એકતારો/ભોંઠી પડી રે સમશેર

← અદીઠી આગના ઓલાવણહાર જીવો ! એકતારો
ભોંઠી પડી રે સમશેર
ઝવેરચંદ મેઘાણી
હિન્દીજન તો તેને કહીએ જે →



સમશેર તારી ભોંઠી પડી રે
Ο

ભોંઠી પડી રે સમશેર
રાણાની તેગ ભોંઠી પડી રે
દીઠી મીરાંને ઠેર ઠેર
સમશેર તારી ભોંઠી પડી રે.

લૂંટી શક્યો ન એનાં જોબન એ દાઝથી
કાયો ગુજારી બધા કેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૧.

જીતી શક્યો ન એનું દિલડું એ ઝાળથી
નિંદા વાવી તેં ઘેર ઘેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૨.

કાળી નિંદાનાં રૂડાં કાજળ આંજી કરી
થેઈ થેઈ નાચી એ ઠેર ઠેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૩.

ઝેરના કટોરા તારા પી કરીને પાગલી
પામી ગૈ પ્રભુતાની લે'ર
સમશેર તારી ભોંઠી પડી રે. ૪.

ખૂટી તદબીર સર્વ, ખેચી તલવાર–ધાર
તૂટ્યો બેભાન જાર પેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૫.

એકલડી ભાળી ને ભાળી આયુધહીન
કરવા ઊઠ્યો તું જેર જેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૬.

ઊભો શું મૂઢ હવે દેખી અણપાર રૂપ !
ચરણે નાખી દે સમશેર
સમશેર તારી ભોંઠી પડી રે ૮.

'મા ! મા ! હે મા !’ વદીને ઢાળી દે માથડાં
માગી લે જનનીની મ્હેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૯.

જુગ જુગથી અમ્મર બેઠી છે એની એ મીરાં
એને છે ઈશ્વરની ભેર
સમશેર તારી ભોંઠી પડી રે. ૧૦.