એકતારો/હિન્દીજન તો તેને કહીએ જે

← ભોંઠી પડી રે સમશેર એકતારો
હિન્દીજન તો તેને કહીએ જે
ઝવેરચંદ મેઘાણી
આ પારે ગામડું ને એ પારે શે’ર →


હિન્દીજન
[વૈષ્ણવ જન તો તેને કહીએ જે – એ ઢાળ]
Ο

હિન્દીજન તો તેને કહીએ જે
કર જોડી રહે ઊભા રે
એકબીજાના કાસળના જે
ખૂબ કરે મનસૂબા રે—

આંતરરાષ્ટ્રીય ઉત્પાતોમાં (જેને) સૂઝે એક જ રસ્તો રે
ચેમ્બરલેન હિટ્લર કે સ્ટેલીન સૌનો ખાવે ઘુસ્તો રે
હિન્દીજન—૧.

શૂરાતન વ્યાપે નહિ જેને, દૃઢ કિન્નો જેના મનમાં રે,
કોમ પંથ શું તાળી લાગી, સકળ સ્વારથ તેના તનમાં રે
હિન્દીજન—ર.

સકળ દેશથી સૌ કોઈ આવો ! દાસ થશું સહુ કો’ના રે!
હોશકોશ જેના જાય હાકોટે ધન ધન પૂર્વજ તેના રે
હિન્દીજન—૩.

મિયાં કહે મને કોમી હક દ્યો, દેશને મારૂં ગરદન રે
હિન્દુ કહે હું રહ્યો અહિંસક, આત્મા મારો મર્દ ખરે
 હિન્દીજન—૪.

પરદેશી પાડાઓ વચ્ચે ઝાડ બની ઊખડશું રે
માણસ થૈ સંપી જીવવાનું પાપ કદાપિ ન કરશું રે
હિન્દીજન—પ.

ચિર રોગી ને ઝપટ રહિત છે, હામ હોશ કરે ઘોળ્યાં રે
ભણે ખરસૈયો તેનું દર્શન કરતાં કુળ સત્તોતેર બોળ્યાં રે
હિન્દીજન—૬