એકતારો/રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ

← ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર એકતારો
રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ
ઝવેરચંદ મેઘાણી
ભૂકમ્પે દફનાઈ ગયેલા →


વીર જતીન્દ્રનાં સંભારણાં
O

રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ,
તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ

સિંધુડા–સૂર શરણાઈના નવ સુણ્યા,
હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા,
દાવ પડ ઘાવ નવ ખડગના ખણખણ્યા
યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા. ૧.

વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી,
બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી;

બિન્દુએ બિન્દુએ રક્ત દીધાં ગણી,
ચૂકવી પલપલે દેહની કણીકણી,
મૃત્યુને ગણ્યું તેં ગોદ માતા તણી,
કે શું પ્રિયમિલનની રાત સોહામણી ? ૨.

આવે મંગળ અવસરે, કોણ વિલાપ કરે !
કાયરતાને આંસુડે કોનાં નેન રડે !

વેગળી જાઓ રે અશ્રુની વાદળી !
વીરનાં તેજને નવ રહો આવરી,
નિરખવા દો મુને લાખ નયનો કરી,
આહૂતિ–જ્વાલ એ બાલની અણઠરી. ૩.

ગગનવિદારણ રાગના ગાજો નંદન–ઘોષ !
ઉત્સવ–દિન આપણ ઘરે, અરિજનને અફસોસ.

અરિજનો થરથરે એહવી ઘોષણા
ગરજી ગરજી ભરો ગગનનાં આંગણાં,
ઊઠ રે ઊઠ ઓ તરુણ કોડામણા !
વીરનાં વાંચ શોણિત–સંભારણાં. ૪.

વણગાયાં ક્યમ વિસરીએ, બહુમૂલાં બલિદાન,
ગાશું ઘરઘર ઘૂમતાં એનાં અર્પણગાન;

ગાઓ રે બેનડી વીરને વારણે,
ગાઓ રે માવડી પુત્રને પારણે,
બંદીજન ગાઓ બિરદાઈ સમરાંગણે,
ભક્તજન ગાઓ મંદિરને બારણે. ૫.

તારી ટેક ત્યજાવવા મથનારા કંગાલ,
કાળાં મુખ નીચાં કરી કૂટે વ્યર્થ કપાળ;

કૂટતા કપાળે કર કંગાલ એ,
તાહરાં શાંત વીરત્વ નિરખી રહે,
'હાય ! હા હરિયા,' દાંત ભીંસી કહે,
અણનમ્યા વીરને જાલિમો ક્યમ સહે. ૬.

બાણપથારી ભીષ્મની, દધીચિનાં વપુદાન,
મોરધ્વજે કરવત સહ્યાં, એ ઈતિહાસી ગાન.

જીર્ણ ઇતિહાસનાં ગાન એ વિસરિયાં,
જૂઠડી ભાવનાના થરથર થયા,
નવેલા શૌર્ય-આદર્શ તેં સ્થાપિયા,
સમર્પણનાં નવાં મૂલ તે આંકિયાં. ૭.

ઝીલો ઝીલો મલકતા જાલિમ તણા પ્રહાર,
લાલ કસૂંબળ રક્તની ફૂટે શોણિત-ધાર;

પ્રહારે પ્રહારે ઉર-પતળો ફૂટે,
કસૂબળ રંગની રક્ત-છાળો છુટે,
મૃત્યુ-ભયના ફૂડા લાખ બંધો તુટે,
પાળ ફોડી અને પ્રાણનદ ઊમટે. ૮.

રજ રજ નોંધી રાખશું હૈયા બીચ હિસાબ,
અવસર આવ્યે માગશું કિસ્મત પાસ જવાબ;

માગવા જવાબો એક દિન આવશું,
ભૂખરી પતાકા સંગમાં લાવશું,
અમારા રકતના હોજ છલકાવશું,
માતનો ધ્વજ ફરી વાર રંગી જશું. ૯.