એશિયાનું કલંક યાને કોરીયાની કથા/ભીષ્મ પ્રતિજ્ઞા

← કેસરીયાં એશિયાનું કલંક યાને કોરીયાની કથા
ભીષ્મ પ્રતિજ્ઞા
ઝવેરચંદ મેઘાણી
વેદનાની મીઠાશ →




પ્રકરણ ૯ મું.

ભીષ્મ પ્રતિજ્ઞા.

સ્વાધીનતાની મદીરા તો શુરવીરોજ જીરવી જાણે. કોરીયાની પ્રજાએ એ પ્યાલો પીધો. પણ છકી ન ગઈ. બીજેજ દિવસે રવિવાર હતો. દેવળો ને મંદિરો માણસોથી ઉભરાઈ ગયાં. આખો દિવસ લોકોએ પોતાના માલીકની બંદગી કરવામાંજ ગુજાર્યો

બીજી તરફથી જાપાની સરકારે બરાબર તક સાંધી. સોલ્જરોને બહાર કાઢ્યા. આજ્ઞા દીધી કે “ટોળું દેખો ત્યાં છૂટથી લાકડી યા તલવાર ચલાવો; સ્વાધીનતાની ઝુંબેશમાં કોઈપણ આદમી ભળેલો જણાય તો એને પીટી નાખો.”

સોલ્જરોનાં એ કૃત્યોની છબીઓ જગત ઉપર મોજુદ છે. અમેરિકાના ત્રણ માણસો સાક્ષી પૂરે છે કે સોલ્જરોએ ચુંથી નાખેલા એક કોરીયાવાસીની છબી જોયા પછી તે રાત્રે અમને નીંદ ન આવી.

જેમ કતલ ચાલતી ગઈ તેમ લોકોનો નિશ્ચય પણ વધતો ગયો દુકાનો બંધ, નિશાળો બંધ, જ્યાં જુઓ ત્યાં મરદોનાં ઓરતોનાં, ને બાળકોનાં ટોળેટોળાં શાંતિથી ને હસતે મુખે મારપીટ ઝીલતાં હતાં.

બાલકોએ હડતાલ શી રીતે ઉઘાડી, ને જાપાની અધિકારીઓની ધમકીનો શો ઉત્તર વાળ્યો એ વાત તો લખાઈ ગઈ છે. એ ઈતિહાસનાં બધાં પ્રકરણો ભલે ભુંસાઈ જાઓ, પણ કોરીયન રમણીઓની વીર–કથાનો એક અક્ષર વાંકો નહિ થાય. શરીર ઉપર કસકસીને શીવેલાં વસ્ત્રો સોલ્જરોને હાથે ચીરાઈ રહ્યા હતાં, જાપાનીઓનાં ટોળાં એ વસ્ત્ર–હરણનો તમાશો ઠંડે કલેજે જોઈ રહ્યાં હતાં, નગ્ન રમણીઓ કેદખાને ઘસડાતી હતી, – એ બધાનો ચિતાર આપવા દ્રોપદીને સેંકડો વાર જન્મવું પડે, અને જગતમાં મહાભારત રચાયાજ કરે. એ સેંકડો વસ્ત્ર–હરણને સમયે કોઈ કૃષ્ણ ત્યાં હાજર નહોતો !

થોડી વિગતો તપાસીએ.

સ્વાધીનતાની ઝુમ્બેશમાં ભાગ લેનારી કોરીયન રમણીઓની શી શી વલે થતી ? જાપાનીઓ બરાબર જાણતા હતા કે પોતાના શરીરનું એક અંગ પણ દેખાઈ જાય તો કોરીયન અબળાને મરવા જેવું થાય. ગિરફતાર થયેલી રમણીને પ્રથમ તો બંદીખાનાની અંદરજ, દારાગાઓની દૃષ્ટિ સમક્ષ, તદન નગ્ન કરવામાં આવે, ત્યારપછી એ નગ્ન શરીરે આખી અદાલત વીંધીને એને આરોપીના પાંજરામાં આવવું પડે. કુલિન ઘરની કુમારિકાઓની આ દશા થાય ! જાપાની સિપાહીઓ એની હાંસી કરે.

