ઊગ્યાં છે. આજે કેટલાંક ઘાસ મોંઘીબેને એકઠાં કર્યાં ને મને બતાવ્યાં. કેટલાંકનાં નામ હું જાણતો પણ નહોતો; મને મોંઘીબેને તે બધાનાં નામ આપ્યાં. એક ગાડાવાળાએ મને કહેલું કે લગભગ છપન્ન જાતનાં ઘાસ થાય છે. મને લાગે છે કે એથી યે વધારે જાતનાં ઘાસ ઊગતાં હશે. મોંઘીબેને નીચે લખેલાં ઘાસ આણ્યાં છે. પૂછીપૂછીને તેના નામો હું અહીં લખું છું. આ બધાં ઘાસ ઢોરને ખાવા માટે પરમેશ્વરે ઉગાડ્યાં છે. વરસાદ આવ્યો ને ધરતીમાંથી એ ઊગી નીકળ્યાં. વળી ઉનાળે બધું સુકાશે; બિયાં ખરશે ને આવતે ચોમાશે ઊગી નીકળશે.

આજે આણેલાં ઘાસ કુલ સોળ જાતનાં છે. આ સિવાય બીજાં પણ છે, પણ તે આજે એકઠાં કર્યાં નથી. સોળનાં નામ આ રહ્યાં : શેપુ, ધરો, ઘ‌ઉંલું, પીળી સોનસળી, પીળી માખણી, છૈયા, લાલ માખણી, પેડુ, બાકર કાયો, ઊંધીફુલી ઉર્ફે વાનરપૂછ, કાગડોળી, સાટોડો, મગામઠી, શેષમૂળ, ચકીમકી અને ચમારદૂધલી.

ઉપરાંત બીજી કેટલીક જાતની દવાની વનસ્પતિ-ઔષધિ પણ આપણી ટેકરી ઉપર ઊગેલી છે. કીડામારી, અઘેડો, શ્રીપંખ, તકમરિયાં, ગોખરુ, બહુફળી, ખડસલિયો, વગેરે વગેરે પણ ઊગી નીકળેલાં છે. હવે જો બીજો વરસાદ થાય તો ઘાસ મોટું થાય ને ઢોરનાં પેટ ભરાય. કુદરતની અદ્‌ભુત લીલા છે ને ? આજે વરસાદથી જે દવાના છોડો ઊગ્યા છે તેમાંથી હજારો રૂપિયાની દવા થશે ને હજારો રૂપિયાના વેપાર ચાલશે.

અહીં આજુબાજુ ઊગેલી ઔષધિ પણ કિંમતી છે. શ્રીપંખનાં મૂળ ચાવવાથી શીળસ મટી જાય છે. કીડામારી જંતુનો નાશ કરનારી છે. અઘેડો તો અઘ એટલે પાપને નાશ કરનારો છે, એનો અર્થ એ છે કે ખાંસી, દમ, વગેરે રોગોને તેની ભસ્મ મટાડે છે.

આજકાલ ઇયળો થવા લાગી છે. ઊમરામાં એટલી બધી ઇયળો થઈ કે પાંદડે પાંદડેથી જાણે એનો વરસાદ વરસ્યો ! આખો ઊમરો ઇયળોએ કરડી ખાધો. પણ પાંદડાં ખાઈખાઈને ઇયળો હજી ઊંઘી ગઈ નથી. વળી ઘાસના ફૂદાં તો હજી થાય જ કેમ ? ઘાસ મોટું થાય, ઇયળો થાય, પછી તે ઘાસ ખાય, પછી ઊંઘે, પછી તેમાંથી કોશેટા બને ને પછી તેમાંથી ફૂદાં બને ના ? વરસાદને વાર લાગે છે તેની સાથે આ પણ ખોટી થાય છે.

ગઈ કાલે જરાક છાંટા જેવું થયું. બે છાંટા પડ્યા ને પછેડી ભીંજાય એટલો યે વરસાદ ન પડ્યો ત્યાં તો બધું વીંખાઈ ગયું !

પણ દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર સુંદર મેઘધનુષ્ય તણાયું હતું. મેઘધનુષ્ય કેટલું બધું સુંદર લાગે ! તમે બધાંએ તો જોયું હશે. કેટલું બધું સુંદર, સુંદર, સુંદર !

ગઈ સાંજનો દેખાવ સુંદર હતો. વાદળાંની ગોઠવણ એવી થઈ ગઈ હતી કે આખી પૃથ્વીનો પટ ઘેરો લીલો બની ગયો હતો. આ ઘેરા લીલા ગાલીચાને જોઈ મન ખૂબ પ્રસન્ન થતું હતું. સૃષ્ટિનો ગંભીર દેખાવ મન પર ગંભીરતાની છાપ પાડતો હતો.

શ્રાવણ માસ તો ચાલવા માંડ્યો. હવે કહેવત પ્રમાણે સરવડાં આવે, પણ હજી સરવડું યે નથી આવતું.

ઘામ, ઘામ ને ઘામથી તો કંટાળ્યા. હવે તો લખવું યે નથી ગમતું ! તેમાં વળી થોડીક માખીઓ હાથ પર બેસીને કંટાળો આપે છે. ને ચોમાસાની માખીઓની હેરાનગતિ તો જાણવા જેવી છે જ. પણ તે હવે પછી.

હમણાં કોયલનાં બચ્ચાં ઊડવા લાગ્યાં છે; નાના કાગડા જેવાં તે લાગે છે. હાલ તો એ જ.

લિ. શુભેચ્છક

ગિજુભાઈના આશીર્વાદ