એકતારો/અદીઠી આગના ઓલાવણહાર જીવો !
← યુગ યુગના કેડા પર કદમે ભરતી | એકતારો અદીઠી આગના ઓલાવણહાર જીવો ! ઝવેરચંદ મેઘાણી |
ભોંઠી પડી રે સમશેર → |
અદીઠી આગના ઓલવણહાર જીવો !
અમૃત–ઘોળ્યા ઘણેરા રંગ હો !
રે કલેજા–રંગ હો !
આતમ–બેડીઓના ભાંગણહારા જી જીવો !
આલમ–ગાયા અનેરા રંગ હો !
હો કલેજા–-રંગ હો ! ૧.
બાહેર જલન્તા દાવાનળ બૂઝવીને
દુનિયાને કૈક કરે દંગ હો
રામ દંગ હો !
ભીતરની ભઠ્ઠિયુંના ભડાકા જળેળે, એની
ભાળ્યું લેનાર ! ખરા રંગ હો !
લાખ લાખ રંગ હો !
હો ઘણેરા રંગ હો ! ૨.
* મુંબઈના શરાબબંધી દિન ૧લી ઓગસ્ટના માનમાં :
તનડાંની બેડી તણાં તાળાં ખોલન્ત તેના
કવિઓએ લલકાર્યા છંદ હો
રામ છંદ હો
આતમની ચીસભરી તોડે તુરંગ તેના
કાળને નગારે પડછંદ હો
તોડનાર રંગ હો !
હો ઘણેરા રંગ હો ! ૩.
સાતે સિંધુને પાર લાર ને કતાર ઊભાં
બેનડી પ્રજાનાં મહાવૃંદ હો
માનવીનાં વૃંદ હો
તારા સાફલ્ય તણા જમરખ દીવડે
જલજો જી જ્યોત અણભંગ હો
રોમે રોમ રંગ હો !
હો ઘણેરા રંગ હો ! ૪.
કોટિ કોટિ આતમની અંધારી કોટડીમાં
પાથરજો તેજના ઉમંગ હો
જીવો જી ઉમંગ હો !
ઓલવવા આવનાર સળગી જાજો રે ફુદાં
સ્વારથનાં કીટ ને પતંગ હો
હો ઘણેરા રંગ હો !
હો કલેજા—રંગ હો ! ૫.