કોઇ રમણીએ અતિ શરમને લીધે પોતાના બે હાથ વડે અંગની એબ ઢાંકી દીધી. સિપાહીએ આવીને એના હાથ પીઠ ઉપર બાંધી લીધા !

એક કુમારિકાએ કરેલી પોતાની વાત : માર્ચ મહિનાની પાંચમી તારીખે અમે થોડીએક બહેનપણીઓએ અમારી માતૃભૂમિની સ્વતંત્રતાને ખાતર દક્ષિણ દરવાજે સરઘસ કાઢ્યું. મહેલની પાસે અમે પહોંચ્યાં ત્યાં તો એક જાપાની સિપાહીએ મારો ચોટલો પકડી, મને જમીન પર પટકી. મને એવો માર માર્યો કે હું બેહોશ બની ગઈ, મારા ચોટલો ઝાલીને મને એ ચાવડી ઉપર ખેંચી ગયો. ચાવડીને દરવાજે વીશ જાપાની સિપાહીઓ ઉભેલા તે બધાયે મને લાતો મારી, ને તલવારના ઘોદા માર્યા. મને એક ઓરડામાં ઘસડવામાં આવી. મ્હારા મ્હોં પર માર પડ્યો. હું બેહોશ બની ગઈ પછી શું બન્યું તેની મને ખબર નથી.

મને શુધ્ધિ આવી ત્યારે મેં જોયું તો મ્હારી ચોપાસ ખીચોખીચ માણસો પૂરાયેલાં. કેટલાએકની હાલત જોઈને મ્હારૂં હૈયું ફાટી ગયું. પછી અમારી તપાસણી ચાલી. અમલદારો હારા મ્હોં પર થુંકતા જાય. મને મારતા જાય, અને સવાલો પૂછતા જાય

મને હુકમ મળ્યો કે “છાતી ખુલી કર.” મેં ના પાડી, એટલે સોલ્જરોએ મ્હારૂં વસ્ત્ર ચીરી નાખ્યું. આંખો મીંચીને હું ભોંય પર ઢળી પડી. અમલદારોએ ગર્જના કરી, મને ઘુંટણ પર બેસવા કહ્યું, મ્હારાં સ્તન પકડીને મને ધણધણાવી.

મને કહેવામાં આવ્યું કે “સ્વતંત્રતા જોઈએ છે ? તલવારને એક ઝટકે ત્હારો જાન લેશું.”

પાછી મને ચોટલો ખેંચીને હલમલાવી, મ્હારા માથા પર લાકડી મારી—પછી મને નીચે જવા કહ્યું. પણ ઉઠીને ચાલવાની મ્હારી તાકાત નહોતી. હું પેટ ઘસડતી ચાલી. મ્હારાથી ચલાયું નહિ. સીડીના પગથીયાં પરથી હું ગબડી પડી. ફરી હું બેહોશ બની.

હું જાગી ત્યારે મને બીજી ચોકી પર લઈ જવામાં આવી. ત્યાં મારા લુગડાં કઢાવી મને નગ્ન કરી. પછી લુગડાં પહેરીને હું ઓરડામાં ગઈ.

બીજે દિવસે દાક્તરે આવી મને નગ્ન બનાવી, મ્હારૂં વજન કર્યું. દારોગાએ મને કહ્યું કે તારા ઉપર કામ ચાલશે. હું રાજી થઇ. મેં માન્યું કે મ્હારી વાત કહી નાખવાની મને તક મળશે. પણ એક દિવસ મને છોડી મૂકી. મ્હારૂં કામ ચાલ્યું નહિ. મ્હારો શું ગુનો હતો તે પણ મને કહેવામાં આવ્યું નહિ.”

