← પ્રભાતનું શાંતિસ્થાન એશિયાનું કલંક યાને કોરીયાની કથા
ઘરના ઘા
ઝવેરચંદ મેઘાણી
રણવાસમાં રક્તપાત →



પ્રકરણ ૩ જું.

ઘરના ઘા.

૧૧ મા અને બારમા સૈકાનીએાની અંદર તો કોરીયા ઉપર કંઈ કંઈ વીતકો વીતી ગયાં. એક વખત એ પ્રજાને શીરે પણ ધર્મની સત્તા જામેલી. બૌદ્ધ સાધુઓનું મંડળ પોતાના સ્વાર્થ ખાતર આખા દેશપર રાજ્ય ચલાવતું. સાધુઓએ પોતાના વિહારોને કિલ્લા બનાવી નાખ્યા. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ધર્મગ્રંથ લઈને સાધુઓ આખી શહેનશાહત ચલાવવા લાગ્યા. પ્રજા પરનો જુલ્મ બેહદ હતો.

ત્યાર પછી ૧૨–૧૩ ની અંદર જગત–વિજેતા જંગીસખાને કોરીઆનો કચ્ચર ઘાણ વાળ્યો. જંગીસખાનના વંશજ કુબ્લાખાને તો કોરીયાને ખંડીયું રાજ્ય બનાવી દીધું. જાપાનની સાથે કોરીઆને વેર કરાવનાર આ જાલીમ કુબ્લાખાન. કુબ્લાખાને કોરીયાની બલાત્કારે સહાય મેળવીને જાપાન પર સ્વારી કરેલી. જાપાન એ દિવસોને ભૂલ્યું નથી.

જાપાનના હલ્લાઓ તો ઘણી યે વાર આવી ગયા. પણ જ્યાં સુધી આ ન્હાના દ્વીપકલ્પનો સામાજીક આત્મા શુદ્ધ હતો ત્યાં સુધી એ બહારના હલ્લાઓ અંગ ઉપરથી પાણીનું બિન્દુ પડીને દડી જાય તેમ આવીને ચાલ્યા ગયા. પણ છેલ્લા ૩૦૦ વરસ થયાં એ પ્રજાનો પ્રાણ ડોળાયો હતો.

દેશમાં બેજ વર્ગ હતા. અમીર અને રૈયત. અમીરનાં ખેતરો રૈયત ખેડતી. રૂશ્વત અને વગસગને બળે દેશની તમામ સરકારી જગ્યાઓ અમીરજાદાઓને જ હસ્તગત રહેતી. સરકારી નોકરી ન મળી શકે તો આ અમીરજાદાઓ શાળાઓમાં શિક્ષક બનતા. તે સિવાય દેશના હુન્નર ઉદ્યોગ કે વ્યાપાર વાણિજ્યમાં પડવું એ તો એમના ગૌરવને હાનિ પહોંચાડવા જેવું હતું. આજ આપણે ત્યાં જમીનદારોના પુત્રોની જે હાલત થાય છે તેજ હાલત એ અમીર વર્ગની થઈ. ટોળાબંધ અમીરજાદાઓ આળસુ જીંદગી ગાળતા, અને પોતાના વિલાસોને પહોંચી વળવા માટે ખેડુઓને ચૂસતા. આખું વરસ ખેડ્યા પછી નીપજમાંથી, માંડ ગુજારો થાય તેટલોજ દાણો ખેડુને મળતો. બાકીનો ભાગ અમીરોના વૈભવોને પોષતો. અમીર ખેડુ પાસેથી ફાવે તેટલી વેઠ લઈ શકતો વસ્તીના ગાડાં ઘોડાં કે ગાય ભેંસ વગર પૈસે વાપરતો. મુસાફરીમાં મફત મહેમાનગીરી કઢાવતો.

કાયદો કેવળ રાજદ્રોહ સિવાય બીજા એકેય ગુન્હા બદલ અમીરને સજા ન કરી શકે. એનું મકાન જપ્ત ન થાય, કે ન એને ખુદને બંદીખાને નખાય. જ્યારે જ્યારે એનો કોઈ અપરાધ કરે ત્યારે એને અદાલતમાં જવાની જરૂર નહોતી. પરબારો પોતેજ કાયદો હાથમાં લઈ, મનમાં આવે તે શિક્ષા ઠોકી બેસાડતો. કોઈ કાળે રાજદ્રોહના ગુન્હા બદલ એને દેહાંત દંડની સજા થાય તો તેને જાહેરમાં ફાંસી નહોતી દેવાતી. પોતે પોતાના ઘરમાં બેસી ઝેરનું પ્યાલું ભરી પી જતો. આ અમીર વર્ગે વસ્તીની પાયમાલી કરી નાખેલી.

બીજો જુલ્મ રાજાઓનો. રાજા સદા દેવાંશી મનાતો. પ્રજાજન, રાજા ન જીવતો હોય તે દરમ્યાન એનું નામ ન ઉચ્ચારી શકે. પ્રજાજન એના દેહને અડકી પણ ન શકે. ભૂલથી રાજા કદાચ કોઇને સ્પર્શી જાય, તો એ સ્પર્શવાળી જગ્યા ઉપર સદા લાલ પટી લગાવી રાખવી પડે. રાજાજીનું મ્હોં દેશના કોઈ પણ સીક્કા ઉપર નહોતું છપાતું. કારણ કે એને પ્રજાજનોના અપવિત્ર હાથનો સ્પર્શ થાય એની છબી પણ એના મૃત્યુ પછીજ ચિતરાય. એની હજુરમાં કોઈ શોકના પાષાકમાં અગર ચશ્માં પહેરી આવી શકે નહિ. રાજાને લોઢાનો સ્પર્શ કદી ન કરાવી શકાય. આ વ્હેમને પરિણામે કેટલાયે રાજાઓની બિમારી વખતે દાક્તરી આજારો જ ઉપયોગમાં ન લઈ શકાયાં. અને રાજાઓએ જીવ ખોયો. રાજા મરે એટલે આખી પ્રજા ત્રણ વરસ સુધી શોક પાળે; તેમાં પહેલાં પાંચ માસ સુધી વિવાહ બંધ, જાહેર કે ખાનગી મ્હેફિલો બંધ, પશુઓની કતલ બંધ, અપરાધીઓનો પ્રાણદંડ ન થાય, અને અણરંગેલ શણનાંજ કપડાં સહુથી પહેરાય.

રાજાની મરજી એજ કાયદો. પ્રજાનાં જાનમાલ રાજાના હાથમાં હતાં. રાજા શાણો હોય તો આ રાજસત્તા પ્રજાનું મંગલ કરી શકતી, અને રાજા નબળો હોય ત્યારે પ્રજાનું નિકંદન નીકળતું.

આ રીતે પ્રજા આશાહીન, લાઈલાજ, ને હૃદયહીન બનતી ગઈ, અને ભૂખમરો તો પ્રજાને આંગણે પ્રત્યેક વરસે હાજર જ હતો.

કોરીયાની અંદર રમણીઓની હાલત બહુ બુરી બની ગએલી.

ઘરના ઘા ખાઈ ખાઈને છેક જેર થઈ ગયેલી પ્રજા બહારના હુમલાઓ સામે ક્યાં સુધી છાતી ધરી શકે ? કોરીયા ભાંગ્યું તે જાપાનની તલવારથી નહિ–ઘરનાં પીડનોથી.[]

  1. *જાપાનના પક્ષપાતી “Story of Korea” એ પુસ્તકને આધારે લખાયોલું આ પ્રકરણ છે.