એશિયાનું કલંક યાને કોરીયાની કથા/પ્રભાતનું શાંતિસ્થાન

← અમર રહો માતા કોરીયા ! એશિયાનું કલંક યાને કોરીયાની કથા
પ્રભાતનું શાંતિસ્થાન
ઝવેરચંદ મેઘાણી
ઘરના ઘા →




પ્રકરણ ૨ જું.

પ્રભાતનું શાંતિસ્થાન.

ચીનની કમર પર લટકતી કોઈ તલવાર જેવી આ દેવભૂમિ ચીનની પૂર્વમાં ને દક્ષિણમાં શોભી રહી છે. વાયવ્ય ખુણામાં જાપાની સામુદ્રધુની ઘુઘવે છે, અને દક્ષિણે તથા પશ્ચિમે અપરંપાર ન્હાના ન્હાના ટાપુઓ એને ઘેરીને બેઠા છે. બરફના મુગટ માથે મેલીને જળ દેવતાના સેંકડો કુમારો કેમ જાણે પ્રકાશમાં રમવા નીકળ્યા હોય, અને પૃથ્વીપરની એકાદ રમણીના પગ આગળ ઘેરો વળી કુતૂહલની નજરે નિહાળી રહ્યા હોય એવો રમ્ય દેખાવ કોરીયાના કિનારા પર ખડો થાય છે.

ઉત્તરથી દક્ષિણ સુધી આખા મુલક ઉપર અનેક ન્હાના મોટા ડુંગરા વેરાયેલા છે. રત્ન–કણિકા સમી એની દસહજાર શિખરમાલા ઉપર એક કાળે બૌધ વિહારો બંધાયેલા. આજ ફક્ત કોરીયાનાં મનુષ્યોજ નહિ પણ ચીન અને જાપાનના નિવાસીઓ પણ એ પ્રદેશની ભવ્યતા ઉપર મોહી પડેલા છે. દસ હજાર ગિરિ–શિખરોથી છવાયેલો એ દેશ, તોફાને ચડેલા એકાદ સમુદ્ર જેવો જણાય છે. આખા મુલકમાં ક્યાંક ક્યાંક ગીચ ઝાડીઓ ઝુકી રહી છે, તો બીજી બાજુ ઘણા પ્રદેશપર કેવળ વનસ્પતિ વિહોણા પહાડો ઉભા ઉભા તપે છે, પ્રત્યેક પ્હાડમાં, અને ખીણમાં ઝરણાં દોડા દોડ કરે છે. ત્યાં મોટી નદીઓ બહુ ઓછી છે.

રોમ નગરની ઉત્પત્તિ પહેલાં દોઢ હજાર વરસ ઉપર, અને ઇસુખ્રીસ્તના જન્મથી અઢી હજાર વરસ પૂર્વે કોરીઆના ઇતિહાસનો આરંભ થાય છે. સ્વર્ગના સરજનહારનો એક કુમાર, પોતાના દેવદૂતોને લઇ પૃથ્વી પર ઉતર્યો, અને આ ઉજ્જડ દ્વીપકલ્પના એક પ્હાડ ઉપર ચંદનના ઝાડ નીચે એણે આસન માંડ્યું, એક હજાર વરસ સુધી એણે રાજ્ય ચલાવ્યું. આખરે, પોતાનું અસલ દેવ–સ્વરૂપ ધારણ કરીને એ અમર–લોકમાં સ–શરીરે ચાલ્યો ગયો. એના રાજ્યના સ્મરણ અવશેષો હજુ યે મોજુદ છે. એક ટાપુની અંદર પહાડ ઉપર એણે બંધાવેલી યજ્ઞ—વેદી હજુ હયાત છે. ત્યાર પછી એના પુત્રે રાજ્ય કરેલું.