આવી કથનીએ તો અનેક લખાઈ ચૂકી છે. એક નમુનોજ બસ છે.

આ બધા જુલ્મોની કોરીયાવાસીઓ ઉપર શું અસર થઈ છે ? જેલમાં ગએલાં માણસો, મૃત્યુ સુધી લડત ચલાવવાનો ભીષણ નિશ્ચય કરીને બહાર આવ્યાં. માત્ર ગમ્મતને ખાતર સરઘસોમાં ગએલાં, ને જેલમાં પડેલાં બાલકો, જાપાનના કટ્ટા શત્રુઓ બનીને બહાર નીકળ્યાં.

આ બધા જુલ્મો કોઈ પુરાણા જંગલી જમાનામાં નથી થયા પણ ૧૯૧૯ના નવયુગમાં ! કોઈ છુપા, વિક્રાળ જંગલમાં નહિ, પણ જગતના ચોકમાં, સ્વતંત્રતાની સહાયે દોડતા પેલા અમેરિકાની આંખો સામે. કોઈ મનુષ્યાહારી, અજ્ઞાન, પશુવત ટોળાંને હાથે નહિ પણ વિદ્યાવિશારદ, કળાકુશલ, અને સુધરેલી દુનિયાની અંદર ઉંચી ખુરશીએ બેસનાર બૌદ્ધધર્મી જાપાનને હાથે ! અમેરિકાનું સ્નેહી એ જાપાન ! ઈંગ્લાંડનું દિલોજાન દોસ્ત એ જાપાન !

સરકારે પોતાની દમન–નીતિમાં ગરીબ શ્રીમંત વચ્ચેનો ભેદ રાખ્યોજ નહિ, વીશ વિદ્વાન પ્રજાજનો ગવર્નર–જનરલ પાસે અરજી લઇને ગયા. જવાબ મળ્યો કે, “જાઓ પોલીસના વડા પાસે.” પોલીસના વડાએ એ મહેમાનોનાં મંડળનું યોગ્ય સન્માન કર્યું ! બધા ગિરફતાર બન્યા. વાઈકાઉન્ટ કીમ નામનો ૮૫ વરસનો એક વૃદ્ધ અમીર–દુર્બળ અને બિછાનાવશ–જાપાનીઓનો મિત્રજન–દોઢ વરસની સખ્ત મજુરીની સજા પામ્યો. આ અમીર એક વિદ્યાલયનો આચાર્ય હતો.

આંકડાના શોખીનો માટે કતલના ને ગીરફતારીના આંકડા નીચે મુજબના છે.

૧૯૧૯ ના માર્ચથી જુન સુધીમાં કુલ ૧,૬૬,૧૮૩ જણાં જેલમાં ગયા, બે માસમાં ૨૦૦૦ સ્ત્રીઓ, પુરૂષો ને બાળકોની હત્યા કરવામાં આવી, તોયે કોરીઆની ખામોશ અડગ હતી.

બુદ્ધિમાં પણ કોરીયાવાસીઓ ઓછા ઉતરે તેમ નહોતા. એક વર્તમાનપત્ર છુપું છુપું પ્રગટ થતું ને પ્રત્યેક ઘરમાં પહોંચતું. જાપાની પોલીસ એનો પત્તોજ ન મેળવી શકી.

રોજ સવાર પડે છે, ને ગવર્નર જનરલ પોતાના ટેબલ ઉપર નજર નાખતાંજ ચમકી ઉઠે છે ! ટેબલ ઉપર શું હતું ? બોમ્બ નહોતો, બંદુક ન હોતી, કોઈ ખૂનીની ચેતવણી ન હોતી. પણ બે છાપેલી નકલો, જેના ઉપર લખેલું, “સ્વાધીનતાના સમાચાર” !

પહેરેગીરોના બાંકડા ઉપર પ્રભાતે પ્રભાતે આ “સમાચાર” પડ્યું હોય, ને કેદખાનાની કોટડીએ કોટડીએ ‘સમાચાર’ પહોંચી ગયું હોય !

