એશિયાનું કલંક યાને કોરીયાની કથા

એશિયાનું કલંક યાને કોરીયાની કથા
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૩


સૈારાષ્ટ્ર સાહિત્ય શ્રેણી કમાંક ૨.



એશિયાનું કલંક.
યાને
કોરીયાની કથા.



આ બધા જુલ્મો કોઈ પુરાણા જંગલી જમાનામાં નથી થયા પણ ૧૯૧૯ના નવયુગમાં ! કોઈ છુપા, વિકરાળ જંગલમાં નહિ, પણ જગતના ચોકમાં, સ્વતંત્રતાની સહાયે દોડતા પેલા અમેરિકાની આંખો સામે. કોઈ મનુષ્યાહારી, અજ્ઞાન, પશુવત ટોળાંને હાથે નહિ પણ વિદ્યાવિશારદ, કળાકુશલ, અને સુધરેલી દુનિયાની અંદર ઉંચી ખુરશીએ બેસનાર બૌદ્ધબર્મી જાપાનને હાથે ! અમેરિકાનું સ્નેહી એ જાપાન ! ઈંગ્લાંડનુ દિલોજાન દોસ્ત એ જાપાન !



મુદ્રક અને પ્રકાશક
અમૃતલાલ દલપતભાઇ શેઠ.

 









સને ૧૯૨૩.
સંવત ૧૯૭૯.




મુદ્રણ સ્થાન,
સૌરાષ્ટ્ર મુદ્રણાલય.
ર૫ ગીબ રોડ.
રાણપુર–કાઠીયાવાડ.
બી. એસ. રેલ્વે.

 



હિન્દમાં અને હિન્દની બહાર,
જેણે જેણે, જ્યાં જ્યાં,
જાલીમોને
લોહી દીધાં છે, પણ આત્મા નથી દીધો,
એવાં શસ્ત્રહીન નરનારીઓને
સમર્પણ.

 



પ્રકાશક તરફથી.

“વીસ વીસ હજારને જેલ મોકલ્યા; કરોડની પૂર્તિ કરી; બબ્બે વર્ષથી જાડાં ખડબચડાં ખાદીનાં કપડાંથી ચલાવીએ છીએ; એ બધું છતાં સ્વરાજ્ય ક્યાં છે ? આમ ક્યાં સુધી તપાવવા – સતાવવા ધાર્યા છે ?” સ્વાધીનતા – સ્વતંત્રતાની ધગશ વિનાના, માત્ર પ્રવાહને વશ થઈ થોડાક પૈસા ફેંકી દેનારા કે ખાદી ધારનારા, આવેશના સમયમાં થોડું ઘણું સહન કર્યાં પછી તુરત થાકી જનારા, આ બે વર્ષમાં હિંદુસ્થાને ઘણું કરી નાખ્યું છે–છતાં કાંઈ નથી મળ્યું એમ માની હતાશ થઈ જનારા, વર્ષો અને રૂપિયાના સરવાળા બાદબાકી કરી તે ઉપરથી ‘સ્વરાજ્ય’ના દાખલા મેળવવા બેસનારા અમારા ગુજરાતી બંધુઓને ચરણે આજે અમે અમારી પુસ્તકમાળાનું આ દ્વિતીય પુસ્તક — કોરીયાની કથા ધરીએ છીએ. જેને આંખ હોય તે વાંચે, જેને બુદ્ધિ હાય તે સમજે, જેને દિલ હોય તે ઉતારે એના શિક્ષાપાઠ સ્વાધીનતા દેવીનું ખપ્પર કેટલું અગાધ છે, કેટકેટલા ભોગો એક દેશને પોતાની સ્વતંત્રતા સાચવવા, પોતાનું સ્વમાન

ટકાવવા, પોતાની ગુલામી ફેડવા, આપવા પડે છે તેનું એક સુંદર દ્રષ્ટાંત કોરીયા પુરૂં પાડશે. વિલાસનું ઝેર, અને દેખાતી એ સગવડોની માયા આજે જે હિંદી જનતાને વિવશ બનાવી રહેલ છે તે જનતા જૂઓ કે, માત્ર સ્વમાનની ખાતર કેટલા કોરીઅનોએ પોતાના બંગલા વાડી વજીફા અને વૈભવનાં સાધનો છોડી, મંચુરીઆની જીવલેણ ઠંડીની બરદાસ કરી, પોતાના ગુલાબની કળી સમાં પુત્ર પુત્રીઓને સોના રૂપાના હીંડોળામાંથી ઉંચકી માત્ર સ્નેહભરી છાતીના એક આશ્રય નીચે, કેટલી હોંશપૂર્વક, મંચૂરીઆ તરફ સાથે લીધાં ! કોરીઆની કથા તે મદોન્મત્ત સત્તાધીશોના જૂલ્મની, અને સ્વાભિમાની પ્રજાના ઉન્નત ગૌરવની કથા છે. તે જાલીમોના અત્યાચારની અને નિર્દોષોની અહિંસાવૃત્તિની કથા છે. હિંદુસ્થાનના ઢીલા પોચા, ડગલે ડગલે ઢચુપચુ થતા, અમારા દેશબંધુઓને મન, આ કથા એ ગીતા બનો–પ્રતિ પ્રભાતનું સંભારણું બનો; તેમના જીવનનો, તેમના આત્મભોગોનો આદર્શ બનો.

સુધારાના ઝેરથી કોરીઅનો ન મોહાયા. હંગેરીઅનો પણ ન્હોતા મોહાયા. આયર્લેંડે પણ એનો ત્યાગજ કરેલો. આયર્લેંડે પોતાની સ્વતંત્ર સરકાર નિરાળી સ્થાપેલી. કોરીયાએ પણ સ્થાપી દીધી છે. હંગરીએ વીયેના તરફ પીઠજ ફેરવેલી. આપણા ભારતવર્ષે પોતાનો માર્ગ નક્કી કરવા અર્થે આ બધી વાતો વિચારવાની રહી.