આ તો પુરાણ કથા. કોરીયાની સંસ્કૃતિનો પિતા તો ઈસ્વીસન પૂર્વે ૧૧રર મે વરસે ચીન દેશમાંથી કોરીઆમાં આવ્યો. ચીનના બાદશાહ ચાઉની જુલ્મ–જહાંગીરીએ આખા દેશને સળગાવી મુકેલો, તે વેળા એ વ્યભિચારી શહેનશાહના દરબારમાં ત્રણ ઋષિઓ પ્રધાનપદે હતા. શહેનશાહને અત્યાચારને માર્ગેથી ઉગારી લેવાનો આ ત્રણ ઋષિઓએ યત્ન કરેલો. બાદશાહે પોતાની એક રખાયતની શીખવણીને વશ થઈને ત્રણમાંથી બે વૃદ્ધોને ઠાર માર્યા. ત્રીજો વૃદ્ધ કી ત્સી તે કાળે કારાગારમાં પડેલો. જૂનો રાજા પદભ્રષ્ટ થયો. નવા રાજાએ એ બંદીવાન સચીવને છુટો કર્યો, અને અસલની પદવી ઉપર બેસવા આજ્ઞા કરી. પરંતુ એને પોતાના જૂનો સ્વામી સાંભર્યો. પોતાના ઉપર કાળો કેર ગુજાર્યા છતાં યે એ જૂના બાદશાહની પ્રત્યે પોતાનો ભક્તિભાવ હજુ અમર હતો, પોતાના એક કાળના માલીકની દુર્દશા એનાથી ન જોવાણી. એણે પ્રધાનપદ સ્વીકારવાની ના પાડી. પાંચ હજાર સૈનિકો લઈને વૃદ્ધ ચાલી નીકળ્યો. કોરીઆમાં આવીને એણે રાજ્ય સ્થાપ્યું. એ દેશનું નામ પાડ્યું “પ્રિય ભૂમિ” અગર “પ્રભાતનું શાંતિ–સ્થાન.”

વૃદ્ધ કી ત્સી આવ્યો તે પહેલાં કોરીઆની કેવી હાલત હતી ? ત્યાં જંગલી જાતો વસતી, જંગલીઓ અંગ ઉપર ઘાસનાં વસ્ત્રો પહેરતાં, ઉનાળામાં ઝાડ તળે રહેતાં, અને શિયાળામાં ભોંયરાની અંદર ભરાતાં. ફળ કુલનો આહાર કરતાં. નવા રાજાએ જંગલી પ્રજાને ચીનનાં કળા કૌશલ્ય શીખવ્યાં, ખેતીની તાલીમ દીધી. ઉપરાંત નવી સભ્યતા શીખવી. રાજા પ્રજા, પિતા પુત્ર, પતિ પત્નિ, વૃદ્ધ યુવાન, સ્વામી અને સેવક, એ વચ્ચેનો પરસ્પર સંબંધ સમજાવ્યો, અને આઠ સાદા કાયદા ઠરાવ્યા. માત્ર આઠ જ કાયદાનો અમલ એવો તો ઉત્તમ નીવડ્યો કે લૂંટ ચોરીને કોઈ જાણતું નહિ, ઘરનાં બારણાં દિવસ રાત ખુલ્લાં રહેતાં, અને સ્ત્રીઓનું શિયળ કદી પણ નહોતું લુંટાણું—૩૧ વરસ રાજ કરીને રાજા અવસાન પામ્યો. એ ઋષિની કબર હજુયે કોરીયામાં મોજુદ છે. વરસે વરસે ત્યાં યાત્રાળુઓ આવે છે. એના કુળની ગાદી એક હજાર વરસ સુધી ટકી. આખરે ચીનની તલવારે એ કુળનો ધ્વંસ કર્યો.

ત્યાર પછી એ દેશ ઉપર ત્રણ જુદાં જુદાં રાજ્યો સ્થપાયાં કે જેના ઇતિહાસ સાથે આપણને અત્રે કશી નિસ્બત નથી.

જાપાન સાથેના સંબંધની શરૂઆત.

જાપાનના ઇતિહાસમાંથી એક એવી કથા નીકળે છે કે, ઈ. સ. ૨૦૦ ની અંદર જાપાનની મહારાણીને સ્વર્ગમાંથી પ્રેરણા થઈ. એ પ્રેરણામાં એને સંભળાયું કે “૫શ્ચિમે સોના રૂપાથી રેલી રહેલી એક ભૂમિ છે, અપરંપાર સમૃધ્ધિથી શોભતી એ ભૂમિ કોઈ સુંદર સુસજ્જ રમણી જેવી દેખાય છે.” મહારાણીને એ ભૂમિમાં જવાની અભિલાષા થઈ. એની આજ્ઞાથી એક સેના તૈયાર કરવામાં આવી. અને ચોમેરથી નૌકાઓ એકઠી થઈ. મંગળ શુકન સામાં મળ્યાં, દેવોએ બે ફિરસ્તાઓ એનું રક્ષણ કરવા મોકલ્યા, વ્હાણને હંકારવા વાયુ દીધો, અને દરીયામાંથી પ્રચંડ માછલીઓ બ્હાર આવીને વ્હાણને પોતાની પીઠ ઉપર ઉપાડી ચાલી.

કિનારા ઉપર એ ત્રણ રાજ્યોમાંનું એક સીલા નામનું રાજ્ય આવેલું. ત્યાં આખા પ્રદેશ પર સમુદ્રનાં પાણી ચડવા લાગ્યાં. લોકો ભય પામ્યાં.