આ વર્તમાનપત્ર ક્યાં છપાયું, કોણે મોકલ્યું, કોણ મેલી ગયું, એ કોઈ ન જાણે. સેંકડો માણસોને પકડી પકડીને બેસાડવામાં આવ્યા, પણ બીજો દિવસ થાય ત્યાં એનું એ ‘સમાચાર’ આવી પહોંચે !

ક્યાં છપાતું આ છાપું ? છુપી કોઈ ગુફાઓમાં, મચ્છીમારોની નૌકાઓમાં, અને કબરસ્તાનની અંદર ખડી કરેલી કૃત્રિમ કબરોની અંદર ! ગામડે ગામડે એ ‘સમાચાર’ ગુપ્તપણે પહોંચી જતું. જાપાનનું મશહુર પોલીસખાતું, કે જાસુસ ખાતું કદીયે એનો પત્તો મેળવી ન શક્યું.

બધો કોલાહલ જાપાનમાં સંભળાણો. જાપાનની સરકાર પૂછે છે કે “મામલો શું છે ?” ગવર્નર સાહેબ કહે છે. “વધુ સૈન્ય ને વધુ કડક કાયદા આપો.” વધુ સૈન્ય આવ્યું, વધુ કડક કાયદા આવ્યા.

કોરીઆ એ બધાનો શું ઉત્તર વાળે છે ? ૧૯૧૯ ના એપ્રીલની ર૩ મી તારીખે, જાપાની તલવારોના વરસતા વરસાદની અંદર કોરીયાવાસીઓ નીકળી પડ્યા. કોરીઆના તેરે તેર પ્રાંતમાંથી પ્રજા–શાસનને માટે એક બંધારણ ઘડવા પ્રતિનિધિઓ ચુંટાયા. પેલો સીંગમાન–સરકારની ન્હાની સરખી ભૂલથી બચેલો કેદી–પ્રમુખ ચુંટાયો.

લોક–શાસનના નવા બંધારણમાં નીચેની કલમો મંજુર થઈ.

૧. સ્ત્રી પુરૂષના સમાન હક્ક.
૨. ધાર્મિક સ્વતંત્રતા, વાણીસ્વાતંત્ર્ય, લેખન પ્રકાશન સ્વાતત્ર્ય, સત્તા સમીતિનું સ્વાતંત્ર્ય.
૩. દેહાંત દંડની શિક્ષા રદ.
૪. રાષ્ટ્રસંઘે (League of Nations.) કોરીયાને અપમાન દીધેલું છતાં પણ એના સભાસદ થવાની કોરીયાની ઈચ્છા.

૫. ફરજીયાત લશ્કરી નોકરી.

એ જાહેરનામાની અંદર જરા ડોકીયું કરીએ.

“અમે–કોરીયાની પ્રજા–અમારો ચાર હજાર વરસનો ઇતિહાસ બોલી રહ્યો છે કે અમારે સ્વરાજ્ય હતું, સ્વતંત્ર એક રાજ્ય હતું, ને સહુથી નિરાળી, પ્રગતિશીલ એક સંસ્કૃતિ હતી. અમે શાંતિપ્રિય પ્રજા છીએ. દુનિયાની નૂતન જાગૃતિમાં અમારો હિસ્સો છે, માનવ જાતના વિકાસમાં અમારે ફાળો દેવાનો છે. જગદ્‌વિખ્યાત યશસ્વી એવો તો અમારો ભૂતકાળ છે, અને એવી નિર્મળ અમારી રાષ્ટ્રીય ભાવના છે કે કોઈ પિશાચી જુલ્મ પણ અમને જેર નહિ કરી શકે, કોઈ પરદેશી પ્રજા અમને પી નહિ જઈ શકે, અને જડવાદી જાપાન કે જેની સંસ્કૃતિ અમારાથી બે હજાર વરસો પછાત છે, તેને આધીન તો અમે શી રીતે થશું ?