ભારતની સ્વાધીનતા અર્થે ચાલતા સાંપ્રત અહિંસાત્મક યુદ્ધમાં સહાયરૂપ થવા, દેશદેશોની સ્વતંત્રતાના ઇતિહાસો ભારતી પ્રજા સમક્ષ રજુ કરવાના અમારા મનોરથનું આ પ્રથમ પુષ્પ છે. આવતી નહીં અને ત્યાર પછેની અઢારમીએ આયર્લેંડની કથા ધરવા ઈચ્છા રાખીએ છીએ. અમને આશા છે કે અમારા આ પ્રયત્નને ગુજરાતી પ્રજા પસંદ કરશે.

કોરીયાને લગતું સાહિત્ય વાંચી જઈ તેમાંથી આ કથા તારવી કાઢવાનું માન સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાંના એક મારા પ્રિય ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીને છે.

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર
રાણપુર.
તા. ૧૮–૧–૧૯૨૩.

અમૃતલાલ દલપતભાઈ શેઠ.

અનુક્રમણિકા.

પ્રકરણ. વિષય. પૃષ્ઠ
૧. અમર રહો માતા કોરીયા !
૨. પ્રભાતનું શાંતિસ્થાન
૩. ઘરના ઘા ૧૫
૪. રણવાસમાં રક્તપાત ૧૯
૫. તૈયારીની તક ગુમાવી ૨૭
૬. દાનવને ચરણે રક્તની ભેટ ૩૨
૭. છુપાં શસ્ત્રો ૪૦
૮. કેસરીયાં ૪૯
૯. ભીષ્મ પ્રતિજ્ઞા ૬૫
૧૦. વેદનાની મીઠાશ ૭૫
૧૧. અમેરિકાની દીલસોજી ૮૩
૧૨. ભીષણ સૌંદર્ય ૯૨
૧૩. સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી ૯૮

(પુસ્તકમાં અનુક્રમણિકા નથી, માત્ર ટ્રાન્સક્લુશનની સરળતા અને પુસ્તકના પ્રેસન્ટેશન માટે આ અનુક્રમણિકા બનાવી મુકેલી છે.)

લેખકનું નિવેદન.

એશિયાના સંતાનો યુરોપની પાસે પોતાના ભૂતકાળનું ભારે ગુમાન કરતાં આવ્યાં છે. એશિયાએ જગત આખાને પેગમ્બરો દીધા, ફિલ્સુફી સમર્પી, વિશ્વપ્રેમી સંસ્કૃતિની ભેટ ધરી. એ બધો ગર્વ મિથ્યા તો નહોતો. પશુબળના પગ તળે ચગદાતાં પડ્યાં પડ્યાં પણ આપણે આત્માનાં અબોલ શૌર્ય અનુભવતાં.

એ ગર્વ ઉપર આજ જાપાને ઉંડો ઘા કર્યો છે. એશિયા આજે કલંકિત બન્યું છે. શું મ્હોં લઈને આપણે યુરાપવાસીઓને ઠપકો દઇએ ?

જાપાનની તારીફ કરવામાં આપણે જરાયે સંયમ નથી દાખવ્યો. કવિવર ટાગોર સરખા પણ પ્રથમ તો જાપાન પર મુગ્ધ બનેલા. ઠેર ઠેર, હરેક વાતમાં, જાપાનને આદર્શ ગણીને આપણે એની પાછળ પાગલ બનેલા.

આજ પડદો ચીરાયો છે. જાપાને પ્રભુની સૃષ્ટિ ઉપર નર્કની જ્વાળાઓ છોડી દીધી છે. એના સરખી સ્વદેશ–ભાવના આપણને હરામ હોવી જોઇએ. જાપાનની રાક્ષસી પ્રગતિ આપણે માટે લાલ બત્તી બનવી ઘટે.

આ પુસ્તકની હકીકતો પૂરી પાડનારાં ત્રણ પુસ્તકો છે. (૧) Non-co-operatiou in other lands, by A. Fenner Brockway (૨) Story of Korea by joseph H. Longford, (૩) Case of Korea by Henry chaug.

છેલ્લા પુસ્તકનો હું સહુથી વધુ આભારી છું. ગ્રંથકાર પોતે એક કોરીયાવાસી છે, છતાં એની વાતો ઉપર અવિશ્વાસ નજ આવી શકે; કારણ, પોતાની વાર્તાના સમર્થન અર્થે, આખું પુસ્તક, નિષ્પક્ષપાતી પરદેશીઓનાં, અને ખુદ જાપાની સરકારનાં લખાણોના ઉતારાથી જ એણે ભર્યું છે. એ બધા પુરાવા સજ્જડ છે. અતિશયોક્તિ અગર કડવાશના દોષ કર્યા વિના જ એ વિદ્વાન લેખક, મધુર ને સરલ ભાષામાં લખી ગયો છે. અંગ્રેજી જાણનારા પ્રત્યેકને આ અંગ્રેજી ગ્રંથ વાંચી જવાની મ્હારી ભલામણ છે. વાંચન વ્યર્થ નહિ જાય.

ચિત્રોને માટે પણ એજ ગ્રંથકારનો અત્રે ઉંડો આભાર માની લઉં છું. કોરીયાનાં કેટલાંએક વીર વીરાંગનાઓનાં દર્શન ગુજરાતને કરાવ્યા વિના તો પુસ્તકની સફળતા શી રીતે પૂરી થાય ?

તા. ૧૮–૧–૨૩
ઝવેરચંદ મેઘાણી
 



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.