સીલાની પ્રજા કળા કારીગીરીમાં નિપુણ હતી. રાજપ્રકરણી આવડતમાં ઉસ્તાદ હતી. પણ યુધ્ધનાં બખ્તર સજવાની તાકાદ એમાં નહોતી. રાજા લાચાર બનીને મહારાણી પાસે આવ્યો, ઘુંટણપર પડ્યો, ભોંય સાથે માથું અડકાવ્યું, અને કોલ દીધો, કે “જ્યાં સુધી સુર્ય પશ્ચિમે નહિ ઉગે, નદીઓનાં વ્હેન પાછાં નહિ વળે, પથરો આકાશમાં ચડીને તારા નહિ બની જાય, ત્યાં સુધી કોરીયાનો રાજા જાપાનને ચરણે નમ્યા વિના નહિ રહે, ખંડણી ધરતો નહિ અટકે.”

મહારાણીએ રાજાની શરણાગતી મંજુર રાખી. રાજાના ખજાનામાંથી સોનું રૂપું રેશમ ઈo નાં આઠ જહાજ ભરીને રાણી જાપાન ગઈ. જાપાનીઓ કહે છે કે બાકીનાં બન્ને રાજ્યો પણ, સીલાની દશા જોઇને, તેમજ જાપાની હલ્લાનું જોર જોઈને ચુપચાપ ચેતી ગયા, તથા માગ્યા પ્રમાણે ખંડણી ભરતા થઈ ગયા.

કોરીઆને આજે કબ્જે કરી લેવાનો જાપાની દાવો, આ પુરાણા ઇતિહાસ ઉપર મંડાયો છે. પરંતુ ચીન અગર કોરીયાની તવારીખોમાં આવો કોઈ બનાવ ક્યાંયે માલૂમ પડતો નથી.


કોરીઆનો ઇતિહાસ ફક્ત એટલું જ બતાવે છે કે ત્રણે રાજ્યોની અંદર પરસ્પર કલહ ચાલતો હોવાથી તેમાંનું એક સંસ્થાન જાપાનની સાથે મહોબ્બત બાંધવા વારંવાર મિત્રાચારીની ભેટ સોગાદ મોકલ્યા કરતું. જાપાન એ ભેટનો અંગીકાર કરી મિત્રતાને દાવે એ સંસ્થાનને મદદ પણ કરતું.

જાપાનને કોરીઆએ શી શી સંસ્કૃતિ દીધી ?

૪૦૫ ની સાલમાં વાની નામનો એક શિક્ષક કોરીયાએ જાપાનને સમર્પ્યો. વાનીના આગમન પહેલાં જાપાનને લખવા લીપી નહોતી ચોપડા નહોતા. શિક્ષણ શરૂ થયું, ને ચીનાઈ સંસ્કૃતિની આખી પ્રણાલી જાપાનમાં ઉતરી. આજ જે કળા કૌશલ્યને માટે જાપાન જગવિખ્યાત છે તેની કકા બારાક્ષરી તો એ એક કોરીયાવાસી આચાર્યે ઘુંટાવી.

ત્યાર પછી કોરીયાથી સાધુઓ આવ્યા. બુધ્ધ ભગવાનની પ્રતિમા સાથે લાવ્યા. જોતજોતામાં બૌધ ધર્મ જાપાનનો રાજધર્મ બન્યો. સાધુઓ આખા મુલકમાં ઘૂમી વળ્યા. દયાનો સંદેશ ફેલાવ્યો, જાપાનીઓ પોતાના પુરાણા દેવતાઓને ભૂલ્યા. સાધુ સાધ્વીઓનાં ટોળેટોળાં આવી પહોંચ્યાં. અને તેઓની સાથે કડીયા, કોતરકામ કરનારા, કંસારા, અને બીજા કારીગરો પણ ખેંચાઈ આવ્યા. ઠેર ઠેર બૌધ ધર્મની કીર્તિ મંડાણી, અને દેવાલયો બંધાયાં. નૃત્ય, સંગીત, ખગોળ, ભુગોળ અને જ્યોતિષ વિદ્યા પણ કોરીયાએ જાપાનમાં છૂટે

હાથે વેર્યાં. કોરીયાનાં મહાન વિદ્યાલયોને બારણે જાપાની જુવાનો શીખવા જતા, ત્યાંથી ચીનનાં વિદ્યાલયોમાં ભણવા જતા.

આજ આ જાપાને કોરીયાની એ સંસ્કૃતિનો ધ્વંશ કરી નાખ્યો છે.