જગત જાણે છે કે જાપાને ભૂતકાળમાં દીધેલા કોલ તોડ્યા છે, ને જગત પર જીવવાનો અમારો હક્ક પણ ઝુંટાવી રહેલ છે. પરંતુ અમે જાપાનના એ વીતી ગયેલા અન્યાયોની કે ભેળા થયેલા એના પાપના પુંજોની વાત નથી ઉચ્ચારવા માગતા. અમે તો માત્ર કોરીયાની સ્વાધીનતાનો દાવો કરીએ છીએ,—જગત પર જીવવા માટે, સ્વતંત્રતા ને સમાનતા વિસ્તારવા માટે, અમારી નીતિરીતિને આબાદ રાખવા માટે, પૂર્વમાં શાંતિ સાચવવા માટે, અને આખી દુનિયાનું કલ્યાણ સાધવા માટે. અમારી સંસ્કૃતિને અમે રક્ષી રહ્યા હતા એ અમારો અપરાધ. એ અપરાધને કારણે જાપાન પોતાની લશ્કરી સત્તાનું પશુબળ અજમાવીને અમારા ઉપર દારૂણ અત્યાચાર વરસાવે—માનવ જાતનો જાગૃત પ્રાણ શું આ બધું થંડે કલેજે જોયા જ કરશે કે ? ન્યાયહીન આ અત્યાચારની નીચે ચગદાતાં ચગદાતાં પણ બે કરોડ મનુષ્યોની પ્રભુભક્તિ નહિ અટકવાની, જો જાપાન તોબાહ નહિ પોકારે, પોતાની નીતિ નહિ સુધારે, તો. પછી માતૃભૂમિની સ્વાધીનતા માટે અમે શસ્ત્રો ધરશું;— દેશમાં એક જીવ પણ રહેશે ત્યાં સુધી, ને સમયની પાસે એક છેલ્લી ઘડી હશે ત્યાં સુધી ન્યાયને પંથે અમે કૂચ કરશું, ત્યારે કયા દુશ્મનની મગદૂર છે કે અમોને રોકી શકશે ? સકળ જગતની સાક્ષીએ અમે રાષ્ટ્રીય સ્વાધીનતા પાછી માગીએ છીએ, જગતની સેવાને ખાતર અને પ્રભુભક્તિને ખાતર.

એ રાજ્ય બંધારણમાં નીમાયેલા પ્રધાનો બધા કોરીયાની જાહેરસેવા કરનારા જ શૂરવીરો હતા, પણ અફસોસ ! એ બધાને કોરીયાની ભૂમિપરથી જાકારો મળેલ હતો. જાપાનીઓ અટ્ટહાસ કરીને કહેવા લાગ્યા કે, “વાહરે, કાગળના ટુકડાનું રાજબંધારણ !”

હાંસી કરનારા જાપાનીઓ શું વિસરી ગયા હતા કે, મહાયુદ્ધને વખતે બેલ્જીઅમની સરકાર બેલ્જીઅમમાં નહોતી, પણ નિરાધાર બનીને દેશના બહાર ઉભી હતી ? શું વિસરી ગયા હતા જાપાનીએ કે, ઝેકો સ્લોવાકીયાની રાષ્ટ્રીય મંડળીને ૧૯૧૮ માં તો પોતાના દેશમાં પગ મૂકવા જેટલી યે જમીન નહોતી, ને એમાં ચુંટાયેલા સભાસદો પરદેશમાં રઝળતા હતા ? છતાં લોકોએ તો એ રઝળતા શૂરાઓને રાજપદે સ્થાપેલા. આખરે એજ રઝળનારાઓએ આવીને રાજ્ય કબ્જે કર્યું, ને એ જ રાજબંધારણ કાગળ ઉપરથી ઉતરીને દેશની ભૂમિ ઉપર ગોઠવાયું.